હેલ્થ : ખાંડ ખરેખર શરીરને નુકસાન કરે છે કે આ માન્યતા ખોટી છે

ખાંડની ચમચી
ઇમેજ કૅપ્શન, ખાંડનો ફોટો
    • લેેખક, જેસિકા બ્રાઉન
    • પદ, બીબીસી ફ્યૂચર

અત્યારે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે છે, પણ એ વાત સાચી છે કે એક જમાનામાં મનુષ્યને માત્ર ફળોની સિઝનમાં જ સાકરનો સ્વાદ મળતો હતો.

લગભગ 80,000 વર્ષ પહેલાં શિકારી મનુષ્ય ભાગ્યે જ ફળો ખાતો હતો. મોટાભાગે પક્ષીઓ જ ફળો ખાઈ જતા હતા અને મનુષ્યો માટે થોડા જ વધતા હતા.

હવે આપણને આખું વર્ષ ગળ્યું ખાવાનું મળે છે. ઓછા પોષક પદાર્થો ધરાવતું ગળપણ હવે આપણને અત્યંત સુલભ બન્યું છે - સોફ્ટ ડ્રિન્કમાં અને નાસ્તાના પડીકાંમાં.

અગાઉ કરતાં આપણે અત્યારે જે શર્કરા આહારમાં લઈએ છીએ તે બહુ ઓછી લાભપ્રદ હોય છે તે વાત સામાન્ય માણસ પણ જાણે છે.

આજે ખાંડ આરોગ્યનો દુશ્મન નંબર વન બની છે. સરકાર તેના પર ટૅક્સ નાખે છે, શાળા અને હૉસ્પિટલો વેન્ડિંગ મશીનમાંથી ગળ્યા પદાર્થો હટાવી રહ્યાં છે.

નિષ્ણાતો સલાહ આપે છે કે ગળચટ્ટા પદાર્થો ખાવાનું બિલકુલ બંધ કરો.

જોકે, વધારે પડતી કેલરીયુક્ત પદાર્થો સિવાય, સ્વતંત્ર રીતે ખાંડ આપણી તબિયતને કેવી રીતે અસર કરે છે તે સાબિત કરવામાં વિજ્ઞાનીઓને મુશ્કેલી પડી રહી છે.

છેલ્લાં પાંચ વર્ષમાં થયેલાં સંશોધનોનું તારણ કાઢવામાં આવે તો જોવા મળે છે કે રોજના 150 ગ્રામથી વધારે ફ્રૂક્ટોઝ લેવામાં આવે તો તેનાથી ઇન્સ્યુલિન માટે સેન્સિટિવિટી ઘટે છે.

તેના પરિણામે લોહીનું ઊંચું દબાણ અને કોલેસ્ટરોલનું ઊચું પ્રમાણ જેવી સમસ્યા વધી જાય છે.

એવું પણ તારણ છે કે કેલરીયુક્ત પદાર્થો સાથે ખાંડ લેવાથી આવું થાય છે.

સાથે જ એવું પણ તારણ કઢાયું છે કે ખાંડને કારણે વધારે કેલરીયુક્ત ખોરાક લેવાય છે.

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આવો ખોરાક જ 'મહદ અંશે' તબિતયન માટે હાનિકારક છે, એકલી ખાંડ તેના માટે જવાબદાર નથી.

સાથોસાથ એવી દલીલો પણ વધી રહી છે કે કોઈ એક જ ખાદ્ય પદાર્થને હાનિકારક ગણાવી દેવામાં પણ જોખમ રહેલું છે.

તેના કારણે લોકોના મનમાં તે પદાર્થ માટે મૂંઝવણ ઊભી થાય છે.

શરીરને જરૂરી આહાર લેવાનું ઓછું થઈ જવાનું પણ જોખમ રહે છે.

સુગર અથવા તો 'એડેડ સુગર'માં સામાન્ય ખાંડ ઉપરાંત સ્વીટનર્સ, મધ અને ફ્રૂટ જ્યૂસનો પણ સમાવેશ થાય છે.

લાઇન

તમને આ પણ વાંચવું ગમશે

સ્વાદ માટે ખાદ્ય પદાર્થો તથા પીણાંમાં તેને ઉમેરવામાં આવ્યા હોય તેનો પણ સમાવેશ થાય છે.

જોકે, કોમ્પ્લેક્સ અને સિમ્પલ એમ બંને પ્રકારના કાર્બોહાઇડ્રેટ્સ શર્કરામાંથી જ બનેલા હોય છે.

તેનું પાચન કરવામાં આવે ત્યારે તેમાંથી ગ્લુકોઝ બને છે.

ગ્લુકોઝનો ઉપયોગ શરીરના કોષો ઊર્જા પ્રાપ્ત કરવા માટે તથા મગજને પોષણ આપવા માટે કરે છે.

કૉમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સમાં અનાજ અને શાકભાજીનો સમાવેશ થાય છે. સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ વધારે ઝડપથી પચી જાય છે.

તે રક્તમાં શર્કરાને ઝડપથી છોડે છે.

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ફળો વગેરેમાં તે સીધા જ મળે છે, જેમાં ફ્રૂક્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ અને ગ્લુકોઝ વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કોર્ન સિરપમાં પણ ઊંચા પ્રમાણમાં ફ્રૂક્ટોઝ હોય છે.

16મી સદી પહેલાં માત્ર ધનિક લોકો જ સાકરનો સ્વાદ ચાખી શકતાં હતાં.

સામ્રાજ્યવાદમાં વેપાર વધ્યો તે પછી જ ખાંડ સસ્તી થઈ હતી.

1960ના દાયકામાં ગ્લુકોઝમાંથી ફ્રૂક્ટોઝ બનાવવાનું મોટા પાયે શરૂ થયું.

તેના કારણે બંનેનું ઊંચું પ્રમાણ ધરાવતા કોર્ન સિરપ તૈયાર થવા લાગ્યા.

બીજી કોઈ પણ એક શર્કરા કરતાં ફ્રૂક્ટોઝ અને ગ્લુકોઝનું આ મિશ્રણ જનતાના સ્વાસ્થ્ય માટે સૌથી ખતરનાક સાબિત થયું છે, તેમ નિષ્ણાતો માને છે.

મોટાભાગનાં લોકો સુગરથી થતાં નુકસાનની વાત કરે છે ત્યારે તેમના મનમાં પણ આ મિશ્રણ જ હોય છે.

line

સાકરનો જોશ

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં ફ્રૂક્ટોઝનું ઊંચું પ્રમાણ ધરાવતા કોર્ન સિરપનો વપરાશ 1970થી 1990 સુધીમાં દસ ગણો વધી ગયો હતો.

અન્ય કોઈ ખાદ્ય પદાર્થનો ઉપભોગ આટલો વધ્યો નથી.

સંશોધકો કહે છે કે અમેરિકામાં સ્થૂળતા વધીને તેનું મુખ્ય કારણ કોર્ન સિરપનો વધેલો વપરાશ હતો.

કૉર્ન સિરપ ધરાવતાં ગળ્યાં પીણાં વિશે વધારે ને વધારે સંશોધન થતાં રહ્યાં છે.

88 જુદા જુદા અભ્યાસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું તેમાં જોવા મળ્યું હતું કે ગળ્યાં પીણાં અને વજન વચ્ચે સીધો સંબંધ દેખાતો હતો.

બીજા શબ્દોમાં કહીએ તો સૉફ્ટ ડ્રિન્ક પીવાને કારણે વધારાની એનર્જી મળી જાય તેનું વળતર વાળી દેવા માટે બીજો આહાર ઓછું કરવાનું લોકો પસંદ કરતાં નહોતાં.

તેનું એક કારણ એ પણ ખરું કે સૉફ્ટ ડ્રિન્કને કારણે ભૂખ ઊઘડે છે અને ખાધાનો સંતોષ ઓછો થાય છે.

જોકે, સંશોધકો એવું પણ તારણ કાઢે છે કે સૉફ્ટ ડ્રિન્કને અને એડેડ સુગરને કારણે અમેરિકામાં સ્થૂળતા વધી છે એ ખરું પણ આ માટેના આંકડાં માત્ર બાહ્ય સંબંધ જ દેખાડે છે.

દરેક જાણકાર એ વાતે સહમત નથી કે સ્થૂળતા માટે માત્ર કૉર્ન સિરપ જ જવાબદાર છે.

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક જાણકારો કહે છે કે છેલ્લાં 10 વર્ષોમાં અમેરિકા સહિતના દેશોમાં સુગર લેવાનું પ્રમાણ ઘટી રહ્યું છે તો પણ સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે.

કૉર્ન સિરપ ના મળતા હોય કે ઓછા મળતા હોય તેવા વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં સ્થૂળતા અને ડાયાબિટીસ દેખાવા લાગ્યાં છે, જેમ કે ઑસ્ટ્રેલિયા અને યુરોપ.

હાઇ ફ્રૂક્ટોઝ કૉર્ન સિરપ એક માત્ર શર્કરાનો એવો પ્રકાર નથી જે મુશ્કેલી સર્જી રહ્યો હોય.

એડેડ સુગર, ખાસ કરીને ફ્રૂક્ટોઝ પણ જુદી જુદી સમસ્યા માટે જવાબદાર ગણાય છે.

તેને હૃદયરોગ માટે જવાબદાર ગણવામાં આવે છે.

લીવરમાં ફ્રૂક્ટોઝનું પાચન થાય ત્યારે તેમાંથી ટ્રાયગ્લિસરિન પેદા થાય છે.

તે ચરબીનો એક પ્રકાર છે, જે ધીમે ધીમે લીવરના કોષોમાં જમા થાય છે.

લાઇન

ત્યાંથી તે રક્તપ્રવાહમાં પ્રવેશે છે અને તેના કારણે રક્તવાહિનીની દિવાલોમાં ચરબીના થર જામતા જાય છે.

15 વર્ષથી ચાલતા એક અભ્યાસમાં આ વાતને અનુમોદન મળે છે.

રોજિંદી કૅલરીના 10 ટકા એડેડ સુગરમાંથી મેળવનારી વ્યક્તિ કરતાં 25 ટકા તેમાંથી મેળવનારી વ્યક્તિ હૃદયરોગથી મોત પામે તેવી શક્યતા બમણી હોય છે.

ટાઇપ ટુ ડાયાબિટીસ માટે પણ એડેડ સુગરને જવાબદાર ગણવામાં આવે છે.

1990ના દાયકામાં થયેલા બે મોટા અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે જે મહિલા સૉફ્ટ ડ્રિન્ક ભાગ્યે જ લેતી હોય, તેની સરખામણીએ રોજ એકથી વધારે સૉફ્ટ ડ્રિન્ક્સ કે ફ્રૂટ જ્યૂસ લેનારી મહિલાને ડાયાબિટીસ થવાની શક્યતા બમણી હોય છે.

line

ખાંડમાં છે દમ?

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ફરી એકવાર એ સ્પષ્ટ નથી થતું કે સુગરને કારણે જ ડાયાબિટીસ કે હૃદયરોગ થાય છે.

લ્યુસાન યુનિવર્સિટીના ફિઝિયોલૉજીના પ્રોફેસર લ્યુક ટેપ્પી, એવા ઘણા વિજ્ઞાનીઓમાંના એક છે, જે માને છે કે ડાયાબિટીસ, સ્થૂળતા અને હાઇબ્લડ પ્રેશર વધારે પડતી કૅલરી લેવાના કારણે થાય છે. સુગર તેનો એક હિસ્સો માત્ર છે.

તેઓ કહે છે, "જેટલી ઊર્જા બાળતાં હોઈએ, તેના કરતાં ગમે તે પ્રકારનો ખોરાક વધારે લેવાથી લાંબા ગાળે ચરબી જમા થાય છે."

"ઇન્સ્યુલીનનું રેઝિસ્ટન્સ વધે છે અને લીવર ફેટ્ટી બને છે. શારીરિક શ્રમ વધુ કરતાં લોકોમાં વધારે ખોરાક સાથે વધારે ફ્રૂક્ટોઝ અને સુગર લેવા છતાં તેનું શરીર સહન કરી જાય છે."

ટેપ્પી કહે છે કે એથ્લિટ્સમાં સુગર લેવાનું પ્રમાણ વધારે હોય છે, તેમ છતાં તેમનામાં હૃદયના રોગો ઓછા જોવા મળે છે. ફ્રૂક્ટોઝનું ઊચું પ્રમાણ કસરત કરવાને કારણે પચી જાય છે.

સરવાળે એવું તારણ નીકળે છે કે એડેડ સુગરના કારણે ટાઇપ ટુ ડાયાબિટીસ, હૃદયરોગ અને સ્થૂળતા કે કૅન્સર થવાના પુરાવા બહુ પાતળા છે.

એ વાત સાચી કે તેનું ઊંચું પ્રમાણ હોય ત્યાં આ રોગો જોવા મળે છે.

જોકે, તેના કારણે જ આ રોગ થાય છે તેવું હજી ક્લિનિકલ ટ્રાયલમાં જોવા મળ્યું નથી.

સાકરની લત પણ લાગી જાય છે એમ કહેવાય છે. જોકે, આ માન્યતા પણ ખરેખર એટલી સાચી નથી એમ લાગે છે.

બ્રિટિશ જર્નલ ઑફ સ્પોર્ટ્સ મેડિસિનમાં 2017માં પ્રગટ થયેલા એક રિવ્યૂમાં એવા અભ્યાસોનો ઉલ્લેખ થયો હતો કે ખાંડ ના મળે ત્યારે ઉંદરને તેની અસર થતી હોય છે.

એવી પણ દલીલ કરવામાં આવી હતી કે કોકેનની જેમ સાકર માટે પણ સતત ઇચ્છા થયા કરે છે.

જોકે, આ અભ્યાસ સામે ફરિયાદ થઈ હતી કે તેમાં પુરાવાનું ખોટું અર્થઘટન કરાયું છે.

સૌથી મહત્ત્વની ટીકા એ હતી કે પ્રયોગમાં જે ઉંદરો હતા તેને દિવસમાં ફક્ત બે કલાક માટે જ ખાંડ અપાઈ હતી.

જો ઉંદરોને દિવસ દરમિયાન જ્યારે પણ ખાંડ ખાવાની ઇચ્છા હોય ત્યારે ખાવા મળી હોત તો તેનામાં લત લાગી હોય તેવાં લક્ષણો જોવા ના મળ્યાં હોત.

મનુષ્ય પણ દિવસ દરમિયાન ગમે તે સમયે ખાંડ ખાતો હોય છે, તેથી લત જેવી કોઈ વાત તેમાં હોતી નથી.

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, અભ્યાસોમાં એવું પણ દર્શાવ્યું છે કે બીજી રીતે પણ ખાંડ આપણા મગજને અસર કરે છે.

ઓસ્ટ્રેલિયાના સ્વીનબર્નના સેન્ટર ફૉર હ્યુમન સાયકોફાર્મોલૉજીના રિસર્ચ ફેલો મેથ્યૂ પેઝે ગળ્યાં પીણાં અને તેના કારણે મગજ પર થતી અસરોનો અભ્યાસ કર્યો હતો.

તેમણે ગળ્યા પદાર્થો લેવામાં આવે ત્યારે શું થાય છે તે જોવા માટે મગજનું એમઆરઆઇ સ્કેન કર્યું હતું.

જે વ્યક્તિ સૉફ્ટ ડ્રિન્ક અને ફ્રૂટ જ્યૂસ વધારે માત્રામાં પીતા હતા, તેમના મગજનું દળ નાનું દેખાયું હતું અને તેમની યાદશક્તિ નબળી દેખાઈ હતી.

સૉફ્ટ ડ્રિન્ક બિલકુલ ના પીનારાની સામે રોજના બે જેટલાં સૉફ્ટ ડ્રિન્ક પીનારાનું મગજ બે વર્ષ જેટલું મોટું થઈ જાય છે.

જોકે, પેઝે જણાવ્યું હતું કે તેમણે માત્ર ફ્રૂટ જ્યૂસ કેટલું લેવામાં આવે છે તેનો જ હિસાબ રાખ્યો હતો.

તેથી માત્ર ખાંડને કારણે મગજના સ્વાસ્થ્યને અસર થાય તેવું ખાતરીથી કહી શકે નહીં.

પેઝ કહે છે, "વધુ પ્રમાણમાં ફ્રૂટ જ્યૂસ કે સૉફ્ટ ડ્રિન્ક પીનારા લોકોની ખાણીપીણીની બીજી આદતો તથા તેમની લાઇફસ્ટાઇલ એવી હશે કે તેનાથી પણ મગજના સ્વાસ્થ્ય પર અસર પડી હોય. કદાચ એવું પણ બને કે તે લોકો ઓછી કસરત કરતાં હશે."

હાલમાં થયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે ખાંડ ખાવાથી યાદશક્તિ વધે છે અને વૃદ્ધોની કામગીરી પણ સુધરે છે.

લાઇન

સંશોધકોએ પ્રયોગમાં ભાગ લેનારા લોકોને થોડો ગ્લુકોઝ ધરાવતું પીણું આપ્યું હતું અને તેમને યાદશક્તિ અંગેનાં કામ કરવા જણાવ્યું હતું.

અન્ય કેટલાક લોકોને કૃત્રિમ સ્વીટનર સાથેનું પીણું આપવામાં આવ્યું હતું.

બાદમાં બને જૂથના લોકો કેટલી હદે કામમાં પરોવાયાં હતાં, તેમની યાદશક્તિનો સ્કોર કેટલો થયો હતો અને પોતાનું કાર્ય કરવા માટે કેટલી મહેનત કરવી પડી હતી તે વિશેના પોતપોતાના અભિપ્રાયોને જાણવામાં આવ્યા હતા.

તેના આધારે તારણ કાઢવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ખાંડ ખાવાના કારણે વૃદ્ધ લોકો અઘરાં કામ કરવા માટે વધારે ઉત્સાહિત થાય છે.

તે વખતે તેમને એવું લાગતું પણ નથી કે પોતાને વધારે મહેતન કરવી પડી છે.

કદાચ બ્લડ પ્રેશરમાં વધારાના કારણે પણ તેમને કામ કરવામાં આનંદ આવ્યો હશે તેમ બની શકે.

ગ્લુકોઝ સાથેનું પીણું પીધા પછી યુવાનોમાં પણ વધારે જોશ દેખાતો હોય છે.

જોકે, તેના કારણે તેમના મૂડ કે યાદશક્તિને કોઈ અસર થતી નથી.

line

એક ચમચી ખાંડ

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વર્તમાન માર્ગદર્શિકા પ્રમાણે આપણા રોજિંદા આહારમાં કેલરીનું જે પ્રમાણ હોય, તેના પાંચ ટકા કરતાં વધારે એડેડ સુગર ના હોવી જોઈએ.

જોકે, ડાયેટિશ્યન રેની મેકગ્રેગર કહે છે કે એ વાત પણ સમજવી જરૂરી છે કે સંતુલિત અને પૌષ્ટિક આહાર દરેક માટે અલગ અલગ હોય છે.

તેઓ કહે છે, "હું એવા એથ્લિટ્સ સાથે કામ કરું છું, જેણે સખત કસરત કરવાની હોય છે."

"તે વખતે તેઓ વધારે સુગર લે છે, કેમ કે તેનું સહેલાઇથી પાચન થઈ જાય છે."

"જોકે, તેમને ચિંતા હોય છે કે તેઓ નિશ્ચિત માત્રા કરતાં વધારે ખાંડ લઈ રહ્યા છે."

રમતવીર સિવાયના આપણા જેવા સામાન્ય લોકો માટે એ વાત સાચી છે કે એડેડ સુગર પૌષ્ટિક આહાર લેવા માટે જરાય જરૂરી નથી.

જોકે, કેટલાક નિષ્ણાતો એવી ચેતવણી પણ આપે છે કે આપણે ખાંડને દુશ્મન ગણી લેવી જોઈએ નહીં.

ખાણીપીણીની બાબતમાં બહુ ચિકાશ કરતાં લોકોને ઓર્થોરેક્સિયા થયો એમ કહેવાય છે.

તેવા લોકો સાથે પણ કામ કરતાં મેકગ્રેગર કહે છે કે કોઈ ખાદ્ય પદાર્થને 'સારો' કે 'ખરાબ' એવું લેબલ મારવું યોગ્ય નથી.

બીજું ખાંડ લેવાની સતત મનાઈના કારણે લોકોને ઉલટાનું તે લેવાનું મન થશે.

તેઓ કહે છે, "કોઈ તમને કહે કે આ લેવાની મનાઈ છે એટલે તરત જ તમને તે લેવાની ઇચ્છા જાગે છે."

"હું એમ કહીશ કે કોઈ ખોરાકનું પૌષ્ટિક મૂલ્ય હોતું નથી પરંતુ ઘણીવાર ખોરાકનાં બીજા મૂલ્યો હોય છે."

જેમ્સ મેડિસન યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર એલેન લેવિનોવિટ્ઝ ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે.

તેઓ કહે છે કે ખાંડને બદનામ કરવાનું એક જ કારણ છે, ઇતિહાસમાં હંમેશાં જે બાબતને આપણે ટાળી શકતા નથી, તેને આપણે બદમાશ ગણીએ છીએ. (વિક્ટોરિયન યુગમાં જાતીય આનંદને ખરાબ ગણવામાં આવ્યો હતો તે યાદ કરો)

આજે આપણને ગળ્યું ખાવાનું મન થાય છે, તેથી ખાંડને બદનામ કરીએ છીએ, જેથી ઇચ્છાઓને નિયંત્રિત કરી શકાય.

એમ તેઓ કહે છે, "ગળ્યું ખાવાથી ખૂબ આનંદ મળે છે, તેથી આપણે તેને મહાપાપ ગણીએ છીએ."

"આપણે જ્યારે કોઈ વસ્તુને ફક્ત સારી અને ખરાબ એમ બે રીતે જોઈએ છીએ ત્યારે ખરાબ વસ્તુ થોડા પ્રમાણ રહી શકે છે તે વાત જ આપણે વિચારી શકતા નથી. ખાંડની બાબતમાં પણ એવું જ થઈ રહ્યું છે."

ખાદ્ય પદાર્થોને આ રીતે બહુ સારા અને બહુ ખરાબ એ રીતે જોવાને કારણે આપણે આપણા ખોરાકની બાબતમાં વધારે ચિંતિત બની જઈશું.

તેથી રોજેરોજ શું ખોરાક લેવો જોઈએ તે બાબતમાં પણ નૈતિકતાના ધોરણે વિચારતા થઈ જઈશું.

શું ખાવું અને શું ના ખાવું તેની રોજરોજની પળોજણ વધી જશે.

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આપણી ખાણીપીણીમાંથી ખાંડની બાદબાકી કરી નાખવાથી ઉલટાની અવળી અસર પડી શકે છે.

તેની અવેજીમાં આપણે જે લેતાં થઈશું તે કદાચ વધારે કૅલરી ધરાવનાર પદાર્થ હશે.

દાખલા તરીકે રેસિપીમાં સુગરની જગ્યાએ ફેટનું પ્રમાણ વધારી દેવામાં આવશે.

ખાંડ વિશેના આ વિવાદમાં એવું ભયસ્થાન પણ છે કે આપણે ખોરાક વિશે વિમાસણમાં પડી જઈશું.

ફ્રૂટ જેવા સ્વાસ્થ્ય વર્ધક ખાદ્યપદાર્થની સામે આપણે એડેડ સુગર ધરાવતા અને ભાગ્યે જ કોઈ પોષક તત્ત્વો ધરાવતાં સૉફ્ટ ડ્રિન્કની સરખામણી કરતાં થઈ જઈશું.

આવી વિમાણસમાં પડી ગયેલી એક વ્યક્તિ હતી સ્વીડનની 28 વર્ષની ટીના ગ્રુન્ડિન.

ટીના કહે છે કે તે એવું માનવા લાગી હતી કે બધા જ ગળ્યા પદાર્થો નુકસાનકારક છે.

તેથી તેણે ખૂબ ઊંચું પ્રોટીન અને વધારે ફેટ સાથેનું શાકાહારી ભોજન લેવાનું ચાલુ કર્યું હતું.

તેના કારણે એવું થયું કે તેને ખાણીપીણીને લગતી એવી બીમારી થઈ, જેનું યોગ્ય રીતે નિદાન પણ થઈ શક્યું નથી.

તે કહે છે, "મને ખોરાક લીધા પછી ઉલટીઓ થવા લાગી હતી, તેથી મને લાગ્યું કે આ રીતે તો નહીં ચાલે."

"મને સતત બધા પ્રકારની ખાંડ ધરાવતા પદાર્થો નુકસાનકારક લાગવા લાગ્યા હતા."

"બાદમાં મને ખ્યાલ આવ્યો કે એડેડ સુગર અને કાર્બોહાઈડ્રેટ તરીકે મળતી શર્કરા બંને અલગ છે."

"તેથી મેં વધારે ફ્રૂક્ટોઝ અને સ્ટાર્ચ હોય તેવા કુદરતી શર્કરા ધરાવતાં, ફળો, શાકભાજી, કંદમૂળ, ચણા, વટાણા વગેરે પદાર્થો ખાવાનું શરૂ કર્યું હતું.

"તે પછી મને ખ્યાલ આવ્યો કે જાણે હું દેડકાની જેમ કૂદવા લાગી હતી. આખરે મારા કોષોને ગ્લુકોઝ મળવા લાગ્યો હતો, જે કાર્બોહાઈડ્રેટ અને સુગર વગેરેમાંથી મળી રહ્યો હતો."

જુદા જુદા પ્રકારની શર્કરા આપણા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે તે વિશે જુદા જુદા મતો પ્રવર્તે છે.

વક્રતા એ છે કે આપણે તેના વિશે જેટલું ઓછું વિચારીએ એટલું સારું છે.

મેકગ્રેગર કહે છે, "આપણે પોષણની બાબતને બહુ ગૂંચવી મારી છે. કેમ કે દરેકને એકદમ પરફેક્ટ આહાર જોઈએ છે."

"બધું જ બંધબેસતું જોઈએ છે, બધું જ સફળ જોઈએ છે પણ એ રીતે કશું જ પરફેક્ટ હોતું નથી."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો