આ મુસ્લિમો કેમ પવિત્ર ગણાતી હજયાત્રાએ જઈ શકતા નથી?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Reuters

દુનિયાભરના લાખો મુસલમાનો હજ માટે દર વર્ષે સાઉદી અરેબિયા જતા હોય છે. ઇસ્લામનું આ પ્રાચીન ધાર્મિક અનુષ્ઠાન સમગ્ર વિશ્વના મુસ્લિમો માટે અત્યંત મહત્ત્વનું હોય છે.

સાઉદી અરેબિયાના મક્કા શહેરમાંના કાબાને ઇસ્લામમાં સૌથી પવિત્ર સ્થળ ગણવામાં આવે છે.

પાંચ દિવસની હજયાત્રાનો પ્રારંભ આ વર્ષે 19 ઑગસ્ટથી થયો હતો અને આ વર્ષે 20 લાખથી વધુ મુસલમાનો હજયાત્રા માટે સાઉદી અરેબિયા પહોંચશે એવું અનુમાન છે.

ઇસ્લામના કુલ પાંચ સ્તંભોમાં હજ પાંચમો સ્તંભ છે. સ્વસ્થ અને આર્થિક રીતે સક્ષમ હોય તેવા બધા મુસલમાનો જીવનમાં એકવાર હજયાત્રા કરવા ઇચ્છતા હોય છે.

વાસ્તવમાં ઇસ્લામના બધા અનુયાયીઓ ખુદને મુસલમાન ગણાવે છે પણ ઇસ્લામિક કાનૂન (ફિકહ) અને ઇસ્લામી ઇતિહાસની પોતપોતાની સમજને આધારે મુસલમાનો અનેક પંથો કે ફિરકાઓમાં વિભાજિત છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અહમદિયા મુસલમાનો એ પૈકીનો એક ફિરકો છે. અહમદિયા મુસલમાનોની જે માન્યતા છે તેને કારણે અન્ય મુસલમાનો અહમદિયાઓને મુસ્લિમ માનતા નથી અને તેમને હજયાત્રા જવા પર પ્રતિબંધ છે.

અહમદિયા મુસલમાનો હજયાત્રા કરવા મક્કા પહોંચી જાય તો તેમની ધરપકડ થવાનો અને તેમના ડિપોર્ટ થવાનું જોખમ હોય છે.

બીબીસીની ટીમ આવી જ એક વ્યક્તિને મળી હતી, જેણે ગયા વર્ષે ગુપચૂપ હજયાત્રા કરી હતી.

line

ચૂપચાપ હજ પર ગયેલી વ્યક્તિએ શું કહ્યું?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

એ વ્યક્તિએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "હજ પર જવામાં જોખમ છે એ વાત તમારા દિમાગમાં સતત રહેતી હોય છે, પરંતુ તેની સાથે ખુશી પણ હોય છે કે તમે અલ્લાહ માટે ત્યાં જઈ રહ્યા છો."

"તમને અલ્લાહનો સાથ પણ મળે છે, કારણ કે હું મુસલમાન છું એ અલ્લાહ તો જાણે જ છે."

બ્રિટનના મેન્ચેસ્ટર સ્થિત દારુલ ઉલૂમ મસ્જિદના ઇમામ મોહમ્મદે કહ્યું હતું, "કેટલાક દેશો અને સંગઠનોએ અમને બિન-મુસ્લિમ જાહેર કર્યા છે. એ તેમનો મત છે. તેથી મામલો થોડો જટિલ બને છે."

"અહમદિયાઓ માટે હજ કરવાનું થોડું મુશ્કેલ હોય છે. તેથી તેઓ હજ માટે જાય છે ત્યારે વધારે સાવધ રહે છે."

ઇમામ મોહમ્મદે કહ્યું હતું, "સામાન્ય રીતે લોકો એવું નથી પૂછતા કે તમે ક્યા ફિરકા સાથે સંકળાયેલા છો."

"અમે ત્યાં કોઈને હેરાન કરતા નથી. અમે ત્યાંની પરિસ્થિતિ બદલવા માટે ત્યાં જતા નથી અને કોઈને નુકસાન કરવાનો અમારો ઇરાદો હોતો નથી."

ઇમામ મોહમ્મદ માને છે કે આવો અભિગમ હોવા છતાં અહમદિયા મુસલમાનોને ડિપોર્ટ કરવામાં એટલે તેમના દેશમાં પરત મોકલવામાં આવે છે.

ઇમામ મોહમ્મદે કહ્યું હતું, "જે ક્ષણે ડિપોર્ટ કરવાનો નિર્ણય તેઓ કરે છે ત્યારે અહમદિયા મુસલમાનો તેનો વિરોધ કરતા નથી કારણ કે અમે એ દેશનો પણ આદર કરીએ છીએ અને અમારા સ્વદેશનો પણ આદર કરીએ છીએ."

મેન્ચેસ્ટરની મસ્જિદમાં આવતા અનેક લોકોને હજયાત્રા કરી આવેલા લોકો વિશે જાણકારી હોય છે.

મેન્ચેસ્ટરની મસ્જિદમાં આવતાં એક મહિલાએ કહ્યું હતું, "હું ક્યારેય હજ પર ગઈ નથી, પણ હજયાત્રાએ જવાનું મને ગમશે. એ મારી હાર્દિક ઇચ્છા છે કારણ કે મને અલ્લાહમાં શ્રદ્ધા છે."

"દુનિયાભરના લોકો જે આધ્યાત્મિક અનુભવ કરવા ઇચ્છતા હોય છે તેની પૂર્ણ અનુભૂતિ હું પણ કરવા ઇચ્છું છું."

મેન્ચેસ્ટરની મસ્જિદમાં આવતા એક અન્ય પુરુષે કહ્યું હતું, "ક્યારેક લોકોને ખુલ્લેઆમ કશું કરતા રોકવામાં આવે છે પણ લાગણી વધી જાય છે અને અહમદિયા મુસ્લિમોમાં હજયાત્રા કરવાની ઇચ્છા વધુ હોય છે."

line

કોણ છે અહમદિયા મુસલમાનો?

કાબામાં હજયાત્રા કરતા મુસ્લિમોનો ફાઈલ ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

હનફી ઇસ્લામિક કાયદાનું પાલન કરતા મુસ્લિમોનો એક સમુદાય ખુદને અહમદિયા કહે છે.

આ સમુદાયની સ્થાપના ભારતીય પંજાબના કાદિયાનમાં મિર્ઝા ગુલામ અહમદે કરી હતી.

આ પંથના અનુયાયીઓ માને છે કે મિર્ઝા ગુલામ અહમદ પોતે નબી(અલ્લાહના દૂત)નો જ એક અવતાર હતા.

અહમદિયા મુસ્લિમોની માન્યતા મુજબ, તેઓ કોઈ નવી શરીયત લાવ્યા ન હતા.

પયગંબર મોહમ્મદની શરીયતનું જ પાલન કરતા હતા પરંતુ તેમનો દરજ્જો નબીનો છે.

મુસ્લિમોના લગભગ તમામ ફિરકાઓ એ વાત સાથે સહમત છે કે અલ્લાહે દુનિયામાં મોકલેલા દૂતોના સિલસિલાનો મોહમ્મદ સાહેબ પછી અંત આવ્યો હતો.

જોકે, અહમદિયાઓ માને છે કે મિર્ઝા ગુલામ અહમદ એવા ધર્મ સુધારક હતા, જેમનો દરજ્જો નબીનો છે.

માત્ર આ મુદ્દે મતભેદ એટલા ગંભીર છે કે મુસ્લિમોનો એક મોટો વર્ગ અહમદિયાઓને મુસલમાન ગણતો નથી.

જોકે, ભારત, પાકિસ્તાન અને બ્રિટનમાં અહમદિયા મુસલમાનોની સંખ્યા મોટી છે.

પાકિસ્તાનમાં તો અહમદિયાઓને ઇસ્લામમાંથી સત્તાવાર રીતે બહિષ્કૃત કરવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો