ગુજરાતમાં પાણીપૂરી પર મુકાયેલા પ્રતિબંધનું સત્ય શું છે?

ઇમેજ સ્રોત, iStock
- લેેખક, જય મિશ્રા
- પદ, બીબીસી ગુજરાતી
રાજ્યના વડોદરા શહેરમાં મહાનગર સેવા સદનના એક ટ્વીટથી આખા રાજ્યમાં પાણીપૂરી પર પ્રતિબંધ મુકાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.
ટ્વીટમાં લખવામાં આવ્યું હતુ કે “વીએમસીના ફૂડ વિભાગ દ્વ્રારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું અને પાણીપૂરી બનાવનારી 50 જગ્યાઓ પર તપાસ હાથ ધરાઈ."
"આ તપાસમાં 4000 કિલો પૂરી, 3350 કિલો બટેટા, ચણા, અને 1200 લિટર પાણીપૂરીના પાણીનો નાશ કરવામાં આવ્યો."
"ઝાડા ઉલ્ટીના કેસમાં ઘટાડો નોંધાય નહી ત્યાં સુધી વીએમી દ્વારા પાણીપૂરીનું વેચાણ અટકાવવામાં આવ્યું છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ ઘટના બાદ રાજ્યમાં ઠેર- ઠેર પાણીપૂરીની લારીઓ પર દરોડા પાડવામાં આવ્યાં હતા અને રાજ્યમાં પાણીપૂરીના પ્રતિબંધની ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું હતું.
આ બધા વિવાદોની વચ્ચે જીભને સ્વાદ લગાડતી અને પેટને તાત્કાલિક ભરી દેતી પાણીપૂરી કેટલી પૌષ્ટિક છે તે વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે.
બીબીસી ગુજરાતીએ આ વાનગી વિશે પાણીપૂરી જેટલી જ મજેદાર માહિતી એકઠી કરી છે.

શું છે ગુજરાતમાં પ્રતિબંધનું સત્ય?

ઇમેજ સ્રોત, iStock
ગુજરાત રાજ્યમાં પાણીપૂરી પર પ્રતિબંધ છે કે નહી તેને લઈને ઘણી અસમંજસ જોવા મળી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, રાજ્યના ઉપ મુખ્ય મંત્રીએ સમાચાર માધ્યમોમાં સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પાણીપૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.
બીબીસી ગુજરાતીએ રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગના કમિશનર ડૉ. એચ. જી. કોશીયા સાથે વાત કરી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
તેમણે જણાવ્યું, "રાજ્યમાં સરકાર દ્વારા પાણીપૂરીના વેચાણ પર પ્રતિબંધ મુકાયો નથી પરંતુ આરોગ્યના કારણોસર સઘન તપાસ કરવામાં આવી રહી છે.”
“જ્યાં સફાઈ નહી હોય અને અખાદ્ય જથ્થો ઝડપાશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે."
"વડોદરામાં રોગચાળાને ધ્યાનમાં રાખતા સ્થાનિક પ્રશાસન દ્વારા કેટલાક યુનિટ પર હંગામી પ્રતિબંધ મુકાયો છે જેની મ્યુનિસિપલ કમિશનરને સત્તા હોય છે."

વડોદરામાં વેચાણ બંધ કરાવ્યું પણ પ્રતિબંધ નથી

ઇમેજ સ્રોત, Getty Images
વડોદરામાં પાણીપૂરીનું વેચાણ અટકાવવાનું સેવાસદને ટ્વીટર પર જાહેર કર્યું હતું.
જોકે, બાદમાં સંપૂર્ણ પ્રતિબંધ ન હોવાનું સ્વાસ્થ્ય અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું.
વડોદરામાં કોલેરા અને ઝાડા ઉલ્ટીના વધતા જતા કેસના કારણે દિલ્લીની નૅશનલ સેન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલના સભ્યોની સમિતિ વડોદરા પહોંચી હતી અને સર્વે કરવામાં આવ્યો હતો.
બીબીસી ગુજરાતીએ સેવાસદનના અધિક સ્વાસ્થ્ય અધિકારી ડૉ. મુકેશ વૈદ્ય સાથે વાત કરી હતી.
સેવા સદનના સ્વાસ્થ્ય વિભાગના અધિક સ્વાસ્થ્ય અધિકારી ડૉ. મુકેશ વૈદ્યના જણાવ્યા મુજબ વડોદરામાં માત્ર જુલાઈ મહિનામાં ઝાડા-ઉલ્ટીના 120 કેસ નોંધાયા હતા.
તેમણે કહ્યું, “જાહેરમાં વેચાતા કોઈ પણ ખોરાક પર પ્રતિબંધ નથી મુકાયો પણ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.”
“ ફૂડ ઇન્સ્પેક્ટર્સ દ્વારા લારીના વેપારીઓને માહિતી આપવામાં આવી રહી છે.”
“ અખાદ્ય જથ્થા સાથે ઝડપાયેલાં 24 યુનિટના વેચાણ પર વડોદરા શહેરમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.”
“જે સ્થળોથી અખાદ્ય જથ્થો ઝડપાશે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.”

પાણીપૂરી ખરેખર કેટલી આરોગ્યપ્રદ છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાણીપૂરીના મસાલામાં ચણા, બટાકા, મગ, વટાણા જેવા પૌષ્ટિક તત્ત્વોનો સમાવેશ થાય છે.
જ્યારે પાણીમાં લીંબુ, ફુદીનો, લસણ અને ધાણા વગેરેનો ઉપયોગ થાય છે.
સાથે જ વિવિધ પ્રકારનાં પાણી અને મીઠી ચટણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
પાણીપૂરીનાં પૌષ્ટિક તત્ત્વો વિશે માહિતી આપતા ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. મિનિ શેઠે જણાવ્યું, "ઘરે બનાવેલી પાણીપૂરી ખાવાથી કોઈ સમસ્યા થતી નથી.”
“તેના મસાલામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે, જ્યારે પાણીમાં ફુદીનો અને લીંબુ હોવાને કારણે ઍન્ટિ-ઑક્સિડન્ટ અને વિટામિન સી મળે છે.”
“આમ પાણીપૂરી જો ઘરે ચોખા પાણીથી અને સ્વચ્છ જગ્યામાં બનેલી હોય તો ખાવામાં કોઈ સમસ્યા નથી. પાણીપૂરીમાં સંતુલિત પોષકતત્ત્વો રહેલાં છે.”

કમળો પણ થઈ શકે છે

ઇમેજ સ્રોત, Getty Images
પાણીપૂરી ખાવાથી પેટમાં અને શરીરમાં શું અસર થઈ શકે છે તે અંગે બીબીસીએ ગૅસ્ટ્રો-ઍન્ટેરોલૉજીસ્ટ ડૉ. પંકજ જૈન સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું, " પાણીપૂરી સ્વચ્છ જગ્યામાં બનેલી હોય તો જોખમી નથી પરંતુ જો તે અસ્વચ્છ જગ્યાએ કે એવી પરિસ્થિતિમાં બની હોય તો ચેપ ફેલાવવાનો ભય રહે છે."
"આ ચેપના કારણે હૅપટાઇટિસ-એ અને હૅપટાઇટિસ-ઈ થઈ શકે છે. આ સ્થિતિ જો ગંભીર બને તો વ્યક્તિને કમળો કે ઝાડા થવાની સંભાવના રહે છે."
"જો પાણીપૂરી રોજ ખાતા હો અને તેમાં મરચાનું પ્રમાણ વધારે હોય, ત્યારે ઍસિડિટી થવાની શક્યતા વધી જાય છે."

જમરૂખ-મરચું, નારંગી, દ્રાક્ષ, કોકમની પાણીપૂરી

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે પાણીપૂરી ચણા, બટેટાનો મસાલો અને ફુદીનાના પાણી સાથે ખવાય છે પરંતુ દરેક ફૂડ ડિશની જેમ પાણીપૂરીમાં પણ નવા-નવા પ્રયોગો થતા રહે છે.
પાણીપૂરીની વિવિધતા વિશે ક્યૂલિનરી ઍક્સપર્ટ હિના ગૌતમે જણાવ્યુ હતું, "પાણીપૂરીમાં હવે ફ્રૂટના જ્યૂસના પાણીનું ચલણ વધી રહ્યું છે.”
”પાણીમાં આંબલી, હિંગ, ફુદીનો, જીરા, લસણ, કાચી કેરી, કાળી દ્રાક્ષ, નારંગી જ્યૂસ, જમરૂખ-લાલ મરચાનું પાણી ઉપયોગમાં લેવાય છે.”
“ આ ઉપરાંત કોકમ, આમચૂર, અજમો, અને લિમ્કા ફુદીનાનું પાણી પણ બનાવીને મિક્સ કરી શકાય છે.”
“મસાલામાં ચણા-વટાણા ઉપરાંત ફણગાવેલા કઠોળ, મગ-મઠનો ઉપયોગ થઈ શકે છે.”
“વિવિધતા માટે ચૉકલેટ ચિપ્સ, ફક્ત રબડી અને બુંદી, પિઝાનો તમામ મસાલો પણ ઉપયોગમાં લઈને પાણીપૂરી બનાવી શકાય છે.”

શું છે પાણીપૂરીનો ઇતિહાસ?

ઇમેજ સ્રોત, Getty Images
પાણીપૂરીના વિવિધ પ્રદેશોમાં વિવિધ નામ છે પરંતુ તેની શરૂઆત કેવી રીતે થઈ છે તે પણ જાણવા જેવું છે.
જાણીતા ફૂડ હિસ્ટૉરિયન પુષ્પેશ પંત સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી અને પાણીપુરીના ઇતિહાસને જાણવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું, "ઉત્તર પ્રદેશ અને બિહારના વિસ્તારોમાંથી પાણીપૂરીની શરૂઆત થઈ છે."
"આ પ્રદેશોમાં પૂરીનું નાનું સ્વરૂપ બનાવવામાં આવ્યું હતું જે પાણીપૂરી કહેવાતી હતી."
"પાણીપૂરીની શરૂઆત આ સદીના પ્રારંભે કે ઓગણીસમી સદીના અંતથી જ થઈ હતી."
"તે પહેલાં પાણીપૂરી, ગોલગપ્પા, કે ફૂચકાનો ઉલ્લેખ જોવા મળતો નથી."
"પાણીપૂરીનું મૂળ સ્વરૂપ રાજકચોરી છે જેમાં પાણી સિવાય તમામ મસાલો ભરવામાં આવતો હતો. પહેલાં તેનું નામ ગોલગપ્પા તરીકે પ્રચલિત ન હતું.”

ઇમેજ સ્રોત, Getty Images
“તેનો આકાર ગોળાકાર કપ જેવો હતો અને એક જ વારમાં ખવાઈ શકતી હોવાના કારણે તેનું નામ ગોલગપ્પા પડ્યું હતું.”
“પાણીપૂરીમાં જગ્યા ભરીને તેના ફૂચકા બનાવવામાં આવતા હતા તેથી બંગાળમાં તેનું નામ ફૂચકા તરીકે જાણીતું બન્યું."
"પાણીપૂરીનાં ત્રણ નામ છે જેને પાણીપૂરી, ગોલગપ્પા અને ફૂચકા તરીકે ઓળખવામાં આવે છે."
"તેનો જન્મ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચાટની સાથે જ થયો હતો.”
“ત્યાંથી દેશનાં બાકી રાજ્યોમાં પહોચી હતી. બાદમાં તેનો અલગઅલગ જગ્યાએ સ્વભાવ બદલાયો અને તે મુજબ નામ પણ બદલાયું."
"કેટલીક જગ્યાએ તેમાં ફક્ત બાફેલાં બટેટા, ચણા, મીઠી ચટણી, ફુદીનાની ચટણી વગેરે મિક્સ થાય છે. તો કેટલીક જગ્યાએ ફુદીનાનું પાણી મિક્સ થાય છે."

કેવો છે પાણીપૂરીનો બિઝનેસ

ઇમેજ સ્રોત, iStock
પાણીપૂરીનો વેપાર રાજ્યમાં અને દેશમાં મોટાભાગે અસંગઠિત ક્ષેત્ર દ્વારા સંચાલિત છે.
પાણીપૂરી લારી પર વેચાતી હોવાથી તેના વેપારનો કોઈ ચોક્કસ અંદાજ મેળવી શકતો નથી.
જોકે, આ ક્ષેત્રનું ઇકનૉમિક્સ સમજવા બીબીસી ગુજરાતીએ જાણીતા માર્કેટિંગ એડ્વાઇઝર સંજય ચક્રવર્તી સાથે વાતચીત કરી હતી.
તેઓ આ ક્ષેત્રના સંગઠિત બિઝનેસમાં સલાહકાર તરીકે કામ કરે છે.
તેમણે જણાવ્યું, "પાણીપૂરીના વેપારનો કોઈ ચોક્કસ આંકડો મેળવી શકાય નહીં, પરંતુ જો વિક્રેતા પાણીપૂરી, અને મસાલો જાતે જ તૈયાર કરીને વેચે તો તેમને 65 ટકા સુધીનો નફો થઈ શકે છે."
"જ્યારે બ્રાન્ડેડ દુકાનોમાં મળતી પાણીપૂરીમાં પૂરી તૈયાર ખરીદવામાં આવે છે. આ સ્થિતિમાં 50 ટકા જેટલો નફો થઈ શકે છે."
"લારી પરની પાણીપૂરી સામે સર્જાયેલા પ્રશ્નના કારણે વર્તમાન સમયમાં મોટી દુકાનોમાં મળતી પાણીપૂરી વધુ ખવાશે અને તેનો લાભ મોટા વેપારીઓને મળી શકે છે."

પાણીપૂરીનાં અનેક નામ

ઇમેજ સ્રોત, Getty Images
પાણીપૂરીને દેશના અલગઅલગ પ્રદેશમાં અલગઅલગ નામથી ઓળખવામાં આવે છે.
દેશના ઉત્તર ભાગમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ગોલગપ્પા નામથી પ્રચલિત છે.
જ્યારે ઝારખંડ, અને પશ્ચિમ બંગાળમાં પાણીપૂરીનું નામ ફૂચકા તરીકે જાણીતું છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુમાં પાણીપૂરીને પકોડી તરીકે ઓળખવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















