શું સ્તનપાન કરાવવાથી ખરેખર મહિલાઓનું ફિગર બગડે?

આનંદીબહેન પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

શહેરી મહિલાઓ પોતાનું ફિગર ખરાબ થઈ જવાના ડરે બાળકોને સ્તનપાન કરાવતી નથી. આ શબ્દો મધ્યપ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના છે.

મધ્ય પ્રદેશના ઇન્દૌર પાસે કાશીપુરી ખાતે યોજાયેલા આંગણવાડી સેન્ટરના એક કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

તેઓ બોલ્યાં હતાં કે, "આજે પણ શહેરની મહિલાઓ માને છે કે સ્તનપાનથી તેમનું ફિગર બગડી જશે, આથી તેઓ તેમના બાળકોને સ્તનપાન કરાવતી નથી. તેમણે બાળકોને બોટલથી દૂધ પીવડાવવાનું શરૂ કરી દીધું છે."

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, આ નિવેદનના કારણે ફરી એક વખત વિવાદ સર્જાયો છે અને સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.

પણ આનંદીબહેનની વાતમાં કેટલું તથ્ય છે? શું ખરેખર સ્તનપાન કરાવવાથી ફિગર પર અસર થાય છે? શું સાચે જ મહિલાઓ ફિગર જાળવવા માટે સ્તનપાન કરાવવાનું ટાળે છે?

line

પ્રસૂતિ બાદ મહિલાઓ વજન ઉતારવા આતુર હોય છે

વજન ઉતારવું

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદના ફિટનેશ ઍક્સપર્ટ સપના વ્યાસ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "પ્રસૂતિ બાદ ફિટનેશ ઍક્સપર્ટ પાસે જતી મહિલાઓ પૈકી કેટલીક મહિલાઓ એવું માનતી હોય છે કે, સ્તનપાન કરાવવાથી ફિગર પર અસર થાય છે."

"પ્રસૂતિ બાદ સામાન્ય રીતે મહિલાઓનું વજન વધ્યું હોય છે. પ્રસૂતિ દરમિયાન તેઓ નિયમિત કસરત કરી શકતાં નથી."

"મહિલાઓ એવું ઇચ્છતી હોય છે કે બને એટલું વહેલું વજન ઘટાડીને ફરી પોતાનું ફિગર પહેલાં જેવું કરી શકે."

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ગાયનેકૉલૉજી વિભાગના ડૉક્ટર સોનાલી અગ્રવાલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આ એક ખોટી માન્યતા છે.

તેઓ કહે છે, "આ પ્રકારની અફવાઓ હોય છે, પણ ભારતમાં મહિલાઓ સ્તનપાન કરાવવાનું ટાળતી નથી. ફિગર જાળવવા સ્તનપાન ન કરાવવું એવું મહિલાઓ કરતી નથી."

line

સ્તનપાનથી ફિગર પર શું અસર થાય છે?

સ્તનપાન

ઇમેજ સ્રોત, Getty Images

સપના વ્યાસ કહે છે, "સ્તનપાન કરાવવાથી ફિગર પર અસર થાય છે. પણ, અમે મહિલાઓને સમજાવીએ છીએ કે સ્તનપાન કરાવવું એક સહજ પ્રક્રિયા છે."

તેઓ કહે છે કે ફિગર જાળવવા માટે સ્તનપાન કરાવવાની સાથે કેટલીક ચોક્કસ કસરત પણ કરવી જોઈએ.

ડૉ. સોનાલી અગ્રવાલ કહે છે કે, સ્તનપાન કરાવવાની કોઈ નકારાત્મક અસર થાય એવું મારા ધ્યાનમાં નથી. સ્તનપાન કરાવવું બાળકની સાથે માતા માટે પણ ફાયદાકારક બાબત છે.

line

સ્તનપાનથી બ્રેસ્ટ કૅન્સરનો ખતરો ઘટે છે

મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. સોનાલી અગ્રવાલના કહેવા પ્રમાણે સ્તનપાન કરાવવાથી બ્રેસ્ટ કૅન્સર થવાની શક્યતા ઘટી જાય છે.

તેઓ કહે છે, "આ ઉપરાંત પ્રસૂતિ વખતે વહી ગયેલા લોહીને ફરી રીકવર કરવામાં સ્તનપાન મદદરૂપ થાય છે."

વર્ષ 2009માં યુએસમાં થયેલા એક સંશોધનનું તારણ છે કે એક મહિના માટે પણ સ્તનપાન કરાવ્યું હોય એવી મહિલાઓને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય છે.

આ ઉપરાંત સ્તનપાન કરાવતી મહિલાઓની તુલનામાં સ્તનપાન ન કરાવ્યું હોય એવી મહિલાઓને હ્યદયના રોગો થવાની શક્યતા વધારે હોય છે.

line

'સ્તનપાન અંગેની ખોટી માન્યતાઓ ભયાનક'

બાળક

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં સ્તનપાન અંગે અનેક ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે. જેના કારણે મહિલાઓના મનમાં અનેક પ્રશ્નો અને મૂંઝવણો જન્મે છે.

ફેસબુક ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર સ્તનપાન અંગે જાગૃતિ લાવવા માટે ઘણાં ગ્રૂપ કાર્યરત છે.

ઘણી મહિલાઓ આવા ગ્રૂપ્સમાંથી પોતાના પ્રશ્નોના કે મૂંઝવણોના જવાબ મેળવતી હોય છે.

આંધ્ર પ્રદેશના હેન્ના ગ્રેસ આ પ્રકારનું જ એક ગ્રૂપ 'બ્રેસ્ટ ફીડિંગ એન્ડ પમ્પીંગ સપોર્ટ : ઇન્ડિયા' ચલાવે છે. તેઓ દાયણ તરીકે પણ કામ કરે છે.

તેઓ કહે છે કે મહિલાઓમાં સ્તનપાન અંગે વૈજ્ઞાનિક સમજણનો અભાવ છે એટલે જ મહિલાઓ માન્યતાઓ પર વિશ્વાસ કરે છે. જે બાળક અને માતા માટે ભયાનક છે.

હેન્ના કહે છે, "જ્યારે કોઈ મહિલા પહેલી વખત માતા બનવાની હોય ત્યારે લોકો અલગ-અલગ સલાહ આપે છે. મહિલાને આ અંગે વૈજ્ઞાનિક સમજણ ન હોવાથી તે આ સલાહો માની લે છે."

બાળક

ઇમેજ સ્રોત, Getty Images

હેન્નાના કહેવા મુજબ બાળક રડે તો લોકો કહે છે કે બાળક ભૂખ્યું છે તેને દૂધ પીવડાવો પણ બાળકના રડવા પાછળ અન્ય કારણો પણ હોય છે."

ફેસબુક ગ્રૂપમાં મહિલાઓ તેમને અનેક પ્રકારના પ્રશ્નો પૂછતી હોય છે. 'સ્તનપાન કરાવવાથી ફિગર પર શું અસર થાય છે?' આ પ્રશ્ન ઘણી મહિલાઓ પૂછે છે.

તેઓ કહે છે, "સ્તનપાન કરાવવાથી ફિગર બગડતું નથી. સ્તનપાન કરાવવાથી તેમના શરીર પર નકારાત્મક અસર થતી નથી."

"મહિલાને પરિવારજનો સલાહ આપતા હોય છે કે, બાળકને સ્તનપાન કરાવવું છે તો વધારે ખાવું પડશે."

"તેમને વધારે ખવડાવવામાં આવે છે અને એટલે જ કેટલાક કિસ્સામાં મહિલાનું વજન વધી જાય છે. સ્તનપાનથી ફિગર જળવાતું નથી એ માન્યતા જ ખોટી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો