મહિલાઓમાં મર્દાના પરિવર્તન લાવી શકે છે ગર્ભનિરોધક ગોળીઓ

- લેેખક, ઝારિયા ગોર્વેટ
- પદ, બીબીસી ફ્યૂચર
મહિલાઓ અસલામત સેક્સને લીધે ગર્ભવતી થઈ શકે છે. તેનાથી બચવાની એકદમ આસાન તરકીબ છે ગર્ભનિરોધક ગોળીઓ. કેટલીક ગોળીઓ લીધા બાદ લોકો છૂટથી સેક્સનો આનંદ લઈ શકે છે.
મહિલાઓ ગર્ભવતી થવાના ડરમાંથી આઝાદ થઈ જાય છે. ગર્ભ ધારણ કરવામાં હોર્મોનની ભૂમિકા બહુ મોટી હોય છે અને એ હોર્મોન્સને તેમનું કામ કરતાં રોકવાનું કામ આ ગોળીઓ કરતી હોય છે.
ગર્ભનિરોધક ગોળીઓ ખાતી મોટાભાગની મહિલાઓ એ નથી જાણતી કે તેઓ એક ગોળી સાથે આઠ પ્રકારનાં હોર્મોન પણ શરીરમાં પધરાવતી હોય છે.
એ આઠમાં કેટલાંક હોર્મોન એવાં હોય છે, જે મહિલાની શરીરને મર્દાના ઓળખ આપતાં હોય છે.

એકેય ગોળીમાં કુદરતી હોર્મોન નહીં

ઇમેજ સ્રોત, Getty Images
ગર્ભનિરોધક ગોળીઓમાં ઍસ્ટ્રોજેન અને પ્રૉજેસ્ટેરોન હોર્મોન હોવાનો દાવો કરવામાં આવે છે, પણ સચ્ચાઈ એ છે કે આ કુદરતી હોર્મોન્સ એકેય ગોળીમાં નથી હોતા.
વાસ્તવમાં એ હોર્મોનનું સિન્થેટિક સ્વરૂપ ગર્ભનિરોધક ગોળીઓમાં હોય છે, જે કુદરતી હોર્મોન કરતાં વધારે સ્થાયી હોય છે.
દરેક ગર્ભનિરોધક ગોળીમાં એક જ પ્રકારનાં સિન્થેટિક ઍસ્ટ્રોજન, ઍથીનીલ ઍસ્ટ્રોડિઓલ અને પ્રૉજેસ્ટેરોન હોય છે.
ઍથીનીલ એસ્ટ્રોડિઓલ દર મહિને ગર્ભાશયમાં અંડાણું વિકસીત થતાં રોકતું હોય છે, જ્યારે પ્રોજેસ્ટેરોન ગર્ભાશયના મુખ પર મોટું આવરણ બનાવી દેતું હોય છે. તેથી ગર્ભાશયમાં સ્પર્મ માટે કોઈ જગ્યા રહેતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
કોઈ અંડાણુ અકસ્માતે ગર્ભાશયની અંદર પહોંચી જાય તો પણ એ ત્યાં વિકસી શકતું નથી અને બેકાર બનીને માસિકના રક્ત સાથે બહાર નીકળી જાય છે.
હોર્મોનની કથા અહીં સુધી તો રાહતદાયક છે, પણ તાજેતરનું એક સંશોધન સાબિત કરે છે કે ગોળીઓ સાથે મહિલાઓ જે કૃત્રિમ હોર્મોન ગળતી હોય છે તે કુદરતી હોર્મોન સાથે યોગ્ય તાલ મેળવી શકતાં નથી.
ગર્ભનિરોધક ગોળીઓ લેતી મહિલાઓના અનુભવની વાતો તમે ઇન્ટરનેટ પર સાંભળશો તો ચોંકી જશો.
કોઈ કહે છે કે તેમના ગાલ પર પુરુષોની માફક વાળ ઊગ્યા છે.
કોઈનો ચહેરો મોટો થઈ ગયો છે તો કોઈ કહે છે કે તેમનો ચહેરો ખીલથી ભરાઈ ગયો છે.

શરીરમાં થાય છે પરિવર્તન

ઇમેજ સ્રોત, Alamy
2012ના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, પુરુષોનાં હોર્મોનમાંથી તૈયાર થતું પ્રૉજેસ્ટેરોન ધરાવતી ગર્ભનિરોધક ગોળીઓનું સેવન 83 ટકા અમેરિકન મહિલાઓ કરે છે.
એ ગોળીઓમાં પુરુષોના જે ટેસ્ટેસ્ટેરોન હોર્મોનનો ઉપયોગ થાય છે તેનું નામ નૅન્ડરોલોન છે. આ હોર્મોન પુરુષોની રિપ્રૉડક્ટિવ સિસ્ટમને વિકસાવતું હોય છે.
તેથી મહિલાઓ આ હોર્મોન ગોળીના સ્વરૂપમાં ગળે છે ત્યારે તેમનાં શરીરમાં પણ મર્દાના પરિવર્તન થવાં લાગે છે.
ઑસ્ટ્રિયાની સાલ્ઝબર્ગ યુનિવર્સિટીનાં ન્યૂરોસાયન્ટિસ્ટ બ્લેંડા પ્લેત્સરનું કહેવું છે કે નૅન્ડરોલોન હોર્મોન માંસપેશીઓને મજબૂત કરવામાં અને મસલ્સ બનાવવામાં મદદરૂપ થતું હોય છે.
બૉક્સરો ડૉપિંગમાં આ હોર્મોનનો ઉપયોગ કરે છે તેનું કારણ આ જ છે.
વિખ્યાત હેવીવેઈટ વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર ટાઈસન ફ્યૂરી 2015માં આ હોર્મોનને સેવન બદલ દોષી સાબિત થયા હતા અને એમના પર બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
ગર્ભનિરોધક ગોળીઓથી થતાં નુકસાન બાબતે સંશોધકો લાંબા સમયથી જાણે છે.
40, 50 અને 60ના દાયકામાં ગર્ભપાતથી બચવા માટે મહિલાઓએ નોરથિંડરોન હોર્માનનો ઉપયોગ કર્યો હતો, જે ઍન્ડ્રોજેનિક હતું.
એ હોર્મોનના સેવનથી ગર્ભપાત તો રોકાઈ ગયા હતા, પરંતુ મહિલાઓમાં બીજી સમસ્યાઓ સર્જાવા લાગી હતી.
તેમનાં શરીર પર ધાબાં પડવાં લાગ્યાં હતાં, ચહેરા પર વાળ ઊગવા લાગ્યા હતા. કેટલીક મહિલાઓનો અવાજ બદલાઈ ગયો હતો.
આડઅસર એવી પણ હતી કે પ્રત્યેક પાંચ છોકરીઓમાંથી એક છોકરી એવી જન્મતી જેનું જનનાંગ મર્દાના હતું. પછી તેમની સર્જરી કરવી પડતી હતી.
આજે જે ગર્ભનિરોધક ગોળીઓ તૈયાર કરવામાં આવે છે તેમાં ઍન્ડ્રોજેનિક પ્રૉજેસ્ટેન બહુ ઓછું હોય છે.
એ ઉપરાંત બાકીનાં હોર્મોન સિન્થેટિક ઍસ્ટ્રોજન સાથે ભેળવવામાં આવે છે, જેથી હોર્મોનની મર્દાના અસર ઘટી જાય છે.

દિમાગ પર પણ થાય છે અસર

ઇમેજ સ્રોત, Getty Images
સિન્થેટિક પ્રૉજેસ્ટેરોનનો ઉપયોગ ખીલ અને વધારાના તથા અનિચ્છનીય વાળનો વિકાસ રોકવા માટે પણ કરવામાં આવે છે.
જોકે, વિજ્ઞાનીઓ તો એવું પણ કહે છે કે તેનાથી હોર્મોનનું અસંતુલન સર્જાવાનું જોખમ તોળાયેલું રહે છે.
આપણાં આખા શરીરમાં એન્ડ્રોજન રિસેપ્ટર હોય છે. ખાસ કરીને પરસેવો પેદા કરતી અને શરીર પર વાળ ઊગાડતી ગ્રંથિઓની પાસે તો સૌથી વધુ પ્રમાણમાં એન્ડ્રોજન રિસેપ્ટર્સ હોય છે.
તેથી ગર્ભનિરોધક ગોળી લીધા બાદ ઘણી મહિલાઓ વધારે પરસેવાની અને વણઈચ્છીત વાળ ઊગવાની ફરિયાદ કરતી હોય છે.
એટલું જ નહીં, આ પ્રકારનાં સ્ટીરૉઇડની અસર દિમાગ પર પણ થાય છે.
પ્રોફેસર પ્લેત્સરનું કહેવું છે કે ગોળીઓના સ્વરૂપમાં હોર્મોન ગળવાની માઠી અસરનાં અનેક પાસાંઓ વિશે સંશોધન કરવામાં આવ્યું હતું.
જોકે, તેની દિમાગ પરની અસર વિશે આઠ વર્ષ પહેલાં જ સંશોધન શરુ કરવામાં આવ્યું છે, જ્યારે આ ગોળીઓનો ઉપયોગ છેલ્લાં 50 વર્ષથી થતો રહ્યો છે.
સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જે મહિલાઓ ઍન્ડ્રોજેનિક પ્રોજેસ્ટેનવાળી ગોળીઓનું સેવન કરતી હતી તેમનું શબ્દજ્ઞાન નબળું થતું જતું હતું.
એ મહિલાઓ ફરતાં-ફરતાં ચીજોને ઝડપથી નોટિસ કરતી હતી, પણ નવા શબ્દો વિચારી શકતી ન હતી.
ચોક્કસ પ્રસંગોએ સ્ત્રીઓની સરખામણીએ ઓછું બોલવું અને આજુબાજુના માહોલનું આકલન ઝડપથી કરી લેવું એવું સામાન્ય રીતે પુરુષોના સંદર્ભમાં જોવા મળતું હોય છે.
તેના પરથી ખબર પડે છે કે આ પ્રકારનાં હોર્મોનવાળી ગોળીઓ ગળવાથી મહિલાઓનું દિમાગ કેટલાક અંશે પુરુષોની માફક જ કામ કરવા લાગે છે.

વીસમી સદીની સૌથી મોટી ક્રાંતિ?

ઇમેજ સ્રોત, Getty Images
2015માં પ્રકાશિત એક સંશોધનનાં તારણ જણાવે છે કે સુધારા બાદ હાલ બજારમાં ઍન્ડ્રોજેનિક પ્રોજેસ્ટેનવાળી જે ગોળીઓ બજારમાં મૂકવામાં આવી છે તેનું પરિણામ ઘણું બહેતર છે.
એ ગોળીઓના ઉપયોગથી મહિલાઓમાં મર્દાના પરિવર્તન આવતું નથી, પણ દિમાગ પર તેની માઠી અસર તો થાય જ છે.
એ ગોળીઓનું સેવન લાંબા સમય સુધી કરવામાં આવે તો દિમાગના કેટલાક ખાસ હિસ્સામાં તે સતત ફેલાતું રહે છે.
હોર્મોનયુક્ત ગર્ભનિરોધકોની વર્તન તથા દિમાગ પર કેવી અસર થાય છે તેનું સંશોધન હાલ ચાલુ છે, પણ તેને વીસમી સદીની સૌથી મોટી ક્રાંતિ કહેવાનું અયોગ્ય નહીં ગણાય.
આ પ્રકારનાં ગર્ભનિરોધકોએ મહિલાઓને જાતીય જીવનનો ભરપૂર આનંદ લેવાની મોકળાશ આપી છે.
દરેક ચીજની સારી તથા ખરાબ બાબત હોય છે અને કોઈ પણ ચીજનો અતિરેક નુકસાનકારક હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












