સવર્ણ અનામત બિલ: બિલ રાજયસભામાં બહુમતી સાથે પસાર, 165 મત તરફેણમાં

ઇમેજ સ્રોત, Rajyasabha TV
આજે રાજયસભામાં સવર્ણ અનામત બિલ પસાર થઈ ગયું છે. અગાઉ મંગળવારે લોકસભામાં આ બિલ પાસ થયું હતું. જ્યાં પક્ષ અને વિપક્ષ વચ્ચે આ બિલ અંગે ચચા ર્થઈ હતી. લોકસભામાં મંગળવારે પારિત થયા બાદ આજે સવર્ણ અનામત-બંધારણ (124મું સંશોધન) બિલ, 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
રાજયસભામાં આ બિલના સમર્થનમાં 165 મત પડ્યા હતા જ્યારે સાત મત વિરુદ્ધમાં પડ્યા હતા.
આ બિલ 10 કલાક ચર્ચા થઈ હતી. ચર્ચા માટે સમય વધારવામાં આવ્યો હતો. વિપક્ષના સમર્થન સાથે સરકારને આ બિલને પસાર કરવામાં સફળતા મળી હતી.
સંસદ સભ્ય કાનિમોઝીએ બિલને સિલેકટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ કર્યો હતો. જેને પૂરતા મત મળ્યાં નહોતાં.
ચર્ચા બાદ થાવરચંદ ગેહલોતે રજુ થયેલા સવાલો પર જવાબ આપ્યો હતો.
થાવરચંદ ગેહલોતે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં પણ કોઈ જશે તો બંધારણીય સુધારો હોવાને લીધે સુપ્રીમ કોર્ટ પણ આને માન્ય રાખશે એવો એમને વિશ્વાસ છે.
અગાઉ અબ્દુલ વહાબ, આઇયુએમએલના સભ્યે ચર્ચામાં ભાગ લેતા આ બિલ બંધારણના હાર્દ પર હુમલો ગણાવી તેનો આકરો વિરોધ કરે છે એમ કહ્યું હતું.
આમ આદમી પાર્ટીનાં સંજય સિંઘે કહ્યું કે, આ ગરીબ સવર્ણ સાથે અન્યાય છે. જો આજ આ બિલ પાસ થયું તો જે આરએસએસ 90 વર્ષથી કોઈ દલિતને પ્રમુખ નથી બનાવી શકી નાગપુરમાં તે દલિતો અને વંચિતોની અનામતને ખતમ કરી નાખશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બૉલ બાઉન્ડ્રી પર નહીં જાય તમે આઉટ થશો
ચર્ચામાં ભાગ લેતા બહુજન સમાજ પાર્ટીના બીજા ક્રમના નેતા સતીશ મિશ્રાએ બિલનું સ્વાગત કર્યુ હતું પણ એની સાથે અનેક સવાલ પણ કર્યા.
એમણે બંધારણમાં સંશોધન કરી દલિતોને સંખ્યાને આધારે અનામત ક્યારે મળશે એવો સવાલ કર્યો હતો.
તેમણે એમ પણ કહ્યું કે શું આ અનામત ખરેખર ગરીબ સવર્ણ માટે છે. સરકારનો માપદંડ શું છે. તેમણે આને અમીરો માટે નહીં પણ ગરીબો માટે બનાવવાનો અનુરોધ કર્યો હતો.
છેલ્લા બૉલે સિક્સરનો જવાબ આપતા સતીશ મિશ્રાએ કહ્યું કે આ બૉલ બાઉન્ડ્રી બહાર નહીં જાય તમારે આઉટ જ થવાનું છે.
તેમણે સરકાર નોકરી આપવાનો વચન આપીને છળ કરી રહી હોવાનો પણ એમણે આક્ષેપ કર્યો હતો.

ચર્ચામાં પૂર્વ જજ અહેમદીનો ઉલ્લેખ
રામ વિલાસ પાસવાને કહ્યું કે આ સુધારાથી આર્થિક આધાર બંધારણીય થશે એટલે એને મંડલના કેસ સાથે ન જોડી શકાય.
પંજાબથી શિરોમણી અકાલી દળના સભ્ય નરેશ ગુજરાલે કહ્યું કે, 8 લાખની આવક કે પાંચ એકર જમીન ધરાવનારને સૌથી વધારે ગરીબ કેવી રીતે કહેવાય? એમણે આગામી સમયમાં એનડીએ વધારે નોકરીઓનું સર્જન કરે એવી આશા રાખી હતી.
પશ્ચિમ બંગાળના સંસદસભ્ય સુખેન્દુ શેખર સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ ટાંકીને કહ્યું કે સુપ્રીમ કોર્ટના એ બૅન્ચમાં સામેલ જસ્ટિસ અહેમદીએ કહ્યું કે આર્થિક આધાર ન હોઈ શકે.

કુછ હી દીનોં કા હૈં જુમલા
કપિલ સિબ્બલે કહ્યુ કે, હાર્દિક પટેલ આ જ માગી રહ્યાં હતા તો તમે એમને રાજ દ્રોહમાં જેલ મોકલી આપ્યા.
કપિલ સિબ્બલે કવિતા ટાંકી, "ખુદા બંદે સંભલ જા, વક્ત હૈં અબ ભી બદલ જા, મત કર ઇક દુજે પર હમલા, કુછ હી દીનોં કા હૈં જુમલા."
કપિલ સિબ્બલે કહ્યુ કે, ભારતમાં ફકત 76 લાખ પરિવારોની ઇન્કમ પાંચ લાખથી વધારે છે, એમાં 55 લાખ સરકારી કર્મચારીઓ છે. રહી ગયા 21 લાખ લોકો માટે તમે આ અનામત સુધારણા લાવી રહ્યાં છો. કેટલા લોકો ઇન્કમ ટેક્સ આપે છે. 6 કરોડ લોકો ઇન્કમ ટેક્સ આપે છે. તો પરિવારની આવક કેવી રીતે નક્કી કરશો, પછી ખોટા સર્ટિફિકેટ્સ બનશે.
આવક કેવી રીતે નક્કી કરવામાં આવશે. ઇન્કમ ટેક્સ રિર્ટન વગર કેવી રીતે નક્કી કરવામાં આવશે. આના અમલ માટે ખૂબ મોટી સમસ્યા છે.
કપિલ સિબ્બલ ચર્ચામાં ઉમેર્યુ કે દેશમાં રોજગારીનું સર્જન નથી થઈ રહ્યું તો આ સુધારણાનો મતલબ શું છે? કોને મૂર્ખ બનાવો છો? જો એમની પાસે કોઈ ડેટા નથી તો આ બંધારણીય બિલ શા માટે?
આનો વિરોધ કરીશું તો આપણને ફાયદો થશે કે નુકશાન એના આધારે આવો બંધારણીય સુધારો નક્કી કરીશું?
કપિલ સિબ્બલ તમે સંશોધન કરી દીધું પણ પ્રદેશોમાં શું થઈ રહ્યું છે, ત્યાં દલિતો-આદિવાસીઓની સંખ્યા, ટકાવારી કેટલી છે એ જોયું?
આઠ લાખનો માપદંડ કેવી રીતે નક્કી કર્યો? ઇન્કમટેક્સ લિમિટ પણ આઠ લાખ કરી દો. કેટલા લોકો પાસે પાંચ એકર જમીન છે એનો કોઈ ડેટા છે, કેટલા લોકો પાસે ઘર છે અને કેટલી સાઇઝ છે એ નક્કી કર્યું છે?
આ પહેલાં રાજ્યસભામાં બુધવારે બિલ રજૂ કરાયું, ત્યારબાદ વિપક્ષ દ્વારા સદનમાં હોબાળો કરાયો હતો અને એટલે 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરાઈ હતી.
સિબ્બલના કહેવા પ્રમાણે, "આ બિલને કારણે બંધારણીય સમસ્યાઓ ઊભી થશે. અનામતની કુલ ટકાવારી 50 ટકાથી ન વધવી જોઈએ, એમ સર્વોચ્ચ અદાલતે અનેક ચુકાદામાં ઠેરવ્યું છે."

ક્રિકેટમાં છગ્ગો છેલ્લા બૉલ પર જ વાગે

ઇમેજ સ્રોત, Getty Images
રવિશંકર પ્રસાદે કહ્યું ક્રિકેટમાં છગ્ગો છેલ્લા બૉલ પર જ લાગતો હોય છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે અને ઇતિહાસ રચી રહ્યાં છીએ તો ખુલીને સમર્થન કરો વાતે વાતે લેકિન શું કામ એવું શું કામ કહો છો?
રવિશંકર પ્રસાદે કહ્યું કે અનામતનો પહેલો વિચાર બંધારણના આમુખમાંથી આવે છે. 50 ટકાની મર્યાદા બંધારણમાં નથી, અદાલતથી આવી છે.
કૉંગ્રેસને 2010માં કમિશનની રિપોર્ટ આપવામાં આવી હતી, એમણે કેમ સુધારો ન કર્યો. એવો સવાલ રવિશંકર પ્રસાદે કર્યો.
ડીએમકે પક્ષના સાંસદ કાનીમોઝીએ ચર્ચા દરમિયાન કહ્યું, "સરકાર આ બિલને લઈ આવી છે. શિક્ષણ માટે લીધેલી લોન યુવાનો ભરી શકતા નથી, તો આ બિલનો શું અર્થ?"
"બંધારણ કહે છે અસામાન્ય કારણો સિવાય અનામત ન આપી શકાય. અરુણ જેટલીએ કહ્યું હતું કે બિલને રાજ્યોમાં મોકલવાની જરૂર નથી, તેઓ આવું કઈ રીતે કહી શકે?"

'આ સરકારની નીતિઓથી નોકરી ઘટી'
સીપીઆઈ(એમ)ના સાંસદ ઇલામારન કરીમે બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે બિલને લાવવાનો સમય જ દર્શાવે છે કે ભાજપ આ બિલનો ફાયદો ઉઠાવવા માગે છે.
તેમણે કહ્યું, "આ સરકારની નીતિઓના કારણે નોકરી વધવાના બદલે ઘટી ગઈ છે. આ બિલ ઉદ્દેશ્ય પૂરો કરવા સમર્થ નથી."
જનતા દળ (યુનાઇટેડ)ના સાંસદ રામચંદ્ર પ્રસાદ સિંહે આ બિલનું સમર્થન કર્યું હતું અને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું, "કૉંગ્રેસ પક્ષ આટલાં વર્ષો સુધી સત્તામાં હતો, તેમણે આ પ્રયત્ન કેમ ન કર્યો?'

'બીમાર સરકાર માટે આ બિલ આઈસીયૂ'
બીજેડી પક્ષના સાંસદ પ્રસન્ન આચાર્યે બિલનું સમર્થન કર્યું હતું, પણ બિલનું સમર્થન કરવાની સાથે કેટલાક પ્રશ્નો પણ રજૂ કર્યા હતા.
તેમણે કહ્યું, "ભાજપ બિલ લાવી છે, એ બરાબર છે. હું અને મારો પક્ષ સમર્થન કરીએ છીએ, પણ બિલમાં ખામીઓ પણ છે."
"આ બિલનો કે નીતિનો વિરોધ નથી. પણ સરકારની નિયત પર શંકા જાય છે. બીમાર પડેલી સરકાર માટે આ બિલ આઈસીયૂ હોય એવું લાગે છે."

'યે પબ્લિક હૈ સબ જાનતી હૈ'

ઇમેજ સ્રોત, RajsyaSabha Tv
ઑલ ઇન્ડિયા તૃણમુલ કૉંગ્રેસના સાંસદ દેરેક ઑબ્રાઇને કહ્યું , "ગુજરાતમાં પાટીદારો અનામત માગતા હતા, ત્યારે આ ભાજપ પક્ષના જ સાંસદોએ કહ્યું હતું કે અનામત આપવું ગેરબંધારણીય છે."
'આ જ પક્ષના સાંસદો પાટીદારોને ગુજરાતમાં અનામત આપવા તૈયાર નહોતા.'
તેમણે ચર્ચા દરમિયાન ગીત ટાંકતા કહ્યું, "યે પબ્લિક હૈ સબ જાનતી હૈ."

એઆઈડીએમકેના સાંસદનો વિરોધ
એઆઈડીએમકેના સાંસદોએ વિરોધ કરીને રાજ્યસભામાંથી વૉક-આઉટ કર્યું હતું.
એઆઈએડીએમકે પક્ષના સાંસદ એ.નવનીતકૃષ્ણને સવર્ણોને અનામત અંગેના બિલનો વિરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં બિલ રજૂ કરાયું ત્યારે પણ એઆઈએડીએમકેના સાંસદોએ વિરોધ કર્યો હતો.
તેમણે કહ્યું, "આ બિલ તામિલનાડુના લોકોને અનામત માટે હાલમાં મળી રહેલા અધિકારોનું હનન કરે એવી સ્થિતિ છે. તામિલનાડુમાં અગાઉની જેમ જ અનામતની નીતિ રહેવા દેવામાં આવે એવી મારી માગ છે."
"હું આ બિલનો ભારપૂર્વક વિરોધ કરી રહ્યો છું"

તમે આ વાંચ્યું કે નહીં?

'ભાજપે વિલંબ કેમ કર્યો?'
સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવ બિલ અંગે ચર્ચા કરી રહ્યા છે. તેમણે બિલ અંગે ચર્ચા કરતા કહ્યું કે ભાજપની નિયત ખોટી નહોતી તો બિલ લાવવામાં વિલંબ કેમ કર્યો?
"રોજગારી વગર અનામતનો શો અર્થ? દેશમાં રોજગારી ઘટી રહી છે, જે ચિંતાની બાબત છે."
તેમણે કહ્યું, "દેશમાં ઊંચનીચના ભેદભાવ ઊંડા ઊતરેલા છે. સમય સાથે આ ભેદભાવ ઘટી રહ્યા છે, પણ હજુ સુધી સંપૂર્ણ રીતે ખતમ થયા નથી."
"આજે પણ કોઈ દલિત લોકોની સામે સવર્ણ લોકોના ઘર સામેથી ઘોડા પર બેસીને પસાર થાય તો અપમાન કરાય છે અને માર મારવામાં આવે છે."

'અનામત આપી પણ રોજગારી ક્યાં'

ઇમેજ સ્રોત, Getty Images
ચર્ચા દરમિયાન કૉંગ્રેસના સાંસદ આનંદ શર્માએ બિલનું સમર્થન કરતા કહ્યું, "હાલની સરકાર અનામત આપવાની વાત તો કરે છે પણ રોજગારી છે જ નહીં."
તેમણે પ્રશ્ન કર્યો કે ભાજપની સરકાર મહિલા અનામત બિલ કેમ ન લાવી?
તેમણે કહ્યું, "જો મહિલાઓ માટે અનામતનું બિલ લાવવાન ભાજપે ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો હતો. જો લાવશે તો અમે સમર્થન કરીશું."
આનંદ શર્માએ છેલ્લાં થોડાં વર્ષોમાં ખાનગી અને સરકારી વિભાગોમાં રોજગારીની ઘટેલી તકોના આંકડા રજૂ કર્યા હતા.
તેમણે કહ્યું, "સત્તામાં આવતા પહેલાં ભાજપે મતદારોને અનેક વાયદા કર્યા હતા, પણ ચાર વર્ષ સુધી વાયદા પૂરા ન કર્યા. હવે ચૂંટણી નજીક આવી ત્યારે આ બિલ લાવ્યા છે."

'નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોનો વાયદો પૂરો કર્યો'
બિલ અંગે વાત કરતા મધ્ય પ્રદેશ ભાજપના સાંસદ પ્રભાત જ્હાંએ કહ્યું કે મોટાભાગના તમામ રાજકીય પક્ષો આર્થિક દૃષ્ટિએ પછાત લોકોને અનામત આપવાનો વાયદો ચૂંટણી ઢંઢેરામાં કરતા આવ્યા છે.
તેમણે કહ્યું, "પણ આ વાયદો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરો કર્યો છે, તમામ રાજકીય પક્ષનો વાયદો પૂરો કર્યો. આવા વડા પ્રધાન દેશની પહેલી વખત મળ્યા છે કે જેમને અન્ય પક્ષોનો વાયદો પૂરો કર્યો."
જ્હાંએ એવું પણ કહ્યું કે દેશની 95ટકા વસતી હવે આરક્ષણના દાયરામાં આવી ગઈ છે.

'બિલ અંગે જુઠ્ઠાણાં ફેલાવાઈ રહ્યાં છે'

ઇમેજ સ્રોત, Getty Images
લંચ બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ બિલ અંગે કેટલાંક જુઠ્ઠાણાં ફેલાવાઈ રહ્યા છે, જે યોગ્ય નથી.
પૂર્વોત્તર રાજ્યોની સ્થિતિ અંગે રાજનાથ સિંહે કહ્યું, "નાગરિકતા બિલ માત્ર આસામ માટે નથી. આજે આસામ સહિત તમામ પૂર્વોત્તર રાજ્યોમાં સ્થિતિ સામાન્ય છે અને ત્યાં શાંતિ સ્થપાય એ માટે સરકાર પ્રયત્નો કરી રહી છે."
આ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં સભાને સંબોધિત કરતા આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું.
તેમણે કહ્યું, "સરકારના પગલા અંગે જુઠ્ઠાણાં ફેલાવાતા લોકો માટે આ બિલ જવાબ છે."
સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગહેલોતે સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવા સાથે જોડાયેલું આ બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું.
ગહેલોતે કહ્યું કે સારી નિયત સાથે આ બિલ લાવવામાં આવ્યું છે અને તેને લોકસભાની મંજૂરી પણ મળી ગઈ છે.

ઇમેજ સ્રોત, Rajyasabha tv
તેમણે કહ્યું કે આ બિલને કારણે સામાન્ય વર્ગના લોકોને 10 ટકા અનામત આપી શકાશે.
ડીએમકેના સાંસદ કનિમોઝીએ આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકવાની વાત કરી હતી.
કૉંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યું કે અમારી પાર્ટી બિલનો વિરોધ કરતી નથી પરંતુ આ વ્યવસ્થાનો સવાલ છે અને તેના વિશે સદનને જાણવાનો પૂરતો અધિકાર છે.
તેમણે કહ્યું કે પોણા પાંચ વર્ષ પછી સરકારની ઊંઘ ઊડી છે અને તમામને ખબર છે કે સરકાર ચૂંટણીના સમયે આ બિલ લઈને આવી છે. અમને દોષ ના આપો
આ વચ્ચે કૉંગ્રેસના સાંસદ ભુવનેશ્વર કલિતાએ નાગરિક સંશોધન બિલ પર રાજનાથ સિંહના જવાબની માગ કરી હતી.
બિલની ચર્ચાની વચ્ચે વિપક્ષોએ વેલમાં આવીને નારેબાજી શરૂ કરી હતી. જેના કારણે રાજ્યસભાને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, Twitter/Loksabha TV
લોકસભામાં બહુમતીથી પસાર કરી દેવાયેલા આ બિલને રાજ્ય સભામાં પાસ કરાવતા મોદી સરકારને વિપક્ષના અવરોધોનો સામનો કરવો પડી શકે એમ છે, કારણ કે રાજ્યસભામાં મોદી સરકાર પાસે બહુમતી નથી.
રાજ્યસભાની કુલ 244 બેઠકોમાંથી ભાજપ પાસે સૌથી વધુ 73 બેઠકો છે. જ્યારે મુખ્ય વિપક્ષ કૉંગ્રેસના 50 સભ્યો રાજ્યસભામાં સાંસદ છે.
મીડિયાના અહેવાલો મુજબ વિરોધ પક્ષોએ પોતાના તમામ સાંસદોને બુધવારે રાજ્યસભામાં હાજર રહેવા જણાવ્યું છે.
અહેવાલો એવું પણ જણાવી રહ્યા છે કે રાજ્યસભાની કાર્યવાહીને એક દિવસ માટે લંબાવવાના મોદી સરકારના 'એકતરફી' પગલાનો પણ વિપક્ષ વિરોધ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત આપવા લાવવામાં આવેલું સંશોધન(124મું સંશોધન) બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
અંદાજે પાંચ કલાકની ચર્ચા બાદ પસાર કરાયેલા આ બિલના સમર્થનમાં 323 મતો પડ્યા હતા. જ્યારે ત્રણ મત વિરોધમાં પડ્યા હતા.
બિલ પાસ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ઐતિહાસિક ગણાવ્યું હતું.
તેમણે લખ્યું, "બંધારણ (124મું સંશોધન) બિલ, 2019 લોકસભામાં પાસ થવું આપણા દેશના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ છે. જે સમાજના તમામ વર્ગોને ન્યાય અપાવવામાં એક પ્રભાવક ઉપાયને પ્રાપ્ત કરવામાં મદદ કરશે."
વડા પ્રધાને કુલ ત્રણ ટ્વિટ કર્યાં હતાં. આ બાદ કરેલા ટ્વિટમાં તેમણે તમામ સાંસદોને અભિનંદન આપ્યાં હતાં.
જ્યારે ત્રીજા ટ્વિટમાં લખ્યું કે તેમની સરકાર 'સબકા સાથ સબકા વિકાસ'ના સિંદ્ધાંતને લઈને પૂરી રીતે પ્રતિબદ્ધ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














