હાર્દિક અને સરકાર વચ્ચેની મૅચમાં આ બાસ્કેટ બૉલ ખેલાડી કોની સાથે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
- લેેખક, મયુરીકા માયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
તમે બાસ્કેટ બૉલની રમત જોઈ હશે. બાસ્કેટ બૉલના ખેલાડીઓ સામાન્ય રીતે અન્ય રમતોના ખેલાડીઓ કરતાં ઊંચા અને મજબૂત કદ-કાઠી ધરાવે છે. એટલા માટે જ તે ભીડમાંથી અલગ તરી આવે છે.
ગુજરાતમાં હાલ ચાલી રહેલા હાર્દિક પટેલના ઉપવાસના ઓઠા હેઠળ પોતાનું રાજકારણ રમી લેવા માટે આવેલા વિવિધ પક્ષોના સંખ્યાબંધ રાજકીય નેતાઓની વચ્ચે બાસ્કેટ બૉલના એક ખેલાડી અલગ તરી આવ્યા.
બાસ્કેટ બૉલના આ ખેલાડી છે નરેશ પટેલ, જેમણે ઉપવાસના 14મા દિવસે હાર્દિકના મુલાકાત લીધી અને એ મુલાકાતની ગણતરીની મિનિટોમાં હાર્દિક પટેલ સારવાર સોલા સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા.
સૌરાષ્ટ્રમાં લેઉઆ પાટીદાર સમાજની માત્ર આસ્થા જ નહીં, સામાજિક શક્તિનું પણ કેન્દ્ર ગણાતા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ કોઈ રાજકીય નેતા નથી.
પરંતુ એ રાષ્ટ્રીય સ્તરના બાસ્કેટ બૉલના ખેલાડી રહી ચૂક્યા છે, એટલે બૉલને કેવી રીતે બાસ્કેટમાં નાખીને પૉઇન્ટ મેળવવા એ સારી રીતે જાણે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, નરેશ પટેલને બધા પોતાની ટીમમાં જ સમજે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
નરેશ પટેલે સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી, ત્યારે સરકારે એ વાતનો કોઈ રદિયો ન આપ્યો.
ભાજપના સી. કે. પટેલની મધ્યસ્થીનો અસ્વીકાર કરી ચૂકેલા હાર્દિક પટેલે પણ નરેશ પટેલની મધ્યસ્થી કોઈ પણ વિરોધ વિના સ્વીકારી લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નરેશ પટેલે પણ પોતે કઈ ટીમમાંથી રમી રહ્યા છે, તેની સ્પષ્ટતા કરવાને બદલે પોતે પાટીદાર સમાજની 'વિનંતી અને ચિંતા'ને માન આપીને હાર્દિકને મળવા આવ્યા હોવાનું જણાવ્યું.
હાલમાં પાટીદાર સમાજની સ્થિતિ મેદાનની ફરતે બેસીને મૅચ જોતા દર્શકો જેવી છે.

ખોડલધામ અને ગુજરાતનું રાજકારણ

ઇમેજ સ્રોત, Bipin Tankaria
ગુજરાતમાં ધર્મનો સમાજ પર અને સમાજનો રાજકારણ પર પ્રભાવ નોંધપાત્ર રહ્યો છે.
લેઉઆ પાટીદાર સમાજનો ગુજરાતના રાજકારણ પર પ્રભાવ ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના સમયથી છે.
કેશુભાઈ પટેલ ઉપરાંત વિઠ્ઠલ રાદડિયા, ગોરધન ઝડફિયા જેવા લેઉઆ પટેલ નેતાઓ ઉપરાંત આ સમાજના ઉદ્યોગપતિઓનો પણ ભારતીય જનતા પક્ષ અને ગુજરાતના રાજકારણમાં દબદબો હતો.
જોકે, કેશુભાઈ પટેલને સ્થાને મુખ્ય મંત્રી બન્યા બાદ પછી વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને બહુમતીથી ફરી વખત સત્તામાં લઈ આવેલા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્ઞાતિના રાજકારણના સમીકરણો બદલાયાં હતાં.
એમાં પણ ગોરધન ઝડફિયાએ વર્ષ 2005માં ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણ સમયે શપથવિધિ સમારંભમાં મંત્રીપદનો અસ્વીકાર કરીને પક્ષમાં રહેલા આંતરિક અસંતોષને જાહેર કરી દીધો.
એટલું જ નહીં, વર્ષ 2006માં ભાજપ છોડી દીધા બાદ ઝડફિયાએ 'મહાગુજરાત જનતા પાર્ટી' સ્થાપના કરીને વર્ષ 2009ની લોકસભા ચૂંટણીઓ અને વર્ષ 2010ની મ્યુનિસિપલ કૉર્પોરેશન્સની ચૂંટણીઓમાં પણ ભાજપના મત ઘટાડવાના પ્રયાસો કર્યા.
આ સમગ્ર ઘટનાક્રમ સમયે ખોડલધામનું નામ ગુજરાતમાં ખાસ જાણીતું નહોતું. વર્ષ 2010 પહેલાં રાજકોટ જિલ્લાના કાગવડ પાસે આવેલું ખોડલધામ લેઉઆ પાટીદાર સમાજનાં કુળદેવી ખોડિયારનું મંદિર માત્ર હતું.
વર્ષ 2008-09માં બનેલા ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક નરેશ પટેલે શરૂઆતથી જ ખોડલધામ એક બિનરાજકીય લેઉઆ પાટીદાર સમાજના સંગઠન હોવાની ઓળખ ઊભી કરી.
વર્ષ 2012માં 21 લાખ કરતાં વધુ લેઉઆ પાટીદારોને કાગવડમાં ખોડલધામ ખાતે એક જ સ્થળે એકઠાં કરીને વિશ્વવિક્રમ રચવાનો કાર્યક્રમ નરેશ પટેલના નેતૃત્વમાં યોજવામાં આવ્યો.

ઇમેજ સ્રોત, Bipin Tankaria
એ યાદ રાખવું જરૂરી છે કે, એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હતા.
કોઈ પણ રાજકીય નેતા એટલા નિર્દોષ નથી હોતા કે રાજ્યમાં એક જ સ્થળે 21 લાખની જનમેદની એકઠી થવાની હોય ત્યારે ત્યાં માત્ર હાજરી આપીને પણ રાજકીય લાભ મેળવી શકાય એવી સમજણ ન ધરાવતા હોય.
બિનરાજકીય સામાજિક સંગઠન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રચવામાં આવેલા આ કાર્યક્રમમાં મુખ્યમંચ પર એકમાત્ર રાજકીય નેતા કેશુભાઈ પટેલને 'પાટીદાર સમાજના મોભી' તરીકે સ્થાન આપવામાં આવ્યું.
એ કાર્યક્રમ ખોડલધામના પ્રભાવનું શક્તિ પ્રદર્શન હતું કે, લેઉઆ પાટીદાર સમાજની એકતા માપવાનો પ્રયાસ એ સમજવું વ્યક્તિગત સમજનો વિષય હોઈ શકે.
પરંતુ જાન્યુઆરી 2012માં યોજાયેલા એ કાર્યક્રમ બાદ ઑગસ્ટ 2012માં કેશુભાઈ પટેલે 'ગુજરાત પરિવર્તન પાર્ટી'ની સ્થાપના કરી.
એમના પક્ષમાં ગોરધન ઝડફિયાના રાજકીય પક્ષ 'મહાગુજરાત જનતા પાર્ટી'નું વિલીનીકરણ પણ થયું.
આ ઘટના બાદ ડિસેમ્બર 2012માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં માત્ર ચાર મહિના પહેલાં સ્થપાયેલા રાજકીય પક્ષ 'ગુજરાત પરિવર્તન પાર્ટી'ને બે બેઠકો મળી.
એટલું જ નહીં સંખ્યાબંધ બેઠકો પર પરિવર્તન પાર્ટીએ ભારતીય જનતા પક્ષની બેઠકોમાં ખાસ અસર પહોંચાડ્યા વિના પાટીદાર મતોનું વિભાજન કર્યું.
સૌરાષ્ટ્રની પાટીદારોના બહુમતી મતો ધરાવતી બેઠકો પર જોવા મળેલાં એ મત વિભાજન પાછળ માત્ર કેશુભાઈ પટેલના રાજકીય પ્રભાવને કારણે જ નહીં, પરંતુ ખોડલધામ દ્વારા જાન્યુઆરીમાં યોજાયેલા વિશ્વવિક્રમ રચવા માટે યોજાયેલા એ કાર્યક્રમની અસર પણ માની શકાય.
રાજકારણમાં ઘણી વખત 'કિંગ' બનવાને બદલે 'કિંગ મેકર' હોવું વધુ શક્તિશાળી અને અસરકારક મનાય છે.
પોતે 'કિંગ મેકર' છે એ બાબતની જાણ હોય ત્યારે, રાજકારણની બાસ્કેટ બૉલ મૅચમાં બૉલ કોણ છે અને કયા બાસ્કેટમાં એને નાખવાનો છે, એની રમત સરળ બને છે પણ દર્શકો માટે એ મૅચ રસપ્રદ બની રહે છે.

કોણ છે નરેશ પટેલ?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
નરેશ પટેલ લેઉઆ પાટીદાર છે. રાજકોટમાં જ જન્મ્યા અને ઉછર્યા છે. રાજકુમાર કૉલેજમાંથી અભ્યાસ કરનારા નરેશ પટેલ એક મોટા ઉદ્યોગપતિ છે.
ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી હોવા ઉપરાંત ઉદ્યોગપતિ તરીકે પણ તેમની સફળતા ઊડીને આંખે વળગે તેવી છે. તેમનો વ્યવસાય વિવિધ આકાર અને પ્રકારના બૉલબૅરિંગ બનાવવાનો છે.
તેમની ફૅક્ટરીમાં બનતા બૉલબૅરિંગ દુનિયાના 27 દેશોની એન્જિનિયરિંગ કંપનીઓ ઉપયોગમાં લે છે.
ખોડલધામ ઉપરાંત તે પોતાની 20 વર્ષ જૂની સેવાભાવી સંસ્થા ઉપરાંત રાજકોટની વિવિધ 11 સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.
છેલ્લાં 10 વર્ષથી નરેશ પટેલના અંગત મદદનીશ તરીકે કામ કરતા વિશાલ સાવલિયા કહે છે, "તેમની સામાજિક પ્રવૃત્તિ માત્ર લેઉવા પટેલ સમુદાય પુરતી માર્યાદિત નથી."
"તે અન્ય કોઈ પણ જ્ઞાતિનાં જરૂરતમંદને પણ મદદ કરે છે. પટેલ સમુદાયમાં તેમના નિર્વિવાદ વ્યક્તિત્વને કારણે તેમનું સ્થાન મહત્ત્વનું છે."
નરેશ પટેલ વિષે લખાયેલા પુસ્તક 'નરેશ પટેલ વિઝનનું ફ્યુઝન'નાં લેખક યશપાલ બક્ષી કહે છે, "તેમનો આ વ્યવસાય તેમના પિતાએ શરૂ કર્યો હતો. નરેશ પટેલ તેમના ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે, તેમને ત્રણ બહેનો પણ છે. તેમણે શાલીનીબહેન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યું છે. તેમની બે દીકરીઓ અને એક દીકરો છે. તેમની મોટી દીકરી કૉમર્શિયલ પાઇલટ છે. તેઓ સંયુક્ત પરિવારની ભાવના ધરાવે છે અને એ રીતે તેમની સામાજિક પ્રતિષ્ઠા છે."

નરેશ પટેલ અને રાજકારણ

ઇમેજ સ્રોત, Bipin Tankaria
પોતે બિનરાજકીય સામાજિક આગેવાન હોવાની છાપ જાળવી રાખીને નરેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ એમ ગુજરાતના બન્ને મુખ્ય રાજકીય પક્ષો સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખ્યા છે.
હાલ સત્તામાં શક્તિશાળી મનાતો ભાજપ પણ નરેશ પટેલના સામાજિક પ્રભાવ અને ક્ષમતાથી વાકેફ છે.
કાગવડમાં યોજાયેલા વર્ષ 2012ના લેઉઆ પટેલ સમાજના એ મેળાવડા બાદ નરેશ પટેલ પોતાના પદ અને કદથી બિલકુલ વાકેફ છે.
પોતાના એક વાક્યની અસર સામાજિક અથવા રાજકીય પરિપ્રેક્ષમાં શું થઈ શકે છે તે વિશે તે પૂરતા સજાગ અને સભાન છે. એટલે જ તેમના રાજકીય નિવેદનો પણ જોવા નથી મળતાં.
'ક્યારે, શું ન બોલવું' એ વિશેની પૂરતી જાગરૂકતાને કારણે નરેશ પટેલ પોતાના નિવેદનને કારણે ક્યારેય કોઈ રાજકીય વિવાદમાં ફસાયા નથી કે જેની તેમણે સ્પષ્ટતા કરવી પડે.
વર્ષ 2017માં જ્યારે હાર્દિક પટેલે જયારે ખોડલધામ ટ્રસ્ટનું 'ભગવાકરણ' થઈ ગયું છે તેવું નિવેદન આપ્યું હતું, ત્યારે તેમણે ટ્રસ્ટનાં ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.
અંતે પાટીદાર આગેવાનોની સમજાવટને મુદ્દે તેઓએ રાજીનામું પાછું ખેંચ્યું હતું.
તે કથિત રીતે કોંગ્રેસી વિચારધારા સાથે લાંબા સમયથી જોડાયેલા હોવાની છાપ હતી, પરંતુ ખોડલધામ ઊભું કર્યા બાદ કોઈ પણ પક્ષ સાથે જોડાયા વિના જ તેમનું રાજકીય વ્યક્તિત્વ મજબૂત બન્યું.
બક્ષીના જણાવ્યા અનુસાર, પાટીદાર અનામતને મામલે પોતાનું તટસ્થ વલણ જાળવી રાખનારા નરેશ પટેલ વર્ષ 2015માં એ આંદોલનમાં થયેલી હિંસા માટે જવાબદાર પોલીસ સામે પગલાં લેવાય તેના સમર્થનમાં છે.
બક્ષી કહે છે, "તેમની સામાજિક પ્રતિષ્ઠાને કારણે રાજકીય પક્ષોએ તેમની સાથે નિકટતા વધારી છે, જેથી તેમની સામાજિક પ્રતિષ્ઠાનો રાજકીય લાભ મેળવી શકે."
તેમણે વધુમાં કહ્યું, "તેમની સાફ વ્યક્તિ તરીકેની છબી છે. 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમના પુત્ર શિવરાજે જયેશ રાદડિયાના હરીફ ઉમેદવાર અને ખોડલ ધામના ટ્રસ્ટી રવિ આંબલિયાને ઉમેદવારને ટેકો આપ્યો હતો, ત્યારે તેમની સામે પ્રશ્નો ઊભા થયા હતા."
યશપાલ કહે છે, "તેમને આગાઉ ભાજપ અને કોંગ્રેસ બંનેએ 2017ની ચૂંટણીમાં ટિકિટ ઑફર કરી હતી પણ તેમણે તે સ્વીકારી નહોતી. તેમણે ક્યારેય પોતાના સામાજિક પ્રભાવનો રાજકીય લાભ નથી લીધો."

18 દિવસે હાર્દિકે પારણાં કર્યાં

પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવાં માફીની માગણી સાથે છેલ્લા 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે બુધવારે બપોરે પારણાં કરી લીધા. (વાંચવા માટે અહીં ક્લિક કરો.)
હાર્દિક પટેલને પારણાં કરાવવા માટે પાટીદારની છ સંસ્થાઓના અગ્રણીઓ પહોંચ્યા હતા.
હાર્દિકને ખોડલધામના નરેશ પટેલ, સી. કે. પટેલ અને ઉમાધામના પ્રહ્લાદ પટેલે પારણાં કરાવ્યા. હાર્દિકે ત્રણેય અગ્રણીઓના હાથે પાણી, લિંબુ પાણી અને નાળિયેર પાણી પીને પારણાં કર્યા હતા.
હાર્દિકે કહ્યું હતું કે 'જીવીશું તો લડીશું અને લડીશું તો જીતીશું'ના વડીલોના આગ્રહ બાદ તેમણે પારણાં કરવાનો નિર્ણય લીધો હતો.
હાર્દિકે ઉમેર્યું હતું કે 'અમારી માગો માટે વડીલો સરકાર સાથે ચર્ચા કરે અને તેમનાથી થાય તો સારું, અન્યથા ઘોડો છું, થાક્યો નથી.'
આ સમયે ભાજપના નેતા સી. કે. પટેલે કહ્યું હતું કે 'ગરીબની કોઈ જ્ઞાતિ નથી હોતી' અને 'સરકાર સુધી વાત પહોંચાડવા'ની વાત કહી હતી.
ખોડલધામના નરેશ પટેલે કહ્યું હતું કે 'હાર્દિક પટેલ ફરીથી મેદાનમાં આવે' તથા 'અલ્પેશ કથીરિયાને મુક્ત કરાવવા પ્રાથમિક્તા છે અને સમગ્ર સમાજ મળીને પ્રયાસ કરશે'ની વાત કહી હતી.
પ્રહ્લાદ પટેલે કહ્યું હતું તમે 'બે ટુકડા આપશો' તો તેનાથી સંતોષ નહીં થાય.

નરેશ પટેલની હાર્દિક સાથે મુલાકાત બાદ હવે શું?

ઇમેજ સ્રોત, facebook/Hardik Patel
હાર્દિક પટેલને મળ્યા બાદ નરેશ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે તે પાટીદાર સમાજના યુવાનોએ હાર્દિકની સ્થિતિ વિશે વ્યક્ત કરેલી ચિંતાને કારણે હાર્દિક પટેલને સારવાર લેવા માટે સમજાવવા આવ્યા હતા.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ઉમિયાધામ અને ખોડલધામ જેવી પાટીદાર ધાર્મિક સંસ્થાઓ સાથે મળીને સરકાર સમક્ષ હાર્દિકની માગણીઓ વિશે રજૂઆત કરશે.
એ સમયે બીબીસી સાથે વાત કરતા ભારતીય જનતા પક્ષના ગુજરાત એકમના પ્રવક્તા ભરત પંડ્યાએ નરેશ પટેલનું નામ લીધા વિના કહ્યું હતું, "જો ઉમિયાધામ અને ખોડલધામ સંસ્થાઓ સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થીનો પ્રસ્તાવ લઈને આવશે તો સરકાર ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર છે."
જોકે, ભાજપની સરકારે હજી સુધી કોઈ સંસ્થાને મધ્યસ્થી માટે બોલાવી નથી.
નરેશ પટેલે પણ સંસ્થાઓના માધ્યમથી સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી કરવાનું કહ્યા બાદ તેમના તરફથી પણ સરકાર સામે કોઈ ઔપચારીક રજૂઆત થઈ નથી.
ઝડપથી રમાતી બાસ્કેટ બૉલની મૅચમાં બૉલ કઈ ટીમના ખેલાડી પાસે છે, તે નક્કી કરવું દર્શકો માટે મુશ્કેલ બની જતું હોય છે.
એટલે ગુજરાતના પાટીદાર રાજકારણમાં દરેકની ટીમમાં હોવા છતાં એકલા રમી રહેલા નરેશ પટેલ કોની બાસ્કેટમાં બૉલ નાખીને કઈ ટીમને જીતાડશે એ જાણવા માટે તો વર્ષ 2019માં જ્યારે આ મૅચનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી રાહ જોવી રહી...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















