મહારાજ ભગવતસિંહજી : સૌરાષ્ટ્રના એ રાજા જેમણે છપ્પનિયા દુકાળ વખતે ખેડૂતો પરનો કર નાબૂદ કર્યો
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતના ઇતિહાસમાં અમર થઈ ગયેલા કેટલાક જૂજ રાજવીઓ પૈકી એક ગોંડલના મહારાજા ભગવતસિંહજીની કીર્તિ તેમની શિક્ષણપ્રિય અને વિકાસલક્ષી વિચારસરણીને કારણે માત્ર ગોંડલમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ હતી.
રાજ્યની પ્રજાના સર્વાંગી વિકાસ માટે ઇતિહાસકારો વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની હરોળમાં મૂકે છે.

ઇમેજ સ્રોત, Arjun Parmar
24 ઑક્ટોબર, 1865ના રોજ જન્મેલા ગોંડલના મહારાજ ઠાકોર સંગ્રામસિંહજીનાં રાણી મોંઘીબાની કૂખે ધોરાજી ખાતે ભગવતસિંહજીનો જન્મ થયો હતો.
ડૉ. એસ. વી. જાની લિખિત 'સૌરાષ્ટ્રનો ઇતિહાસ પુસ્તક'માં થયેલી નોંધ પ્રમાણે વર્ષ 1869માં સંગ્રામજીના અવસાન પછી તેમના પુત્ર ભગવતસિંહજી ગાદીવારસ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર ચાર વર્ષ હતી.
તેઓ સગીર હોવાથી ગોંડલ રાજ્યને બ્રિટિશ વહીવટ હેઠળ 15 વર્ષ સુધી મૂકવામાં આવ્યું હતું. 25 ઑગસ્ટ, 1884ના રોજ તેઓ વયસ્ક થતાં તેમણે સંપૂર્ણ સત્તા સાથે ગોંડલનો રાજવહીવટ સંભાળ્યો હતો.
ભગવતસિંહજીને 1875માં નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેમણે આઠ વર્ષ સુધી શિક્ષણ મેળવ્યું હતું.
અભ્યાસમાં તેઓ પ્રથમ વર્ગ મેળવતા હતા. આ સિવાય રમતગમતમાં પણ તેઓ હંમેશાં મોખરે રહેતા.

ઇમેજ સ્રોત, Arjun Parmar
પોતાના સહાધ્યાયીઓ કરતાં તે અભ્યાસમાં ખૂબ જ આગળ રહેતા. જે કારણે કૉલેજના અધ્યાપકો તેમની ખૂબ પ્રશંસા કરતા. પાશ્ચાત્ય પદ્ધતિથી મેળવેલા શિક્ષણને અંતિમ સ્પર્શ આપવાના હેતુથી તથા પાશ્ચાત્ય સંસ્થાઓનો પરિચય મેળવવાના હેતુથી ભગવતસિંહજીએ વર્ષ 1883માં યુરોપનો પ્રવાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 1887માં મહારાણી વિક્ટોરિયાના શાસનકાળના સુવર્ણ મહોત્સવ પ્રસંગે સૌરાષ્ટ્રના બધા રાજાઓના પ્રતિનિધિ તરીકે પસંદ કરીને ભગવતસિંહને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા હતા.
ત્યારે મહારાણી વિક્ટોરિયાના હસ્તે તેમને કે.સી.આઈ.ઈ.નો ખિતાબ આપવામાં આવ્યો હતો. વર્ષ 1885માં મુંબઈ યુનિવર્સિટીએ તેમને ફેલો નીમ્યા હતા.
1887માં ઍડિનબરો યુનિવર્સિટીએ તેમને એલએલ. ડી.ની માનદ ડિગ્રી આપી હતી. સંપૂર્ણ મુંબઈ પ્રાતમાં આવું વિરલ માન મેળવનાર તેઓ પ્રથમ હતા.
વર્ષ 1890માં તેમણે એમ.આર.સી.પી.ઈ. તથા એમ.બી.સી.એમ.ની માનદ મેડિકલ ડિગ્રીઓ મેળવી હતી. વર્ષ 1892માં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ડી.સી.એલ. (ડૉક્ટર ઑફ સિવિલ લૉઝ)ની માનદ ડિગ્રી આપી હતી.
વર્ષ 1895માં તેઓ ઍડિનબરો યુનિવર્સિટીની મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરવા ગયા હતા. ત્યાં તેમણે ‘અ હિસ્ટ્રી ઑફ આર્યન મેડિકલ સાયન્સિઝ’ નામનો મહાનિબંધ લખી એમ. ડી. (ડૉક્ટર ઑફ મેડિસિન)ની ડિગ્રી મેળવી હતી.
આ ડિગ્રી મળ્યાના થોડા મહિના બાદ તેમને ઍડિનબરોની રૉયલ કૉલેજ ઑફ ફિઝિશિયન્સના ફેલો બનાવવામાં આવતાં તેમને એફ.આર.સી.પી.નું માનદ પદ મળ્યું હતું. આમ તેઓ તે સમયે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષની સૌથી વધારે ભણેલી-ગણેલી વ્યક્તિઓ પૈકી એક હતા.

પોતાને રાજા નહીં પ્રજાના ટ્રસ્ટી માનતા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
'સૌરાષ્ટ્રનો ઇતિહાસ' પુસ્તકમાં થયેલ એક નોંધ અનુસાર ભગવતસિંહજીએ વહીવટતંત્રને પ્રજાકલ્યાણના હેતુ સાથે સક્ષમ બનાવ્યું હતું. ‘પ્રજા સુખે સુખી રાજ’ની પ્રાચીન પ્રણાલિકાને તેમણે અમલમાં મૂકી હતી.
તેમણે શાસનના પ્રારંભથી લઈને 60 વર્ષ સુધીના શાસનકાળ દરમિયાન અંગત ખર્ચ (સાલિયાણું) રાજ્યની આવકના માત્ર બે ટકા જ રાખ્યું હતું.
1884માં રાજ્યની સત્તા સ્વીકારી ત્યારે રાજ્યની આવક 14 લાખ હતી. એ વખતે વર્ષાસન તરીકે જેટલી રકમ લેતા એટલી જ વર્ષ 1944માં આવક વધીને 80 લાખ થઈ ગઈ ત્યારે પણ લેતા હતા.
પુસ્તક પ્રમાણે તેઓ વર્ષાસનની રકમમાંથી પણ બચત કરી લોકહિતનાં કે ધર્માદાનાં કાર્યોમાં વાપરતા હતા. તેઓ સાદગીભર્યાં વસ્ત્રો પહેરતાં અને ભોજન પણ સાદું લેતા હતા.

કુશળ વહીવટકર્તા
તેઓ માનતા કે "પ્રજાની જરૂરિયાતોનો વિચાર કરવો એ મારી ફરજ છે, કારણ કે તેમના સુખ અને સંતોષમાં જ મારો ખરો બદલો રહેલો છે."
ટૂંકમાં એમ કહી શકાય કે તેમના વહીવટતંત્રનું સૂત્ર હતું 'પ્રજાનું કલ્યાણ'.
તેમણે ગ્રામસુધારણાને અત્યંત મહત્ત્વ આપ્યું હતું. તેમણે ગામડાંને આબાદ કરીને મનોહર શહેરો વિકસાવવાનો અભિગમ અપનાવ્યો હતો.
આ સિવાય તેમણે રાજ્યના ન્યાયતંત્રનું આધુનિકીકરણ કર્યું હતું. દીવાની અને ફોજદારી અદાલતોની સ્થાપના કરવામાં આવી હતી.
ન્યાય ઝડપથી મળી રહે તે માટે રાજા જાતે ખૂબ જ સજાગ હતા. પરિણામે ન્યાયવ્યવસ્થામાં પ્રજાનો વિશ્વાસ ખૂબ વધ્યો હતો.
ઉપરાંત સમાજના દરેક વર્ગના લોકો કોઈ પણ ભેદભાવ વગર રાજવીને હજૂર બંગલામાં, પુસ્તકાલયમાં કે દરબારગઢમાં ગમે ત્યારે મળી શકતા હતા.
દરરોજ બપોરે તેઓ બારથી એક વાગ્યા સુધી દરબારગઢમાં જાહેરજનતાને મળતા. આ સિવાય તેમણે રાજ્યની પોલીસવ્યવસ્થાને પણ મજબૂત અને કાર્યશીલ બનાવવાનું કામ કર્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પ્રજાકલ્યાણના એકમાત્ર હેતુથી શાસકે પોતાના રાજ્યકાળમાં 50 કર નાબૂદ કર્યા હતા. વર્ષ 1909માં કસ્ટમ ડ્યૂટી પણ નાબૂદ કરી હતી.
ગોંડલમાં નગરપાલિકા સ્થાયી સ્થાનિક સ્વશાસનની સંસ્થાનો પ્રારંભ કર્યો હતો.
ગોંડલ રાજ્યના સ્થાપક ભા કુંભાજી ખેડૂતોને 'સોનાનાં ઝાડ' માનતા. તેમના વંશજ ભગવતસિંહજીએ આ 'સોનાનાં ઝાડ'ને કેળવણીથી સંસ્કારી બનાવી, હળવી અને કાયમ વિઘોટીથી 'મોતીનો ફાલ' લેતા કર્યા હતા.
આ સિવાય ખેતીના વિકાસ માટે સિંચાઈની સગવડો ઊભી કરાઈ હતી. ગોંડલ અને પાનેલીમાં મોટાં તળાવ બાંધી તેમાંથી નહેરો કાઢી સિંચાઈ માટેની સગવડો કરાઈ હતી.
કૂવા ખોદવા માટે ખેડૂતોને સહાય અપાતી હતી. પરિણામે કૂવાની સંખ્યા 1250થી વધીને 7500 થઈ હતી.
છપ્પનિયા દુષ્કાળ વખતે ભગવતસિંહજીએ ખેડૂતોના મહેસૂલનો ચોથો ભાગ માફ કર્યો હતો અને ઘાસ ઉપરનો કર નાબૂદ કર્યો હતો. ગરીબો માટે રાહતકાર્યો શરૂ કરવામાં આવ્યાં હતાં.
ભૂખમરાથી એક પણ માણસનું મરણ ન થાય તેવી તકેદારી રાખવામાં આવી હતી.
ખેતીના વિકાસની સાથે વેપાર-ઉદ્યોગના વિકાસમાં અવરોધરૂપ નાના-મોટા કર રાજ્યે નાબૂદ કર્યા. આયાત-નિકાસ, ઉત્પાદન કે નાકાવેરા એવા કોઈ સ્વરૂપે ગોંડલમાં જકાત ન હતી.
તેથી જ વર્ષ 1932માં કવિ ન્હાનાલાલે ગોંડલ રાજ્યના એક ખેડૂત સંમેલનમાં જણાવેલું કે બીજાં રાજ્યો કયો નવો કર નાખવો તેનો વિચાર કરે છે, જ્યારે ગોંડલ નરેશ કયો કર કાઢી નાખવો તેનો વિચાર કરતા રહે છે.
પરિણામે જિનિંગ પ્રેસ, લોખંડનું કારખાનું, સિમેન્ટની વસ્તુઓ બનાવવાનું કારખાનું વગેરે દ્વારા ગોંડલનો આર્થિક વિકાસ વેગવંતો બન્યો.
આ ઉપરાંત ગોંડલ, ધોરાજી અને ઉપલેટામાં વીજળીનો પ્રારંભ થયો. ગોંડલમાં વીજળીના તાર ભૂગર્ભમાં નાખવામાં આવ્યા હતા તે આ રાજવીની આધુનિકીકરણની સૂઝ દર્શાવે છે.

આધુનિક સુવિધાઓનો વિકાસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગોંડલને ઉપલેટા-ધોરાજી તથા અન્ય મહત્ત્વનાં સ્થળો સાથે જોડતા પાકા રસ્તા તેમણે બંધાવ્યા હતા. ગોંડલના રસ્તા પણ પાકા અને પહોળા બનાવાયા હતા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારે તે સમયે ગોંડલના પાકા રસ્તાઓની પ્રશંસા કરી હતી. સૌરાષ્ટ્રમાં કોઈએ ટ્રામ જોઈ ન હતી ત્યારે 1895-99માં ધોરાજીમાં ટ્રામ શરૂ કરાઈ હતી.
1924માં સૌરાષ્ટ્ર સૌપ્રથમ ગોંડલમાં વીજળી આવી હતી. ભગવતસિંહજી પુલ માટે સો વર્ષ અને રસ્તા માટે વીસ વર્ષનું બાંયધરીપત્રક તેનું બાંધકામ કરનાર કૉન્ટ્રાક્ટરો પાસેથી લખાવી લેતા.
સૌરાષ્ટ્ની પ્રથમ રેલવે ભાવનગર-ગોંડલ વચ્ચે શરૂ થઈ હતી. તેમાં કુલ 86 લાખનો ખર્ચ થયો હતો. તેમાંથી ભાવનગર રાજ્યે 57 લાખ અને ગોંડલ રાજ્યે 29 લાખ ખર્ચ્યા હતા.
આ સિવાય રાજ્યમાં તાર અને ટપાલ સેવાનો પણ વિસ્તાર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દરેક મોટા ગામને ટેલિફોનની સગવડ પણ આપવામાં આવી હતી.

શિક્ષણક્ષેત્રે અમૂલ્ય ફાળો

ઇમેજ સ્રોત, Getty Images
'સૌરાષ્ટ્રનો ઇતિહાસ' પુસ્તકમાં નોંધાયું છે તે મુજબ 'ભગવતસિંહજી સૌરાષ્ટ્રના રાજવીઓમાં સૌથી વધુ શિક્ષણ પામેલ અને સૌથી વધુ ડિગ્રીઓ ધરાવતા રાજવી હતા. રાજ્યની પ્રજાના શિક્ષણના વિકાસ માટે તેમણે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.'
'સૌરાષ્ટ્રમાં શિક્ષણ માટે ખાસ કરીને મફત કન્યાકેળવણીના વિકાસના ક્ષેત્રે ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં ગોંડલને પ્રથમ સ્થાન તેમણે અપાવ્યું હતું.'
તેઓ માનતા હતાં કે, "જેમ શારીરિક કસરત શરીર માટે જરૂરી છે, તેમ શિક્ષણ એ મન માટે શક્તિવર્ધક દવા સમાન છે." તેથી તેમણે પોતાના 60 વર્ષના રાજ્યકાળ દરમિયાન શિક્ષણક્ષેત્રે ઉદાર, ઉમદા અને ઉદાત્ત નીતિ અપનાવી શિક્ષણનો પ્રચાર કર્યો હતો.
તેમણે પ્રાથમિક શિક્ષણના વિકાસ પર ભાર મૂક્યો હતો. પરિણામે તેમના 60 વર્ષના શાસનને અંતે 1943-44માં ગોંડલનાં 175 ગામોમાંથી 172 ગામોમાં તેમણે પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. શિક્ષકો મળી રહે તે માટે તેમણે ગોંડલમાં અધ્યાપન મંદિર શરૂ કર્યું હતું.
ઉપરાંત પ્રાથમિક શિક્ષણ પર ધ્યાન રાખવા શિક્ષક-નિરીક્ષકો પણ નીમ્યા હતા. ગોંડલ, ધોરાજી અને ઉપલેટામાં બાલમંદિરો પણ હતાં. અંગ્રેજી શિક્ષણ આપવા માટેની શાળાઓ પણ વધારવામાં આવી હતી.
ભગવતસિંહજીએ 1895માં ભાયાતોનાં બાળકોને શિક્ષણ આપવા માટે પાંચ લાખ રૂપિયાના ખર્ચે ગોંડલમાં 'ગિરાસિયા કૉલેજ' શરૂ કરી હતી. વળી તેમણે રાજ્યની બહાર પણ શિક્ષણના વિકાસને ઉત્તેજન આપ્યું હતું.
વર્ષ 1895માં પુણેની ફર્ગ્યુસન કૉલેજને 22,500 રૂપિયા, ઑક્સફર્ડ ઇન્સ્ટિટ્યૂટને 50 હજાર રૂપિયાનું દાન કર્યું હતું. ઉપરાંત લંડનની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટને પણ દાન આપ્યું હતું. જેમાંથી તે સંસ્થાએ 'ગોંડલ રૂમ' બાંધ્યો હતો.
ફર્ગ્યુસન કૉલેજને અપાયેલ દાન બદલ કૉલેજમાં ગોંડલના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખવામાં આવતી. જે પ્રથા હજુ સુધી જળવાઈ છે.
હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના પણ શરૂ કરાઈ કરાઈ હતી. વિદ્વાન કેળવણીકારો પાસે અંગ્રેજી-ગુજરાતી વાચનમાળા તૈયાર કરાવી હતી. ઉપરાંતા તેમણે ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ફારસી અને સંસ્કૃત વગેરે વિષયોમાં 161 ગ્રંથો પ્રસિદ્ધ કરાવ્યા હતા.
તેઓ પણ એક સારા લેખક હતા અને સમૃદ્ધ પુસ્તકાલય ધરાવતા હતા. તેમનું સૌથી વિસ્મરણીય પ્રદાન છે – ગુજરાતી ભાષાનો શબ્દકોશ જે 'ભગવદ્ગોમંડળ' તરીકે ઓળખાય છે. તેમાં 2,81,379 શબ્દો છે. આ શબ્દોકોશ એ તેમની ચિરંજીવ કૃતિ છે. આ શબ્દકોશ 25 વર્ષમાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો.

ફરજિયાત શિક્ષણની શરૂઆત

ઇમેજ સ્રોત, Arjun Parmar
'સૌરાષ્ટ્રનો ઇતિહાસ' પુસ્તકમાં થયેલી એક નોંધ અનુસાર ઇંગ્લેન્ડમાં પણ ફરજિયાત શિક્ષણપ્રથા 1870, 1876 અને 1880ના કાયદાઓથી દાખલ કરવામાં આવી હતી. ભારતમાં પણ વડોદરાના સયાજીરાવ ગાયકવાડ, ગોપાલકૃષ્ણ ગોખલે, સર ચીમનલાલ સેતલવાડ, સર ઇબ્રાહીમ રહીમતુલ્લા વગેરેએ ફરજિયાત શિક્ષણ દાખલ કરવાના પ્રયત્ન કર્યા હતા.
ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ દાખલ કરનારા વડોદરાના શાસક સયાજીરાવ ત્રીજા હતા. 1893માં તેમણે સૌરાષ્ટ્રના અમરેલી વિભાગનાં દસ ગામોમાં તેનો પ્રારંભ કર્યો હતો. પરંતુ 1919માં સંપૂર્ણ ગુજરાતમાં ફરજિયાત કન્યાકેળવણી દાખલ કરવામાં ગોંડલ રાજ્ય પ્રથમ હતું.
ભગવતસિંહજી એમ માનતા હતા કે માતા બિનકેળવાયેલી રહે ત્યાં સુધી પ્રજામાં સંસ્કાર કે સંસ્કૃતિ તરફ અભિરુચિ થાય નહીં. તેથી જ તેમણે વર્ષ 1919માં ફરજિયાત કન્યાકેળવણી દાખલ કરી હતી.
સ્વામી સચ્ચિદાનંદ લિખિત 'ગોંડલ-બાપુ મહારાજા ભગવતસિંહજી' પુસ્તકમાં નોંધાયું છે, "તે સમયે બીજાં રાજ્યોમાં છોકરા પણ ભણતા નહીં એટલે છોકરીઓના ભણતરની તો વાત જ ક્યાં રહી? પણ મહારાજાએ પોતાના રાજ્યમાં છોકરાં-છોકરીઓ બંને માટે અનિવાર્ય શિક્ષણ દાખલ કરીને આખા ભારતમાં પહેલો દાખલો બેસાડ્યો."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
"મહારાજા સ્વભાવે દયાળુ હોવા છતાં કાયદાનું પાલન કરાવવામાં કઠોર હતા. જે છોકરો કે છોકરી શાળમાં હાજર ન રહે તેમને તે સમયે બે આના દંડ કરાતો. તેમાં કોઈ બાંધછોડ ન કરાતી. તેથી શાળાઓ છોકરાં-છોકરીઓથી ઊભરાવા લાગી. એવું કહેવાય છે કે ગોંડલની કન્યા જ્યાં પણ જાય તેની છાપ શિક્ષિત છોકરી તરીકેની જ હોય અને તેથી ગોંડલની કન્યાઓનું મહત્ત્વ વધી ગયું."
સૌરાષ્ટ્રની પ્રથમ ગર્લ્સ હાઈસ્કૂલ એવી મોંઘીબા હાઈસ્કૂલ 1903માં ગોંડલ ખાતે સ્થપાઈ હતી. ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફરજિયાત કન્યાકેળવણી દાખલ કરનાર ગોંડલ પ્રથમ રાજ્ય હતું.
આમ ગોંડલ રાજ્યનો શૈક્ષણિક પ્રવૃત્તિઓને પરિણામે 1884થી 1944ના 60 વર્ષના ભગવતસિંહજીના શાસનકાળ દરમિયાન શાળાની સંખ્યા 70થી વધીને 258, વિદ્યાર્થીઓની સંખ્યા 4,147થી વધીને 27,232 અને શિક્ષણ પાછળનો ખર્ચ વધીને 17,581 રૂપિયાથી 2,89,561 થઈ ગયો હતો.
સાક્ષરતાનું પ્રમાણ દરેક પ્રગતિ માટેનો માપદંડ ગણાય છે. તે દૃષ્ટિએ જોઈએ તો વર્ષ 1881માં ગોંડલમાં સાક્ષરતાનું પ્રમાણ 5 ટકા હતું જે વર્ષ 1931માં વધીને 31 ટકા થઈ ગયું હતું.
વર્ષ 1941માં સંપૂર્ણ ભારતમાં શિક્ષિતોનું પ્રમાણ 12 ટકા હતું ત્યારે ગોંડલમાં 28 ટકા હતું. ગોંડલ રાજ્યની આ બધી પ્રગતિ અને વિકાસ એ તેના વિદ્યાપ્રેમી રાજવી ભગવતસિંહજીની ઉદાર શિક્ષણનીતિને આભારી હતાં.

સ્વાસ્થ્ય સુવિધાઓમાં પણ ગોંડલને બનાવ્યું અવ્વલ
પ્લેગ કમિશનના પ્રમુખ સર થોમસ આર. ફ્રેઝરે ગોંડલની હૉસ્પિટલને ભારતની ત્રણ શ્રેષ્ઠ હૉસ્પિટલોમાંની એક ગણાવી હતી. તેમના બીજા નંબરના પુત્ર ભૂપતસિંહજીએ ડૉક્ટરી વિદ્યાનો અભ્યાસ કર્યો હતો.
તેઓને રાજ્યના ચીફ મેડિકલ ઑફિસર નીમવામાં આવ્યા હતા. ગામડાં તથા શહેરોનાં મકાનો હવા અને પ્રકાશવાળાં બંધાય તેના ઉપર ધ્યાન અપાતું. ગોંડલ શહેરમાં સુધરાઈએ કૈલાસબાગ જેવા સુંદર બાગનું નિર્માણ કર્યું હતું.
વર્ષ 1916માં ભગવતસિંહજીએ જીવરામ કાળીદાસ વ્યાસને રાજવૈદ્ય નીમ્યા હતા. રાજવૈદ્યે પછીથી રસશાળા ઔષદાશ્રમ સ્થાપીને ગોંડલને ગૌરવ અપાવ્યું હતું.

રાજ્યમાં નશાબંધી

ઇમેજ સ્રોત, KALPIT S BHACHECH
મહારાજા ભગવતસિંહજીના સમયમાં રાજ્યમાં દારૂબંધીનો કાયદો હતો. ભગવતસિંહજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર યુવરાજ ભોજરાજને દારૂ પીવાનું છોડી દેવા અનેક વખત સલાહ આપ્યા છતાં તેની કાંઈ અસર ન થતાં તેમને ગોંડલની હદ છોડી જવા ફરમાન થતાં તેઓ મોવિયા જઈને રહ્યા હતા.
ધોરાજીમાં ગાયોની કતલ બંધ ન થાય ત્યાં સુધી રાજાએ ધોરાજીનું પાણી પણ ન પીવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. મહંમદઅલી ઝીણા ગોંડલમાં આવે તો કોમવાદી હિંસા ફેલાય તેવો ડર હતો, તેથી તેમને કુનેહપૂર્વક ગોંડલ આવતા રોક્યા હતા.
અફીણના વ્યસનને નાથવા તેમણે વ્યસનીઓ સામે ગોંડલ રાજ્યમાં નોકરી કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત દીકરીને દૂધપીતી કરવી, બાળહત્યા કરવાના કુરિવાજનો નાશ કરાયો હતો. રાજકુટુંબમાંથી ઓઝલ (પડદા) પ્રથા નાબૂદ કરી હતી. 1903-04માં રાજ્યે બાળાશ્રમ અને અનાથાશ્રમ શરૂ કર્યા હતા.

સુવર્ણજયંતી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
ભગવતસિંહજીને વર્ષ 1926માં 'મહારાજા'નું બિરુદ એનાયત કરાયું હતું. 1934માં તેમના શાસનકાળનાં પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે ગોંડલ રાજ્યની પ્રજા દ્વારા તેમનો સુવર્ણજયંતી મહોત્સવ ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે તેમને સુવર્ણથી તોલવામાં આવ્યા હતા. સુવર્ણ તુલાવિધિ તારીખ 13 ડિસેમ્બર, 1934ના રાજ્યના પુરોહિત પોપટલાલ જગન્નાથ શુક્લે કરાવી હતી. આ વિધિમાં રાજવીનું વજન 60 કિગ્રા થયું હતું.
તેમણે આ સોનાની રકમ પ્રજાકલ્યાણમાં વાપરવાનું નક્કી કર્યું હતું. ભૂતકાળમાં સમ્રાટ અકબર અને શિવાજીની તુલાવિધિ સુવર્ણથી કરાઈ હતી. પરંતુ પ્રજાએ પોતાના રાજવીને સોનાથી તોળ્યા હોય અને તે સોનું પ્રજાકલ્યાણમાં ખર્ચવાનું નક્કી કર્યું હોય તેવો તો આ જગતમાં એક અનોખો પ્રસંગ હતો.
આ સુવર્ણવિધિનો કાર્યક્રમ લંડનના બીબીસી રેડિયો ઉપરથી પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. લંડનમાં 'ડેઇલી ટેલિગ્રાફે’'પણ તે અંગે મોટા મથાળા સાથે લખેલું અને તેમને 'આધુનિક ગોંડલના ઘડવૈયા' ગણાવ્યા હતા.
લંડનના 'ટાઇમ્સ', મુંબઈના 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા', મદ્રાસના 'ઇન્ડિયન સ્ટેટ્સ ગૅઝેટ', મુંબઈના 'ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા' વગેરેએ આ પ્રસંગને વિશેષ પૂર્તિરૂપે બહાર પાડીને કે મુખ્ય સમાચાર તરીકે ચમકાવ્યા હતા.
મહારાજા ભગવતસિંહજી જીવ્યા ત્યાં સુધી હરહંમેશ પોતાની પ્રજાના હિતનો વિચાર મનમાં લઈને જીવ્યા. આવા પ્રજાવત્સલ, વિદ્યાપ્રેમી અને દયાળુ રાજવીનું 9 માર્ચ , 1944ના રોજ દેહાવસાન થયું હતું. તેમના બાદ ગોંડલની ગાદીએ તેમના પુત્ર ભોજરાજજી આવ્યા હતા.
'મોહનદાસ બન્યા મહાત્મા'
રાજેન્દ્ર દવેલિખિત પુસ્તક 'ભગવત્- ગુણભંડાર'માં થયેલા ઉલ્લેખ અનુસાર, ગાંધીજીએ વર્ષ 1915માં ભારત પરત ફર્યા બાદ ગોંડલની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત એટલા માટે મહત્ત્વની ગણી શકાય, કારણ કે તેઓ વિશ્વભરમાં 'મહાત્મા ગાંધી' તરીકે જાણીતા બન્યા હતા તે 'મહાત્મા'ની પદવી ગાંધીજીને વર્ષ 1915માં ગોંડલના રસશાળા ઔષધાશ્રમ તરફથી અર્પણ કરાયેલા માન-પત્રમાં આપવામાં આવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6













