સંતુ તુકારામ : ધર્મ અને જાતિવાદનો વિરોધ કરનારા સંત તુકારામ કોણ હતા?
મંગળવારે મહારાષ્ટ્રની યાત્રા પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુણેના દેહૂ ખાતે સંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કર્યું.
સંતુ તુકારામ 'તુકોબા' તરીકે પણ ઓળખાતા.

સંત તુકારામ વારકરી સંપ્રદાયના સંતકિવ હતા, જેમણે પોતાના 'અભંગ' (જેને ભક્તિગીત તરીકે પણ ઓળખવામાં આવે છે) તથા કિર્તન દ્વારા સમાજના મોટા વર્ગને જાગૃત કરવાનું કામ કર્યું હતું. એવું કહેવાય છે કે સંત તુકારામે જ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પાયો નાખ્યો હતો.
વડા પ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સંત તુકારામના જન્મસ્થળ દેહૂ ખાતે તેમના દેહાવસાન પછી એક શિલા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેને ઔપચારિક રીતે વિકસિત કરવામાં આવ્યું ન હતું.
વડા પ્રધાન જે મંદિરનું ઉદ્ઘાટન કરશે, તેમાં 36 શિખર છે તથા સંત તુકારામની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે.

સંક્ષિપ્તમાં : સંત તુકારામ કોણ હતા અને તેમની શું વિચારધારા હતી?

- સંત તુકારામનો જન્મ મહારાષ્ટ્રના દેહૂમાં થયો હતો.
- તેઓ વૈષ્ણવ ધર્મનું અનુસરણ કરતા હતા.
- પોતાના ભક્તિપદોના માધ્યમથી સમાજમાં પ્રવર્તમાન અનિષ્ઠ તથા સામાજિકવ્યવસ્થા પર પણ પ્રહાર કરતા હતા.
- તેમણે વિરોધનો સામનો પણ કરવો પડતો.
- તુકારામની ચાર હજાર કરતાં વધુ રચનાઓ ઉપલબ્ધ છે.
- તેઓ કહેતા કે પાખંડનો સામનો કરવા માટે ધર્મનું પાલન કરવું જોઈએ.
- તુકારામે તેમના ભક્તિપદો તથા કિર્તનોમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ધર્મએ મનુષ્ય તથા ઇશ્વરની સાથે-સાથે મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના સંબંધ વિશે પણ છે.
- તુકારામનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું હતું એ વિશે મતમતાંતર છે.

વિષ્ણુના પરમ ભક્ત

સંત તુકારામને વિઠ્ઠલ એટલે કે ભગવાન વિષ્ણુમાં અપાર શ્રદ્ધા હતી અને તેઓ વૈષ્ણવ ધર્મનું અનુસરણ કરતા હતા. સન્ 1630 આસપાસ દેશમાં ભારે દુષ્કાળ પડ્યો, જેમાં તુકારામનાં પહેલાં પત્ની તથા પુત્રનાં અવસાન થઈ ગયાં. જેની અસર તેમના અભંગ ભક્તિપદો પર પણ જોવા મળી. તુકારામે બીજું લગ્ન કર્યું, પરંતુ દામ્પત્યજીવનમાં કડવાશ રહેવા પામી.
એ પછીનું મોટાભાગનું જીવન તેમણે ભક્તિપદોની રચના તથા કિર્તનગાયનમાં પસાર કર્યું. તેઓ પોતાના ભક્તિપદોના માધ્યમથી સમાજમાં પ્રવર્તમાન અનિષ્ઠ તથા સામાજિકવ્યવસ્થા પર પણ પ્રહાર કરતા હતા, જેના કારણે તેમણે વિરોધનો સામનો પણ કરવો પડતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તુકારામની ચાર હજાર કરતાં વધુ રચનાઓ આજે પણ ઉપલબ્ધ છે. વર્ષ 1994માં દિલીપ ચિત્રેએ તેમના ભક્તિપદોનો અનુવાદ કર્યો હતો, જેના માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એનાયત થયો હતો.
સંત તુકારામના વંશજ ડૉ. સદાનંદ મોરોએ જુલાઈ-2018માં બીબીસી મરાઠી માટે એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે સંત તુકારામના અભંગો દ્વારા જે વાતોનું શિક્ષણ મળે છે, તેના વિશે વિસ્તારપૂર્વક લખ્યું હતું.
મોરેના કહેવા પ્રમાણે, સંત તુકારામે સંત જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ તથા કબીર જેવા સંતોના શિક્ષણને આત્મસાત્ કર્યું હતું, એટલે જ તેઓ કહેતા કે પાખંડનું ખંડન કરવા માટે ધર્મનું પાલન કરવું જોઈએ.
મોરેએ લખ્યું કે તેમનો ઉપદેશ સમાનતા અને માનવતા પ્રત્યે પ્રેમ પર આધારિત હતા. સંત તુકારામની ગણના વિદ્રોહી કવિ તરીકે પણ થાય છે, કારણ કે તેમણે સમાજમાં સ્થાપિત વ્યવસ્થાને પડકાર આપ્યો હતો. સદાનંદ મોરેના કહેવા પ્રમાણે, તુકારામનો વિરોધ સકારાત્મક હતો, કારણ કે તેમનો ઇરાદો કોઈપણ ચીજને નષ્ટ કરવાનો નહોતો.
સદાનંદ મોરોએ લખ્યું, "ઈસુએ કહ્યું હતું કે હું તમને સમૃદ્ધ કરવા માટે આવ્યો છું, વિનાશ કરવા માટે નહીં. મને લાગે છે કે સંત તુકોબા પર પણ આ સિદ્ધાંત જ લાગુ થાય છે. તેઓ સ્થાપિત વ્યવસ્થામાં સમાનતા તથા પ્રેમનો વિરોધ કરનારાઓનો સ્પષ્ટ ટીકા કરતા હતા."

સમાનતા, માનવતા તથા પ્રેમના પાઠ

ઇમેજ સ્રોત, TUKARAM.COM
મોરેના કહેવા પ્રમાણે, 'મહારાષ્ટ્રમાં ધર્મ અને જાતિના નામે ચાલતા ભ્રષ્ટાચારનો તુકોબાએ વિરોધ કર્યો હતો, જે 19મી સદી દરમિયાન મહારાષ્ટ્રમાં આવેલી જાગૃતિનો આધાર બની. તેમણે કહ્યું હતું કે જે કોઈ સમાનતા તથા માનવતાના ધર્મને આગળ ધપાવે છે, તેમને ભગવાન માનવા જોઈએ.'
મોરેએ એમ પણ કહ્યું હતું કે 'તુકારામે તેમના ભક્તિપદો તથા કિર્તનોમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ધર્મએ મનુષ્ય તથા ઇશ્વરની સાથે-સાથે મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના સંબંધ વિશે પણ છે.'
સંત તુકારામની વધુ એક ખાસિયત એ હતી કે તેઓ આધ્યાત્મિકતાની સાથે-સાથે સાંસારિક વિચારની વાત પણ કરતા હતા, જેનું વ્યવહારિક દુનિયામાં રહીને અનુસરણ થઈ શકે. તેમણે દુનિયાદારી પ્રત્યે આસક્તિ છોડવાની વાત તો કહી, પરંતુ ક્યારેય એમ નહોતું કહ્યું કે દુનિયાદારીમાં સામેલ ન થાવ.
આજના સમયમાં જ્યારે દુનિયાને એક જ ચશ્માથી જોવા ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે, ત્યારે તુકારામે પોતાના શિક્ષણ દ્વારા જણાવ્યું કે કેવી રીતે પોતાની આગવી ઓળખ ભૂંસ્યા વગર દુનિયા સાથે રહી શકાય.
સંત તુકારામ હંમેશા કહેતા કે દુનિયામાં બનાવટી દેખાવની ચીજો ટકતી નથી અને ખોટું લાંબા સમય સુધી સાચવી ન શકાય.
સદાનંદ મોરેના અભિપ્રાય પ્રમાણે, નિમ્ન પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા હોવા છતાં તેઓ પોતાના સમકાલીનો કરતાં ખૂબ જ પ્રગતિશીલ હતા. તેમણે અર્થ સમજ્યા વગર વેદોનું પઠન કરનારા બ્રાહ્મણોને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે ભલે તેઓ બ્રાહ્મણ નથી છતાં વેદોને ખૂબ જ સારી રીતે સમજે છે.
તુકારામનું અવસાન ક્યારે થયું, તેના વિશે મતમતાંતર પ્રવર્તમાન છે. કેટલાક લોકોના મતે તેમનું અવસાન 1639માં થયું હતું, જ્યારે અન્ય કેટલાકના કહેવા પ્રમાણે, વર્ષ 1650માં તેમનું મૃત્યુ થયું હતું. તેમનું અવસાન કેવી રીતે થયું, તેના વિશે પણ મતમતાંતર પ્રવર્તમાન છે.
કેટલાકના કહેવા પ્રમાણે, સંત તુકારામે સમાધિ લીધી હતી, જ્યારે અન્યોના કહેવા પ્રમાણે, તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
મહારાષ્ટ્રના સમાજ ઉપર તેમણે વ્યાપક પ્રભાવ ઊભો કર્યો હતો, એટલે જ મરાઠી, તેલુગુ, હિંદી તથા અન્ય ભાષાઓમાં પણ તેમના જીવન ઉપર ફિલ્મોનું નિર્માણ થયું હતું. 1936માં તેમના જીવન ઉપર બનેલી ફિલ્મ ઑપન થિયેટરમાં પણ 'હાઉસફૂલ' જતી હતી. વર્ષ 2002માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં રૂ. 100નો ચાંદીનો સિક્કો પણ લૉન્ચ કર્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













