એક એવી બીમારી, જેમાં મહિલાને માતા બનવાનો ડર લાગે

મા બાળક સાથે

ઇમેજ સ્રોત, LAURA

ઇમેજ કૅપ્શન, મહિલાઓ મા બનતા એટલી ડરે છે કે એ ગર્ભપાત પણ કરી લેતી હોય છે
    • લેેખક, એલી લેહી
    • પદ, બીબીસી 5 લાઇવ માટે

26 વર્ષની સામંથા કહે છે, "મને પેટમાં કોઈ બહારની વસ્તુ આવશે એવો સતત ડર લાગે છે."

સામંથા ટોકોફોબિયાની બીમારીથી પીડાય છે. આ એક પ્રકારનો ફોબિયા છે, જેનાથી મહિલાઓને પ્રસૂતિ અને બાળકોને જન્મ આપતા ડર લાગે છે.

નિષ્ણાતોનું માનવું છે કે આશરે 14 % મહિલાઓ આ પ્રકારના ફોબિયાથી પીડાય છે.

આ ફોબિયાવાળી મહિલાઓના મગજમાં સતત ડર રહ્યા કરે છે. ગર્ભવતી મહિલાઓને જોઈને પણ એ ગભરાઈ જાય છે.

એટલે સુધી કે પ્રસૂતિ કે બાળક પેદા કરવાની વાત સાંભળીને એમનો પરસેવો છૂટી જાય છે અને ધ્રૂજવા લાગે છે.

line

શા માટે થાય છે આવી સ્થિતિ?

દવાની ગોળી

ઇમેજ સ્રોત, SAMANTHA

ઇમેજ કૅપ્શન, ટોકોફોબિયામાં મહિલા ગર્ભાવસ્થા ટાળવાના પ્રયત્નો કરે છે

બાળકો માટે કામ કરનારી સંસ્થા ટૉમીના જણાવ્યા મુજબ, ''મોટા ભાગની મહિલાઓ પ્રસૂતિ દરમિયાન નર્વસ હોય છે, જે સામાન્ય છે. પરંતુ ટોકોફોબિયા આ સામાન્ય ગભરામણથી બિલકુલ અલગ છે.''

રેના આવી મહિલાઓને મદદ કરવાનું કામ કરે છે. એમણે કહ્યું, ''ટોકોફોબિયાથી પીડિત મહિલાઓ ગર્ભાવસ્થાને ટાળવા ગમે તે હદે જઈ શકે છે. એ મા બનતા એટલી ડરે છે કે એ ગર્ભપાત પણ કરાવી લેતી હોય છે.''

સામંથા દર અઠવાડિયે સારવાર માટે જાય છે પણ એમને લાગે છે કે પરિવાર અને દોસ્તો તેમને સમજી શકતા નથી.

એ લોકો કહે છે ''આમાં કોઈ મોટી વાત નથી, હું ઓવરરિએક્ટ કરું છું.''

આવું જ કંઈક સામંથા સાથે પણ થયું. તેમના પતિ બાળક ઇચ્છે છે પણ સામંથાને ખૂબ જ ડર લાગે છે.

એમણે કહ્યું, ''મેં મારા ડરને દૂર કરવા અને ગર્ભનિરોધક દવા ન ખાવાની કોશિશ કરી પણ હવે તો હું ડરને લીધે સેક્સ કરતા પણ ડરું છું.''

સામંથાએ કહ્યું, ''મે ઘણી વાર મારા પતિથી છુપાઈને દવા ખાવાનું વિચાર્યું કે જેથી હું પ્રૅગ્નન્ટ ન થઈ જાઉ. હું બાળક માટે તૈયાર નથી."

"કોઈ મારા પેટમાં શ્વાસ લે, હાથ-પગ હલાવે કે મારા પેટમાં જ મોટું થાય, એ માટે મને મારા શરીર પર ભરોસો નથી. મને ખબર નથી કે મારા મગજમાં આવો ડર શા માટે છે.''

મહિલાઓ

ઇમેજ સ્રોત, 1 H MEDIA

ઇમેજ કૅપ્શન, આશરે 14 % મહિલાઓને આ પ્રકારનો ફોબિયાથી પીડાય છે

દાયણ તરીકે કામ કરનાર સોફી કહે છે કે પહેલાંની સરખામણીમાં એમને એવી મહિલાઓ વધારે જોવા મળે છે કે જેમના મનમાં પ્રૅગનન્સીને લઈને ડર હોય છે.

સોફીએ કહ્યું, ''ટોકોફોબિયા ઍંગ્ઝાયટિ ડિસઓર્ડર સાથે જોડાયેલો છે અને વધારે મહિલાઓ આનાથી પીડાવા લાગી છે.''

line

ફોબિયાનો શિકાર

મહિલાઓ

ઇમેજ સ્રોત, BECKY

ઇમેજ કૅપ્શન, શોષણ, માનસિક તકલીફ કે ખરાબ અનુભવના કારણે આ ફોબિયા થઈ શકે છે

33 વર્ષની લૌરાએ પણ આ ડરથી છુટકારો મેળવવા સારવાર શરૂ કરાવી છે. એમણે કહ્યું ''ફિલ્મો અને ટીવીમાં બાળકોના જન્મને મોટા ભાગે સરખી રીતે દેખાડવામાં આવતા નથી."

"મારી એક સહેલીને છ દિવસ સુધી પ્રસૂતિની પીડા થઈ અને એવું લાગ્યું જાણે કે એના બે ટુકડા થઈ ગયા. આ બધુ સાંભળીને મારા મગજમાં ડર બેસી ગયો હતો.''

સોફીએ કહ્યું કે ટોકોફોબિયા બે પ્રકારના હોય છે. એક એવી મહિલાઓને થાય છે જેમણે ક્યારેય ગર્ભ ધારણ કર્યો નથી.

બીજા પ્રકારનો ફોબિયા એવી મહિલાઓમાં જોવા મળે છે જે એક વાર પ્રસૂતિમાંથી પસાર થઈ ચૂકી છે.

સોફીનું માનવું છે કે મહિલાઓ સાથે ભૂતકાળમાં થયેલું શોષણ, માનસિક તકલીફ કે ખરાબ અનુભવના કારણે આ ફોબિયા થઈ શકે છે .

(આ અહેવાલ સૌપ્રથમ 2017માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન