'એક રાતના કેટલા લઈશ? કહી ગુજરાતની આ ગર્લ્સહૉસ્ટેલ બહાર છેડતી થાય છે'

ઇમેજ સ્રોત, RANJIT SURVE
- લેેખક, પાર્થ પંડ્યા
- પદ, બીબીસી સંવાદદાતા
"અમારી ગર્લ્સ હૉસ્ટેલ બહાર પુરુષો વાહનો લઈને ઊભા રહે છે અને વિદ્યાર્થિનીઓને રોકીને પૂછે છે કે, 'એક રાતના કેટલા રૂપિયા લઈશ?'" એમ. એસ.યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ ઇલેક્શનના ઉમેદવાર અનિશા મિશ્રાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ વાત કહી.
એમ. એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હૉસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને મોટાભાગે આ પ્રકારની કૉમેન્ટ્સનો સામનો કરવો પડતો હોય છે.
લાઇબ્રેરી કે યુનિવર્સિટીથી હૉસ્ટેલ જતી વિદ્યાર્થિનીઓની છેડતી પણ થતી હોય છે.
આ મુદ્દો યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ ઇલેક્શન દરમિયાન છવાયેલો રહ્યો.

'ગર્લ્સ હૉસ્ટેલ પાસે થતી છેડતી અટકાવવી છે'

ઇમેજ સ્રોત, Anisha Mishra
ગુજરાતના વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં 24 ઑગસ્ટે સ્ટુડન્ટ્સ યુનિયનનું ઇલેક્શન યોજાયું, જેમાં વિદ્યાર્થિનીઓના સુરક્ષાના પ્રશ્નો છવાયેલા રહ્યા.
સ્ટુડન્ટ્સ યુનિયનની મુખ્ય બેઠકો પૈકી વાઇસ પ્રૅસિડેન્ટ (વીપી)ની બેઠક વિદ્યાર્થિનીઓ માટે અનામત રાખવામાં આવી છે.
આ વર્ષે આ પદ માટે છ વિદ્યાર્થિનીઓએ ઉમેદવારી નોંધાવી છે.
એબીવીપી, (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) એનએસયૂઆઈ (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા ) અને જય હો ગ્રૂપ આ ત્રણેય મુખ્ય સંગઠનોના વીપી પદના ઉમેદવાર વિદ્યાર્થિનીઓની સુરક્ષાના પ્રશ્નને ચૂંટણીમાં ઉઠાવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનએસયૂઆઈના ઉમેદવાર ઝીલ બ્રહ્મભટ્ટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "વિદ્યાર્થિનીઓની છેડતી થતી હોવાના કારણે સાંજ પછી ગર્લ્સ હૉસ્ટેલ બહાર નીકળવાનું ટાળે છે. જે રોકવાની જરૂર છે. ગર્લ્સ હૉસ્ટેલના ગેટ પાસે સેક્સવર્કર્સ પણ ઊભાં રહે છે."
એબીવીપીના ઉમેદવાર અનિશા મિશ્રા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "એક રાતનો કેટલો ભાવ છે? કેટલા પૈસા લઈશ? આ પ્રકારની બીભત્સ કૉમેન્ટસનો સામનો મારે પણ કરવો પડ્યો છે. એટલે જ હું આ મુદ્દો ચૂંટણીમાં ઉઠાવી રહી છું."
જય હો ગ્રૂપના ઉમેદવાર સલોની મિશ્રાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "ગર્લ્સ હૉસ્ટેલ પાસે વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટનાઓ અટકે એ જરૂરી છે. હું ચૂંટાઈ જઉં તો આ મુદ્દો મારી પ્રાથમિકતા રહેશે."

'સુરક્ષાનો મુદ્દો'

ઇમેજ સ્રોત, Zeel Brahmbhatt
વિદ્યાર્થિનીઓની સુરક્ષા અંગે વીપી પદના ઉમેદવારો કહે છે કે ગર્લ્સ હૉસ્ટેલ તો ઠીક યુનિવર્સિટી કૅમ્પસમાં પણ વિદ્યાર્થિનીઓ સુરક્ષિત નથી.
કૅમ્પસમાં બહારથી આવતા તત્ત્વોને પ્રવેશતા અટકાવવા માટે કૅમ્પસમાં નિયમિત રીતે આઈડી કાર્ડનું ચેકિંગ કરવું જરૂરી છે.
એબીવીપીના ઉમેદવાર અનિશા મિશ્રા કહે છે કે સ્ટુડન્ટ્સ ઇલેક્શન વખતે બહારના તત્ત્વોની અવરજવર યુનિવર્સિટીમાં વધી જાય છે.
એમ. એસ. યુનિવર્સિટી કૅમ્પસમાં ભૂતકાળમાં વિદ્યાર્થિનીઓ અને મહિલા અધ્યાપકોની પણ છેડતીની ઘટનાઓ સામે આવી છે.
વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે કૅમ્પસમાં મહિલા વિજિલન્સ કર્મચારીઓની સંખ્યા વધારવી જરૂરી છે એવું 'જય હો'ના ઉમેદવાર સલોની મિશ્રાનું કહેવું છે.

ભોજનનો પ્રશ્ન

ઇમેજ સ્રોત, Zeel Brahmbhatt
તાજેતરમાં ગર્લ્સ હૉસ્ટેલની મેસમાં ભોજનમાંથી ઇયળ નાંખવાની ઘટના બહાર આવી હતી.
આ અંગે એનએસયૂઆઈના ઉમેદવાર ઝીલ બ્રહ્મભટ્ટ કહે છે, "અહીં વિદ્યાર્થિનીઓએ મેસમાં ભોજનની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવા પડે છે. ભોજનમાંથી ઇયળ નીકળી એ પછી મેસ બંધ કરવાનો નિર્ણય સત્તાધીશોએ લીધો હતો."
આ ત્રણેય ઉમેદવારો હૉસ્ટેલમાં સુવિધા સહિત અનેક પ્રશ્ન ઉઠાવ્યા.

'નેતાઓ ટાંટિયા ખેંચવાનું બંધ કરે એ જરૂરી'

ઇમેજ સ્રોત, Priyanka Patel
એમ. એસ. યુનિવર્સિટી ગુજરાત રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે કે જ્યાં સ્ટુડન્ટ્સ ઇલેક્શન યોજાય છે.
અહીં દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલલ નહેરુ યુનિવર્સિટીની જેમ ડાયરેક્ટ પદ્ધતિથી મતદાન થાય છે.
આ વર્ષે એમ. એસ. યુનિવર્સિટીમાં 41 હજાર મતદારો નોંધાયા હતા.
અહીંની વિદ્યાર્થી રાજનીતિએ ગુજરાત અને દેશને અનેક નેતાઓ અને મંત્રીઓ આપ્યા છે.
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ 1950-51માં એમ. એસ. યુનિ.ના વીપી પદે ચૂંટાયા હતા.
વડોદરા ભાજપ અને કોંગ્રેસના મોટાભાગના નેતાઓ એક સમયે યુનિ.ના વિદ્યાર્થી નેતા રહી ચૂક્યાં છે.
પણ બહારના પક્ષીય રાજકારણ વિશે આ વખતના ઉમેદવારોનો અલગ મત છે.
એબીવીપીના ઉમેદવાર અનિશા કહે છે કે, નેતાઓ આક્ષેપની રાજનીતિ કરે છે, જેનાથી નાગરિકોને કોઈ લાભ નથી.
'જય હો'ના ઉમેદવાર સલોની કહે છે કે, પક્ષોનાં રાજકારણમાં એક બીજાને ટાંટિયા ખેંચવાનું બંધ થવું જોઈએ.
સંસદમાં ઘણાં પ્રતિભાશાળી લોકો છે. તેમની પ્રતિભાનો ઉપયોગ કરીને લોકોનું જીવનધોરણ સુધરે એવા પગલાં લેવા જોઈએ.

'વિદ્યાર્થી હિત માટે વિદ્યાર્થી રાજનીતિ જરૂરી'

ઇમેજ સ્રોત, Anisha Mishra
રાજ્યની અન્ય યુનિવર્સિટીઝમાં સ્ટુડન્ટ્સ યુનિયનનું ઇલેક્શન નથી, તો સ્ટુડન્ટ્સ ઇલેક્શન કેમ જરૂરી? સામાન્ય વિદ્યાર્થીઓને શો ફાયદો?
આ પ્રશ્નના ઉત્તરમાં ઝીલ કહે છે કે વિદ્યાર્થી રાજનીતિ છે એટલે જ વિદ્યાર્થીઓના હિતની વાત થઈ રહી છે.
સલોનીનું કહેવું છે કે, વિદ્યાર્થી રાજકારણ નહીં હોય તો કૅમ્પસમાં વિદ્યાર્થીઓનો મત યોગ્ય રીતે રજૂ થઈ નહીં શકે. સત્તાધીશો કંઈક ખોટું કરે તો તેમને રોકવા માટે વિદ્યાર્થી રાજનીતિનું અસ્તિત્વ જરૂરી છે.
એમ.એસ.યુનિ.માં અનેક ઐતિહાસિક આંદોલનો થયા છે. કૉમન યુનિવર્સિટી ઍક્ટ, હાયર પેમેન્ટ સીટ અને બૉય્ઝ હૉસ્ટેલના હોલ બંધ કરી દેવા સામેના આંદોલનોમાં વિદ્યાર્થીઓ સાથે અધ્યાપકો પણ જોડાયા હતા.
અનિશા કહે છે કે, ચૂંટણીમાં અનેક મુદ્દાઓ છે, પણ મૂળે ચૂંટણી અને વિદ્યાર્થી રાજનીતિ ટકી રહે એ જરૂરી છે. ઇલેક્શન ન યોજાતું હોય એવી રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓમાં આજે વિદ્યાર્થીઓ અન્યાય સામે અવાજ ઉઠાવી શકતા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















