માનસી પારેખનો ફિટનેસ ફંડા: યોગ દિવસે સાવ સરળ પાંચ આસનો

વીડિયો કૅપ્શન, માનસી પારેખનો ફિટનેસ ફંડા: યોગ દિવસે સાવ સરળ પાંચ આસનો

ટેલિવિઝન એવું ક્ષેત્ર છે જે બહારથી ખૂબ ઝાકઝમાળવાળું લાગે પણ એ દિવસ રાતની મહેનત માગી લે છે.

એમાં પણ તમે અભિનય ક્ષેત્રમાં હશો તો તમારે ફિટ રહેવું ફરજીયાત છે.

ત્યારે આટલા વ્યસ્ત શિડ્યૂલમાં પોતાના માટે સમય કાઢવો ઘણો મુશ્કેલ થઈ જાય છે.

ટેલીવૂડમાં ફિટનેસ માટે જાણીતાં અભિનેત્રી માનસી પારેખે બીબીસી ગુજરાતી સાથે તેમનો ફિટનેસ ફંડા શૅર કર્યો હતો.

માનસી કહે છે, “યોગે મારું જીવન સફળ અને સરળ બનાવ્યું છે.”

શું તમે આ વાંચ્યું?

માનસીના ફિટનેસ ફંડામાં મોંઘાદાટ જિમ્નેશિયમ કે ભૂખ્યા રહીને થતુ્ં ડાયેટિંગ નથી, પણ ખૂબ સરળ અને ઓછો સમય માંગી લે તેવી યોગક્રિયાઓ છે.

માનસીએ જણાવ્યું, “મારા યોગગુરુ સદગુરુ છે અને હું ઇશા યોગ કરું છું. જે 21 મિનિટની ક્રીયા છે. જેની શરૂઆત શાંભવી મહામુદ્રાથી થાય છે.”

“જેમાં શરૂઆતમાં એક શ્લોક બોલવામાં આવે છે પછી યોગાસનની શરૂઆત થાય છે.”

“ત્યારબાદ હું પતંગાસન કરું છું જેને કારણે તમારું મૂલાધાર ચક્ર ખૂલી જાય છે.”

“પછી શિશુપાલ આસન તમારી શરીરના નીચેના ભાગને લચીલો બનાવે છે.”

“પછી નાડી વિભાજન કરવામાં આવે છે. શાંભવી મહામુદ્રાને કારણે તમારી મજબૂતી વધે છે.”

“સ્ટ્રેસ ઘટે છે. ધ્યાન કેન્દ્રીત થાય છે. માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.”

“આ આસન બાદ હું સૂર્યક્રિયા કરું છું, સૂર્યક્રિયા એ સૂર્યાસન કરતાં વધુ અઘરી છે.”

“સૂર્યાસનમાં બાર સ્ટેપ્સ હોય છે, જ્યારે સૂર્યક્રિયામાં 21 સ્ટેપ્સ હોય છે. એનાથી તમારું શરીર લચીલું બને છે.”

“ત્યાર બાદ અનુલોમ વિલોમ એટલે પ્રાણાયામ અને પછી ઓમકાર અને અંતે મંત્ર સાથે યોગક્રિયા પૂર્ણ થાય છે.”

માનસીએ કહ્યું, “લોકો કહે છે કે તેમની પાસે સમય નથી પણ હું કહું છું કે યોગ માટે માત્ર 5 મિનિટ, એક નાનકડી જગ્યા અને તમે, આટલી જ વસ્તુની જરૂર છે.”

“જેની પાસે ખરેખર સમય નથી એ માત્ર અનુલોમ વિલોમ કરે તો પણ ઘણું છે.”

“આ ઘણું પાવરફુલ અને સરળ આસાન છે. જેનાથી શ્વસન ક્રિયામાં ઉપયોગી નાડીઓ ખુલી જાય છે, લોહી ભ્રમણ સારું થાય છે. સ્ફૂર્તી રહે છે.”

તેમણે ઉમેર્યું, “મેં પ્રેગનન્સી દરમિયાન પણ અમુક આસનો કર્યાં હતાં જેનો મને ઘણો ફાયદો થયો.”

“એટલે કે ટૂંકમાં કહીએ તો યોગ એ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની હકારાત્મક ચાવી છે. તો યોગ કરો અને સ્વસ્થ રહો.”

રિપૉર્ટર: સરિતા પ્રતિક

વીડિયો એડિટર: નિમિત્ત

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો