એ દેશ જ્યાં વ્હૉટ્સઍપ ગ્રૂપ દ્વારા મહિલાઓ કરે છે ગર્ભપાત

બ્રાઝિલ ગર્ભપાત
    • લેેખક, નાથલિયા પાસારિનો
    • પદ, બીબીસી ન્યૂઝ

એબિગેલ 23 વર્ષનાં છે અને તેઓ ચાર વર્ષના એક બાળકના માતા પણ છે. ઓળખ છૂપાવવા માટે તેમનું નામ અહીં બદવામાં આવ્યું છે.

તેઓ એક ગુપ્ત વ્હૉટ્સઍપ ગ્રૂપ ચલાવે છે, જે બ્રાઝિલની અનેક મહિલાઓને અનિચ્છનીય ગર્ભથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

બ્રાઝિલમાં ગર્ભપાત અંગે કડક કાયદા છે. અહીં બળાત્કારનો ભોગ બનતી મહિલાઓ માટે પણ ગર્ભપાત કરાવવો આસાન નથી.

એવામાં આ વ્હૉટ્સઍપ ગ્રૂપની મદદથી મહિલાઓ ગેરકાયદે ગર્ભપાત માટેની ગોળીઓ ખરીદી શકે છે અને ઘરે જ ગર્ભપાત કરી શકે છે.

એબિગેલ અને અન્ય ત્રણ મહિલાઓ ગર્ભપાતની પ્રક્રિયામાં મહિલાઓની મદદ કરે છે. જોકે, એબિગેલ કે તેમની સાથી મહિલાઓ ડૉક્ટર કે નર્સ નથી.

ગર્ભપાત દરમિયાન થતી પીડા સમયે પણ ટેક્સ્ટ કે ઑડિયો દ્વારા મદદ કરવામાં આવે છે.

ગ્રૂપ ચલાવતા એબિગેન અને તેમના મહિલા સાથીઓને ખબર છે કે તેઓ કાયદો તોડે છે અને એ માટે તેમને સજા પણ થઈ શકે છે.

જોકે, તેઓ માને છે કે જો ગર્ભપાત કરાવવા ઇચ્છુક મહિલાઓને યોગ્ય મદદ નહીં મળે તો તેઓ ગેરકાયદે ક્લિનિકમાં જશે, જે તેમના માટે વધારે ખતરનાક છે.

આરોગ્ય વિભાગ મુજબ અસુરક્ષિત ગર્ભપાતના કારણે સર્જાતી જટિલતાઓના કારણે બ્રાઝીલમાં દરરોજ ચાર જેટલી મહિલાઓનાં મૃત્યુ થાય છે.

એક અંદાજ પ્રમાણે બ્રાઝિલમાં દર વર્ષે આશરે પાંચ લાખ ગેરકાયદે ગર્ભપાત થાય છે.

જેમાંથી અડધી મહિલાઓ માટે જીવનું જોખમ સર્જાય છે અને હૉસ્પિટલમાં દાખલ થવાનો વારો આવે છે.

line

કેવી રીતે મહિલાઓ સુધી પહોચે છે ગ્રૂપ?

બ્રાઝિલ ગર્ભપાત

આ ગ્રૂપ સાથે સંકળાયેલી એક મહિલા કહે છે, "હું પોતાની ઓળખ છુપાવીને આ વ્હૉટ્સઍપ ગ્રૂપની મેમ્બર બની ગઈ. મેં તેમને કહ્યું કે હું ગર્ભવતી છું અને ગર્ભપાત કરાવવા માંગુ છું."

"પાંચ મહિના સુધી વ્હૉટ્સઍપ પર થઈ રહેલી વાતચીત મેં જોઈ. ત્યારબાદ મેં ગ્રૂપના ઍડમિનનો સંપર્ક કર્યો."

હાલમાં આ ગ્રૂપમાં 80થી વધારે મહિલાઓ છે, દર મહિને 20 નવી મહિલાઓ આ ગ્રૂપમાં જોડાય છે. મહિલાનો ગર્ભપાત થઈ જાય એટલે તે આ ગ્રૂપ છોડી દે છે.

એમાંથી એકાદ મહિલા બાળક રાખવાનો નિર્ણય કરી લેતી હોય છે અને ગર્ભપાત કરાવતી નથી.

બ્રાઝિલ ગર્ભપાત

ઇમેજ સ્રોત, PA

આ ગ્રૂપમાં જોડાયેલી ઘણી યુવતીઓ સગીર છે. આ ગ્રૂપ એક સુરક્ષિત જગ્યા છે કે જ્યાં મહિલાઓને મદદ મળે છે.

ગ્રૂપ ચલાવતી એક મહિલાનું માનવું છે કે, ત્રણ વર્ષમાં તેમણે ત્રણસો મહિલાઓને ગર્ભપાત કરાવવામાં મદદ કરી છે.

ગ્રૂપ ચલાવનાર એબિગેલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "ક્યારેક-ક્યારેક હું એવું વિચારું છું કે, આ બધું જ બંધ કરી દઉં, પણ પછી લાગે છે કે આ ગ્રૂપના કારણે ઘણી મહિલાઓને એ તક મળી રહી છે જે મને નહોંતી મળી. આ બધું વિચારીને મને લાગે છે કે હું જે કરું છું તે સારું કરું છું."

તેઓ કહે છે, "કોઈ મહિલાને જીવનમાં આગળ વધતા જોઉં છું તો મને સારું લાગે છે."

line

બળાત્કાર બાદ ગર્ભપાત ન કરાવી શકી

બ્રાઝિલ ગર્ભપાત

ઇમેજ સ્રોત, MOD

એબિગેલ કહે છે કે 19 વર્ષની વયે એક પોલીસકર્મીએ તેમના પર બળાત્કાર કર્યો હતો.

શારીરિક અને માનસિક રીતે ડરી ગયેલાં એબિગેલ બે દિવસ સુધી તેમના મિત્રને ત્યાં રહ્યાં હતાં. ત્યારબાદ તેમને પોલીસ ફરિયાદ કરવાની હિંમત દાખવી.

જોકે, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની તપાસ કરનારા એક પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ આ આરોપ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે કહ્યું, "મારા આરોપને રદ કરી દેવાયા હતા. જ્યારે હું મહિલા પોલીસ સ્ટેશન ગઈ ત્યારે ઘાયલ હતી. આમ છતાં અપમાન સહન કરવું પડ્યું."

"જ્યારે મેં પોલીસ પ્રમુખને બળાત્કાર કરનારનું નામ કહ્યું તો તેમણે મને મદદ કરવાની ના પાડી દીધી."

ત્રણ મહિના બાદ એબિગેલને ખબર પડી હતી કે તેઓ ગર્ભવતી છે.

"બળાત્કાર થયા બાદ હું ડિપ્રેશનમાં હતી, ઘણી વખત મેં આત્મહત્યા કરવાનું વિચાર્યું."

"ત્યારે મને વિચાર આવતા કે હું જીવિત તો છું અને પછી પોતાને સમજાવતી કે બધું જ બરાબર થઈ જશે."

"ત્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી થઈ ગઈ છું. મને થયું કે હવે મારી જિંદગીમાં કંઈ જ બચ્યું નથી."

line

કોઈ વિકલ્પ નહોતો

બ્રાઝિલ ગર્ભપાત
ઇમેજ કૅપ્શન, આ ગ્રૂપની સભ્ય હોય એવી મહિલાઓની પોસ્ટ મારફત ગર્ભનિરોધક ગોળીઓ પહોંચાળાય છે.

તેઓ ગર્ભપાત કરાવવા માટે મદદ હૉસ્પિટલમાં ગયાં હતાં.

બ્રાઝિલના કાયદા પ્રમાણે બળાત્કારના કેસમાં જો માતાના જીવને ખતરો હોય અથવા ભ્રૂણ વિકસિત ન થયું હોય તો જ ગર્ભપાત કરાવવાની પરવાનગી આપવામાં આવે છે.

બ્રાઝિલમાં ગર્ભપાત કરાવવા માટે પોલીસમાં ગુનાનો રિપોર્ટ નોંધાવવો જરૂરી નથી, પણ એમ છતાં ઘણી હૉસ્પિટલોમાં ગર્ભપાતની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં પોલીસ ફરિયાદની નકલ માગવામાં આવે છે.

એબિગેલ કહે છે, "તેમણે મારા પાસે પોલીસ ફરિયાદની નકલ માગી, પણ મારા પાસે નહોતી."

તેઓ કહે છે કે એ વખતે તેમને પોતાના અધિકારો વિશે વધારે ખ્યાલ નહોતો.

"એ વખતે હું કમજોર હતી, તેમને પડકારી શકવા જેટલી તાકાત મારામાં નહોતી."

તેમણે પુત્રને જન્મ આપ્યો અને હવે એ ચાર વર્ષનો છે. એબિગેલ કહે છે કે સિંગલ મધર હોવાના કારણે તેમના પુત્રને પણ ભેદભાવનો સામનો કરવો પડે છે.

"મોટાભાગના લોકોએ બળાત્કાર અંગે ખબર નથી એટલે તેમણે લાગે છે કે મને મારા બાળકના પિતા વિશે ખબર જ નથી."

"હું મારા બાળકને બહુ પ્રેમ કરું છું, પણ હું ક્યારેય ગર્ભવતી થવા નહોતી માગતી. હું માં બનવા નહોતી માગતી. આ બધાએ મારું જીવન બદલી નાખ્યું."

"મને એવું લાગ્યું કે મારી સામે આખી જિંદગી હતી, મારી પાસેથી જિંદગી છીનવી લેવાઈ."

line

'અન્યાય'

બ્રાઝિલ ગર્ભપાત

તેઓ કહે છે કે તેમનું વ્હૉટ્સઍપ ગ્રૂપ એ મહિલાઓની મદદ કરે છે જે બ્રાઝિલના કડક કાયદાઓના કારણે હૉસ્પિટલમાં સુરક્ષિત રીતે ગર્ભપાત કરાવી શકતી નથી.

એબિગેલ કહે છે કે તેઓ મહિલાઓને ગેરકાયદે ચાલતા ગર્ભપાત ક્લિનિકમાં જવાથી રોકવા માગે છે.

સાથે તેઓ એવું પણ ઇચ્છે છે કે કોઈ મહિલા એકલી ગર્ભપાતના દુઃખમાંથી પસાર ના થાય.

"મને લાગે છે કે કોઈ પણ મહિલાને અનિચ્છાએ મા બનવા માટે મજબૂર કરવી એ અન્યાય કરવા જેવું છે."

જો એબિગેલ કે તેમના કોઈ સાથી પકડાઈ જાય તો તેમને ગર્ભવતી મહિલાની મરજીથી ગર્ભપાત કરવાના ગુનામાં ચાર વર્ષની કેદની સજા ભોગવવી પડે.

આ સિવાય ગેરકાયદે ગર્ભપાતની ગોળીઓ વેંચવા અને એક અપરાધી ગેંગ બનાવવા માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

તેઓ કહે છે, "શક્ય છે કે કોઈ દિવસ પોલીસ મારા સુધી પહોંચી જાય."

"હું આશા રાખું છું કે એવું ક્યારેય ન થાય. જો કદાચ હું પકડાઈ જાઉં તો હું આ કાયદાકીય કાર્યવાહીઓનો સામનો કરી નહીં શકું "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો