સોશિયલ એન્જિનિયરિંગ : 2019 માટે ભાજપનો દાવ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દિલીપ મંડલ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ભાજપ પોતાના મૂળ આધાર એવા સવર્ણોની સાથે અત્યંત પછાત જ્ઞાતિઓનું સમીકરણ બનાવશે અને એસસી-એસટી ઍક્ટના એક વિભાગને સાથે રાખવાનો પ્રયત્ન કરશે. આ ભાજપનું સોશિયલ એન્જિનિયરિંગ - 2.0 છે.

હવે એક વાત લગભગ સ્પષ્ટ થઇ ગઈ છે કે નરેન્દ્ર મોદી આગામી ચૂંટણી પોતાના કાર્યકાળનો જનમત સંગ્રહ બની જાય એમ નહીં જ ઇચ્છે.

જેથી ભાજપ આ વાતની ચર્ચા પણ નથી કરી રહી કે 2014ના તેના ચૂંટણી ઢંઢેરામાં કયા કયા વાયદાઓ કરવામા આવ્યા હતા અને એનું શું થયું?

ભાજપના 2014ના ચૂંટણી ઢંઢેરા અને ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીના વાયદા આ વખતે વિપક્ષના મુદ્દા છે.

મોંઘવારી, રોજગાર અને વિકાસના મુદ્દા ઉપર ભાજપ બહુ બોલકી નથી. ભાજપ તરફથી હવે વાત 2024નાં લક્ષ્યોને મુદ્દે થઈ રહી છે.

line

ઓબીસીને સાધવાનો પ્રયત્ન

મોદી અને રાજકારણીઓ સાથે

ઇમેજ સ્રોત, Getty Images

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ પોતાના કાર્યકાળના અંતિમ વર્ષમાં રાજનીતિ કરશે. તે અંતિમ વર્ષ મે મહિનાથી શરૂ થઈ ગયું છે.

જો તેમની જ વાતને માની લઈએ તો તેઓ પાછલા ચાર મહિનાથી જે પણ કરી રહ્યા છે, તેને રાજનીતિ અને ચૂંટણીની દૃષ્ટિએ જોવું જોઈએ.

આ દરમિયાન ભાજપ અને સરકારે સામાજિક દૃષ્ટિએ ઘણાં પગલાં લીધાં છે.

જો તેનું બારીક અવલોકન કરવામાં આવે તો ભાજપની 2019ની રણનીતિને સમજવામાં મદદ મળી શકે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ દરમિયાન અથવા આના થોડા સમય અગાઉ ભાજપે જે મોટી જાહેરાતો કરી છે તેમાંથી ત્રણમાં ઓબીસીને લક્ષ્યમાં રખાઈ છે.

પ્રથમ, ઓબીસી કમીશનને બંધારણીય દરજ્જો આપવો. બીજી, ઓબીસીને બે અથવા બેથી વધુ ભાગોમાં વહેંચવા માટે રચિત રોહિણી કમીશનનો કાર્યકાળ નવેમ્બર સુધી વધારવો અને ત્રીજી, 2021ની વસતી ગણતરીમાં ઓબીસીની ગણતરીને સામેલ કરવી.

line

એસસી-એસટી ઍક્ટને સરકારે નબળો બનાવ્યો

બાબા સાહેબ આંબેડકરને શ્રંદ્ધાંજલી આપતા મોદી

ઇમેજ સ્રોત, Getty Images

એસસી-એસટીને લક્ષ્યમાં રાખીને બે પગલાં લેવાયા છે.

એક, એસસી-એસટી ઍક્ટની પોતાના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપના કરવી અને સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આ ઍક્ટને બદલનારા ચુકાદાની અસર નાબૂદ કરવી.

બીજું, પ્રમોશનમાં અનામત ઉપર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલાં કેસમાં એસસી-એસટીને પ્રમોશનમાં અનામત માટે વકીલાત કરવી.

અગત્યની વાત એ છે કે એસસી-એસટી ઍક્ટને મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા સિવાયના અન્ય ચારેય નિર્ણયો શાસનના પ્રથમ વર્ષમાં લઈ શકાય એમ હતા.

જોકે, સરકારે એ પસંદ કર્યું કે આ નિર્ણયો ક્યારે લેવાશે અને સરકારનો અભિપ્રાય એ હતો કે આ નિર્ણયો શાસનના ચોથા વર્ષમાં જ કરવા.

એસસી-એસટી ઍક્ટનો મુદ્દો પણ સરકારે જ આટલે સુધી પહોંચાડ્યો છે, નહીંતર, 1989થી ચાલી રહેલા આ કાયદાને મુદ્દે કોઈ ઉહાપોહ ક્યારેય ન હતો.

આ ઍક્ટ સંબંધિત એક કેસમાં જયારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પક્ષ રજૂ કરવા જણાવ્યું ત્યારે સરકાર તરફથી કોર્ટમાં હાજર થયેલા વકીલ, એડીશનલ સોલિસીટર જનરલ મનિંદર સિંહે ઍક્ટને નબળો બનાવવાની જમીન તૈયાર કરી આપી.

તેમણે માની લીધું કે ઍક્ટનો દુરૂપયોગ થઈ રહ્યો છે, જેમની વિરુદ્ધ થઈ રહ્યો છે, તેમની મદદ કરવા માટે સરકાર કંઈ કરી શકે એમ નથી.

આગોતરા જામીન આપી શકાય તેમ છે. સુપ્રીમ કોર્ટે આ જ આધારે પોતાના ચુકાદાની સુનાવણી કરી.

સરકારનું ગણિત ઊંધું વળી જવાનું કારણ એ હતું કે 2જી એપ્રિલે આ ચુકાદા વિરુદ્ધ સજ્જડ ભારત બંધ થઈ ગયું અને સરકાર પાસે આ ચુકાદાને નાબૂદ કરવા સિવાયનો કોઈ ઉપાય રહ્યો નહીં.

line

આ સરકારમાં બઢતીમાં અનામતની સંભાવના ઓછી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રમોશન/બઢતીમાં અનામતને મુદ્દે સરકાર વાતો કરતી રહેશે પરંતુ ભાજપે વાતની ખાતરી કરશે કે તેનાં પાંચ વર્ષના કાર્યકાળમાં કોઈપણ એસસી અથવા એસટી કર્મચારી અધિકારીને અનામતને આધારે બઢતી મળે નહીં.

આમ પણ જો ચૂંટણી સમયસર થાય તો આવતા વર્ષે માર્ચ મહિનાની આસપાસ ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ જશે.

અત્યારથી આગામી છ મહિનામાં અનામત ઉપર સુપ્રીમ કોર્ટનો એસસી-એસટી તરફી ચુકાદો આવી જાય અને સરકાર તેનો અમલ પણ કરે એવી સંભાવના ઓછી જ છે.

જોકે, ભાજપને વિશ્વાસ પણ નથી કે આવું કરવાથી એસસી-એસટીની નારાજગી મટી જશે કે નહીં.

જ્યારથી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે, વાસ્તવિક સ્તરે દલિતો અને આદિવાસીઓની નારાજગી જુદી-જુદી રીતે વ્યક્ત થઈ રહી છે.

રોહિત વેમુલાથી માંડીને ઉના અને ડેલ્ટા મેઘવાલથી માંડીને સહારનપુર સુધી આ નારાજગી રસ્તાઓ ઉપર નજરે પડી છે.

આદિવાસી પત્થલગડી ઉપર પોલીસની દાદાગીરીને મુદ્દે નારાજ છે.

ભાજપ ક્યારેય નહીં ઇચ્છે કે દલિત-આદિવાસી તેનાથી એટલા નારાજ થઈ જાય કે તેઓ ચૂંટણીમાં એવા ઉમેદવારની ભાળ મેળવવામાં લાગી જાય કે જે ભાજપને હરાવે.

line

એસસી-એસટીની અવગણના કરવી કેટલી મુશ્કેલ

બાબા સાહેબ આંબેડકરની છબી લઈ જઈ રહેલાં મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

જ્યાં સુધી ફક્ત મુસલમાન બિન-ભાજપવાદ ઉપર અમલ કરે ત્યાં સુધી ભાજપને કોઈ સમસ્યા નથી. અલબત્ત આટલે સુધી તો ગણિત ભાજપના પક્ષમાં જ છે.

જોકે, કોઈ પણ અન્ય સામાજિક શક્તિ જો બિન-ભાજપવાદ ઉપર અમલ કરવા માંડશે તો ભાજપ માટે મુશ્કેલ થઈ જશે.

એસસી અને એસટી દેશના 25.2 ટકા જેટલા મતદારો છે.

મુસલમાન પછી જો આ સમુદાયોમાં પણ જો ભાજપ માટે નારાજગી અથવા મોહભંગ થઈ જાય તો ભાજપ માટે મુશ્કેલી સર્જાશે.

આ જ કારણસર ભાજપ અંત સુધી એવા પ્રયત્નમાં રહેશે કે એસસી-એસટી સંપૂર્ણપણે નહીં તો પણ તેનો એક મોટો હિસ્સો ભાજપની સાથે રહે.

જોકે, આ ભાજપની ઇચ્છાની વાત થઈ. આવું બનવું જરૂરી નથી. જો આવું બને તો ભાજપ પાસે કયો રસ્તો હોઈ શકે?

આ માટે ભાજપ એક નવા જ પ્રકારના સોશિયલ એન્જીનિયરીંગ ઉપર કામે લાગી ગઈ છે.

અહીંયા ટૂંકમાં એ જાણી લેવું અગત્યનું છે કે સોશિયલ એન્જિનિયરીંગ છે શું અને ભાજપે એની ઉપર કઈ રીતે કાર્ય કર્યું છે.

સોશિયલ એન્જિનિયરીંગ હકીકતમાં તો રાજનીતિ વિજ્ઞાનમાં વપરાતો શબ્દ છે જેનો અર્થ એ ઉપાયો છે.

જેનો ઉપયોગ કરીને સરકાર અથવા મીડિયા અથવા શાસકો મોટા પાયે લોકોનાં વિચારોને અથવા સામાજિક વહેવારોને બદલવાનો પ્રયત્ન કરે છે.

line

ભાજપની પ્રગતિ જેને આભારી છે એ સોશિયલ એન્જિનિયરીંગ

રામ લીલી મેદાનમાં જય પ્રકાશ નારાયણની સભા

ઇમેજ સ્રોત, SHANTI BHUSHAN

ઇમેજ કૅપ્શન, રામ લીલી મેદાનમાં જય પ્રકાશ નારાયણની સભા

ભારતમાં સોશિયલ એન્જિનિયરીંગનો ઉપયોગ ભાજપની એ રાજનીતિ માટે થાય છે, જેનો ઉપયોગ ભાજપના તત્કાલીન મહાસચિવ ગોવિંદાચાર્યએ ભાજપના સામાજિક જનાધારને વધારવામાં અને નવા-નવા સામાજિક જૂથોનાં સમર્થન મેળવવા માટે એંશી અને નેવુંના દાયકામાં કર્યો હતો.

ભાજપ આજે જેટલી મોટી પાર્ટી છે, તેની પાછળ આ સોશિયલ એન્જિનિયરીંગનું પણ યોગદાન છે.

જનસંઘ અથવા ભાજપની એક અરસા સુધી ભારતીય રાજનીતિમાં હાંસિયા જેટલી તાકાત હતી.

આને મુખ્યતઃ ઉત્તર ભારતીય બ્રાહ્મણો અને વિભાજન પછી આવેલા વાણીયાઓની પાર્ટી ગણવામાં આવતી હતી.

જોકે, અન્ય સામાજિક જૂથોનાં લોકો પણ તેની સાથે હતા, જે કોઈપણ પાર્ટીમાં હોય છે.

જનસંઘના મુખ્ય ભાગમાં બ્રાહ્મણ અને વાણીયા જ હતા. એ સમયમાં બ્રાહ્મણોની પાસે કોંગ્રેસ નામની પોતાની પાર્ટી હતી.

ભાજપની સામાજિક સ્પેસ વધુ સંકીર્ણ હતી. વાણીયાઓને નામે પણ તેની પાસે એ જ લોકો હતા જે પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને આવ્યા હતા.

1977 સુધી જનસંઘ ભારતીય રાજનીતિમાં કોંગ્રેસ, કૉમ્યુનિસ્ટ અને સમાજવાદીઓ પછી ચોથા નંબરની શક્તિ હતી.

લોહિયાના બિન-કોંગ્રેસવાદે તેને રાષ્ટ્રીય રાજનીતિમાં પગ જમાવવાની તક આપી.

જયપ્રકાશના આંદોલનની લહેર ઉપર સવાર થઈને તેણે પોતાની તાકાત વધારી.

1977માં જનસંઘ કેન્દ્ર સરકારમાં પણ સામેલ થયો પરંતુ તેની હેસિયત બહુ વધી શકી નહીં.

1977માં પણ જનસંઘ બ્રાહ્મણ-વાણીયાની પાર્ટી તરીકેનો ઠપ્પો હટાવી શક્યો નહીં.

જનતા પાર્ટીમાં વિલીન થયેલો જનસંઘ જયારે અલગ થયો ત્યારે ભાજપની રચના થઈ.

1984માં તો કોંગ્રેસની લહેરમાં ભાજપ લોકસભામાં ફક્ત બે જ બેઠકો જીતી શકી હતી.

line

ભાજપએ આ રીતે પોતાની સ્થાપના કરી

શિવરાજ સિંહ ચૌહાણ અન ઉમા ભારતી

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપની રાજનીતિમાં એક મોટો ઉછાળો 1986 પછી શરૂ થયેલા રામમંદિર આંદોલનથી આવ્યો.

આ જ સમયગાળા દરમિયાન ભાજપે પોતાની જૂની છાપથી આગળ વધીને ખાસ કરીને પ્રદેશોમાં બિન-બ્રાહ્મણ, બિન-વાણીયા નેતૃત્વને બહાર લાવવાનું શરૂ કર્યું.

ઉત્તર પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન કલ્યાણ સિંહ, ઓમ પ્રકાશ સિંહ અને વિનય કટિયાર સામે આવે છે.

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ, ઉમા ભારતી અને બાબુલાલ ગૌર.

બિહારમાં સુશીલ મોદી અને હુકુમદેવ નારાયણ યાદવનું કદ મોટું કરવામાં આવે છે તો ઝારખંડમાં બાબુલાલ મરાંડી અને અર્જુન મુંડા નજરે પડવા લાગે છે.

નરેન્દ્ર મોદી પોતે પણ આ જ સમયગાળા દરમિયાન સપાટી ઉપર દેખાવા લાગે છે.

ગુજરાતમાં કેશુભાઈ પટેલ દેખાવા લાગે છે. વસુંધરા રાજેનું કદ વધારવામાં આવે છે.

આ બધું જે યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું, તેને જ સોશિયલ એન્જિનિયરીંગ કહેવામાં આવે છે.

તો સવાલ એ ઊભો થાય છે કે 2019માં ભાજપનું સોશિયલ એન્જિનિયરીંગ શું હશે?

આ વિષયમાં અટકળો કરવા માટે તથ્યોના નામે આપણી પાસે હાલમાં ભાજપ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલાં પગલાં જ છે.

એ વાત તો સ્પષ્ટ જ છે કે ભાજપ 2019માં ઓબીસીને પોતાના કૅમ્પમાં રાખવાનો પૂરતો પ્રયાસ કરશે.

ઓબીસીની વર્ષો જૂની માગણીને ભાજપ સરકારે પૂરી કરી છે.

આ એક પ્રતીકાત્મક કામ છે અને આનાથી ઓબીસીને કોઈ ખાસ ફાયદો થવાનો નથી પરંતુ ઓબીસી માટે આ એક ભાવનાત્મક મુદ્દો તો હતો જ!

આ જ રીતે ઓબીસી ઘણા સમયથી માગણી કરી રહ્યા હતા કે વસતી ગણતરીમાં એસસી અને એસટીની જેમ જ અન્ય જ્ઞાતિઓની ગણતરી થાય અને તેમને લગતા આંકડા એકઠા કરવામાં આવે.

ભાજપે તમામ જાતિઓની ગણતરીની માગણી ના માની અને આંશિક રૂપે આ માગને પૂરી કરવા માટે ઓબીસી ગણતરીની વાત કરી છે.

line

હવે ફરી શરૂ થશે નવું મહાભારત

ભાજપના કાર્યકર

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપ જે ત્રીજું પગલું લઈ રહી છે, તે બેધારી તલવાર છે.

ભાજપે ઓબીસીના આંકડા આવતા પહેલાં જ ઓબીસીના ભાગલા પાડવા માટે કમિશનની રચના કરી દીધી છે.

આ કમીશન જો નવેમ્બરમાં પોતાનો અહેવાલ આપી દે તો દેશમાં જ્ઞાતિઓને મુદ્દે એક નવું મહાભારત છેડાશે.

ઓબીસીની જે જ્ઞાતિઓને આગળ વધેલી જણાવીને તેમને એક નાનકડા જૂથમાં સમેટી લેવામાં આવશે એ જ્ઞાતિઓ આમ કરવા અંગેનો આધાર પૂછશે. જે સરકારની પાસે નથી.

આવી સ્થિતિમાં પ્રભાવશાળી પછાત જ્ઞાતિઓ ભાજપથી નારાજ પણ થઈ શકે છે પરંતુ અતિ પછાત જ્ઞાતિઓને સરકારનું આ પગલું પસંદ પડશે.

ભાજપ દેશભરમાં પછાત જ્ઞાતિઓનું સંમેલન કરી રહી છે અને ખાસ કરીને તેમના નેતાઓની સંગઠનમાં નીચલા સ્તરો ઉપર નિમણૂંક કરી રહી છે.

જો ભાજપ ઓબીસીના ભાગલા પાડવા માટે બનેલા રોહિણી કમિશનને ચૂંટણી પહેલાં અહેવાલ આપવાનું કહે તો તેની ભલામણ ઉપર અમલવારી કરીને ઓબીસીને કેન્દ્રીય સ્તરે વહેંચી દે તો તેનો મતલબ એ થશે કે ભાજપ સવર્ણો, જેના મતોને મુદ્દે તે સંપૂર્ણપણે નિશ્ચિંત છે.

સાથે જ અતિ પછાત જાતિઓનું સમીકરણ રચશે અને એસસી-એસટીના એક હિસ્સાને સાથે રાખવાનો પ્રયત્ન કરશે. આ જ ભાજપનું નવું સોશિયલ એન્જિનિયરીંગ છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો