19 દિવસના ઉપવાસ બાદ હાર્દિક પટેલને રાજકીય 'પુણ્ય' મળશે?

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હાર્દિક પટેલના આમરણ ઉપવાસ ૧૯ દિવસ પછી સ-જીવન પૂરા થયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની સાથે હાર્દિક પટેલ ઇફેક્ટની ચિંતા ભાજપને ઘણી હતી.

કારણ કે એ ઇફેક્ટની સાથે ભાજપના વફાદાર મતદાર મનાતા પાટીદારો સંકળાયેલા હતા. ચૂંટણીપ્રચાર દરમિયાન હાર્દિક પટેલની સભાઓમાં મેદની જોયા પછી ભાજપની ચિંતા વધી હતી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં અણધાર્યા સારા દેખાવને લીધે ગુજરાતમાં ભાજપે ફરી સરકાર બનાવી. તેનાથી હાર્દિક પટેલની નેતાગીરીની વાસ્તવિક અસર સામે સવાલ ઊભા થવા લાગ્યા.

પાટીદાર સમાજ એક સમયે જેવો હાર્દિકની પડખે જણાતો હતો તેવો હવે રહ્યો છે કે કેમ, એવો પ્રશ્ન પણ શંકાના ભાવ સાથે પુછાવા લાગ્યો.

એવી સ્થિતિમાં હાર્દિક પટેલે પાટીદાર અનામત સાથે ખેડૂતોની દેવામાફી અને એક સાથીદારની મુક્તિ જેવી માગણીઓ સાથે આમરણ ઉપવાસ શરૂ કર્યા. પોતાની નેતાગીરીનો સિક્કો ફરી જમાવવાની પણ હાર્દિક માટે આ બીજી તક હતી.

line

હાર્દિકનું ગણિત ખોટું પડ્યું

હાર્દિકને મળવા પહોંચેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સતવા

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL

ઇમેજ કૅપ્શન, હાર્દિકને મળવા પહોંચેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ

વિધાનસભાની ચૂંટણીના રાઉન્ડનું પરિણામ ભાજપની તરફેણમાં આવ્યા પછી, આ બીજા રાઉન્ડનું હાર્દિક માટે વિશેષ મહત્ત્વ હતું. સીધાસાદા વિરોધ ઉપવાસને બદલે તેમાં 'આમરણ'નું તત્ત્વ દાખલ કરીને હાર્દિકે પણ એ મહત્ત્વ ઘૂંટી આપ્યું- જાણે આ વખતે તો 'આ પાર કે પેલે પાર'ની લડાઈ હશે.

અપેક્ષા એવી હતી કે પાટીદારો હાર્દિકના સમર્થનમાં ઉમટી પડશે. ખેડૂતોની દેવાનાબૂદી હાર્દિકની એક મુખ્ય માગણી હોવા છતાં, ખેડૂતો ઉમટી પડશે એવું કલ્પવાની કોઈએ જરૂર લાગી ન હતી.

કારણ કે હાર્દિકની અસલી તાકાત અને તેમનો અસલી આધાર પાટીદાર સમાજ છે, એ પાટીદાર-બિનપાટીદાર, સમર્થકો-વિરોધીઓ સૌના મનમાં સ્પષ્ટ હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

સરકારે અગાઉના અનુભવોના આધારે ગભરામણયુક્ત સાવચેતી દાખવી અને પોલીસ બંદોબસ્ત ખડકી દીધો. ત્યાર પછી પણ સરકારના ઇશારે પોલીસ તરફથી હેરાનગતી થતી હોવાના આક્ષેપ હાર્દિક પટેલની છાવણી તરફથી થતા રહ્યા.

એમ તો, તેમના સમર્થનમાં અમુક ઠેકાણે દેખાવો અને ઉપવાસ પણ થયા. છતાં, ઉપવાસના પહેલા દિવસનું ટૅન્શન શમી ગયા પછી એક વાત સ્પષ્ટ થઈ ચૂકી હતી કે પહેલા રાઉન્ડની જેમ બીજા રાઉન્ડમાં પણ હાર્દિકની આકરી કસોટી થવાની છે.

line

અસંતુષ્ટ ભાજપી નેતાઓ હાર્દિક સાથે છે?

હાર્દિક પટેલને મળવા પહોંચેલા શત્રુઘ્ન સિંહા અને અન્ય નેતા

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલને મળવા પહોંચેલા શત્રુઘ્ન સિંહા અને અન્ય નેતા

શારીરિક કસોટી સામે તો હાર્દિકે ઝીંક ઝીલી. ઉપવાસને લીધે વજન ઘટ્યું. વચ્ચે વચ્ચે પાણી પણ બંધ કર્યું. ઘણા નેતાઓ અને અગ્રણીઓ ઉપવાસી હાર્દિકને મળવા અને લગે હાથ ભાજપ તથા મોદી સરકારને ચોંટિયા ભરવા આવી ગયા.

(યશવંત-શત્રુધ્ન) સિન્હા એન્ડ સિંહા જેવા અસંતુષ્ટ ભાજપી નેતાઓથી માંડીને વિરોધ પક્ષના બીજા પણ કેટલાક નેતાઓ મોં બતાવી ગયા.

આવી મુંહદીખાઈ હાર્દિકે જાહેર કરેલા ઉપવાસના હેતુઓ બાજુ પર રાખીને, કઈ હદે મોદીવિરોધનું પ્રતીક બની તે સમજવા માટે એક ઉદાહરણ પૂરતું છે : વિખ્યાત સામાજિક કાર્યકર અને વિવાદોથી નહીં ડગનારાં મેધા પાટકર પણ હાર્દિક પટેલની મુલાકાતે આવ્યાં.

છેક ચીમનભાઈ પટેલના વખતથી 'ગુજરાત વિરોધી' તરીકેનું લેબલ પામેલાં મેધાબહેન સાથે દેખાવું પાટીદાર અનામત આંદોલન સમિતિને પણ મંજૂર ન હતું. એટલે તેમણે મેધાબહેનથી અંતર રાખ્યું. પણ સવાલ એ થાય કે મેધા પાટકર પાટીદાર અનામત જેવી માગણીને સમર્થન આપી શકે? અથવા સરકારના-મોદીના વિરોધ માટે થઈને, તેમના દ્વારા આવી માગણીને અપાનારું સમર્થન નજરઅંદાજ કરી શકે?

line

હાર્દિકના સાથીઓ નબળા સાબિત થયા?

હાર્દિક પટેલ તેમના સાથીઓ સાથે

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ તેમના સાથીઓ સાથે

ખેડૂતોની દેવામાફી હાર્દિકના ઉપવાસની ત્રણ માગણીઓમાંની એક હતી. બહારથી આવતા નેતાઓ ખેડૂત દેવામાફી કેટલી ઉમદા માગણી છે તેની વાતો કરતા હતા. પરંતુ આ દિવસોમાં દેવામાફી વિશે ફોડ પાડીને કશી વિગતો જાહેર કરાઈ નહીં કે કયા ખેડૂતોની કેટલા સમય જૂની લૉનની માફી અને તેની રકમ અંદાજે કેટલી.

આ એક એવી મહત્ત્વાકાંક્ષી માગણી હતી, જેનાથી આંદોલનને ટૂંકા રસ્તે જ્ઞાતિથી ઉપર ઉઠાવી શકાય. હાર્દિક ઉપવાસી અને અશક્ત હોય તો તેમના સાથીદારોએ આ માગણી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો, તેમાં લોકોનું કેટલું હિત છે એ સમજાવવાનો કે એ માગણી કેટલા લોકોને આવરી લે છે તે જણાવવાનો ખાસ કશો પ્રયાસ ન કર્યો.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના બીજા કયા હોદ્દેદારોના મનમાં આ માગણીની ગંભીરતા વસી હશે, એ પણ મહત્ત્વનો સવાલ છે.

વચ્ચે એકવાર સામેથી હૉસ્પિટલની સેવાઓ લીધા પછી સમાજના લોકો અને ખોડલધામ-ઉમિયાધામના અગ્રણીઓની સમજાવટથી હાર્દિકે ઉપવાસ છોડવાનું નક્કી કર્યું છે, ત્યારે તેમના ખાતે એકેય પૉઇન્ટ જમા થયેલો જણાતો નથી.

આમરણ કે લાંબી મુદતના ઉપવાસમાં એક તબક્કો એવો આવે છે જ્યારે ઉપવાસી પોતાની તબિયતની પરવા છોડીને ઉપવાસ આગળ વધારે અને તેને બચાવવાની ગરજ સરકારની થઈ પડે.

line

હાર્દિકનું આંદોલન નિષ્ફળ

હાર્દિક પટેલને મળવા પહોંચેલા જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલને મળવા પહોંચેલા જિજ્ઞેશ મેવાણી

ઉપવાસનો મામલો શારીરિક હોવા છતાં, માગણી સાથેના ઉપવાસ માનસશાસ્ત્રીય રમત જેવા હોય છે. તેમાં પહેલું કોણ ઝૂકે, તેની પરથી રમતનું પરિણામ નક્કી થાય છે.

ઉપવાસીની તબિયત લથડે, છતાં તે ઉપવાસ ન છોડે અને (ઇરોમ શર્મિલાની સાથે થતું હતું તેમ) સરકાર ઉપવાસીની ધરપકડ કરીને, તેના શરીરમાં નળીઓ નાખીને તેને પરાણે 'ખવડાવે', ત્યારે ઉપવાસીની જીત ભલે ન થાય, સરકારની નૈતિક હાર ચોક્કસ થાય છે.

આ જમાનામાં નૈતિક હારથી સરકારો ભોંયભેગી થઈ જતી નથી. છતાં, તેની થોડીઘણી અસર તો પડે છે.

હાર્દિકના ઉપવાસના પહેલા દિવસે સરકારે આપેલી ઘાંઘી પ્રતિક્રિયામાં સરકારની આવી હાર દેખાઈ હતી. પણ ત્યારથી ઉપવાસના અંત સુધીમાં સરકારને ભીંસમાં મૂકવામાં હાર્દિકને નિષ્ફળતા મળી છે.

'સમાજને તમારી બહુ જરૂર છે' અને 'જીવતા રહેવાશે તો ભવિષ્યમાં લડાશે' એવાં વિધાનો આશ્વાસન માટે બરાબર છે, પણ આમરણ ઉપવાસ આદરીને યુદ્ધના મેદાનમાં ખપી જવાની તૈયારી સાથે ઉતરેલા લોકો માટે તે બંધબેસતાં નથી.

થોડા દિવસ પહેલાં હાર્દિક પટેલે પોતાનું વસિયતનામું જાહેર કર્યું હોય અને અચાનક 'જીવીશું તો લડીશું' ની ફિલસૂફી સ્વીકારવા પર આવી જવું પડે, તેમાં સરકારની ભલે ન જીત, પણ હાર્દિકની નૈતિક હાર છે.

સરકાર સામેની મેચમાં ચૂંટણી અને આમરણ ઉપવાસ એમ બે રાઉન્ડ ગુમાવ્યા પછી હાર્દિક પટેલ પર ત્રીજા રાઉન્ડમાં સફળતા મેળવવાનું દબાણ પ્રચંડ રહેશે. સાથોસાથ, બે મોટાં અસ્ત્રો નિષ્ફળ ગયા પછી સરકાર સામે સફળતા મળે એવું ત્રીજું કયું અસ્ત્ર ઉગામવું, તેની મૂંઝવણ પણ ઓછી નહીં હોય.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો