અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઘર ખરીદવું મુસ્લિમો માટે કેટલું મુશ્કેલ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
સાંકડી ગલીઓ, એકબીજાને અડોઅડ આવેલાં ઘર, ગંદા રસ્તા, જૂની ઇમારતો, ખાલીખમ મકાનો અને રસ્તા પર જ બનેલી નાની દેરીઓ - આ છે અમદાવાદનો શાહપુર વિસ્તાર. કાળુપુર વિધાનસભા મતક્ષેત્રમાં શાહપુર વિસ્તાર આવેલો છે.
કાળુપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બીબીસીને કહ્યું કે આ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમોની વસતિ લગભગ સરખેસરખી છે.
ધ ગુજરાત પ્રોહિબિશન ઑફ ટ્રાન્સફર ઑફ ઇમ્મૂવેબલ પ્રૉપર્ટીઝ ઍક્ટ એન્ડ પ્રોવિઝન ફૉર પ્રૉટેક્શન ઑફ ટૅનન્ટ્સ ફ્રૉમ ઇવિક્શન ફ્રૉમ પ્રિમાઇસીઝ ઇન ડિસ્ટર્બ્ડ એરિયાઝ (સ્થાવર મિલકતોની ફેરબદલી પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોમાંથી ભાડૂઆતોની હકાલપટ્ટી સામે રક્ષણ) એવું લાંબુંલચક નામ ધરાવતા કાયદાના દુરુપયોગને કારણે આ વિસ્તાર ગીચ બન્યો છે એમ સ્થાનિક લોકોને લાગે છે.
આ વિસ્તારની કોઈપણ મિલકતને વેચવા પર આ કાયદો લાગુ પડે છે, ખાસ કરીને હિંદુ અને મુસ્લિમ વ્યક્તિઓ વચ્ચે સોદો થાય ત્યારે. આ કાયદા હેઠળ સરકાર જે વિસ્તારને અશાંત જાહેર કરે તેમાં કલેક્ટરને મિલકતોના વેચાણનું નિયંત્રણ કરવાનો અધિકાર મળે છે.
કેટલાક કાર્યકરો અને સ્થાનિક લોકો કહે છે કે આ કાયદાના કારણે મુસ્લિમો માટે મકાન મેળવવું મુશ્કેલ બની ગયું છે. કોઈપણ અશાંત વિસ્તારમાં મુસ્લિમો મિલકત ખરીદી શકતા નથી.
અશાંત ધારા હેઠળ અમદાવાદના નવા 770 વિસ્તારોની યાદી જાહેર થઈ છે, તેમાં શાહપુરના 167 જેટલા વિસ્તારોનો સમાવેશ થઈ જાય છે. સમગ્ર રાજ્યમાં અશાંત ધારા હેઠળ પડતા વિસ્તારોની સંખ્યા આનાથી પણ મોટી છે.

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
કોમી રીતે અશાંત બનેલા વિસ્તારોમાં વેચાણ દસ્તાવેજોને નિયંત્રિત કરવા માટે આ કાયદો ઘડાયો હતો. અશાંત વિસ્તારની કોઈપણ મિલકતના માલિકીહક બદલતા પહેલાં તેના માટે કલેક્ટર પાસેથી વિશેષ મંજૂરી લેવી પડે છે.
અમદાવાદના પોળ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમોની મિશ્ર વસતિ ધરાવતા વિસ્તારોને અશાંત ધારા હેઠળ આવરી લેવાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં 100 વર્ષ જૂનાં મકાનો પણ છે. 'પોળ વિસ્તારમાં હિંદુઓ માટે મિલકતો ખરીદવી સહેલી છે, પણ મુસ્લિમો માટે મુશ્કેલ છે,' એમ કર્મશીલ કલીમુદ્દીન સિદ્દિકી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે.
સિદ્દિકી 'દલિત-મુસ્લિમ એકતા મંચ'ના સ્ટેટ કન્વીનર છે. ગુજરાતના મુસ્લિમ મહોલ્લામાં લઘુમતીના હકો માટે તેઓ કામ કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પૈસાપાત્ર મુસ્લિમો મિલકતોના બમણાં ભાવ આપવા તૈયાર હોય તો પણ તેમને મિલકત મળતી નથી.
"ખરીદનાર વ્યક્તિ કઈ કોમની છે તે જોયા પછી રિયલ એસ્ટેટ એજન્ટ મિલકતોના ભાવ નક્કી કરતા હોય છે," એવો દાવો સિદ્દિકીનો છે.
એક દાખલો આપતા તેઓ કહે છે, "અશાંત ધારામાં પડતા પોળ વિસ્તારમાં એક ઓરડાના મકાનનો ભાવ હિંદુઓ માટે પાંચ લાખ રૂપિયા છે, જ્યારે મુસ્લિમો માટે 10 લાખ રૂપિયા." જોકે, બમણો ભાવ આપવાની તૈયારી છતાં, મુસ્લિમોને અશાંત વિસ્તારમાં તેમની ઇચ્છા પ્રમાણેનું મકાન મળતું નથી.

મુસ્લિમો માટે મોંઘા મકાનો, હિંદુઓ માટે સસ્તા

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
45 વર્ષના મિતેશ શાહ પોળમાં રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ શાહપુરમાં મકાનો લે-વેચનું કામ કરે છે.
શાહપુરની અવનિકા સોસાયટીમાં હાલમાં જ એક પ્રૉપર્ટી ડીલ થઈ તેનું ઉદાહરણ તેમણે આપ્યું.
શાહ કહે છે કે તેમણે હિંદુ ગ્રાહક માટે 36 લાખમાં સોદો કરાવ્યો હતો. તેની સામે મુસ્લિમ ખરીદદાર પણ હતા, જે 70 લાખ રૂપિયા આપવા તૈયાર હતા.
છેલ્લાં 20 વર્ષથી એજન્ટ તરીકે કામ કરતા શાહ કહે છે કે પૈસાપાત્ર હિન્દુઓ, ખાસ કરીને સવર્ણ હિંદુઓ બીજા વિસ્તારમાં જતાં રહ્યાં છે, જ્યારે ગરીબ વર્ગના હિંદુઓ હજી પણ અશાંત વિસ્તારોમાં જ વસે છે.
શાહ કહે છે, "પૈસાદાર હિંદુઓ ગરીબ હિંદુઓને પોતાનાં મકાનો વેચીને પશ્ચિમ અમદાવાદમાં રહેવા જતાં રહ્યાં છે."
તેઓ કહે છે કે બજરંગ દળ અને વિહિપના કાર્યકરો પણ મકાનોની લે-વેચ પર નજર રાખે છે. તેથી હિંદુઓ પોતાનાં મકાનો મુસ્લિમોને વેચતા ડરે છે.
આ મુદ્દે શરિક લાલીવાલા કહે છે, "પોળ વિસ્તારમાં રહેતા અને પૈસાપાત્ર બનેલા મુસ્લિમો ઓછા ગીચ વિસ્તારમાં રહેવા ઇચ્છે છે. તેઓ મોટા ભાગે નવરંગપુરા અને પાલડીમાં રહેવા જવાનું પસંદ કરે છે,"

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
અમદાવાદમાં મુસ્લિમો અમુક જ મહોલ્લામાં સિમિત થઈ ગયા છે (ઘેટ્ટોમાં રહેવા લાગ્યા છે) તેના વિશે લાલીવાલાએ સંશોધન કરીને અહેવાલ તૈયાર કર્યો છે.
2011ની વસતિ ગણતરી પ્રમાણે રાજ્યમાં 58.46 લાખ મુસ્લિમો છે. રાજ્યની કુલ વસતિ 6 કરોડ ચાર લાખ જેટલી છે, તેમાંથી 5.35 કરોડ હિંદુઓ છે.
લાલીવાલાએ અભ્યાસ કરીને ઘણા લેખો ક્રિસ્ટોફર જૅફરલૉટ સાથે મળીને લખ્યા છે. અગ્રણી અખબારો અને પૉર્ટલ્સ પર તેમના લેખો પ્રગટ થયા છે.
બીબીસી સાથે વાતચીત કરતા તેમણે કહ્યું, 'હિંદુ કોમથી વિપરિત મુસ્લિમો પાસે રહેણાંક માટેના વિકલ્પો ઓછાં છે.
પરંપરાની રીતે તેમણે પોળ વિસ્તારમાં જ મકાન શોધવું પડે છે. નહીં તો પછી જુહાપુરા, રામોલ અને સરખેજ જેવા મુસ્લિમ ઘેટ્ટોમાં રહેવા જવું પડે છે."
તેઓ ઉમેરે છે, "મુસ્લિમો પાસે પોળની બહાર મકાનો માટે વિકલ્પો ઓછા હોય છે, તેથી પોળ વિસ્તારમાં મકાનોની માંગ વધારે છે."
કોઈ મુસ્લિમ હિંદુ મહોલ્લામાં મકાન ખરીદે, ત્યારે વિવાદ થાય કે તરત જ સ્થાનિક અખબારોમાં તે ચમકે છે.
અશાંત ધારા હેઠળના વિસ્તારમાં બધી જ મિલકતોને અને હિંદુ-મુસ્લિમ બંને ખરીદદારોને લાગુ પડે છે, પરંતુ તેની વધારે અસર મુસ્લિમો પર થાય છે તેવો દાવો સિદ્દિકીનો છે.

વિહિપિ અને મુસ્લિમ ખરીદદાર

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
ભૂતકાળમાં એવા પણ બનાવો બન્યા છે કે મુસ્લિમ કોઈક રીતે અશાંત વિસ્તારમાં મિલકત ખરીદી પણ લે, પણ તેનો કબજો તેના હાથમાં આવતો નથી.
ગુલઝાર મોમિનનો દાખલો ઉદાહરણ તરીકે સામે જ છે. 55 વર્ષના મોમિન પોતે રિયલ એસ્ટેટ એજન્ટ છે. શાહપુરના વનમાળીવાકાની પોળમાં તેમનું મકાન છે.
પોળમાં તેઓ એક માત્ર મુસ્લિમ છે. તેઓ કહે છે, "મેં મકાન ખરીદ્યું તે પછી તરત જ મારા પર વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ હુમલો કર્યો હતો."
મોમિન હવે આ મકાન વેચી દેવા માગે છે અથવા ભાડે આપવા માગે છે. તેમણે કહ્યું કે વિહિપના નેતાઓ તેમને આ મકાન કોઈ મુસ્લિમને વેચવા દેતા નથી.
મોમિન કહે છે કે સ્થાનિક પોલીસે આમા દરમિયાનગીરી કરી હતી, પણ કેટલાક વચેટિયાઓએ તેમને કહ્યું હતું કે તમે આ બાબતમાં ફરિયાદ ના કરશો.

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
તેમણે એવું પણ કહ્યું હતું કે મકાનનું પઝેશન તેમના હાથમાં હોવા છતાં, તેઓ આ વેચી શકતા નથી.
કાયદા હેઠળ સ્થાનિક વિસ્તારમાંથી કોઈ ત્રીજી વ્યક્તિ વાંધો લે તો પણ કલેક્ટર સોદો અટકાવી શકે છે.
મોમિન કહે છે, "આ જોગવાઈનો ઉપયોગ કરીને મારા જેવા લોકોને મકાન વેચતા અટકાવવામાં આવે છે."
બીજી બાજુ વિહિપના મહામંત્રી અશ્વિન પટેલ કહે છે, "એક મુસ્લિમ વિસ્તારમાં આવી જાય, પછી બીજા પણ આવી જાય છે. અમે નથી ઇચ્છતા કે તેવું થાય. પ્રોપર્ટી હિંદુને વેચી દેવામાં આવે તો અમને વાંધો નથી."
અશ્વિન પટેલ કહે છે કે મુસ્લિમોની ખાણીપીણી અને જીવનશૈલી હિંદુઓ કરતાં જુદી છે.
પટેલ કહે છે, "તે લોકો હિંદુ વસતિ માટે પરેશાની ઊભી કરે છે. સોસાયટીમાં એક મુસ્લિમને મકાન આપો એટલે બીજા મુસ્લિમો પણ ખરીદવા લાગે છે. છેવટે હિંદુઓએ સોસાયટી ખાલી કરીને બીજે રહેવા જતું રહેવું પડે છે,"
વિહિપના ભૂતપૂર્વ નેતા પ્રવીણ તોગડિયા માને છે કે ગુજરાતમાં આવા કાયદાની જરૂર છે.
તેઓ કહે છે, "આ કાયદાનું પાલન થવું જોઈએ. પણ ઘણાં હિંદુઓની ફરિયાદ છે કે રાજ્ય સરકાર તેનો બરાબર અમલ કરતી નથી. તેના કારણે ઘણા વિસ્તારોમાં મુસ્લિમોની વસતિ વધી રહી છે."

છુપા ખરીદદાર

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
એવા પણ દાખલા છે કે મુશ્કેલીમાં રહેલા મુસ્લિમોએ પોતાનાં હિંદુ મિત્રની મદદથી મિલકત ખરીદી હોય.
ઈમરાન નાગોરીના કુટુંબમાં તેઓ ચાર ભાઈઓ હતા. કુટુંબ મોટું થયું તે પછી તેમને પોતાનું મકાન ખરીદવું હતું.
તેઓ કહે છે, "મારા નામે મિલકત ખરીદવી મુશ્કેલ હતી. તેથી મેં મારા હિંદુ મિત્રના નામે મિલકત ખરીદી હતી."
નાગોરીએ હિંદુ મિત્રના નામે 32 લાખ રૂપિયામાં અવનિકા સોસાયટીમાં મકાન ખરીદ્યું હતું.
નાગોરી કહે છે, "પડોશીઓને જ્યારે ખબર પડી કે મકાનના પૈસા મેં ચૂકવ્યા છે, ત્યારે વિવાદ થયો હતો. મને પોલીસે પણ હેરાન કર્યો હતો."
32 લાખ રૂપિયા ચૂકવ્યા પછીય નાગોરીને મકાનમાં રહેવા મળ્યું નથી. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "પડોશીઓના દબાણના કારણે હું મારી મિલકત મુસ્લિમને વેચી શકતો નથી. જોકે, હું હિંદુને મકાન વેચી શકું છું, પણ તે માટે મને સાવ મામૂલી રકમ ઑફર થઈ રહી છે."
આ વિસ્તારના અન્ય એક મુસ્લિમ યુવાને પોતાનું નામ નહીં આપવાની શરતે અમારી સાથે વાત કરી હતી. તેમણે પણ હિંદુ મિત્રના નામે મિલકત ખરીદવાની કોશિશ કરી હતી. વિહિપના કાર્યકરોને તેની જાણ થઈ, ત્યારે તેઓએ હુમલો કર્યો હતો.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "મેં પોલીસ ફરિયાદ નહોતી કરી. જોકે, આ હુમલા પછી મેં આ વિસ્તારમાં મકાન ખરીદવાનું માંડી વાળ્યું."

કોમ વચ્ચે સંવાદનો અભાવ

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
આવી સ્થિતિમાં અશાંત ધારાને કારણે હિંદુ અને મુસ્લિમો વચ્ચે ખાઈ ઊભી થઈ હોય તેવી સ્થિતિ છે.
બીબીસી સાથે વાતચીત કરતા જાણીતા મુસ્લિમ બુદ્ધિજીવી હનિફ લાકડાવાલાએ કહ્યું કે બંને કોમ વચ્ચે સંવાદ સાવ અટકી પડ્યો છે.
તેઓ ઉમેરે છે, "જુહાપુરામાં રહેતા કિશોરને વસ્ત્રાપુર કે નારણપુરામાં રહેતા કિશોર વિશે કશી જ જાણ નથી.
તેમની વચ્ચે સાંસ્કૃત્તિક રીતે કોઈ આદાનપ્રદાન ના થાય તેવી જ કોશિશ થાય છે. સેક્યુલર હોવાનો દાવો કરતા ભારત જેવા દેશ માટે આ બહુ ખતરનાક સ્થિતિ છે એમ તેમને લાગે છે."
કર્મશીલ શબનમ હાશમીએ બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું કે ભારતના મુસ્લિમોએ મોહમ્મદ અલી ઝીણાને બદલે મહાત્મા ગાંધી અને નહેરુને પસંદ કર્યા હતા, કેમ કે તેઓ સેક્યુલર દેશમાં રહેવા માગતા હતા.
હાશમી ઉમેરે છે, "આ કાયદાને કારણે કોમ-કોમ વચ્ચે સંવાદ અટક્યો છે અને દેશની કોમી સંવાદિતા ખરડાઈ છે, ખાસ કરીને 2002ના તોફાનો પછી. તેના કારણે બંને કોમમાં ઘેટ્ટો બનવા લાગ્યા છે. ઘેટ્ટોમાં બંને કોમના ધાર્મિક રૂઢિચૂસ્તોને તક મળી જાય છે કે તેઓ યુવાનોને ગેરમાર્ગે દોરે અને એક બીજાને ધિક્કારવાનું શીખવે."

અશાંત ધારા સામે અરજી

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
સ્થાનિક કર્મશીલ અને અરજદાર ડેનિશ કુરેશીએ ગુજરાત હાઈકોર્ટમાં અશાંત ધારાને પડકાર્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં આ મામલો હાલમાં પેન્ડિંગ છે. બીબીસી સાથેની વાતચીતમાં કુરેશી કહે છે કે મુસ્લિમોએ જૂનાં મકાનોમાં રહેવું પડે છે.
તેઓ ઉમેરે છે, "વસતિ વધે તે સાથે મકાનોની જરૂરિયાત પણ ઊભી થાય. મુસ્લિમોમાં મકાનની જરૂર ઘણી છે અને તેની સામે બહુ ઓછા મકાનો ઉપલબ્ધ છે. તેના કારણે અમારી સામે સમસ્યા ઊભી થાય છે."
"નાગરિક તરીકે ગમે ત્યાં મિલકત ધરાવવાનો અને રહેવાનો મને અધિકાર છે. પરંતુ આ ધારો બંને કોમની પસંદગી મર્યાદિત કરે છે."

કર્મશીલોની દૃષ્ટિએ કાયદો બિનજરૂરી

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
આ અશાંત ખરડો 1986માં દાખલ થયો હતો. હિંદુ અને મુસ્લિમો વચ્ચે રમખાણ પછી ચીમનભાઈ પટેલની સરકારે 1991માં ખરડો પસાર કર્યો હતો.
અશાંત ધારા પ્રમાણે અશાંત જાહેર થયેલા વિસ્તારમાં મિલકતો વેચતા પહેલાં કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી છે.
જોકે, દર પાંચ વર્ષે નવું જાહેરનામું બહાર પાડવાનું હોય છે. 26 જૂન, 2018માં સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું તેમાં નવા વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
નવા જાહેરનામા પ્રમાણે 2023 સુધી 770 વિસ્તારો અશાંત ધારા હેઠળ રહેશે. આ વિસ્તારમાં મિલકતો વેચનારાએ કલેક્ટર પાસેથી મંજૂરી લેવાની રહેશે.
મંજૂરી વિના વેચાયેલી મિલકતને કબજે લેવાનો પણ કલેક્ટરને અધિકાર મળેલો છે.
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે બીબીસી સાથે આ મુદ્દે વાતચીત કરી. તેમણે કહ્યું, "આ વિસ્તારોમાં કોમી તોફાનોના બનાવોને ધ્યાનમાં રાખીને સરકારે અશાંત ધારો ત્યાં લાગુ કરવાનું નક્કી કર્યું છે."
તેમનું કહેવું છે કે આ કાયદાના સકારાત્મક પરિણામો આવ્યા છે, કેમ કે આ વિસ્તારોમાં રમખાણના કોઈ બનાવો બન્યા નથી.
જોકે, કર્મશીલો મુખ્ય સચિવની વાત સાથે સહમત થતા નથી. ડેનિશ કુરેશી કહે છે સરકાર એમ માનતી હોય કે કાયદાના સકારાત્મક પરિણામો આવ્યા છે તો તે બહુ દુખદ છે.
તેમનું કહેવું છે, "કાયદો છેક 1991થી અમલમાં છે અને તેમ છતાં 2002નાં ગમખ્વાર રમખાણો આપણે જોયા છે."
અન્ય કર્મશીલ કલીમુદ્દીન કહે છે કે અશાંત ધારા પાછળ એક જ ઉદ્દેશ છે અને તે છે મુસ્લિમોને શહેરના મુખ્ય વિસ્તારોથી દૂર રાખવા.
કાળુપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું,''આ કાયદાને કારણે મિલકતો વેચનારા લોકોના સમય અને નાણાં કલેક્ટર કચેરીએ તથા પોલીસ સ્ટેશનમાં મંજૂરી માટે વેડફાય છે.
એવા પણ દાખલા છે કે લોકોએ કામ ઝડપથી થાય તે માટે અધિકારીઓને પૈસા પણ આપવા પડ્યા હોય.''

અશાંત ધારામાં ઝડપી કામગીરીઃ કલેક્ટર

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
જાન્યુઆરી 2015થી જૂન 2018 સુધીમાં અમદાવાદ કલેક્ટર કચેરીને અશાંત ધારા હેઠળ 20,408 અરજીઓ મળી હતી. તેમાંથી 19,904 અરજીઓને મંજૂરી આપી દેવાઈ છે, જ્યારે 275ને નકારી દેવાઈ છે.
બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કલેક્ટર વિક્રમ પાંડેએ કહ્યું કે કોઈ મિલકત દબાણમાં નથી વેચાતી તે જોવાની તેમની જવાબદારી છે. સાથે જ તેઓ સુનાવણી કરી દરેક અરજીનો સમયસર નિકાલ આવે તેવી કોશિશ કરે છે.
કલેક્ટર કચેરી પ્રોપર્ટીના દસ્તાવેજો ચકાસે છે અને ખરીદનાર તથા વેચનાર બંનેની ખરાઈ કરે છે. સાથે જ સ્થાનિક પોલીસનું 'નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ' પણ જોવામાં આવે છે. ત્યારબાદ સુનાવણી કરી અરજીનો નિકાલ લાવવામાં આવે છે.
જોકે, કર્મશીલો અને અભ્યાસુઓ જણાવે છે કે આ આંકડા કંઈક બીજી જ સ્થિતિ દર્શાવી રહ્યા છે. સિદ્દિકી કહે છે કે માત્ર રાજકીય વગ ધરાવતા અને લાંચ તરીકે મોટી રકમ આપી શકનારા લોકો જ અરજીઓ લઈને કલેક્ટર કચેરીએ જાય છે.
તેઓ કહે છે, "ઘણાં મુસ્લિમો મિલકતો ખરીદવા તૈયાર હોય છે, પણ તેઓ ખરીદી શકતા નથી. કેમ કે તેઓ કલેક્ટર કચેરીએ જવા તૈયાર હોતા નથી."

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
ડેનિશ કુરેશી આક્ષેપ કરે છે કે હિંદુઓને પણ કલેક્ટરને મળવા દેવાતા નથી.
તેમનું કહેવું છે, "જેવો કોઈ ખરીદનાર કલેક્ટર કચેરીએ પહોંચે કે જમણેરી તત્ત્વો તેમના ઘરે પહોંચીને ધમકાવે છે અને મુસ્લિમોને મકાન ના વેચવા માટે દબાણ કરે છે."
જોકે, સંશોધક શરિક લાલીવાલા કહે છે કે 275 અરજીઓ નકારી દેવામાં આવી તે પણ મોટો આંકડો છે.
ખાડિયાના અગ્રણી મુસ્લિમ એડવોકેટ વાસિમ અબ્બાસી અશાંત વિસ્તારમાં આવેલી મિલકતોના કેસ લડે છે.
તેઓ કહે છે કે શાહપુરમાં અડધોઅડધ મકાનો 'પાવર ઑફ એટર્ની'થી વેચવામાં આવે છે.
તેઓ કહે છે, "વેચનારા અને લેનારા બેમાંથી એકેય ક્યારેય કલેક્ટર કચેરી સુધી જતાં નથી, કેમ કે તેના કારણે પોલીસ સ્ટેશનની અને રેવેન્યૂ વિભાગની માથાકૂટ વધે છે."
મંજૂરી મેળવવા માટે કલેક્ટર કચેરીએ અરજી આપવી પડે છે.
બાદમાં ત્યાંના અધિકારી સ્થાનિક પોલીસ પાસેથી અભિપ્રાય માગે છે. પોલીસનો અભિપ્રાય મળે તે પછી સુનાવણી કરવામાં આવે છે અને કશું વાંધાનજક ના હોય તો મંજૂરી આપવામાં આવે છે.
અન્ય એક અગ્રણી વકીલ પોતાનું નામ ના આપવાની શરતે બીબીસીને કહે છે કે મોટી મિલકત વેચવાની હોય તો પોલીસમાં અને કલેક્ટર કચેરીમાં એક લાખ રૂપિયા સુધીની લાંચ આપવી પડે છે.

હિંદુ ઉદ્દામવાદીઓ દ્વારા ધારાનો દુરુપયોગ

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
શાહપુર વિસ્તારના એક મુસ્લિમ રિયલ એસ્ટેટ એજન્ટે બીબીસીને જણાવ્યું કે વિહિપ અને બજરંગ દળના સભ્યોનું અશાંત વિસ્તારમાં નેટવર્ક હોય છે. તેના દ્વારા તેઓ હિંદુ અને મુસ્લિમો વચ્ચે થતી પ્રૉપર્ટી ડીલ પર નજર રાખે છે.
વિહિપના નેતા અશ્વીન પટેલ પણ કહે છે કે તેમના કાર્યકરો પ્રૉપર્ટી ડીલ પર નજર રાખે છે અને હિંદુ સોસાયટીમાં કોઈ મુસ્લિમ મકાન ના ખરીદી લે તેની કાળજી લે છે.
અશાંત ધારામાં ત્રાહિત વ્યક્તિ પણ પોલીસ કે કલેક્ટરને વાંધા અરજી કરી શકે છે. જોકે, સ્થાનિક લોકોનો દાવો છે કે તેનો દુરુપયોગ થાય છે.
એક સ્થાનિક એસ્ટેટ એજન્ટે બીબીસીને જણાવ્યું, "આ જોગવાઈનો હિંદુ ઉદ્દામવાદીઓ દુરુપયોગ કરે છે. વેચાણ સામે વાંધા અરજી કરીને કોઈ પણ સોદો થવા દેતા નથી."
કેટલાક મુસ્લિમ ખરીદદારોનો આક્ષેપ છે કે સોદો કરવા માટે વિહિપના કાર્યકરો મોટી રકમની માંગણી કરતા હોય છે. જોકે, પટેલ આવા આક્ષેપોને નકારી કાઢે છે.

શું છે અશાંત ધારો

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
આ કાયદો 1991માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પસાર થયો હતો.
આ કાયદા વિશે વાત કરતા વકીલ શમસાદ પઠાણ કહે છે કે અમદાવાદમાં 1986-87માં રમખાણો થયા તે પછી હિંદુઓ પોળ વિસ્તાર ખાલી કરીને જતા ના રહે તેવો ઉદ્દેશ આ કાયદા પાછળ હતો.
આ કાયદા પ્રમાણે મિલકતો વેચતા પહેલાં કલેક્ટરની મંજૂરી જરૂરી છે.
તેઓ કહે છે, "વેચાણ દસ્તાવેજોની ચકાસણી અને પોલીસ અભિપ્રાયના આધારે કલેક્ટર મંજૂરી આપતા હોય છે, જેથી કોઈ મિલકત પરાણે ખરીદી લેવામાં ના આવે."
આ ધારો માત્ર જાહેરનામામાં અશાંત જાહેર થયેલા વિસ્તારોમાં જ લાગુ પડે છે.
કાયદામાં કરાયેલી વ્યાખ્યા પ્રમાણે સરકાર એવા કોઈપણ વિસ્તારને, કે જ્યાં લાંબા સમય સુધી તોફાનો કે ટોળાંની હિંસાને કારણે અશાંતિ રહી હોય, તેને અશાંત વિસ્તાર જાહેર કરી શકે છે.
કાયદા હેઠળ નવું જાહેરનામું જૂન 2018માં બહાર પડાયું છે.
તેમાં રાજ્યના કેટલાક નવા વિસ્તારોને પણ અશાંત વિસ્તાર જાહેર કરીને અશાંત ધારા હેઠળ આવરી લેવાયા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














