આપણાં મગજમાં સમસ્યાના વિચારો કેમ ખૂટતા નથી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, ડેવિડ લેવારી
    • પદ, દ કોનવર્સેશનમાંથી

મનુષ્ય ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ કેટલીક સમસ્યાઓ જીવનમાંથી કેમ દૂર જ થતી નથી? એવું જાણવા મળ્યું છે કે આપણું મગજ કઈ રીતે માહિતીને પ્રોસેસ કરે છે, તેનાં કારણે બહુ ઓછી જગ્યાએ દેખાતી હોય તેવી સમસ્યા કેટલીકવાર આપણને ઠેર ઠેર દેખાવા લાગે છે.

શેરીના લોકોએ ભેગા મળીને બનાવેલા 'સુરક્ષા મંડળ'ની કલ્પના કરો. આ મંડળના સભ્યોને જવાબદારી સોંપાઈ હોય કે આસપાસમાં કશું શંકાસ્પદ જણાય ત્યારે પોલીસને જાણ કરવી.

હવે કલ્પના કરો કે મંડળમાં એક નવો સભ્ય જોડાય છે, જે આ વિસ્તારમાં ગુનાખોરી ઓછી થાય તે માટે મંડળને મદદ કરવા માગે છે.

આવું મંડળ શરૂ થયું હોય ત્યારે શરૂઆતમાં હુમલો કે ચોરી જેવા ગંભીર ગુના બને ત્યારે પોલીસને જાણ કરતા હતા.

ધારી લઈએ કે આવા પ્રયાસોને સફળતા મળી અને ધીમે ધીમે તે વિસ્તારમાં મારામારી અને ચોરીની ઘટનાઓ ઓછી થવા લાગી.

હવે મંડળના સભ્યો શું કરશે? એક શક્યતા એવી છે કે તે સભ્યો થોડી નિરાંત અનુભવશે અને પોલીસને જાણ કરવાની ઘટના ઓછી થતી જશે.

જે ગંભીર ગુનાઓની તેમને ચિંતા હતી તે ઓછા થઈ ગયા છે, પછી હવે પોલીસનો વારેવારે સંપર્ક કરવાની જરૂર રહી નથી.

જો કે તેનાથી ઉલટું પણ થઈ શકે છે અને મારા રિસર્ચ ગ્રૂપે જે શોધી કાઢ્યું છે તેની સાથે તમે સહમત પણ થશો.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે સહમત થસો કે મંડળના કેટલાક સભ્યો ગુનાખોરી ઓછી થઈ ગઈ એટલે શાંત થઈ જશે નહીં.

તેના બદલે હવે આવા સભ્યો હવે ગંભીર ગુના વખતે જે બાબતોને નગણ્ય ગણતા હતા તેને પણ હવે 'શંકાસ્પદ' ગણાવતા થઈ જશે. દાખલા તરીકે લોકો રાત્રે અમે જ ફરવા નીકળતા હોય કે કોઈ અમસ્તું આંટા મારતું હોય તો પણ તેમને શક જવા લાગશે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

તમે કદાચ આવી બીજી ઘણી પરિસ્થિતિની કલ્પના કરી શકશો, જેમાં એવું લાગશે સમસ્યાઓનો અંત આવતો જ નથી, કેમ કે લોકો સતત સમસ્યાની વ્યાખ્યા બદલ્યા કરે છે.

તેને 'કૉન્સેપ્ટ ક્રિપ' અથવા તો 'મૂવિંગ ધ ગોલપોસ્ટ્સ' એવી રીતે પણ ઓળખવામાં આવે છે - આપણે સતત વ્યાખ્યા બદલ્યા કરીએ; પહેલાં સામાન્ય લાગતી બાબત ગંભીર લાગે અને આપણું લક્ષ્યું પણ બદલાતું રહે.

આ બહુ નિરાશાજનક સ્થિતિ હોય છે.

તમે સમસ્યાની નવી નવી વ્યાખ્યા કર્યા જ કરો તો પછી તેને ઉકેલ લાવવા માટે પ્રક્રિયા ક્યારે કરશો?

સમસ્યાનો ઉકેલ આવ્યો છે કે કેમ તે નક્કી જ નહીં થઈ શકે, કેમ કે વ્યાખ્યા બદલાઈ ગઈ હશે.

હું અને મારા સાથી સંશોધકો એ સમજવા માગતા હતા કે આવી વૃત્તિ ક્યારે જાગે છે, શા માટે જાગે છે અને શું તેને અટકાવી શકીએ ખરા.

હંમેશા શંકા

કેટલીક બાબતો સામાન્ય ગણાતી હોય તે સામાન્ય ના રહે ત્યારે તેના વિશેનો અભિગમ બદલાઈ જતો હોય છે.

આવું શા માટે થાય છે તેનો અભ્યાસ કરવા માટે અમે કેટલાક સ્વંયસેવકોને અમારી લેબોરેટરીમાં અભ્યાસ માટે એકઠા કર્યા હતા.

તેમને એક સાદું કાર્ય આપવામાં આવ્યું. કમ્પ્યૂટરની મદદથી જુદા જુદા ભાવ દર્શાવતા ચહેરા તૈયાર કરવામાં આવ્યા હતા.

બહુ નિર્દોષ લાગે ત્યાંથી માંડીને ડરામણા દેખાતા ચહેરાઓ તૈયાર કરાયા હતા.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ ચહેરાઓ સામે સ્વંયસેવકોએ જોવાનું હતું અને નક્કી કરવાનું હતું કે કયો ચહેરો વધારે 'ખતરનાક' લાગે છે.

લોકોએ એકસમાન રીતે જવાબ આપવાના બદલે છેલ્લા થોડા દિવસોમાં પોતાને કેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો તેના આધારે ઓછા કે વધારે ચહેરાને 'ખતરનાક' દર્શાવ્યા હતા.

માત્ર ખતરાની બાબતમાં જ આ રીતે અભિપ્રાયોમાં ફરક પડતો હોય છે તેવું નથી.

બીજા એક પ્રયોગમાં તેનાથી પણ સાદો પ્રયોગ કરવામાં આવ્યો હતો. સ્ક્રીન પર દેખાતા ટપકાં બ્લ્યૂ છે કે પરપલ છે એટલો જ જવાબ આપવાનો હતો.

બ્લ્યૂ ટપકાંની સંખ્યા ઓછી થતી જાય એટલે લોકો થોડા પરપલ રંગના ટપકાંને પણ બ્લ્યૂ રંગના ગણાવવા લાગ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમે તેમને એવું કહ્યું કે બ્લ્યૂ રંગના ટપકાં હવે ઓછા થતા જવાના છે, ત્યારે પણ તે લોકોએ બ્લ્યૂ રંગના ટપકાં વધારે ધારી લીધાં. એ જ રીતે સતત એકધારો જવાબ આપનારને રોકડ ઇનામ અપાશે એવી અમે જાહેરાત કરી, ત્યારે પણ આવું જ પરિણામ મળ્યું હતું.

આ પરિણામો દર્શાવે છે કે આપણું વર્તન સતત આપણા જાગૃત મનથી નિયંત્રિત થતું હોતું નથી.

જો એમ થતું હોત તો ઇનામ જીતવાની બાબતમાં લોકોનો રેકર્ડ એકસમાન જ રહ્યો હોત.

ડરામણા ચહેરા અને રંગીન ટપકાંઓનો પ્રયોગ કર્યા પછી અમારી સંશોધકોએ એવું પણ વિચાર્યું હતું કે કમ્પ્યૂટર સ્ક્રીન પર અમુક રીતે દૃશ્યો ઉપસે તેના કારણે પણ આવા તારણો નીકળ્યા હશે.

નોન-વિઝ્યુઅલ પ્રકારના પ્રયોગોમાં આનાથી કોઈ ફરક પડશે ખરો?

તેનું પરીક્ષણ કરવા માટે અમે આખરી પ્રયોગ કર્યો.

તેમાં અમે સ્વંયસેવકોને જુદા જુદા વૈજ્ઞાનિક અભ્યાસો વિશે વાંચવાનું કહ્યું અને બાદમાં તેમને પૂછ્યું કે આમાંથી કયા અભ્યાસો નૈતિક હતા અને કયા અનૈતિક.

ચહેરા અને રંગોના ટપકાંના પ્રયોગમાં અમને જે રીતે અસમાનતા જોવા મળી હતી, તેવી અસમાનતા નૈતિકતા અને અનૈતિકતા નક્કી કરવામાં પણ થશે એમ અમને હતું.

અમને હતું કે નૈતિકતા અંગેના વિચારો વધારે સાતત્યપૂર્ણ હશે.

પ્રયોગના દિવસે તમારે વધારે હિંસા જોઈ હોય કે ઓછી જોઈ, ગઈ કાલે તમે હિંસાને ખોટી માનતા હતા, તો આજે પણ તેને ખોટી માનશો એમ અમને હતું.

પણ નવાઈની વાત છે કે અમારી ધારણા ખોટી પડી અને ફરી એકવાર જૂના પ્રયોગની જ પેટર્ન જોવા મળી.

અમે લોકોને ધીમે ધીમે ઓછી અનૈતિક લાગે તેવા અભ્યાસો વાંચવા આપતા રહ્યા, તો પણ તે લોકો વધુ ને વધુ અભ્યાસોને અનૈતિક ગણાવતા રહ્યા.

અનૈતિક અભ્યાસો ઓછા વાંચવા મળ્યા તે સાથે તે લોકો તેની સામેનું વલણ વધુ ને વધુ આકરું કરતા ગયા હતા.

line

સાતત્યપૂર્ણ સરખામણી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ખતરો ઓછો થતો જાય, ત્યારે શા માટે લોકો વધુ ને વધુ બાબતોને ખતરનાક ગણાવતા થાય છે?

કૉન્ગનિટિવ સાઇકૉલૉજી અને ન્યુરોસાયન્સના સંશોધનોમાં જોવા મળ્યું છે કે આવું આપણું મગજ કઈ રીતે માહિતીને પ્રોસેસ કરે છે તેના કારણે આપણું વર્તન આ પ્રકારનું જોવા મળતું હોય છે.

આપણી સામે આવતી બાબતોને આપણે સતત હાલના સંજોગોમાં થયેલા અનુભવો સાથે જોડીને જોતા હોઈએ છીએ.

સામે રહેલા બધા ચહેરાઓમાંથી ખરેખર કયો ચહેરો કેટલો ખતરનાક છે તે ધ્યાનથી જોવાના બદલે આપણે છેલ્લા થોડા સમયમાં જોવા મળેલા ખતરનાક ચહેરાઓ સાથે તેની સરખામણી કરીને વિચારીએ છીએ.

અથવા તો છેલ્લા થોડા સમય દરમિયાન અમુક પ્રકારના ચહેરાઓ સાથે થયેલા અનુભવોની સરેરાશ કાઢીને ધારણા બાંધી લેતા હોઈએ છીએ.

અથવા સૌથી વધુ ખતરનાક કે સૌથી ઓછા ખતરનાક ચહેરા હાલના સમયમાં જોયા હોય તેની સાથે સરખામણી કરી લઈએ છીએ.

આ પ્રકારની સરખામણીને કારણે મારા રિસર્ચ ગ્રૂપે હાલમાં જે પ્રયોગો કર્યા તેમાં દેખાયેલી પેટર્ન જેવી જ પેટર્ન ઊભી થાય છેઃ જો ખતરનાક ચહેરા બહુ ઓછા જોવા મળ્યા હશે તો નવા ચહેરાઓની સરખામણી મોટા ભાગે ઓછા ખતરનાક ચહેરા સાથે કરવામાં આવશે.

તેની સામે ઢગલાબંધ સામાન્ય ચહેરાઓમાં થોડો ખતરનાક લાગતો ચહેરો પણ કદાચ બહુ વધારે ખતરનાક લાગશે.

એવું તારણ નીકળે છે કે આપણું મગજ અચૂક ગણતરી કરીને સરખામણી કરવાના બદલે ઉપરછલ્લી રીતે સરખામણી કરી લે ત્યારે ઓછી એનર્જી વપરાય છે.

તમારા પિતરાઇમાંથી કોણ સૌથી ઊંચો છે તે યાદ રાખવું સહેલું છે, જ્યારે દરેક પિતરાઇની ઊંચાઈ કેટલી છે તે યાદ રાખવું મુશ્કેલ છે.

એ જ રીતે મનુષ્યના મગજે પ્રમાણમાં સહેલાઈથી સરખામણી કરી લેવાની રીત અપનાવી લીધી છે, કેમ કે મોટા ભાગે તેવી સરખામણીથી મોટા ભાગની સ્થિતિમાં સલામતી સાથે કામ થઈ જાય છે.

આવી સરખામણીથી મોટા ભાગના નિર્ણયો પણ આસાનીથી લેવાઈ જાય છે અને ઝાઝું વિચારવાની તસદી લેવી પડતી નથી.

ક્યારેય આવી સરખામણી બરાબર કામ પણ કરે છે.

તમે કોઈ ફેન્સી રેસ્ટોરન્ટ શોધવા માગતા હશો તો દરેકનો અર્થ અલગઅલગ થશે.

પેરિસમાં ફેન્સીનો અર્થ જુદો થશે અને ટેક્સાસમાં તેનો અર્થ જુદો થશે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મારું રિસર્ચ ગ્રૂપ હાલમાં આ અનુસંધાને વધારે અભ્યાસ કરી રહ્યું છે. આ રીતે ઉપરછલ્લી સરખામણી કરી લેવાને કારણે ઊભી થનારી મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો તે સમજવા આ અભ્યાસોમાં પ્રયાસ કરાશે.

એક વ્યૂહ આવો હોઈ શકે છેઃ તમે જે નિર્ણય તે સતત સાતત્યપૂર્ણ હોય તે જરૂરી હોય ત્યારે તમારી કૅટેગરીની બહુ સ્પષ્ટ વ્યાખ્યા કરજો.

એટલે કે તમે શેરી સુરક્ષા મંડળમાં જોડાવાના હો તો એક યાદી લખીને તૈયાર કરો, જેમાં કયા પ્રકારની અલગ ગતિવિધિને ચિંતાજનક ગણવી તેની સ્પષ્ટ નોંધ કરજો.

આવી સ્પષ્ટતા નહીં રાખો તો એવું બનશે કે તમે કોઈ માણસ કૂતરાને ગળે પટ્ટો બાંધ્યા વિના નીકળ્યો હશે તો પણ તમે પોલીસને ફોન કરી દેશો, જોકે આનાથી પણ વધારે મુશ્કેલ સ્થિતિ ઊભી શકે છે.

જેમ કે, મંડળનો કોઈ સભ્ય કેવી બાબતને ખતરનાક ગણવી તેમાં વધુમાં વધુ સામાન્ય હોય તેવી બાબતોનો સમાવેશ કરતો થાય છે.

નાની નાની બાબત પણ ગુનાહિત પ્રવૃત્તિ લાગશે. તેના પરિણામે એવું થશે કે ગુનાખોરી ઘટાડવાના હેતુથી મંડળની રચના થઈ હતી, તેમાં સફળતા મળી હશે તો પણ નહીં લાગે કે સફળતા મળી છે.

તબિયતના નિદાનથી માંડીને આર્થિક નિર્ણયોની બાબતમાં આધુનિક મનુષ્યે ઘણા બધા સંકુલ નિર્ણયો લેવાના હોય છે.

આવા નિર્ણયોમાં સંતુલન અને સાતત્ય હોય તે જરૂરી છે. મનુષ્ય કઈ રીતે જરૂરી હોય ત્યારે સંતુલિત અને સાતત્યપૂર્ણ નિર્ણય લેશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો