મધ્ય પ્રદેશ: કોણ છે એ દરજી જેણે 33 લોકોની 'હત્યા' કરી

ચોર

ઇમેજ સ્રોત, SHURIAH NIAZI/BBC

    • લેેખક, શુરેહ નિયાઝી
    • પદ, ભોપાલથી, બીબીસી ગુજરાતી માટે

ભોપાલ પોલીસે એક એવી વ્યક્તિની ધરપકડ કરી છે જેની દલીલ છે કે તેમણે પોતાના સાથીઓની સાથે મળી 33 લોકોની હત્યા કરી છે.

તે ટ્રક ડ્રાઇવર અને ક્લીનરને નિશાન બનાવતો હતો.

ધરપકડ કરાયેલા આ દરજી મારફતે પોલીસને દરરોજ નવી વાતો જાણવા મળી રહી છે અને પોલીસનું માનવું છે કે આના થકી આગળ પણ ઘણાં રહસ્યો ઉજાગર થશે.

પોલીસે કહ્યું છે કે આદેશ ખામરાએ છેલ્લાં નવ વર્ષોમાં 33 હત્યા કરી છે . તે હત્યા બાદ ટ્રકમાં ભરેલા સામાનને લૂંટી લેતો હતો.

ભોપાલના ડેપ્યૂટી ડીજીપી ધર્મેન્દ્ર ચૌધરીએ જણાવ્યું , ''આદેશ ખામરા અને તેમની ટોળકીએ અત્યાર સુધી 33 લોકોની હત્યાની વાત સ્વીકારી છે."

"જેમાંથી મોટા ભાગની પુષ્ટિ થઈ ચૂકી છે અને અમે સતત આ અંગે શોધખોળ કરી રહ્યા છીએ."

"આખા પ્રકરણમાં પાંચથી છ લોકો સંકળાયેલા હોય એવું શક્ય છે. અમે આ મુદ્દે તપાસ કરી રહ્યા છીએ.''

ચોર

ઇમેજ સ્રોત, SHURIAH NIAZI/BBC

પોલીસે જણાવ્યું કે આ લોકો હાઈવે પર ટ્રક ચાલકો સાથે દોસ્તી કરતા હતા અને પછી એમને નશાની ગોળીઓ આપી બેભાન કરી દેતા હતા.

ડ્રાઇવર અને ક્લીનરની હત્યા કરી ટ્રક લઈને નાસી જતા હતા. બાદમાં તેમાં રાખેલા સામાનને તેઓ વેચી દેતા હતા.

ધર્મેન્દ્ર ચૌધરીએ જણાવ્યું, ''આ લોકોએ મધ્ય પ્રદેશની સાથે બીજાં રાજ્યોમાં પણ ટ્રક ડ્રાઇવરોની હત્યાની વાત સ્વીકારી છે."

"એમણે મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢમાં પણ આવી કેટલીક ઘટનાઓને અંજામ આપ્યો છે.''

ગયા મહિને 15 તારીખે ભોપાલ પોલીસને એક મૃતદેહ મળ્યો હતો, જે ઓબેદુલ્લાગંજમાં રહેતા 25 વર્ષના માખનસિંહનો હતો. પોલીસ હત્યા કરનારની શોધખોળ કરી રહી હતી.

મૃત વ્યક્તિ ભોપાલને અડીને આવેલા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર મંડીદીપમાંથી લોખંડના સળિયા લઈને નીકળ્યો હતો.

ટ્રક નધણિયાત સ્થિતિમાં ભોપાલમાંથી મળી આવી હતી પણ ડ્રાઇવરની હત્યા કોણે કરી તેની ભાળ મેળવી શકાઈ નહોતી.

તમે આ વાંચ્યું કે નહીં?

પોલીસે આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. એની પૂછપરછ કરવામાં આવી તો એણે બીજા લોકોનાં નામ જણાવ્યાં.

ત્યારબાદ બીજી કેટલીક વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અને તેમની સાથે જ્યારે કડકાઈ વરતવામાં આવી ત્યારે તેમણે ઘણાં રહસ્યો છતાં કર્યાં.

પોલીસે આ મુદ્દે નવ લોકોની ધરપકડ કરી છે.

line

કોણ છે આદેશ ખામરા?

ચોર

ઇમેજ સ્રોત, SHURIAH NIAZI/BBC

આદેશ ખામરાને ભોપાલ પોલીસે ઉત્તર પ્રદેશના સુલતાનપુરનાં જંગલોમાંથી પકડી પાડ્યા છે.

તેઓ એક દરજી છે અને ભોપાલમાં મંડીદીપ વિસ્તારના મુખ્ય માર્કેટમાં તેમની દુકાન છે.

તેમની ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. તેઓ આ વિસ્તારના જાણીતા દરજી છે.

જોકે, દિવસ દરમિયાન દરજી તરીકે કામ કરતી આ વ્યક્તિ રાત્રે એક ખતરનાક ગુનેગાર બની જતી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર હત્યા કરવાની શરૂઆત 2010માં થઈ હતી.

મહારાષ્ટ્રના અમરાવતી અને નાસિકની બે ઘટનાઓમાં ટ્રક ચાલકની હત્યા કરવામાં આવી હતી.

ત્યારબાદ મધ્ય પ્રદેશમાં અને બીજા પ્રદેશોમાં આવા પ્રકારની ઘણી ઘટનાઓ સામે આવી હતી.

તેઓ જાતે જ ડ્રાઇવરોની હત્યા કરતા હતા અને આ પાછળ એક આખી ટોળકી કામ કરી રહી હતી.

આ વર્ષે જાન્યુઆરીમાં એમણે પોતાના માટે જ કરવાનું શરૂ કરી દીધું હતું.

આદેશનો સાથી જયકરણ પણ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે કે જેમની સાથે મળી ઘટનાને અંજામ આપતા હતા.

પોલીસે જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં આદેશની મુલાકાત જયકરણ સાથે થઈ હતી.

ત્યારબાદ આદેશે પોતાની એક ટોળકી બનાવી દીધી હતી. દરેક હત્યા બાદ જયકરણ લગભગ 30 હજાર કમાતો હતો.

આદેશ એવી ચોક્સાઈથી કામ કરતો હતો કે જેથી અન્ય લોકોની સંડોવણી છતી ન થઈ શકે અને આ જ કારણે તે અત્યાર સુધી પોલીસની આંખોમાં ધૂળ નાંખી શકવામાં સફળ રહ્યો હતો.

દરેક હત્યા બાદ તે પોતાનો ફોન અને સિમ બદલી નાખતો હતો.

પોલીસે જણાવ્યું હતું કે એણે 43 કરતાં વધારે ફોન અને 50 કરતાં વધારે સિમનો ઉપયોગ કર્યો હતો.

ધર્મેન્દ્ર ચૌધરીએ કહ્યું, "એની માનસિક હાલત સંપૂર્ણપણે ઠીક છે, એને કોઈ પણ રીતે અસંતુલિત કહી ના શકાય."

line

કેવી રીતે પકડતા હતા ડ્રાવરોને

આદેશને ખબર હતી કે ટ્રક ચાલકને લાંબું અંતર કાપવું પડતું હોય છે અને સામાન્ય રીતે તેમને નશાની લત હોય છે અને આ જ કારણે તેઓ આ લોકો સાથે દોસ્તી કરી લેતા હતા અને પછી એમની સાથે નશો કરતા હતા.

નશો કર્યા બાદ તેઓ ચાલકોની શરાબમાં એક ખાસ પ્રકારની ઘેનની ગોળી ભેળવી દેતા હતા અને પછી તેઓ તેમની હત્યા કરી દેતા હતા અને ટ્રક લઈને રફૂચક્કર થઈ જતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો