બ્લૉગ: શું મહિલાઓ ક્યારેય કહી શકશે કે, 'હાં હું સ્વતંત્ર છું'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, REUTERS

    • લેેખક, પ્રિયંકા દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત અત્યારે આઝાદીની 72મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. આમ જોવા જઈએ તો સૃષ્ટિનાં વિશાળ ફલક પર 72 વર્ષનો સમયગાળો એ તો આંખમાંથી છલકેલા એક આંસુ જેટલો જ નાનકડો છે.

છતાં પણ બહાર પડી રહેલા વરસાદ વચ્ચે મારા મનમાં એક સવાલ ઊભો થયો- 72 વર્ષના આ આઝાદ દેશમાં આપણે સૌ મહિલાઓ કેટલી આઝાદ છીએ?

આઝાદ ભારતમાં ઊછરેલી એક ભારતીય છોકરી તરીકે આ સવાલનો જવાબ આમ તો હું જાણું જ છું અને દરરોજ રસ્તા પર ચાલતા આનો અનુભવ પણ કરું છું.

છતાં આ સવાલનો જવાબ મેળવવા અને હાલના આંકડા જાણવા માટે મેં ઇતિહાસનાં પાનાં પલટાવવાનાં શરૂ કર્યાં અને આ માટે મેં ઇન્ટરનેટ અને ચોપડીઓને ફેંદવાનું શરૂ કર્યું.

જાણવું એ હતું કે જે 'અડધી વસ્તી'નું આહ્વાન મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળ વખતે 'ભારતની વણવપરાયેલી શક્તિ' તરીકે કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

શું આજે આ અડધી વસ્તીને પોતાની પૂર્ણ ક્ષમતાનું પ્રદર્શન કરવાની તક મળે છે ખરી?

ભારતનાં જે બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે સમાજ અને ઘણી વખતે તો પોતાની જ બંધારણીય સભાના સભ્યો સામે લડીને આપણા આઝાદ અને સ્વાવલંબી ભવિષ્યના બીજ રોપ્યા હતા, આજે એ કાયદો આપણને ખુદના જીવન પર કેટલો અધિકાર આપી શકે છે?

તમે આ વાંચ્યું કે નહીં?

માત્ર બે ટકા મહિલાઓ સાથે આરંભ થયેલી ભારતની પહેલી સંસદ યાત્રા આજે કેટલી આગળ વધી છે?

આ સવાલના જવાબમાં મળી મને આંકડાની એક જાળ અને દેશમાં સ્ત્રી શક્તિકરણનાં નામે સમયાંતરે બનાવવામાં આવેલી કાયદાની એક લાંબી યાદી.

એમાંથી કેટલીક મહત્ત્વની જાણકારીઓ અંગે હું તમને આગળ જણાવીશ પણ ચાલો આ પહેલાં મળીએ સુગંધાને.

line

ઇચ્છાઓને મળે પાંખોં

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP

સુગંધા મધ્ય પ્રદેશના બેતૂલ કે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કે પછી બીજે ક્યાંક રહેનારી કોઈ પણ છોકરી હોઈ શકે છે.

એ જ રીતે તે મુંબઈ કે દિલ્હી જેવા ભારતના મહાનગરોમાં રહેનારી કોઈ છોકરી હોઈ શકે છે.

સુગંધા પોતાની આંખોમાં સપનાં લઈને દરરોજ પોતાનાં ગામ કે શહેરના રસ્તાઓ પર નીકળવા માંગે છે. તે ભણવા માંગે છે. તે કારખાનાં કે ખેતરોમાં કામ કરવા માંગે છે.

પોતાનાં કામ માટેના એકસમાન પદ માટે તે સમાન વેતન મેળવવા માંગે છે.

તે શારીરિક પોષણ અને માનસિક વિકાસની સમાન તક ઇચ્છે છે. રસ્તાઓ પર મોડે સુધી ફરવા માંગે છે.

મન થાય ત્યારે ઊંડા ગળાનું બ્લાઉઝ પહેરવા માંગે છે. તે પ્રેમનું નિવેદન પહેલા કરવા માંગે છે.

સુગંધાની આત્મા જ્યારે એનાં મન અને મરજી પર એકસાથે તાલ છેડવા માગે છે ત્યારે તે નિર્ભય થઈ શારીરિક પ્રેમ કરવા માંગે છે.

એને 'દેવી' અને 'સ્ત્રીની ગરિમા'નાં નામ પર પોતાની પર લાદવામાં આવેલા સમાજના તમામ નિર્ણયો પર કોઈ વખતે હસવું આવે છે તે કોઈ વખતે ચીડ.

સ્ત્રીની ગરિમા કોઈ બીજા મનુષ્યની માનવીય ગરિમા કરતાં અલગ કેવી રીતે હોઈ શકે?

જાતિ અને ધર્મનાં નામે મારવામાં આવી રહેલા પ્રેમીઓના યુગમાં સુગંધા પોતાની મરજીથી પોતાનો સાથી પસંદ કરવાનો હક માંગે છે. મન થાય ત્યારે બુરખો પહેરવા માંગે છે તો મન થાય ત્યારે બિકિની પણ.

એને પસંદ પડે ત્યારે લાલ લિપસ્ટિક લગાડવા માંગે છે તો ક્યારેક મેકઅપ વગર ફરવા પણ માંગે છે.

લગ્ન કરવું, ના કરવું, બાળક પેદા કરવાં કે માતા ન બનવા અંગે પણ પોતાની ઇચ્છા અનુસાર વિકલ્પ પસંદ કરવા માંગે છે. કોઈ પણ હિંસા સામે અવાજ ઉઠાવવાનો પણ તે હક માંગે છે.

line

આઝાદી અને આંકડા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સુગંધા આજે આઝાદ ભારતની 72મી વર્ષગાંઠની સાક્ષી છે. હવે તમે કહેશો કે આ બધા અધિકાર તો બંધારણમાં એને પહેલેથી જ મળી ચૂક્યા છે.

બસ, અહીંયા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે કાગળોમાં લખેલી વાતો અને વાસ્તવિકતામાં એટલું જ અંતર છે જેટલું હાથમાં રહેલા ચાના સરકતા કપ અને હોઠ વચ્ચે.

કાયદા માટે કરેલું કામ અને હક મળી ગયો છે એની ભ્રમણા, એ તો રહેવાનાં જ પણ જમીન સ્તરે તો વાત કંઈક જુદી જ છે.

હાલના આંકડા અનુસાર ભારતમાં દરરોજ 106 મહિલાઓ બાળાત્કારનો ભોગ બને છે.

આ 106માં ઓછામાં ઓછી 40 ટકા પીડિત તો સગીર છોકરીઓ હોય છે. આંકડાની આ સ્થિતિ તો ત્યારે છે, જ્યારે 99 ટકા યૌન હિંસાનાં કિસ્સા તો પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકતા જ નથી.

એક તરફ જ્યાં મહિલા આરક્ષણ બિલ દાયકાઓથી હવામાં લટકેલું છે, ત્યાં બીજી તરફ 2018 નાં આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે દેશની કુલ વસ્તીનો 49 ટકા ભાગ ધરાવતી મહિલા સંસદ અને અન્ય જરૂરી સરકારી પદો પર ઘણું ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP

આજે જ્યાં દેશના લગભગ 85 ટકા પુરુષ શિક્ષિત છે ત્યાં 65 ટકા જ છોકરીઓ જ સાક્ષર બની શકી છે.

એ વાત જુદી છે કે તક મળે ત્યાં છોકરીઓ દરેક પ્રકારની રાષ્ટ્રીય પ્રતિયોગી પરીક્ષામાં સતત પોતાનું નામ રોશન કરી રહી છે.

છતાંય શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતથી વંચિત દેશની હજારો છોકરીઓ માટે રેસની શરૂઆત જ થઈ શકતી નથી.

ભારતીય રોજગાર બજારમાં મહિલાઓની માત્ર 25 ભાગીદારી ઉપર જણાવેલા આંકડાનું પ્રતિબિંબ જ લાગે છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ત્રીઓની રોજગારમાં ભાગીદારી જો 10 ટકા જ વધે, તો ભારતની કુલ ઘરેલુ વપરાશ કે જીડીપીમાં 70 ટકાનો ઉછાળો આવી શકે છે.

પોતાના શહેરના ચોકમાં લહેરાતા તિરંગાને જોઈને આજે સુગંધા મનમાં આંકડા અંગે વિચારતી હશે.

તેને લાગતું હશે કે આઝાદીના 71 વર્ષોમાં તે કદાચ આટલી જ આગળ વધી શકી જેટલું કોઈ 78 દિવસો કે પછી 78 મહિનામાં આગળ વધી શકે છે.

તેને તો ખૂબ આગળ વધવાનું છે. એક એવા ભારતમાં પોતાની આંખ ખોલવાની છે જ્યાં તે નિડર બની જીવી શકે અને એક દિવસ કદાચ આપણાં 178માં આઝાદી દિને તમે સૌને કહી શકો 'આઝાદી મુબારક, મિત્રો.'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો