ઇસ્લામિક સ્ટેટના અપરહરણકર્તા સાથે જ્યારે પીડિતાનો ફરીથી ભેટો થયો

અશ્વાક
ઇમેજ કૅપ્શન, હવે અશ્વાક 19 વર્ષનાં છે અને ક્યારેય ફરી વખત જર્મની જવા ઇચ્છતાં નથી.
    • લેેખક, વિક્ટોરિયા બિઝટ અને લાઇસ ડૂસે
    • પદ, બીબીસી ન્યૂઝ

અપહરકર્તાની ચુંગાલમાંથી છૂટ્યા બાદ કોઈ વ્યક્તિ દુઆ માગે કે અપહર કરનાર નજરે ન પડે, પરંતુ જો તે ક્યાંક ફરી મળી જાય તો? ગભરાટ થઈ જાય અને પરસેવો છૂટી જાય!

લાંબા સમય સુધી ઇસ્લામિક સ્ટેટ(આઈએસ)ની ગુલામ રહેલી યઝદી છોકરી સાથે આવું જ થયું.

અશ્વાક 14 વર્ષનાં હતાં, ત્યારે ઇસ્લામિક સ્ટેટના લડાકુઓએ ઉત્તર ઇરાક પર હુમલો કર્યો અને અશ્વાક સહિત હજારો મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી.

ઇસ્લામિક સ્ટેટના લડાકુઓએ અશ્વાકને 100 ડૉલરમાં અબુ હુમામ નામના શખ્સને વેંચી દીધાં.

હુમામને ત્યાં અશ્વાક પર દરરોજ જાતીય હિંસા થતી અને તેની ઉપર શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્રણ મહિના સુધી અશ્વાક ત્યાં રહ્યાં અને શારીરિક તથા માનસિક યાતનાઓ સહન કરતાં રહ્યાં. એક દિવસ જેમતેમ કરીને ત્યાંથી બચીને નીકળવામાં સફળ રહ્યાં.

ત્યારબાદ અશ્વાક તેમનાં માતા તથા ભાઈ સાથે જર્મની આવીને વસ્યાં. અશ્વાકને લાગ્યું કે દુખદ સપના સમો કાળ પસાર થઈ ગયો છે તથા તેઓ જિંદગીને નવેસરથી શરૂ કરશે.

અશ્વાક તેમની જિંદગીને પાટે ચડાવવા માટે પ્રયાસ કરી રહ્યાં હતાં, ત્યારે થોડાં મહિનાઓ પહેલાં તેમનો સામનો ફરી એક વખત દહેશત સાથે થયો.

અશ્વાક એક સુપરમાર્કેટની બહાર ઊભાં હતાં, ત્યારે કોઈકે તેમને નામથી બોલાવ્યાં.

line

અપહરકર્તા સાથે મુલાકાત

આઈએસના કિડનૅપરનો સામનો

ઇમેજ સ્રોત, Getty Images

અશ્વાકનાં કહેવા પ્રમાણે, "સ્કૂલે જઈ રહી હતી, ત્યારે અચાનક જ એક કાર મારી પાસે આવીને ઊભી રહી ગઈ.

"એક વ્યક્તિ આગળની સીટ પર બેઠી હતી, તેણે મને જર્મન ભાષામાં પૂછ્યું, 'તું અશ્વાક છે?'

"ભયનાં કારણે હું ધ્રૂજવા લાગી હતી, છતાંય મેં કહ્યું, 'ના, તમે કોણ છો?'

"એ શખ્સે કહ્યું, 'હું તને ઓળખું છું. તું અશ્વાક છે. હું અબુ હુમામ છું.'

"ત્યારબાદ તે મારી સાથે અરબી ભાષામાં વાત કરવા લાગ્યો. તેણે મને કહ્યું કે 'ખોટું ન બોલ. મને ખબર છે કે તું ક્યાં રહે છે.'

"તે જર્મનીમાં મારા વિશે બધું જાણતો હતો."

અશ્વાક ઉમેરે છે, " મેં સપનમાં પણ નહોતું વિચાર્યું કે જર્મનીમાં મને આવું કાંઈ જોવા મળશે. તેની મારઝૂડ અને દર્દને ભૂલવા માટે હું દેશ છોડીને પરિવાર સાથે જર્મની આવી હતી.

"હું ક્યારેય તે શખ્સને ફરી જોવા માગતી ન હતી."

line

ઇરાક પરત ફર્યાં

જર્મનીના ફૅડરલ પ્રોસિક્યુટરના કહેવા પ્રમાણે, ઘટનાના પાંચ દિવસ બાદ અશ્વાકે આ અંગે પોલીસને જાણ કરી હતી.

અશ્વાક કહે છે કે તેમણે એ દિવસે ઘટેલી ઘટના તથા ઇરાકના ભયાનક દિવસો અંગેની સઘળી વાતો પોલીસને જણાવી દીધી.

અશ્વાકે સુપરમાર્કેટનાં સીસીટીવી ફૂટૅજ ચકાસવા પોલીસને કહ્યું, પરંતુ કંઈ ન થયું.

અશ્વાકે એક મહિના સુધી રાહ જોઈ, પરંતુ કોઈ માહિતી ન મળી.

ત્યારબાદ અશ્વાક ફરી એક વખત ઉત્તર ઇરાક પરત ફ્યાં. તેમનાં મનમાં અબુ હુમામનો ભય તો હતો, પરંતુ આશા હતી કે ચાર બહેનો સાથે મુલાકાત થશે.

ઇસ્લામિક સ્ટેટના લડાકુઓએ અશ્વાકની જેમ જ તેમનાં ચાર બહેનોને પણ સેક્સ સ્લેવ બનાવ્યાં હતાં.

અશ્વાક કહે છે, "જ્યાં સુધી તમે ખુદ એ પીડામાંથી પસાર ન થાવ, ત્યાં સુધી તમે એ દર્દને સમજી જ ન શકો.

"દિલમાં એક ભય હોય છે, તમને કંઈ સમજાય નહીં. જ્યારે કોઈ છોકરી સાથે ઇસ્લામિક સ્ટેટના લડાકુએ રેપ કર્યો હોય અને તે જ શખ્સ તેની સામે આવી જાય તો તમે કલ્પના પણ ન કરી શકો કે કેવી સ્થિતિ થાય."

line

અન્ય કિસ્સા

આઈએસના કિડનૅપરનો સામનો

ઇમેજ સ્રોત, Getty Images

જર્મનીની સર્વોચ્ચ અદાલતના પ્રવક્તા ફ્રૉક ખુલ્લરના કહેવા પ્રમાણે, પોલીસે ઇ-ફિટ ઇમેજ તથા અશ્વાકના નિવેદનને આધારે અબુ હુમામને શોધવા માટે પૂરતા પ્રયાસ કર્યાં હતાં, પરંતુ હજુ સુધી તેનાં કોઈ સગડ નથી મળ્યા.

પોલીસે જૂન મહિનામાં ફરી એક વખત અશ્વાકનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે તેઓ ઇરાક જતાં રહ્યાં છે.

જર્મનીના એક ઍક્ટિવિસ્ટનાં કહેવા પ્રમાણે, આ એક 'છૂટો છવાયો' મામલો નથી.

યઝદી અધિકારો માટે કાર્યરત સંસ્થા હાવર ડૉટ હેલ્પના સ્થાપક ડૂજેન ટેકલના કહેવા પ્રમાણે, "યઝદી શરણાર્થી છોકરીઓએ જર્મનીમાં ઇસ્લામિક સ્ટેટના લડાકુને ઓળખી કાઢ્યા હોય, એવા અનેક બનાવો સાંભળવા મળ્યા છે."

અશ્વાકે ઇસ્લામિક સ્ટેટની ચૂંગાલમાંથી છૂટેલી અન્ય છોકરીઓનાં મોઢે પણ આવી વાતો સાંભળી છે.

જોકે, આવા દરેક બનાવો પોલીસ સુધી નથી પહોંચ્યા.

line

"હું ક્યારેય જર્મની નહીં જાવ"

આઈએસના કિડનૅપરનો સામનો

અશ્વાક હવે કુર્દિસ્તાન પરત ફરી ગયાં છે. તેઓ યઝદી કૅમ્પમાં રહીને આગળનો અભ્યાસ કરી રહ્યાં છે.

અશ્વાક તથા તેમનો પરિવાર દેશ છોડવા માગે છે. અશ્વાકનાં પિતાના કહેવા પ્રમાણે, "અમને ઇસ્લામિક સ્ટેટના લોકોથી ખૂબ જ ડર લાગે છે."

જોકે, જર્મનીમાં અબુ સાથે મુલાકાતને કારણે અશ્વાક ખૂબ જ ડરી ગયા છે, તેઓ કહે છે, "જો દુનિયાનો વિનાસ થઈ જાય, તો પણ હું જર્મની નહીં જાઉં."

અનેક યઝદી પરિવારોની જેમ જ અશ્વાકનાં પરિવારે પણ ઑસ્ટ્રેલિયામાં આશ્રય માટે અરજી કરી છે. ઇસ્લામિક સ્ટેટની સેક્સ સ્લેવ્સ માટે વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જે હેઠળ અશ્વાકે અરજી કરી છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો