ગુજરાત : ધારાસભ્યોનો પગાર ક્યાં ખર્ચ થાય છે?

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસે રાજ્યના ધારાસભ્યો, અઘ્યક્ષ, ઉપાધ્યક્ષ અને મંત્રીઓ તેમજ વિરોધપક્ષના નેતાના પગાર વધારાનું બિલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
હવે, ધારાસભ્યોને સરકારના નાયબ સચિવ કક્ષાના વર્ગ 1ના અધિકારી સમકક્ષ મૂળ પગાર મળશે.
વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ, વિરોધપક્ષના નેતાઓ સહિતના પદાધિકારીઓ અને ધારાસભ્યોને મળવા પાત્ર પગારમાં 25 ટકાનો વધારો મંજૂર કરાયો છે.
આ પગાર વધારો નવી વિધાનસભાની રચના થયાની તારીખ 22 ડિસેમ્બર 2017થી મળવા પાત્ર થશે.
રાજ્યના શહેરી અને ગ્રામિણ વિસ્તારોની વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યોને મૂળ પગાર ઉપરાંત મોંધવારી ભથ્થુ, ટેલિફોન ભથ્થું, અંગત મદદનીશ ભથ્થું અને સ્ટેશનરી ખર્ચ આપવામાં આવે છે.
ધારાસભ્યોનો પગાર વધારો રાજ્યમાં જ્યારે ચર્ચાનો વિષય છે ત્યારે બીબીસીએ જાણવાની કોશિશ કરી કે ધારાસભ્યોનો પગાર ક્યાં ખર્ચ થતો હોય છે.

'રાજકારણ પ્રજાસેવાનું ક્ષેત્ર છે'

ઇમેજ સ્રોત, HARSH SAGHAVI@FACEBOOK
સુરતના શહેરી વિસ્તાર મજૂરા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પગાર વધારા અને સામે તેમના ખર્ચ વિશે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "મારે બે ઑફિસ છે અને સાતથી વધુ લોકોનો સ્ટાફ છે. એક પણ વ્યક્તિનો પગાર 16 હજારથી ઓછો નથી."
"મારે સપ્તાહમાં એક વાર ગાંધીનગર જવાનું થાય અને મતવિસ્તારમાં પણ જવું પડે. આથી પેટ્રોલ-ડીઝલનો ખર્ચ પણ આવે છે. હું શહેરી વિસ્તારમાંથી છું. પરંતુ જે ધારાસભ્ય ગ્રામ્ય વિસ્તારમાં હોય તેમણે સૌથી વધુ પ્રવાસ કરવો પડતો હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
"હું એવું નથી કહેતો કે પગાર વધવો જ જોઈએ. કેમ કે રાજકારણ એ પ્રજાની સેવાનું કામ છે. પરંતુ ખરેખર જે ધારાસભ્યને અન્ય આવક નથી અને જરૂરીયાત હોય તેમને પગાર મળવો જોઈએ."
"જે વ્યક્તિ એવું વિચારે છે કે ધારાસભ્યને પગાર ન મળવો જોઈએ તેમણે પહેલાં ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્યના જીવનનો અભ્યાસ કરવો જોઈએ. આ ફુલટાઇમ જૉબ છે.''
તેમણે ઉમેર્યું, ''વધુમાં અમારી પાસે આર્થિક સહાય માટે પણ ઘણા લોકો મતવિસ્તારમાંથી આવતા હોય છે. અમે તેમને શક્ય તેટલી સહાય કરીએ છે."

ઇન્ટરનેટમાં જમાનામાં ટપાલ ભથ્થું કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
"રોજ મને મળવા માટે 100થી વધુ લોકો આવતા હોય છે. તેમના ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા પાછળ ખર્ચ થાય છે. આમ જો આ તમામ ખર્ચ ગણતરી કરીએ તો પગાર કરતા પણ વધી જાય છે. ગત વર્ષે મેં આઠ મહિનાનો મારો પગાર ચૅરિટીમાં આપી દીધો હતો."
પણ ઇન્ટરનેટના જમાનામાં ટપાલ અને સ્ટેશનરી ભથ્થાની શું જરૂર છે?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે "દર વર્ષે હું હજારથી વધુ પત્રો લખું છું અને જવાબ પણ આપું છું. શોક-સહાનુભૂતિની શ્રદ્ધાંજલિ, દાખલા વગેરે માટે સ્ટેશનરીનો ઉપયોગ થાય છે. ગુજરાતની સરખામણીએ અન્ય રાજ્યોમાં ધારાસભ્યોને 3 લાખ જેટલો પગાર મળે છે."

'હું સંપન્ન પરિવારમાંથી આવું છું મારે ઘરે નાણાં આપવાની જરૂર નથી'

ઇમેજ સ્રોત, SeemaMohile/fb
અકોટાનાં મહિલા ધારસભ્ય સીમા મોહિલેની ધારાસભ્ય તરીકે આ પ્રથમ ટર્મ છે.
તેમના મતે પગારવધારો યોગ્ય જ છે, કારણ કે ધારાસભ્ય તરીકે એવા અનેક ખર્ચાઓ હોય છે કે જે આજના સમય મુજબ કરવા જરૂરી છે.
તેઓ જણાવે છે,"ધારાસભ્ય તરીકે મારે એક મદદનીશ રાખવો પડે, પેટ્રોલ કે ડીઝલના ખર્ચ હોય, ટેલિફોન, સ્ટેશનરી, ઑફિસ ખર્ચ પણ હોય અને તે તમામ ખર્ચા પગારમાંથી કાઢવા પડે.”
“જો આવકનો અન્ય સ્રોત ના હોય તો મુશ્કેલી થઈ શકે છે. હું સંપન્ન પરિવારમાંથી આવું છું એટલે મારે ઘરે નાણાં આપવાની જરૂર નથી પરંતુ અન્ય સભ્યોની સ્થિતિ પણ મારા જેવી જ હોય એવું જરૂરી નથી."
"દર મહિને મારે ઓછામાં ઓછા દસ હજાર રૂપીયાનો પેટ્રોલ ખર્ચ, દસ હજાર રૂપિયા મદદનીશનો પગાર, દસ હજાર રૂપિયા રૂપિયા ડ્રાઇવરનો પગાર અને પંદર હજાર રૂપિયા જેટલો ઑફિસ ખર્ચ વેઠવો પડે છે.''
''આ ઉપરાંત ટેલિફોન, ઇન્ટરનેટ, સ્ટેશનરીનો ખર્ચ એ બધુ મળીને પચાસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ જાય છે."
"આવી સ્થિતિમાં જો મારે ઘર પણ ચલાવવાનું હોય અને આવકનો બીજો સ્રોત ના હોય તો સ્થિતિ કપરી બની જાય."

'સ્ટાફના પગાર અને પેટ્રોલ-ડીઝલમાં ઘણો ખર્ચ થાય છે'

ઇમેજ સ્રોત, Getty Images
રાધનપુર બેઠકથી કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તેમના ખર્ચ વિશે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારે દરરોજ ઍવરેજ 100 કિલોમિટરથી વધુનો પ્રવાસ થાય છે. તમે ડીઝલના ખર્ચની ગણતરી કરો તો દરરોજ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. વળી સ્ટાફને પાંચથી પંદર હજાર રૂપિયાનો પગાર પણ ચૂકવવો પડે છે."
"મારે બે ઑફિસ છે. ચારથી પાંચનો સ્ટાફ છે. કુલ મળીને મહિને 60 હજાર આ બાબતો પાછળ જ ખર્ચાઈ જાય છે. ઑફિસનું ભાડું અને લાઇટ બિલ પણ ચૂકવવાનું હોય છે."
સ્ટેશનરી અને ટપાલ ભથ્થાં વિશે તેમણે વધુમાં ઉમેર્યું, "વૉટ્સઍપ કરતાં કાગળની કિંમત વધુ છે. વળી, તેમાં લખનારના હસ્તાક્ષર પણ હોય છે. ધારાસભ્યોને ત્યાંથી દરરોજ 40થી વધુ ટપાલ કે કાગળ ઇસ્યૂ થતાં હોય છે."
"મારે સરકારી વિભાગો અને લોકો સાથે પત્રવ્યવહાર પણ થતો હોય છે. હું કોઈ કાર્યક્રમમાં જાઉં એટલે નાનું-મોટું દાન પણ કરું છું."
"આથી એક લાખના પગારમાંથી સરવાળે કંઈ બચતું નથી. ઘણા એવા ધારાસભ્યો પણ છે કે જેઓ આર્થિક રીતે સદ્ધર નથી. તેમના માટે પગારમાં વધારો રાહતનું કામ કરી શકે છે."

જિગ્નેશ મેવાણીને કેટલો ખર્ચ થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
જીગ્નેશ મેવાણી યુવા નેતા છે અને રાજ્યના વડગામ વિધાનસભા વિસ્તારમાંથી પ્રથમ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
તેમણે આ અંગેની વાતચીતમાં બીબીસી ગુજરાતીને જણાવ્યું, "મારા જેવા ધારાસભ્ય માટે આ પ્રકારના પગારવધારાને ખર્ચની દ્રષ્ટીએ જોવો જોઈએ."
"મારા મત વિસ્તારમાં 144 ગામડા છે. આ ગામનાં કામ જોવા માટે મારે ઓછામાં ઓછા 4 મદદનીશ રાખવા પડે."
"આજના સમયમાં 15,000 રૂપિયાથી ઓછામાં કોઈ માણસ નોકરી પર મળે નહીં. જેના કારણે હું પૂરતા મદદનીશ રાખી શકતો નથી."
"આટલા મતવિસ્તાર વચ્ચે ઓછામાં ઓછી બે ઑફિસ પણ રાખવી પડે, જેનો ખર્ચ 10,000 રૂપીયા જેટલો થાય છે."
"ચૂંટણી બાદ 144માંથી મે 101 ગામમાં પ્રવાસ કરી લીધો છે. મારા પાસે અંગત કાર પણ નથી છતાં પેટ્રોલ-ડીઝલનો ખર્ચ કરવો પડે છે."
"મારે આવકનો અન્ય કોઈ સ્રોત નથી તેથી આ પગારમાંથી પહોચી વળવાનું હોય છે. તેમ છતા અન્ય ધારાસભ્યોના માટે પ્રજાની અંદર પગાર વધારાનો જે રોષ છે તે યોગ્ય જ છે કેમ તેમની પાસે આવકના અનેક સ્રોત છે. વળી, તેઓ પોતાના વિસ્તારમાં પૂરતું ધ્યાન પણ નથી આપતા."

'હું ખેડૂત છું. મારા ખિસ્સાંમાંથી નાણાં ઉમેરું છું'

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ આદિવાસી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોને ક્યા પ્રકારનો ખર્ચ થતા હોય? તેમનો પગાર ક્યાં ખર્ચાય? આ બાબત જાણવાનો પ્રયાસ બીબીસી ગુજરાતીએ કર્યો.
જે અંતર્ગત વ્યારાના કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામીત સાથે બીબીસીએ વાતચીત કરી.
તેમણે પગાર વધારા અને ખર્ચની બાબતે જણાવ્યું કે,"મારા ખર્ચની વાત કરું તો, મારે બે ઑફિસ છે અને મારા વિસ્તારનો ઘેરાવ મોટો છે. જંગલ વિસ્તારમાં ગામડાં આવેલા છે."
"મારે ત્યાં પણ પ્રવાસ કરવાનો હોય છે. કાર્યક્રમોમાં જવું પડે છે. સ્ટાફ, ઑફિસ અને ઇંધણ પાછળ 60 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ થઈ જાય છે."
"ઘણા લોકો આર્થિક સહાય માગવા પણ આવતા હોય છે, એટલે શક્ય તેટલી મદદ પણ કરવી પડે છે."
"હું ખેડૂત છું અને ઘણી વાર મારી આવકમાંથી પણ ખર્ચ કરું છું. ઑફિસ પર લોકો આવે તેમન માટે કરાયેલાં ચા-પાણી અને નાસ્તાનો ખર્ચ ગણતરીમાં લેતો નથી."
"જોકે, મારી કોઈ એવી માંગણી નહોતી કે પગાર વધવો જોઈએ. કેમ કે, રાજકારણ પ્રજાની સેવાનું કાર્ય છે. બીજી તરફ જે ધારાસભ્યને ખરેખર જરૂર છે તેમને પગાર રૂપે રાહત મળવી પણ જોઈએ."

પહેલી વખત ચૂંટાયેલા ધારાસભ્યને કેટલો ખર્ચ?
ધારાસભ્ય તરીકેની ગામીતની આ પ્રથમ ટર્મ છે. પગાર સામે થતાં ખર્ચ મુદ્દે તેમણે પોતાની આર્થિત સદ્ધર સ્થિતિને રજૂ કરીને આ વિષયને અલગ પરીપ્રેક્ષ્યમાં જોવાની વાત કરી હતી.
તેમણે કહ્યું "હું ચૂંટાયો એજ દિવસથી મે જાહેરાત કરી હતી અને મે ફૉર્મ ભર્યુ ત્યારે પણ જાહેર કરેલું કે ધારાસભ્ય તરીકે મને જે પગાર મળશે તેમાંથી મારા વિસ્તારની જરૂરિયાતમંદ છોકરીઓની ફી માટે પૈસા આપીશ."
"મારે અન્ય વ્યવસાયો છે અને આર્થિક રીતે હું પગાર પર નિર્ભર નથી. મારા પગારનો વધારો આ કામમાં જ વપરાશે."

નવા સુધારા મુજબનો પગાર

ઇમેજ સ્રોત, gujaratinformation.official
ધારાસભ્યોના પગાર વધારા વિશે માહિતી મેળવવા બીબીસીએ વિધાનસભાના સચિવ ડીએમ પટેલ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "ધારાસભ્યોને નાયબ સચિવ કક્ષાના વર્ગ -1 અધિકારી સમકક્ષ મૂળ પગારમાં 25 ટકાનો વધારો મંજૂર કરાયો છે."
"અગાઉ તેમનો મૂળ પગાર રૂ. 56,100 હતો, જે હવે રૂ. 78,800 થયો છે. જ્યારે મોંઘવારી ભથ્થું રૂ. 4627 હતું જે વધીને રૂ. 5,516 થયું છે. ટેલિફોન ભથ્થું રૂ. 4,000 હતું તેને વધારીને રૂ. 7,000 કરાયું છે.''
''જયારે સ્ટેશનરી ખર્ચ રૂ. 3,000 હતો, જે વધારીને રૂ. 5,000 કરાયો છે. આમ પ્રતિ માસ ધારાસભ્યોને રૂપિયા 1,16,316 પગાર મળશે."

દેશમાં 2.91 લાખ રૂપિયા પ્રતિમાસ સુધી ધારાસભ્યોને પગાર મળે છે
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભામાં આ અંગેનું બિલ પસાર કર્યું હતું. જાડેજા પાર્લામેન્ટરી બાબતોનો હવાલો પણ જુએ છે.
'ધ ઇકોનોમિક્સ ટાઇમ્સ'ના અહેવાલ મુજબ તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે વિધાસભામાં વર્ષ 2005 બાદ આ પહેલો પગાર વધારો છે.
દેશમાં અન્ય રાજ્યોમાં ગુજરાત કરતા વધારે પગાર મળે છે.
ઉત્તરાખંડમાં રૂપિયા 2.91 લાખ, તેલંગાણામાં રૂપિયા 2.50 લાખ અને ઝારખંડમાં રૂપિયા 2.25 લાખ, જ્યારે મહારાષ્ટ્રમાં રૂપિયા 2.13 લાખ પગાર પેટે ચૂકવાય છે. જેની સામે ગુજરાત વિધાનસભામાં કરાયેલો પગાર વધારો ઓછો ગણાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














