આ બે તેલને કારણે મોટાં થઈ રહ્યાં છે યુવકોનાં સ્તન!

ઇમેજ સ્રોત, Getty Images
લવેન્ડર અને ચાના છોડના તેલને કારણે યુવકોનાં સ્તન અસામાન્ય રીતે મોટાં થઈ રહ્યાં છે?
એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આ તેલોમાં આઠ પ્રકારનાં કેમિકલ્સ હોય છે, જે આપણા હોર્મોન્સ માટે મહત્ત્વનાં હોય છે.
ગાયનેકોમસ્ટિયા હોર્મોનને કારણે પુરુષોમાં સ્તનનો વિકાસ થતો હોય છે, જે એક અપવાદરૂપ હોર્મોન છે.
તેલનો ઉપયોગ કરતા લોકો તથા યુવાનોનાં મોટાં થતાં સ્તન અને આ હોર્મોન વચ્ચે સંબંધ હોવાનું બહાર આવ્યું છે.
એક અમેરિકન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ બન્ને તેલમાં જે ચોક્કસ કેમિકલ્સ હોય છે તેને કારણે ઓઇસ્ટ્રજેન અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં વધારો થાય છે.
જોકે, દરેક વ્યક્તિને આ તેલની સમાન અસર થતી નથી.
અનેક છોડમાંથી મળતાં તેલનો ઉપયોગ સાબુ, લોશન, શેમ્પુ અને વાળની સંભાળ માટેની સંખ્યાબંધ પ્રોડક્ટ્સમાં કરવામાં આવતો હોય છે.
એ ઉપરાંત આ તેલનો ઉપયોગ સફાઈ સંબંધી પ્રોડક્ટ્સ તથા દવાઓમાં પણ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર કેરોલિનામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયર્ન્મેન્ટલ હેલ્થ સાયન્સ (એઆઈઈએચએસ)ના મુખ્ય શોધકર્તા ટાયલર રેન્ઝીએ આ તેલના ઉપયોગ બાબતે સાવધ રહેવા જણાવ્યું હતું.
ટાયરલ રેન્ઝીએ કહ્યું હતું, "હોર્મોન માટે જરૂરી આ તેલ સલામત હોવાનું લોકો માને છે, પણ આ તેલમાં અનેક પ્રકારનાં કેમિકલ્સ હોય છે."
"તેમાં એવા ઘણાં તત્ત્વો હોય છે, જેનાથી હોર્મોન્સમાં અસંતુલન સર્જાય છે. તેથી દેખીતી રીતે જ આ તેલના વપરાશ બાબતે આપણે સાવધ રહેવું જોઈએ."

અસાધારણ વૃદ્ધિની ફરિયાદોમાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
યુવાનોનાં સ્તન અસાધારણ રીતે મોટાં થતાં હોવાની ફરિયાદો તાજેતરનાં વર્ષોમાં વધી છે.
તેના અનુસંધાને લોકોની ખાનપાનની આદતો અને ઉત્પાદનો વિશેની તપાસમાં ઉપરોક્ત વાત બહાર આવી હતી.
જે યુવાનોએ ઉપરોક્ત તેલનો વપરાશ બંધ કર્યો હતો તેમનામાં સ્તનના વિકાસને અંકુશમાં લેવામાં મદદ મળી હોવાનું અનેક કિસ્સામાં જોવા મળ્યું હતું.
આ અગાઉના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે લવેન્ડર અને ચાના છોડમાંથી મળતાં તેલને લીધે પુરુષોના હોર્મોનમાં ફેરફાર થઈ રહ્યો છે. તેની અસર ખાસ કરીને છોકરાઓના યુવાની પર થાય છે.
તાજા અભ્યાસ અનુસાર, આ તેલોમાંથી મળતાં આઠ પ્રકારનાં કેમિકલ્સને લીધે ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજેન હોર્મોન્સમાં ફેરફાર થાય છે.
સંશોધન અહેવાલમાં જણાવ્યા અનુસાર, "લવેન્ડર અને ચાના છોડમાંના તેલમાં જે કેમિકલ્સ હોય છે એ પ્રત્યે લોકોએ બેદરકાર રહેવું ન જોઈએ."
"એ ઉપરાંત અન્ય પ્રકારનાં 65 તેલમાં પણ એવાં કેમિકલ્સ હોય છે, જેને લીધે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાય છે."
કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ઈયાન હફેઝે જણાવ્યું હતું કે આ તેલોમાંથી મળતા કેમિકલ્સને કારણે સ્તનના કોષો વિકસે છે એ વાત હવે પૂરવાર થઈ ગઈ છે.
પુરુષવિરોધી હોર્મોનને કારણે યુવાનોના શરીરમાં આ પ્રકારના ફેરફાર થાય છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












