એવી બીમારી જે પુરુષો કરતાં મહિલાને વધારે થઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લૌરા ઓલિવર
- પદ, બીબીસી માટે
75 વર્ષના બ્રેન્ડા વ્હિટલને 2015માં અલ્ઝાઇમર્સ થયો હોવાનું નિદાન થયું હતું. પરંતુ તેઓ આજેય જિગસો પઝલ રમવાની, સિવણની અને નૃત્ય કરવાની મજા લે છે.
નવી પ્રવૃત્તિઓમાં બહુ રસ નથી પડતો પરંતુ અલ્ઝાઇમર સંશોધન અને તેની દવાની ટ્રાયલમાં તેઓ ભાગ લેતાં રહે છે.
બ્રેઇન સ્કેનની વાત હવે તેમને એટલી માફક આવી ગઈ છે કે તેઓ ઘણીવાર સ્કેન ચાલતું હોય ત્યારે ઊંઘી જાય છે.
બ્રેન્ડા દુનિયામાં લગભગ 5 કરોડ લોકોમાંના એક છે, જેઓ ડેમેન્શિયાની બીમારીનો ભોગ બનેલાં છે.
આ બીમારીમાં સ્મૃતિભ્રંશ થાય છે અને મગજની પ્રક્રિયા પર અસર થાય છે. તેના કારણે અલ્ઝાઇમર પણ થઈ શકે છે. આ બહુ મોટો આંકડો છે.
જાણકારોના અંદાજ અનુસાર 2030 સુધીમાં 7.5 કરોડ અને 2050 સુધીમાં 13.15 કરોડ લોકો ડેમેન્શિયાનો ભોગ બનેલા હશે.
તમે આ વાંચ્યું કે નહીં?
દર્દીઓમાં સૌથી વધુ સંખ્યા સ્ત્રીઓની છે. ઑસ્ટ્રેલિયામાં ડેમેન્શિયાને કારણે થતાં મોતમાં બે તૃતિયાંશ મહિલાઓ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકામાં પણ ડેમેન્શિયાના દર્દીઓમાં બે તૃતિયાંશ મહિલાઓ છે.
'સ્ત્રીરોગ' ગણાતી બીમારી કરતાંય કેટલાક કિસ્સામાં ડેમેન્શિયાની બીમારી વધી રહી છે.
અમેરિકામાં 60 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સર કરતાં ડેમેન્શિયા થવાની શક્યતા બેગણી હોય છે.
(યુકેમાં 35થી 49ની ઉંમરની સ્ત્રીઓમાં મૃત્યુનું સૌથી મોટું કારણ બ્રેસ્ટ કૅન્સર છે.)

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાની જેમ ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં પણ સ્ત્રીઓનાં મૃત્યુનાં કારણોમાં હૃદયની બીમારીઓને પ્રથમ સ્થાનેથી હટાવીને ડેમેન્શિયાએ તે સ્થાન લઈ લીધું છે.
એન્ટોનેલા સેન્ટુસિઓને-ચઢ્ઢા કહે છે, "કોઈ પણ તબીબી સારવાર સિસ્ટમ માટે આને પહોંચી વળવું મુશ્કેલ છે - આ બહુ મોટા આંકડાં છે."
સ્વિટ્ઝરલૅન્ડમાં રહેતા ડૉક્ટર અને અલ્ઝાઇમર્સના નિષ્ણાત એન્ટોનેલા કહે છે, "વધુ ને વધુ મહિલાઓ આ રોગનો ભોગ બની રહી છે, ત્યારે હવે આપણે પુરુષ અને સ્ત્રીમાં આ રોગમાં શું તફાવત હોય છે તેની પણ તપાસ કરવી રહી."
સ્ત્રી-પુરુષના તફાવતની બાબતમાં સૌથી મોટું પરિબળ છેઃ ઉંમર.
તમારી ઉંમર વધતી જાય તેમ અલ્ઝાઇમર્સ થવાની શક્યતા વધતી જાય છે.
પુરુષો કરતાં સ્ત્રીઓ લાંબું જીવે છે. તેના કારણે ડેમેન્શિયાના વધારે દર્દીઓ મહિલા છે.
જોકે, હાલમાં થયેલા સંશોધનોથી ખ્યાલ આવ્યો છે કે ઉંમર વધવા સાથે અલ્ઝાઇમર્સ થાય જ તેવી ધારણા ખોટી છે.
કોન્ગિટિવ ફંક્શન ઍન્ડ એજિંગ સ્ટડીઝ (સીએફએએસ)ના બે મહત્ત્વના અભ્યાસોમાં હાલમાં જણાયું છે કે યૂકેમાં છેલ્લાં 20 વર્ષોમાં ડેમેન્શિયાના નવા કેસમાં 20% જેટલો ઘટાડો થયો છે.
ખાસ કરીને 65 વર્ષથી મોટી ઉંમરના પુરુષોમાં ડેમેન્શિયાનું પ્રમાણ ઘટેલું જોવા મળ્યું હતું.
હૃદયની બીમારીઓ અને ધૂમ્રપાન વિરુદ્ધ ચલાવાયેલી ઝુંબેશને કારણે આવું થયું હોય તેમ જાણકારો માને છે.
અલ્ઝાઇમર્સ થવા માટે આ બંને પરિબળો અગત્યનાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
પુરુષોમાં નાની ઉંમરે હૃદયની બીમારીની શક્યતા વધારે હોય છે અને સ્ત્રીઓ કરતાં વધારે ધૂમ્રપાન કરતા હોય છે.
તેથી આ ઝુંબેશની અસરને કારણે અલ્ઝાઇમર્સના જોખમો પુરુષો વધારે નિવારી શક્યા તેવું શક્ય છે.
બીજી એ વાત પણ સાચી કે બીજા જોખમો પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે હોય છે.
દાખલા તરીકે : સ્ત્રીઓમાં ડિપ્રેશન વધારે થાય છે અને તેના કારણે અલ્ઝાઇમર્સની શરૂઆત થઈ જતી હોવાનું જોવા મળેલું છે.
બીજા કેટલાક જોખમો માત્ર સ્ત્રીઓને અસર કરે છે. જેમ કે સર્જિકલ મેનોપોઝ અને ગર્ભધારણ સાથે સંકળાયેલા કેટલાક કૉમ્પ્લિકેશન્સ.
આ પરિબળોને કારણે વધતી ઉંમરે મગજશક્તિ ક્ષીણ થવાનું જોખમ હોય છે.
સામાજિક રીતે કુટુંબની સંભાળ લેવા જેવી બાબતોને કારણે પણ ડેમેન્શિયા થવાની શક્યતા રહે છે.
યૂકેના હેલ્થ સાયકોલૉજિસ્ટ એન્નમેરી શૂમાકર કહે છે તે પ્રમાણે કેટલાક સંશોધનોમાં જણાવાયું છે કે સંભાળ લેવાની ભૂમિકા પણ એક રીતે અલ્ઝાઇમર્સ થવાની શક્યતા માટેનું એક પરિબળ છે.
યૂકેમાં જ વિના વેતન કોઈની સંભાળ લેવાનું કામ કરનારી વ્યક્તિઓમાં ડેમેન્શિયા થયો હોય, તેમાંથી 60-70% મહિલાઓ છે.
ઝ્યુરિક યુનિવર્સિટીના અલ્ઝાઇમર્સ વિશે સંશોધન કરનારા મારિયા ટેરેસા ફેરેટી કહે છે, "માત્ર મહિલાઓને અસર કરતાં પરિબળો ક્યાં છે તેની જાણકારી મેળવી લેવામાં આવે આ રોગને થતો અટકાવવા માટે સ્ત્રી અને પુરુષો માટે શું શું કરી શકાય તે વિચારી શકાય."
આ બાબત પર હવે વધુ વિચાર થવા લાગ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
સેન્ટુસિઓને-ચઢ્ઢા, ફેરેટી, શૂમાકર અને કેમિસ્ટ ગૌતમ મૈત્રે સંયુક્ત રીતે વિમેન્સ બ્રેઇન પ્રોજેક્ટ નામનું એડવોકસી ગ્રૂપ સ્થાપ્યું છે.
દાયકાઓથી અલ્ઝાઇમર્સ પર પ્રગટ થયેલા વૈજ્ઞાનિક દસ્તાવેજોનું વિશ્લેષણ કરીને એક અવલોકન હાલમાં જ આ ગ્રૂપે પ્રગટ કર્યું છે.
વર્તમાન ડેટાનો નવેસરથી અભ્યાસ કરીને પ્રથમવાર વિજ્ઞાનીઓને જણાવાયું છે કે તેમણે સ્ત્રી અને પુરુષ પ્રમાણે અલગ અલગ અભ્યાસ કરવો જોઈએ.
ફેરેટી કહે છે, "ઉપલબ્ધ જાણકારીના અભ્યાસમાંથી એક વાત તરત અલગ તરી આવે છે."
"અલ્ઝાઇમર્સ ધરાવતા સ્ત્રી અને પુરુષમાં કોન્ગિટિવ અને સાયકિયાટ્રિક લક્ષણો અલગ અલગ રીતે પ્રગટ થાય છે.
"આ બાબતને ધ્યાનમાં રાખીને એક નવી ધારણા ઊભી કરી શકાય છે અને તે પ્રમાણે સારવારને વધારે અસરકારક બનાવવા નવીન રીતે વિચારી શકાય છે."
દાખલા તરીકે હાલમાં બ્રેઇનમાં જમા થતા બે ટોક્સિક પ્રોટીનથી અલ્ઝામઇર્સ પારખવામાં આવે છે.
'બાયોમેકર્સ' તરીકે ઓળખાતા આ પ્રોટીનનું પ્રમાણ સ્ત્રી અને પુરુષોમાં અલગઅલગ નથી હોતું પરંતુ સ્ત્રીઓમાં કોગ્નિટિવ ક્ષમતામાં ઘટાડો થયેલો જોવા મળે છે.
તેનો અર્થ એ થયો કે "સ્ત્રી અને પુરુષોના બાયોમેકર્સમાં અલગ અલગ પ્રમાણ હોઈ શકે છે.
ફેરેટી કહે છે, "આપણે સ્ત્રી અને પુરુષની ઇમેજિંગ, બાયોકેમિકલ અને ન્યૂરોસાયકૉલૉજિકલ તપાસને અલગ અલગ રીતે કરવી પડશે. જેન્ડર-સ્પેસિફિક બાયોમાર્ક્સ શોધવા પડશે."
સંશોધકો માટે બીજો સવાલ એ છે અલ્ઝાઇમર્સનું નિદાન થયા પછી પુરુષ કરતાં સ્ત્રીમાં તે કેમ ઝડપથી આગળ વધે છે.
એક વિચાર એવો છે કે સ્ત્રી યુવાન હોય ત્યારે એસ્ટ્રોજન તેના મગજનું રક્ષણ કરે છે પરંતુ અમુક ઉંમર પછી એસ્ટ્રોજન ઘટે છે અને તેનો લાભ પણ ઓછો થાય છે.
બીજા સંશોધનો એવું જણાવે છે કે શરૂઆતના ટેસ્ટમાં મહિલાઓ વધારે સારો દેખાવ કરે છે. જેનાથી નિદાન થઈ શકતું નથી.
ડૉક્ટર્સને રોગની ગંભીરતા આ તબક્કે સમજાતી નથી. જો એવું હોય તો નિદાન માટેના ટેસ્ટમાં ફેરફારો કરવા જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
બીજી મુશ્કેલી અલ્ઝાઇમર્સની દવાઓની ક્લિનિકલ ટ્રાયલ જે રીતે થાય છે તેના કારણે છે.
આવી ટ્રાયલ બહુ મોંઘી અને બહુ લાંબી હોય છે. વધુ સ્ત્રી દર્દીઓ હોવા છતાં ટ્રાયલ વખતે સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ ફરક રખાતો નથી.
ડિપ્રેશન અને સ્ક્લેરોસિસ જેવી બીજી ટ્રાયલોમાં "સ્ત્રી પુરુષોમાં રોગના પ્રમાણને ધ્યાનમાં લેવાય છે," એમ સેન્ટુસિઓને-ચઢ્ઢા કહે છે.
"આ રોગમાં સ્ત્રીઓ વધારે હોય તો ટ્રાયલમાં સામાન્ય રીતે વધારે સ્ત્રીઓને લેવામાં આવે છે."
આ પદ્ધતિનો ફાયદો થયેલો દેખાય છેઃ "આ રોગોની સારવારમાં આપણને વધારે સફળ દવાઓ મળતી રહી છે," એમ તેઓ કહે છે.
તેની સામે વિતેલા દાયકામાં થયેલી અલ્ઝાઇમર્સની દવાઓની મોટા ભાગની ટ્રાયલ નિષ્ફળ નીવડી છે.
બીજા રોગોની સામે ડેમેન્શિયા વિશે સંશોધન કરવા માટે ફંડ પણ ઓછું મળે છે.
ઐતિહાસિક રીતે યુકેમાં ડેમેન્શિયાની સારવાર પાછળ ખર્ચાતા 10 પાઉન્ડમાંથી માત્ર 8 પેન્સ જ નવી દવાઓ શોધવા પાછળ વપરાય છે એમ ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક સંશોધનમાં જણાયું હતું.
તેની સામે કૅન્સર પાછળ 1.08 પાઉન્ડ વપરાય છે.
ફંડનો અભાવ અન્ય દેશોમાં પણ જણાય છેઃ અમેરિકાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૅલ્થના 2017નાં આંકડા દર્શાવે છે કે અલ્ઝાઇમર્સ અને તેને સંબંધિત રોગોના સંશોધન માટે 3.03 અબજ ડૉલર વપરાયા હતા, જ્યારે કૅન્સર રિસર્ચ માટે 9.87 અબજ ડૉલર વપરાયા હતા.
હાલના સમયમાં બિલ ગેટ્સ દ્વારા અપાયેલા 5 કરોડ ડૉલરના દાન સહિતની આર્થિક મદદને કારણે હવે સંશોધન માટે દર વર્ષે ફંડિંગ વધી રહ્યું છે.
યૂકેની અલ્ઝાઇમર્સ રિસર્ચના સીઈઓ હિલેરી ઇવાન્સ કહે છે કે આમ છતાં હજી પણ વધારે મદદની જરૂર છે."
"હજી પણ ફંડિગમાં વધારો થાય તે અનિવાર્ય છે, જેથી કૅન્સર અને હૃદયના રોગોમાં હાલના સમયમાં થયેલી પ્રગતિ ડેમેન્શિયાની સારવારમાં પણ થઈ શકે."

ઇમેજ સ્રોત, Getty Images
બ્રેન્ડાને હાલમાં જીપીએસ ટ્રેકરની મદદ લે છે (ખોટી ટ્રેનમાં ચડી ગયા હતા, તે પછી તેમણે આ ઉપાય અજમાવ્યો છે) અને તેમના પતિ સ્ટિફને ઘરમાં ઠેર ઠેર રિમાન્ડર માટેની નોટ્સ ચીટકાવી હોય તેનાથી તેઓ કામ ચલાવે છે.
આ દંપતિ કહે છે કે તેઓ આ અંગેના સંશોધનો અને ચર્ચાઓમાં ભાગ લેતા રહેવાના છે.
બ્રેન્ડા અને સ્ટિફન જેવા દંપતિઓ ભાગ લે તે જરૂરી પણ છે.
સ્ત્રી અને પુરુષ પર અલગ રીતે સંશોધનો થવાં લાગ્યાં છે તેના કારણે રોગનું નિદાન, સારવાર અને મદદ માટે નવી શક્યતાઓ ઊભી થઈ રહી છે.
સ્ત્રી અને પુરુષનાં લક્ષણોમાં રહેલો ભેદ પારખી શકાશે તો તે હાલના સમયમાં સૌથી રહસ્યમય લાગતી બીમારીને ઉકેલવામાં ઉપયોગી થશે.
આ એક એવી શક્યતા છે કે જેને આપણે અવગણીએ તો મૂરખ ઠરીશું એ વાત પર સૌ જાણકારો સહમત થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












