શા માટે 15 વર્ષની ઉંમરે જ આ કિશોરીને ગર્ભાશય કઢાવી નાખવું છે?

- લેેખક, નતાશા લિપમેન અને ક્રિસ્ટી બ્રૂઅર
- પદ, બીબીસી સ્ટોરીઝ
પિરિયડ શરૂ થયા તે ઉંમરથી જ એલિઝાબેથ મનોમન આત્મહત્યાના વિચારો કરવા લાગી હતી.
આખરે 42 વર્ષની ઉંમરે ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું અને તેને રાહતનો અનુભવ થયો.
એલિઝાબેથ અને તેમની દીકરી ગ્રેસ, જેની ઉંમર 15 વર્ષની છે, તેને પણ એવી જ પ્રિમેન્સ્ટ્રૂએલ સિન્ડ્રોમની તકલીફ હતી.
જીવનભર પીડાવું પડે તેવી હોર્મોનની આ ગરબડમાંથી ગ્રેસને બચાવવા માટે મા-દીકરી બંને શા માટે તૈયાર થયાં તે અહીં તેઓ સમજાવી રહ્યાં છે.
15 વર્ષની ઉંમરે જ ગ્રેસે નક્કી કરી લીધું છે કે પોતે સંતાનોને જન્મ નહીં આપે. તેને અફસોસ છે કે તેની મમ્મીએ તેવો નિર્ણય લીધો નહોતો.
મા-પુત્રી બંનેને સિવિયર પ્રિમેન્સ્ટ્રૂઅલ સિન્ડ્રોમ (PMS) છે, જેના કારણે તેમણે ચિંતા, ગુસ્સો, અસ્વસ્થતા અને અસહ્ય શારીરિક પીડા થાય છે.
ગ્રેસ કહે છે, "મારી માતાએ મને એ આપ્યું છે, જેની સાથે મારે 40 વર્ષ સુધી પીડાવાનું છે."
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની ત્રીજી પેઢી તે હશે, જેણે હિસ્ટેરેક્ટમી (ગર્ભાશય)નું ઓપરેશન કરાવ્યું હોય.
જોકે, તે તેની માતા અને નાનીની જેમ 30 કે 40 વર્ષની ઉંમરે નહીં પણ અત્યારે કિશોરાવસ્થામાં જ કરાવી લેવા માગે છે.
તેના પિરિયડ્સ શરૂ થયા ત્યારથી જ ગ્રેસની વિમાસણ વધવા લાગી છે અને તેને વારંવાર "હતાશા, રોષ અને થાકી ગયાની" લાગણી થાય છે.
શાળામાં જવું તેના માટે મુશ્કેલ બની રહ્યું છે. અત્યારે તે ગમે તેમ કરીને સહન કરી રહી છે પણ તે આ સ્થિતિ વીતી જાય તેટલાં વર્ષો રાહ જોવા માગતી નથી.
તે કહે છે, "પિરિયડ આવવાની તૈયારી હોય ત્યારે હું શાળામાં ધ્યાન કેન્દ્રીત કરી શકતી નથી. હું રોષમાં હોઉં ત્યારે મને લાગે છે કે કોઈ મને સમજી શકતું નથી."
"કોઈ બીજાને આવો અનુભવ થતો નથી એટલે મને લાગે છે કે હું એકલી પડી ગઈ છું."
તેને ચિંતા હોય છે પિરિયડ વખતના સમયની, છતાં તે ઇચ્છતી હોય છે કે જલદી આવી જાય તો સારું.

તે કહે છે, "પીડાને જાણે બલૂનમાં ભરી રાખવા જેવું તે હોય છે. તેના કરતાં તેને ફોડી નાખું એમ થાય."
"જોકે, ખરેખર પછી પિરિયડ આવે ત્યારે હું ભાગ્યે જ કોઈ કામ કરી શકું છું."
ગ્રેસના પિરિયડ ઘણીવાર લાંબા ચાલે છે અને એટલા ભારે હોય છે કે ઘણી વાર ક્લાસની વચ્ચે જ તેને સેનેટરી પૅડ ચેન્જ કરવા જવું પડે છે.
તે કહે છે, "આઠ આઠ કપડાં લગાવ્યા હોય તોય રોકાય નહીં અને વીસેક મિનિટમાં ફરી ચાલુ થઈ જાય."
બ્લિડિંગ કરતાંય તેની સાથે જોડાયેલી શરમ અને સંકોચની લાગણી તેને હચમચાવી નાખે છે અને તે ગુસ્સામાં આવીને ક્રોધ કરવા લાગે છે.
તે કહે છે, "મને લાગે કે જાણે હું મને નિરાશ કરી રહી છું. હું રડવા લાગું છું અને એટલી શરમ આવે છે કે મૂંઝાઈ જાઉં છું."
તેમને ફેમિલિ ડૉક્ટરને બતાવ્યું ત્યારે તેમણે 13 વર્ષની ઉંમરે જ તેને કોન્ટ્રાસેપ્ટિવ ગોળી લેવાનું કહ્યું હતું.
જોકે, તેના હાઇડોઝના કારણે તે વધારે ઉગ્ર બની ગઈ હતી.
ગ્રેસ કહે છે, "તેના કારણે અમારા બધાની જિંદગી હરામ થઈ ગઈ હતી."
તેનો પાંચ વર્ષનો ભાઈ ત્યારે તેને ચીસો પાડતી જોઈને ગભરાઈ જતો હતો.
તે બૂમાબૂમ કરે અને મમ્મીને મારવા લાગે ત્યારે તે ગભરાઈને દાદરા નીચે ભરાઈ જતો હતો.
એલિઝાબેથ કહે છે, "ગ્રેસ ખરાબ સ્થિતિમાં હોય ત્યારનું તેનું વર્તન, હું આશા રાખું કે તે મોટો થઈને યાદ ના રાખે, કેમ કે ત્યારે તે બહુ જ ડરામણી લાગતી હતી."
એક વાર ઘરના સૌ જમવા બેઠા હતાં અને કોઈએ ગ્રેસને બેઠક બદલવા કહ્યું ત્યારે શું થયું હતું તે એલિઝાબેથને યાદ છે.
એલિઝાબેથ કહે છે, "તેના કારણે તેનું મગજ બરાબરનું છટક્યું હતું અને થોડી જ વારમાં બાથરૂમમાં તોડફોડ કરી નાખી હતી."
તેને આઘાત લાગ્યો હતો કે તેની દીકરી આવી નહોતી. તે મીઠડી હતી પણ પીલને કારણે તેનામાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધી રહ્યું હતું.
એલિઝાબેથ કહે છે કે મા-દીકરી બંને તેના તરફ હાઇપર સેન્સિટિવ છે પણ ફેમિલિ ડોક્ટરને તે ખ્યાલ નહોતો રહ્યો કે કેટલી આડઅસર થશે.
ગ્રેસને સાઇકાયટ્રિસ્ટ પાસે લઈ જવાઈ ત્યારે તેમણે એન્ટિ-સાયકોટિક દવાઓ આપી.
તેના ગુસ્સાને શાંત પાડવાનો ઇરાદો હતો જેથી ક્રિસમસ પસાર થઈ જાય.
જોકે, સ્થિતિ વધારે ખરાબ થઈ અને એલિઝાબેથે ગ્રેસને દાખલ કરી દેવા માટે વાત કરવી પડી.
એલિઝાબેથ કહે છે, "અમે તેને પ્રેમ નહોતા કરતા કે તેની સંભાળ નહોતા લેતા એવું નહોતું પણ સૌની સલામતી માટે તેમ કરવું જરૂરી હતું."

જોકે, તેને કાયમ એવી શંકા જતી હતી કે તેની દીકરીની મુશ્કેલી તેની મેન્સ્ટ્રુઅલ સાઇકલ સાથે સંકળાયેલી છે.
તેમને રૅડિયો પર એમ જ પ્રિમેન્સ્ટ્રુઅલ ડાયસ્ફોરિક ડિસોર્ડર (PMDD) વિશે સાંભળવા મળ્યું ત્યારે તેમને સમજાયું કે આ બધાં જ લક્ષણો ગ્રેસને લાગુ પડે છે અને પોતાને પણ.
PMDDની સારવાર કરનારા ડોક્ટરને તેમણે શોધ્યા અને હવે ગ્રેસને બાયો આઇડેન્ટકીલ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT)ની સારવાર આપવામાં આવી રહી છે.
આ થેરપીને વધુ કુદરતી એવી હોર્મોન થેરપી ગણવામાં આવે છે, કેમ કે તેમાં માનવ શરીરમાં હોય તેવા જ હોર્મોન્સનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સારવારને કારણે ગ્રેસને ફાયદો થઈ રહ્યો છે. ગ્રેસને લાગે છે કે જો તેની મમ્મીએ રૅડિયો પર સાંભળીને તેમની મુશ્કેલીઓ વિશે જાણ્યું ના હોત તો તેણે ઘર છોડીને જવું પડ્યું હોત.
PMDDના કારણે પોતાની દીકરીનું જીવન કેવું કપરું થશે તે એલિઝાબેથ સમજી શકે છે કેમ કે તેઓ પોતે તેમાંથી પસાર થયાં હતાં.
એલિઝાબેથ કહે છે, "હું 14 વર્ષની હતી ત્યારથી મારા હોર્મોન્સને કારણે હું મુશ્કેલીમાં મૂકાઇ ગઈ હતી."
તે કિશોરી હતી ત્યારે તેને પણ પીલ આપવામાં આવી હતી, તેના કારણે બ્લિડિંગ તો બંધ થયું હતું, પણ સાયકોલોજિક સિમ્પટમ્સ બંધ નહોતા થયાં.
એલિઝાબેથને પ્રથમ વાર પિરિયડ આવ્યા ત્યારથી તેને પણ આત્મહત્યા કરવાના વિચારો ઘેરવા લાગ્યા હતા.
તેઓ કહે છે, "હું વીસીમાં અને ત્રીસી પ્રવેશી ત્યારે મને ખ્યાલ આવ્યો કે હજી અડધી જિંદગી મારે આ રીતે કાઢવાની છે, ત્યારે હું બહુ ગભરાતી હતી."
"હું હવે મારી દીકરીને પણ તે જ સ્થિતિમાંથી પસાર થતી જોઈ રહી છું."

એલિઝાબેથ 42 વર્ષનાં થયાં ત્યારે તેમના ગર્ભાશયના ઓપરેશન પછી તેમને હોર્મોનની સમસ્યામાંથી મુક્તિ મળી હતી.
મેનોપોઝ પછી તેમને પેડુમાં ભારે દુખાવો પણ થવા લાગ્યો હતો.
તેઓ કહે છે, "ઘણી વાર એવું માનવામાં આવે છે કે તમારું ગર્ભાશય કાઢી નાખવામાં આવે તો તમે નારી છો તેવો અહેસાસ જતો રહે છે."
"જોકે, હું તો તેનાથી છુટકારો મેળવીને રાહત જ અનુભવી રહી છું."
એલિઝાબેથની મધરને પણ આ જ સમસ્યા હતી અને તેમણે પણ 35 વર્ષની ઉંમરે ગર્ભાશયનું ઓપરેશન કરાવવું પડ્યું હતું.
બાયોઆઇડેન્ટિકલ HRT પેચીસ આપવાને કારણે ગ્રેસને થોડી રાહત મળી છે પણ તેનાથી તે તદ્દન સારી થઈ ગઈ નથી.
એલિઝાબેથ કહે છે, "મને લાગે છે કે ગ્રેસ કાયમ માગણી કર્યા કરશે કે તેનું ગર્ભાશય દૂર કરવામાં આવે."
રૉયલ કૉલેજ ઑફ ઑબ્સ્ટેટ્રિશ્યન્સ એન્ડ ગાયનેકૉલૉજિસ્ટ્સની ગાઇડલાઇનમાં જણાવાયું છે કે સિવિયર PMSથી પીડાતી મહિલાને હિસ્ટેરેક્ટમિથી ફાયદો થાય છે.
જોકે, ગ્રેસ ગર્ભાશય કઢાવવાની માગણી કરે છે તેને હજી સુધી કોઈએ ગંભીરતાથી સમર્થન આપ્યું નથી.
તે મોટી થશે એટલે તેનો વિચાર બદલાઈ જશે એમ ડોક્ટરો કહેતા હોવાનું એલિઝાબેથ કહે છે.
જોકે, ગ્રેસ તે વાતને એ રીતે જોતી નથી: "હું સંતાનો નથી ઇચ્છતી કેમ કે હું જેમાંથી પસાર થઈ તેમાંથી તેઓ પસાર થાય તે હું નથી ઇચ્છતી."
ગ્રેસ પોતાના પર રોષ વ્યક્ત કરે છે પણ એલિઝાબેથ તે માટે તેને દોષ દેવા માગતાં નથી.
"શું મેં જાણી જોઈને કોઈને આવી મુશ્કેલીમાં મૂકવાનું પસંદ કર્યું હોત? બિલકુલ નહીં."
પણ તેવી ઇચ્છા કરવાનું તેને ગમત કેમ કે તેમ કર્યું હોત તો ગ્રેસ જન્મી જ ના હોત.

એલિઝાબેથ માટે પણ હિસ્ટેરેક્ટમી મુશ્કેલ હતું અને આજે તેમની દીકરી ગ્રેસ માટે તે એક મોટી લડત બની ગઈ છે.
પરિવારના બીજા સભ્યો પણ તેની વિરુદ્ધમાં છે. તેઓ કહે છે કે ઓપરેશન માટે ગ્રેસ હજી બહુ નાની છે.
જોકે, એલિઝાબેથ જાણે છે કે માનસિક વિડંબણા કેટલી મુશ્કેલ હોય છે. તેના કારણે જ તેઓ પોતાની દીકરી માટે લડત આપવા તૈયાર થયાં છે.
તેઓ કહે છે, "હું તેની વાતને નકારી કાઢતી નથી. તેની વાત નકારી કાઢવી એ મારા માટે હું જેમાંથી પસાર થઈ હતી તેને નકારી કાઢવા જેવું છે."
એલિઝાબેથને લાગે છે કે તે પોતે વહેલા હોર્મોનની સારવાર કરાવી શક્યાં હોત તો સ્થિતિ કદાચ જુદી હોત.
"હું યાદ કરું છું કે હું કેવી ક્રોધે ભરાતી હતી. વર્ષો સુધી હોર્મોન્સને કારણે આવેલા ડિપ્રેશનને કારણે મેં ઘણું બધું જતું કર્યું હતું."
તેઓ યાદ કરતાં કહે છે કે પોતાની પીડા છુપાવવા માટે તેમણે કેવી રીતે પરાણે હસવું પડતું હતું.
"હું મારી આસપાસ સૌને જોતી અને વિચારતી કે હું બહુ લેઝી અને ઉત્સાહ વિનાની છું. તેના કારણે મારા મનમાં જાત માટે જ માન ઘટી ગયું હતું."
તેઓ ગૃહિણી તરીકે ખુશ છે પણ તેમણે લાંબા સમય સુધી લેખક બનવાની મહેચ્છા રાખી હતી.
તેમને લાગે છે કે તેમણે વહેલા હિસ્ટરેક્ટમી કરાવી નાખ્યું હોત તો કદાચ તે લેખક બની પણ શક્યાં હોત.
"મને લાગે છે કે મારા હોર્મોન વિશે વિચારવામાં મને બહુ લાંબો સમય લાગ્યો હતો. પણ છેલ્લે સારું જ થયું હતું."

દર મહિને આ મુશ્કેલી આવે તેના કારણે રિલેશનશીપમાં પણ મુશ્કેલી થતી હતી. જોકે તેઓ હાલમાં તેમના બીજા પતિ સાથે 10 વર્ષથી સુખી છે.
તેમના રગ્બી પ્લેયર પતિને તેઓ પ્રેમાળ અને સહકાર આપનારા ગણાવે છે.
પિરિયડ દરમિયાન તેમના મગજનું ઠેકાણું ના હોય ત્યારે તેઓ સ્થિતિ સંભાળી લેતા હતા.
શુક્રવારે રાત્રે તેઓ ખાસ યાદ પણ કરાવતા કે ડિયર તારો [HRT] પેચ બદલાવાનો સમય થઈ ગયો છે.
એલિઝાબેથ કહે છે કે હા, મને ખબર છે એમ કહીને હું તેમના પર બૂમો પાડતી હતી. તે પછી હું પેચ લેતી હતી અને તે પછી હું થોડી ઠંડી પડતી હતી.
હવે તેમનું સંપૂર્ણ ધ્યાન ગ્રેસને આ મુશ્કેલીઓમાંથી ઉગારવા પર છે.
હાલમાં ગ્રેસની સ્થિતિ પહેલાં કરતાં પ્રમાણમાં સારી દેખાઈ રહી છે.
ગ્રેસ કહે છે, "હું ખરેખર નોર્મલ શું કહેવાય તે અનુભવવા માગું છું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












