માણસ બારણે ટકોરા મારતા મૃત્યુને કેવી રીતે રોકી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રશેલ ન્યૂવા
- પદ, બીબીસી ફ્યૂચર
'જિંદગી તો બેવફા હૈ, એક દિન ઠુકરાયેગી. મોત મહેબૂબા હૈ અપની, સાથ લેકે જાયેગી.'
તમે મુક્દરના ભલે ગમે તેટલા મોટા સિકંદર હો, પણ તમે અને તમારા ઓળખીતા બધા જ લોકો એક દિવસ મૃત્યુ પામવાના જ છે.
કેટલાક મનોવૈજ્ઞાનિકોના મતાનુસાર, આ હકીકત મોટે ભાગે લોકોનાં અંત:કરણને હચમચાવી મૂકતી હોય છે. આ સત્યને સાથે લઈને જ માણસ આગળ વધતો હોય છે.
આપણું દરરોજનું જીવન જેમ કે પૂજા-પાઠ કરવા, ફળો-શાકભાજી અને બીજી આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવી, કસરત કરવી, પુસ્તકો વાંચવા અને લખવા, નવી કંપની બનાવવી અને કુટુંબને વિસ્તારવું આ બધું મૃત્યુની વાસ્તવિકતાથી દૂર ભાગવાનો જ પ્રયાસ છે.
જે લોકો તંદુરસ્ત હોય છે, એમના અચેતન મનમાં મોતનો ખ્યાલ તો હોય છે, પણ તેમનાં મન પર તે હાવી થયેલો હોતો નથી.
અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના ડૉ. ક્રિસ ફ્યૂડટનરનું કહેવું છે, "આપણે રોજિંદા જીવનમાં એટલા ખોવાયેલા રહેતા હોઈએ છીએ કે મૃત્યુની વાસ્તવિકતાને વિસરી જઈએ છીએ."
"આપણી સામેના પડકારોને પહોંચી વળવામાં જ આપણી બધી ઊર્જા વપરાઈ જાય છે."

મૃત્યુના દિવસની ખબર પડી જાય તો?

ઇમેજ સ્રોત, Getty Images
આ અનિશ્ચિતતાનો અંત આવી જાય તો શું થાય? આપણા મૃત્યુના દિવસ, સમય અને રીતની આપણને ખબર પડી જાય તો શું થાય?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કદાચ આપણને વધુ સારું કામ કરવાની અને આપણા જીવનને નવા આયામ પૂરા પાડવાની પ્રેરણા મળી શકે.
પહેલા તો આપણે મૃત્યુના મનોવિજ્ઞાનને સમજવું પડશે.
મૃત્યુની અનુભૂતિનો લોકોના વર્તન પર કેવો પ્રભાવ પડે છે અને તેની ચિંતા આપણા વ્યક્તિત્વ પર કેવી અસર કરે છે એ વિશે 1980ના દાયકામાં દુનિયાનાં ઘણા દેશોમાં સંશોધન કરવામાં આવ્યું હતું.
ન્યૂયોર્કની સ્કિડમોર કૉલેજનાં મનોવિજ્ઞાનનાં પ્રોફેસર શેલ્ડન સોલોમને કહ્યું હતું, "આપણે બાકીના જીવોની જેમ જ શ્વાસ લેતા, ભોજન લેતા, મળત્યાગ કરતા અને પોતાના વિશે જાણનારા માંસનાં લોચા જ છીએ, જે ગમે ત્યારે ખતમ થઈ શકે છે."
શેલ્ડન સોલોમનનાં જણાવ્યાં મુજબ, માણસનું જીવન ટેરર મેનેજમેન્ટ થિયરીને આધારે ચાલે છે.

ઇમેજ સ્રોત, Getty Images
માણસ તેની આસપાસના વાતાવરણ, વિચાર અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈને મોતના ડરનો સામનો કરે છે. તેનું અસ્તિત્વ વિશ્વ માટે મહત્ત્વનું હોવાની અનુભૂતિ ખુદને કરાવે છે.
માણસ પોતાની જાતને સમજાવે છે કે તેના જીવનનું પણ મહત્વ છે. અન્યથા મૃત્યુની અનુભૂતિ માણસને જીવતે જીવ જ મારી નાખે.
આપણા વિચારો મૃત્યુની સચ્ચાઈ પર કેવો પ્રભાવ પાડે છે એ વિશે લગભગ એક હજાર પ્રયોગો થયા છે.
તેનાં પરિણામ જણાવે છે કે આપણને મૃત્યુની સચ્ચાઈની અનુભૂતિ થાય છે અને આપણે ગભરાઈને એ પ્રાથમિક તથ્યોનો સહારો લઈએ છીએ કે જે આપણને ગળથૂથીમાં આપવામાં આવ્યા છે.
લોકો પોતાની જાતને ખાતરી કરાવવા માંડે છે કે તેઓ વિશ્વ માટે કેટલા મહત્ત્વના છે. જે આપણી વિચારસરણીને પડકારે તેની સામે આપણે આક્રમક બની જતા હોઈએ છીએ.
મોત શબ્દ કમ્પ્યૂટરની સ્ક્રીન પર 42.8 મિલીસેકન્ડ માટે પણ જોવા મળે કે પછી અંતિમ સંસ્કાર વખતે મોત વિશે લાંબી ચર્ચા થાય, એ બન્ને સંજોગોમાં આપણું વર્તન એ કડવા સત્યનો સામનો કરવામાં બદલાઈ જતું જોવા મળે છે.
આપણને મૃત્યુની અનુભૂતિ કરાવવામાં આવે છે ત્યારે આપણે એવા લોકોની નજીક રહેવાનો પ્રયાસ કરતાં હોઈએ છીએ, જેમની ખાણીપીણી અને રહેણીકરણી આપણા જેવી હોય.

ઇમેજ સ્રોત, Getty Images
જેમનાં ધાર્મિક અને રાજકીય વિચારો આપણા જેવા જ હોય અને જે આપણા વિસ્તારમાં રહેતા હોય.
આ ઉપરાંત મોતનો વિચાર પણ મનમાં આવતાં જ આપણે આપણા કરતાં અલગ દેખાતા લોકો પ્રત્યે ઝનૂની બની જઈએ છીએ. આપણા રોમેન્ટિક સાથી પ્રત્યે વધારે વફાદાર બની જતા હોઈએ છીએ.
મોતના ડરથી લોકો કડક અને ચમત્કારિક ઇમેજ ધરાવતા નેતાઓને મત આપતા હોય છે.
મોતનાં અણસારથી ઘણી વાર આપણે આત્મઘાતી પણ બની જતા હોઈએ છીએ.
વધુ દારૂ પીવા માંડીએ છીએ, ધૂમ્રપાન કરવા લાગીએ છીએ, ખાવા-પીવા અને ખરીદીમાં સંયમ રાખવાનું છોડી દઈએ છીએ. એ વખતે આપણને પર્યાવરણની ચિંતા હોતી નથી.
તેનો અર્થ એવો થઈ શકે કે મોતનો સમય ખબર પડી જવાથી સમાજ વધારે કોમવાદી, ડરામણો, હિંસક, ઝનૂની, ખુદને નુકસાનકર્તા અને પર્યાવરણ માટે પણ અત્યંત જોખમી બની જશે?
મનોવૈજ્ઞાનિકો જણાવે છે કે આટલું બધું ડરવાની પણ કોઈ જરૂર નથી.

મોતની અનુભૂતિથી શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
શેલ્ડન સોલોમન જેવાં તમામ સંશોધકો માને છે કે મોતની અનુભૂતિ થવાથી માણસ શાંત અને સમજદાર બની જશે. મૃત્યુના ડરથી તે બહેતર બનવાનો પ્રયાસ કરશે.
વૈજ્ઞાનિકો આ સંદર્ભે દક્ષિણ કોરિયાના બૌધ્ધ ભિક્ષુઓનું ઉદાહરણ આપે છે. મોતની યાદ અપાવવામાં આવતાંની સાથે જ તેમનું વર્તન વધારે શાંત થઈ જાય છે.
લોકોને એમ પૂછવામાં આવે કે તેમનાં મૃત્યુની એમના પરિવાર પર કેવી અસર પડશે ત્યારે પણ એમના વિચાર બદલાઈ જતા હોય છે.
એ સમયે તેઓ વધારે પરોપકારી બની જાય છે. રક્તદાન માટે તરત જ તૈયાર થઈ જાય છે. તેમને એમ લાગે છે કે તેઓ સમાજ માટે કંઈ સારું કામ કરી શકશે તો તેમના જીવનને એક હેતુ મળી જશે.
આ ઉદાહરણો પરથી તારણ કાઢી શકાય કે મોતની તારીખની ખબર પડવાથી માણસ વધુ સમજદાર બની જશે. વધુ જવાબદારી સાથે જીવન જીવવા ઇચ્છતો થશે.
ઑસ્ટ્રિયાની સાલ્ઝબર્ગ યૂનિવર્સિટીનાં મનોવૈજ્ઞાનિક ઈવા યોનાસ કહે છે, "મોત તો જીવનનો જ એક ભાગ છે, એ હકીકતના સ્વીકારની પ્રેરણા આપણે લોકોને આપીએ તો આપણું દૈનિક વર્તન ઘણું બદલાઈ જશે. દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે."
દરેક માણસ એક જ નૌકામાં સવાર છે એ વાતનો અહેસાસ થશે ત્યારે મરવા-મારવા કે નુકસાન પહોંચાડવા વિશેના વિચારો પણ બદલાશે.

મોતને હાથતાળી આપવાની રીત

ઇમેજ સ્રોત, Getty Images
એક સમાજ તરીકે આપણે મોતને કેવી રીતે મૂલવીશું એનો આધાર આપણે અંગત રીતે મોતને કેવી રીતે મૂલવીએ છીએ તેના પર છે અને આ દરેક વ્યક્તિની અંગત વિચારધારા અલગ-અલગ હશે.
બ્રિટનની નૉટિંઘમ યુનિવર્સિટીનાં લૉરા બ્લેકી કહે છે, "લોકો જેટલું ચિંતાયુક્ત માનસ ધરાવતા હશે એટલા જ એમના વિચારો મોત તરફી હશે."
"આવા લોકો જીવનને નવી દિશા આપી શકતા નથી, પણ કોઈને એમ કહી દેવામાં આવે કે 90 વર્ષની ઉંમરમાં ઊંઘમાં જ તેઓ શાંતિથી મૃત્યુ પામશે તો તેઓ કહેશે, ભલે."
જીવન 13 વર્ષે પૂરું થશે કે 113 વર્ષે એ વિશેના માણસના વિચારો અને બીમાર લોકોની માનસિકતાના સંદર્ભમાં આ વાત વિચારીએ.
બીમાર લોકો ખાસ કરીને બે પ્રકારનાં વિચારનો શિકાર હોય છે. પહેલાં તો તેઓ તેમની બીમારીના નિદાન બાબતે શંકા વ્યક્ત કરે છે અને તેમાં કેટલી સચ્ચાઈ છે તેવો સવાલ કરતા હોય છે.
પછી તેઓ બાકીના જીવનનો ઉત્તમ ઉપયોગ કઈ રીતે કરવો એ વિશે વિચારતા હોય છે. અથવા તો તેઓ તેમની સમગ્ર ઊર્જા બીમારી સામે લડવામાં જ અથવા કંઈક નવું કરવામાં ખર્ચે છે.
અથવા તો અત્યાર સુધી વિતાવેલી જિંદગીની સારી-નરસી પળોને યાદ કરીને બાકીનું જીવન તેમની નજીકના લોકો સાથે આનંદમય રીતે જીવવાનું બહેતર ગણે છે.

ઇમેજ સ્રોત, Getty Images
પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના ક્રિસ ફ્યૂડટનર જણાવે છે, લોકો તેમના મોતને નજીક આવતું નિહાળે છે ત્યારે તેમને બે અલગ-અલગ દિશાઓમાં વળી જવાનો અંદેશો હોય છે.
જે મોતને હરાવવા ઇચ્છે છે તે તેના પરાજયમાં સંપૂર્ણ તાકાત લગાવી દેશે. જેમ કે કોઈને કહી દેવામાં આવે કે તેનું મોત ડૂબી જવાથી થશે તો તે માણસ તરવાની જોરદાર તાલીમ લેવા માંડશે.
એવી જ રીતે જો કોઈને કહી દેવામાં આવે કે તેનું મૃત્યુ માર્ગ અકસ્માતમાં થશે તો તે કદાચ ઘરમાંથી બહાર જ નહીં નીકળે.
ક્રિસ ફ્યૂડટનરના જણાવ્યા મુજબ, કેટલાક લોકો મૃત્યુને હાથતાળી આપવાના માર્ગ પર ચાલી નીકળે છે. એવું કરવાથી તેમને તેમની જાત પર અંકુશ હોવાની અનુભૂતિ થતી હોય છે.
મોતની સજા મળેલી હોય તેવા લોકો નિયતિનો સ્વીકાર કરી લે છે. બાકીના સમયનો સદ્ઉપયોગ કરવાનું વિચારે છે તથા સામાજિક અને સાંસ્કૃતિક રીતે વધુ ક્રિએટિવ બની જાય છે.

હકારાત્મક પરિવર્તન

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિસ ફ્યૂડટનર કહે છે, "મૃત્યુના દિવસની ખબર પડતાં જ માણસનું બહેતર પાસું દેખાવા લાગે છે. એ વખતે આપણા કુટુંબ અને સમાજ માટે વધુ યોગદાન આપવાની પ્રેરણા આપણને મળે છે."
લૉરા બ્લેકી જણાવે છે, ભયાનક અનુભવોમાંથી પસાર થનારા લોકોમાં આવું હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે. તેઓ જિંદગીને વધુ સારી રીતે સમજવા માંડે છે.
કેટલાક લોકો એવા હોય છે કે જેઓ મોતને જોઈને હથિયાર હેઠાં મૂકી દે છે. તેમને લાગે છે કે મરી જ જવાનું હોય તો પછી કંઈ પણ કરવાનો શું ફાયદો?
એમનું દારૂ પીવાનું અને ધુમ્રપાનનું પ્રમાણ વધી જાય છે. ઘણા લોકો ડ્રગ્સ પણ લેવા માંડે છે. એ લોકો તબીયતની પરવા કરતા નથી.
જોકે, શેલ્ડન સોલોમન જણાવે છે કે મોતનો સમય જાણ્યા પછી પણ મોટાભાગના લોકો વચ્ચેનો માર્ગ પસંદ કરશે.
ક્યારેક તેઓ બેફામ ખાનપાન કરશે તો ક્યારેક સમાજ તથા પરિવાર પ્રત્યેનું તેમનું વર્તન વધારે જવાબદારીભર્યું બની જશે.
ક્રિસ ફ્યૂડટનર જણાવે છે, માણસ સામાન્ય રીતે પરિવર્તનથી ગભરાઈ જતો હોય છે ત્યાર અહીં તો જિંદગીનું સમીકરણ બદલાઈ જશે.

ધાર્મિક વિચારોનો પ્રભાવ

ઇમેજ સ્રોત, NAPPY.CO
આપણે ભલે દુનિયાના ગમે તે ભાગમાં રહેતા હોઈએ, પણ મૃત્યુના સમયની ખબર પડી જાય તો આપણી રોજિંદી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જાય.
કેટલાક લોકો મનોચિકિત્સકની સલાહ લેશે તો કેટલાક લોકો ધર્મનો આશરો લેશે. ધાર્મિક કર્મકાંડમાં તેમની શ્રધ્ધા વધી જશે. તેઓનું ચર્ચ, મંદિર અને મસ્જિદ જવાનું પ્રમાણ વધી જશે.
કેટલાક જાણકારો માને છે કે આપણી વર્તમાન ધાર્મિક આસ્થાનો પાયો હચમચી જશે. એક નવા ધર્મનો ઉદય થાય એવું પણ બની શકે.
મોતનો દિવસ નક્કી થયાં પછી તેનો આપણા સંબંધ પર પણ ઊંડો પ્રભાવ પડશે.
જેમની મૃત્યુની તારીખ પોતાના મૃત્યુની તારીખની નજીક હોય એવા જીવનસાથીની પસંદગી લોકો કરતાં થાય એવું પણ બની શકે.
બની શકે કે ડેટિંગ એપ્સ એવા ફિલ્ટર લગાડે કે ,જેનાથી તમને તમારા રોમાંટિક સાથીનાં મોતની તારીખ સાથે પોતાની તારીખ મેળવવામાં સરળતા રહે.

પોતાના લોકોથી અલગ થવાનું દુઃખ

ઇમેજ સ્રોત, NAPPY.CO
મોતની પ્રતીતિથી સૌથી વધુ દુ:ખ પોતાના લોકોથી અલગ થવાનું હોય છે.
એવી પરિસ્થિતિમાં લોકો, તેમનું આયુષ્ય 89 વર્ષનું હોય અને જેની 40 વર્ષની વય હોય તેનાથી તેમણે અલગ થઈ જવાનું હોય તેમની સાથે શા માટે રહેશે?
મોતનો દિવસ જાણ્યા પછી માતા ગર્ભપાતનો પ્રયાસ કરે એવું બની શકે, કારણ કે બાળકના આગમનના થોડાક દિવસોમાં જ તેઓ એનાથી દૂર ચાલ્યાં જવાનાં છે એવું જાણતાં હોય.
કોઈ મોતનો દિવસ જાણ્યા પછી બાળક પેદા જ ન કરે અથવા તો પછી કોઈ ઢગલાબંધ બાળકો પેદા કરે એવું પણ બની શકે.
એ પરિસ્થિતિમાં કદાચ આપણે નવા નિયમ-કાયદા બનાવવા પડશે.
કર્મચારીઓનાં મોતના દિવસને પ્રાયવસીનો ભાગ બનાવવાનો નિયમ ખૂબ જરૂરી બનશે, જેથી એના રોજગાર પર તેની અસર ના થાય અને એ આધારે ભેદભાવ રાખવામાં ન આવે.
એ ઉપરાંત ચૂંટણી લડનારાઓએ ઉમેદવારી નોંધાવતા પહેલા મોતનો સમય જણાવવો ફરજીયાત બનશે. તેઓ નહીં જણાવે તો કદાચ હોબાળો પણ થઈ શકે.
કોઈ રાષ્ટ્રપતિ બન્યા પછી ત્રણ દિવસમાં કોઈ મૃત્યુ પામવાનું હોય તો એમને શા માટે ચૂંટવાના?

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક લોકો તેમના મોતની તારીખનું શરીર પર છૂંદણું છૂંદાવી લે, જેથી કરીને અકસ્માતનાં સંજોગોમાં તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવે અથવા તો તેમ કરીને સમયની બરબાદી કરવામાં ન આવે.
અંતિમ સંસ્કારનાં ધંધા પર પણ તેનો ગંભીર પ્રભાવ પડશે.
લોકો મોતનો દિવસ જાણ્યા પછી શાનદાર પાર્ટી-ઉજવણીનું આયોજન કરે એવું પણ બની શકે.
જેમને ખબર હોય કે તેમના મોતની રીતથી લોકો દુ:ખી થશે તેઓ કદાચ અફસોસ કરે અથવા પોતાની જાતને અલગ રાખે.
મોતનો દિવસ જાણ્યા પછી માનવતામાં ઘણું પરિવર્તન આવશે તેમાં કોઈ શંકા નથી.
લેખિકા કેટલિન ડાઉટી જણાવે છે, માનવ સંસ્કૃતિ મૃત્યૃના વિચારની આજુબાજુ જ વિકસી છે ત્યારે મોતના દિવસ અને સમયની જાણ થઈ જાય તો આપણી સંસ્કૃતિનો પાયો હચમચી જશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















