શા માટે વધી રહ્યું છે નિતંબને ઘાટીલાં બનાવવાનું ચલણ?

સ્કૉટ ફ્રૅન્ક્સની તસવીર

ઇમેજ સ્રોત, SCOTT FRANKS

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા સૅલિબ્રિટીઝ બટ પર ધ્યાનાકાર્ષિત કરતી તસવીરો મૂકે છે.

ફેશન ઇન્ડસ્ટ્રીમાં ક્યારે કયો ટ્રૅન્ડ ચલણ પકડી લે તે કહી ન શકાય. હાલમાં 'બ્રાઝિલિયન બટ લિફ્ટ' એટલે કે 'BBL'નું ચલણ વધ્યું છે. યુવતીઓમાં એટલી હદે ક્રેઝ વધી ગયો છે કે તેઓ જીવ પણ જોખમમાં મૂકવા તૈયાર છે.

ત્રણ બાળકોનાં માતા લીહ BBL સર્જરી માટે ઇંગ્લૅન્ડથી તુર્કી ગયાં હતાં, જ્યાં સર્જરી દરમિયાન તેનું મૃત્યુ થયું.

લીહ કૅમ્બ્રિજ ઇંગ્લૅન્ડના લીડ્સ શહેરના રહેવાસી હતાં અને તુર્કીના ઇઝમીર શહેરમાં ગયાં હતાં, જ્યાં ક્લિનિકમાં સર્જરી દરમિયાન તેમને ત્રણ હાર્ટ ઍટેક આવ્યાં.

આ સર્જરીમાં પેટની ચરબી લઈને બટ એટલે કે નિતંબને ભરાવદાર બનાવવામાં આવે છે.

લીહ કૅમ્બ્રિજના પાર્ટનર સ્કૉટ ફ્રૅન્કસે આ માહિતી બ્રિટિશ અખબાર 'ધ સન'ને આપી હતી. શા માટે આ ટ્રૅન્ડ વધી રહ્યો છે અને શા માટે તેની સર્જરી જીવલેણ નીવડી શકે છે.

line

શા માટે જીવલેણ?

કિમ કાર્ડિયાશનની તસીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેલિબ્રિટિઝની તસવીરો જોઈને મહિલાઓ BBL કરાવવા લલચાય છે

બ્રિટનમાં BBL સર્જરી મોંઘી હોવાથી 29 વર્ષીય બ્યુટીશિયન લીહે તુર્કીમાં જઈને આ સર્જરી કરાવવાનો નિર્ણય લીધો. ફ્રૅન્ક્સના કહેવા પ્રમાણે, પેટની ચરબીને કારણે લીહ કંટાળી ગયાં હતાં એટલે તેમણે BBL કરાવવાનો નિર્ણય લીધો હતો.

લીહના પાડોશી સમગ્ર ઘટનાક્રમથી આશ્ચર્યચકિત છે. તેમને લાગે છે કે લીહના પાર્ટનર આ સર્જરી માટે તૈયાર ન હતાં.

બ્રિટનમાં માત્ર લીહ જ BBL સર્જરી કરાવવા તત્પર હતાં, એવું નથી. લંડનનાં જૉય વિલિયમ્સ 2014માં સર્જરી કરાવવા માટે બેંગકોક ગયાં હતાં.

સર્જરી દરમિયાન જૉયને ઇન્ફૅક્શન થયું અને એનેસ્થૅસિયાની અસર હેઠળ જ તેમનું મૃત્યુ થયું.

ત્રણ વર્ષ પહેલાં લંડનમાં રહેતા 20 વર્ષીય ક્લાઉડિયા એડરોટિમી BBL સર્જરી માટે અમેરિકા ગયાં હતાં, જ્યાં સર્જરી દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

પ્લાસ્ટિક સર્જન બ્રાયન માયોયુના કહેવા પ્રમાણે, BBL સર્જરી પણ અન્ય કૉસ્મેટિક સર્જરી જેટલી જ જોખમી છે.

સ્કૉટ ફ્રૅન્ક્સની તસવીર

ઇમેજ સ્રોત, SCOTT FRANKS/FACEBOOK

ઇમેજ કૅપ્શન, BBL સર્જરીના કારણે સ્કૉટ ફ્રૅન્ક્સના પાર્ટનરનું મૃત્યુ થયું

માયોયુના કહે છે, "આ પ્રકારની સર્જરી કરનારાઓ તાલીમબદ્ધ તથા નિષ્ણાત નથી. જો ચરબીની માંસપેશીઓના ટિશ્યૂ તથા બટના નીચેનાં ભાગને ઊંડાણ સુધી ભરવામાં આવે તો તે જોખમી સાબિત થાય છે."

"ચરબી થર સ્વરૂપમાં હોય છે, એટલે તેનાં કારણે લોહીનાં પરિભ્રમણમાં અવરોધ ઊભો થાય છે, જેનાં કારણે મૃત્યુ થાય છે. જો આપ ચરબીને શિફ્ટ કરતા હો તો આવાં જોખમો વિશે સતર્ક રહેવું જોઈએ."

31 વર્ષીય ફ્રૅન્ક્સે ધ સનને કહ્યું, "લીહ એનેસ્થૅસિયાની અસર (બેભાનાવસ્થામાં) હતાં અને તે વખતે રક્તપ્રવાહમાં ફેટ જામી ગઈ, જેનાં કારણે ઑક્સિજનની ઊણપ ઊભી થઈ."

"લીહની સ્થિતિ સ્થિર તો થઈ ગઈ, પરંતુ ત્યારબાદ તેને ત્રણ હાર્ટ ઍટેક આવ્યાં, જે પ્રાણઘાતક નીવડ્યા."

line

બિગ બટનો મોટો ક્રેઝ કેમ?

બટ પોઝ આપતી સૅલિબ્રિટીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

માયોયુનું કહેવું છે કે ઇન્ટરનેશનલ સોસાયટીના પ્લાસ્ટિક સર્જન્સે એક ટાસ્કફોર્સનું ગઠન કર્યું છે. જે BBL સર્જરી અંગે રિપોર્ટ આપશે.

BBL સર્જરીમાં મૃત્યુની ટકાવારી દર ત્રણ હજારે એકની છે. માયોયુ કહે છે કે આ સર્જરી દરમિયાન મૃત્યુના કિસ્સાની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે બટની માંસપેશિઓમાં ફેટના થર જામી ગયાં હતાં.

પશ્ચિમ લંડન ખાતે ચેલ્સીના કડાગેન ક્લિનિકના એક સર્જને કહ્યું હતું કે ગત ચાર વર્ષ દરમિયાન બટના આકારને સુડોળ બનાવવા માટે સર્જરી કરાવનારાંઓની સંખ્યા વધી છે.

આ ક્રેઝ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું, "અમુક વર્ષો પહેલાં સુધી મહિલાઓ નાના નિતંબ પસંદ કરતી હતી. નિતંબની સાઇઝ ઘટાડવા માટે સર્જરી પણ કરાવતી હતી, પરંતુ હવે તે 'આઉટ ઑફ ફેશન' થઈ ગઈ છે. હવે BBLની ડિમાન્ડ વધુ છે."

બટ પોઝ આપતી મહિલાઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સ્વાભાવિક રીતે સવાલ થાય કે મહિલાઓને મોટા કદનાં નિતંબ કેમ પસંદ પડી રહ્યાં છે? માયોયુ કહે છે, "હાલનો સમય પૉપ્યુલર કલ્ચરનો છે. મહિલાઓમાં ઘાટીલું દેહલાલિત્યનો ક્રેઝ વધી રહ્યો છે. આપણે વૈવિધ્યસભર સંસ્કૃતિ તથા વંશીય વિશ્વમાં રહીએ છીએ."

"દુનિયામાં દરેકનાં શરીરના આકાર અલગ-અલગ છે. આજના સમયમાં ટેકનૉલૉજીની મદદથી મનપસંદ આકાર મેળવી શકાય છે."

કિમ કાર્દશિયન, કાઈલી જેનર તથા કાર્ડી બી જેવી સૅલિબ્રિટીના સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે. આ અભિનેત્રીઓ તેમના નિતંબ પર ધ્યાનાકાર્ષિત કરે તેવી તસવીરો નિયમિત રીતે સોશિયલ હેન્ડલ્સ પર મૂકે છે. આ તસવીરોને જોઈને મહિલાઓ પ્રેરિત થાય છે.

માયોયુ કહે છે, "મોટાભાગની મહિલાઓને લાગે છે કે આ પ્રકારના ઑપરેશનથી તેમને બે લાભ થઈ રહ્યા છે. પહેલું કે તેમને પેટ પર ચરબી નથી જોઈતી, એટલે ત્યાંથી દૂર થઈ જાય છે અને જ્યાં જોઈએ છે ત્યાં (બટ પર) લગાવડાવે છે. તુર્કી જેવા દેશોમાં આ પ્રકારની સર્જરી બ્રિટનની સરખામણીએ સસ્તી છે."

line

શું થાય છે બટ સર્જરીમાં?

બટ પોઝ આપતી સૅલિબ્રિટીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ સર્જરીમાં નિતંબને ઘાટ આપીને ભરાવદાર બનાવવામાં આવે છે, જેથી કરીને તે જોવામાં આકર્ષક લાગે.

સર્જન દ્વારા સિલિકૉન તથા શરીરના અન્ય ભાગોની વધારાની ચરબી અહીં શિફ્ટ કરવામાં આવે છે.

આ સર્જરી પાછળનો ખર્ચ ક્લિનિક તથા દેશ પર આધાર રાખે છે. બ્રિટનમાં લગભગ રૂ. છ લાખનો ખર્ચ થાય છે, જ્યારે ભારતમાં લગભગ રૂ. ત્રણ લાખનો ખર્ચ થાય છે.

સર્જરી બાદ ખૂબ જ દુખાવો થાય છે. ત્રણ અઠવાડિયા સુધી બટ પર ભાર આવે તે રીતે બેસવાની મનાઈ હોય છે.

ઘણી વખત આ પ્રકારની સર્જરી જીવલેણ પણ સાબિત થાય છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો