બીબીસી રિયાલિટી ચેક : શું મોદીએ ખરેખર વધુ ઍરપૉર્ટ બનાવ્યાં છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, રિયાલિટી ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમ ખાતે ઍરપૉર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે તેમણે દાવો કર્યો હતો કે દેશમાં સૌથી વધુ ઍરપૉર્ટ તેમના શાસનમાં બન્યા છે. ત્યારે સવાલ એ છે કે વડા પ્રધાન મોદીનો દાવો ખરેખર કેટલો સાચો છે?
વડા પ્રધાને ગયા અઠવાડિયે ટ્વીટ કર્યું હતું કે, ભારતમાં હાલમાં 100 ઍરપૉર્ટ છે અને ગત ચાર વર્ષોમાં મોદી સરકારના શાસનમાં આવ્યા બાદ 35 નવા ઍરપૉર્ટ બનીને તૈયાર થયા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું, "આઝાદીના 67 વર્ષ બાદ 2014 સુધી ભારતમાં માત્ર 65 ઍરપૉર્ટ હતા. આનો મતલબ એવો કે દર વર્ષે માત્ર એક ઍરપૉર્ટ બનાવવામાં આવ્યું."
મોદીના જણાવ્યા મુજબના, આંકડાઓ પર નજર કરીએ તો લાગે કે હાલના શાસનમાં ઍરપૉર્ટ બનાવવાનું કામ ખૂબ જ જલ્દીથી થયું છે અને દર વર્ષે સરેરાશ નવ ઍરપૉર્ટ બન્યા છે.
પરંતુ સત્તાવાર આંકડાઓ ખરેખર શું સૂચવે છે?

મોદીનો દાવો ખોટો?

ઇમેજ સ્રોત, REUTERS
ભારતમાં નાગરિક વિમાન ઉડ્ડયનના નિર્માણ માટે ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા જવાબદાર છે. તેની વેબસાઇટ પર મળતી માહિતી અનુસાર, ભારતમાં કુલ 101 ઍરપૉર્ટ કાર્યરત છે.
ભારતમાં ઍર ટ્રાફિક પર નજર રાખવાનું કામ ડિરેક્ટ્રેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ) કરે છે. તેના રિપોર્ટ મુજબ દેશમાં 13 માર્ચ 2018 સુધી ડૉમેસ્ટિક ઍરપૉર્ટ્સની સંખ્યા 101 હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉમેસ્ટિક ઍરપૉર્ટ્સની સંખ્યા બાબતે ડીજીસીએના આંકડા આ પ્રમાણે છે.
- વર્ષ 2015માં ભારતમાં 95 ઍરપૉર્ટ્સ હતા, જેમાંથી 31 કાર્યરત નહોતા એટલે કે 'નોન ઑપરેશનલ' હતા.
- વર્ષ 2018માં દેશમાં કુલ 101 ઍરપૉર્ટ્સ છે, જેમાંથી 27 'નોન ઑપરેશનલ' છે.
મતલબ કે વર્ષ 2015 બાદ ભારતમાં માત્ર છ નવા ઍરપૉર્ટ્સનું નિર્માણ થયું છે. આ આંકડો વડા પ્રધાનના વર્ષ 2014 બાદથી 35 ઍરપૉર્ટ્સ બનાવવાના દાવાથી ઘણો અલગ છે.
આ મહિને દિલ્હી ખાતે એક સંમેલનમાં ઇન્ટરનેશનલ ઍર ટ્રાન્સપોર્ટ ઍસોશિયેશનના પ્રમુખ એલેક્ઝાન્ડર ડી. જ્યુનિયૈકે ઍરપૉર્ટ્સ બનાવવાના ભારતના પ્રયત્નોના વખાણ કર્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, WWW.DGCA.NIC.IN
જ્યુનિયૈકે કહ્યું હતું, "છેલ્લા એક દાયકામાં ભારતમાં ઍરપૉર્ટ્સ બનાવવાના ક્ષેત્રમાં જે કામ થયું છે તે આશ્ચર્યજનક છે."
જ્યુનિયૈકે જે એક દાયકાનો ઉલ્લેખ કર્યો હતો તેમાં વર્ષ 2014 બાદ એ સમય પણ સામેલ છે જેમાં મોદીની સરકાર સત્તામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલની સરકારના કાર્યકાળમાં જે નવા ઍરપૉર્ટ્સ બનીને તૈયાર થયા છે તેનું કામ પહેલાંની સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હશે.
યુકેના લૉફબોરો વિશ્વવિદ્યાલયમાં હવાઈ પરિવહનના મૂળભૂત માળખાનાં જાણકાર લૂસી બડ કહે છે, "ઍરપૉર્ટ બનાવવા માટે ઉપભોક્તાઓની વધતી માંગનું આકલન કરવું, તેના માટે જરૂરી જમીનનું અધિગ્રહણ અને ત્યારબાદ ભંડોળ ભેગું કરવું જરૂરી હોય છે.
"મતલબ કે ઍરપૉર્ટ બનાવવા માટે ઘણાં વર્ષો પહેલાં યોજનાઓ બનાવવી પડે છે."

હવાઈ યાત્રાનાં મુસાફરોમાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
એ વાતમાં કોઈ સંદેહ નથી કે ભારતને પોતાની ઍરપૉર્ટ ક્ષમતા વધારવાની જરૂર છે. હવાઈ ક્ષેત્રે મૂળભૂત માળખાના વિસ્તાર માટે હાલની ભાજપ સરકારની મહાત્ત્વકાંક્ષી યોજના પણ છે.
ગત વર્ષે સરકારે નાના શહેરોને હવાઈ માર્ગે મોટા શહેરો સુધી જોડતી પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના 'ઉડાન યોજના' (ઉડે દેશ કા આમ નાગરિક) શરૂ કરી હતી.
આ વર્ષની શરૂઆતમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિન્હાએ કહ્યું હતું કે, ભારતમાં વર્ષ 2035 સુધી 150થી 200 ઍરપૉર્ટની જરૂરિયાત હશે.
છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી ભારતે પોતાની વિમાન સેવામાં વિદેશી રોકાણ માટે માર્ગ મોકળો કર્યો છે.
હવાઈ યાત્રીઓની સંખ્યા સતત વધી રહી છે અને દેશમાં હવાઈ સેવા આપતી કંપનીઓમાં હરિફાઈ પણ વધી છે. આ કારણે હવાઈ યાત્રાના ભાવો ઘટ્યા છે.
વધુ સમય અને આરામદાયક ના હોવા છતાં ઘણાં ભારતીયો લાંબી મુસાફરી માટે રેલવેનો ઉપયોગ કરે છે. તેનું કારણ એ છે કે તે સસ્તી છે.
આ અંગે લુસી બડ કહે છે, "ભારતમાં મધ્યમ વર્ગના એવા ઉપભોક્તાની સંખ્યા વધી રહી છે, જેમની પાસે ખર્ચ કરવા માટે વધુ નાણાં છે અને તેઓ સમયને વધુ મહત્ત્વ આપે છે.
"તેમની વધતી માગને કારણે ડૉમેસ્ટિક હવાઈ માર્ગોના વિકાસને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે."
દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે બે કલાકનો હવાઈ માર્ગ દુનિયાનો સૌથી વ્યસ્ત રૂટ બની ગયો છે.

હાલની ક્ષમતા વધારવી પડશે

ઇમેજ સ્રોત, RAJIV SRIVASTAVA
આઈએટીએ (ઇન્ટરનેશનલ ઍર ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશન)ના રિપોર્ટ મુજબ, આગામી 20 વર્ષોમાં ભારતમાં દર વર્ષે હવાઈ માર્ગે યાત્રા કરનાર મુસાફરોની સંખ્યા 50 કરોડથી વધુ થઈ જશે.
પરંતુ હાલમાં આવેલા એક રિપોર્ટ મુજબ, ભારતમાં દર 10 લાખ વ્યક્તિદીઠ ઍરપૉર્ટની સંખ્યા સંખ્યા મામલે ભારતનું રૅન્કિંગ ઓછું છે.
આઈએટીએ મુજબ આ ક્ષેત્રે સંપૂર્ણ વિસ્તાર કરવા માટે 'સાચા સમયે, સાચા સ્થળે, સાચા પ્રકારે મૂળભૂત માળખાની જરૂરિયાત પડશે.'
વાસ્તવમાં અમુક જાણકારોનું માનવું છે કે, યાત્રીઓની સંખ્યામાં થતા વધારાના કારણે ભવિષ્યમાં મોટા શહેરોને ઍરપૉર્ટ્સની જરૂરિયાત પડશે.
આ ક્ષેત્રે સલાહ આપતા સમુહ સીએપીએના દક્ષિણ એશિયાના નિર્દેશક વિનીત સોમૈયા કહે છે, "વર્ષ 2030 સુધી ભારતના મોટા દરેક છ શહેરોને બીજા ઍરપૉર્ટની જરૂર વર્તાશે. ત્યારે મુંબઈને કદાચ ત્રીજા ઍરપૉર્ટની જરૂર પડે."
આ વર્ષની શરૂઆતમાં આવેલા સીએપીએના રિપોર્ટમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે 'વર્ષ 2022 સુધી ભારતના ઍરપૉર્ટ્સ તેમની મૂળભૂત ક્ષમતાથી વધુ ભાર સંભાળી રહ્યા હશે.'
વળી રિપોર્ટ અનુસાર, "વર્ષ 2016 બાદ ઍરપૉર્ટની ક્ષમતા વધારવા માટેના કામકાજને વેગ મળી ગયો છે."
નવા ઍરપૉર્ટ્સ બનાવવાની યોજના સાથે-સાથે હાલના ઍરપૉર્ટ્સનું વિસ્તરણ અને તેના માટે ભંડોળની વ્યવસ્થા કરવા માટે નવા ઉપાયોને પણ વિકસિત કરવામાં આવી રહ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












