કિંજલ દવેની અરજી હાઈકોર્ટે મંજૂર કરી, ગાઈ શકશે 'ચાર ચાર બંગડી'વાળું ગીત

ઇમેજ સ્રોત, Youtube/KathiyawadiKing
- લેેખક, રવિ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ગીત નહીં ગાવાના કૉમર્શિયલ કોર્ટના સ્ટેને ગુજરાત હાઈકોર્ટે હટાવી લીધો છે.
જેથી હવે કિંજલ દવે જ્યાં સુધી કૉમર્શિયલ કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી તેઓ ટચાર ચાર બંગડી વાળી' ગીત ગાઈ શકશે.
આ મામલે હવે કૉમર્શિયલ કોર્ટમાં કેસ ચાલશે અને બંને પક્ષોને સાંભળીને કોમર્શિયલ કોર્ટ તેના પર ચુકાદો આપશે.
મૂળ ગુજરાતના અને હાલ ઑસ્ટ્રેલિયામાં સ્થાઈ થયેલા અને કાઠિયાવાડી કિંગ તરીકે કાર્તિક પટેલે આ મામલે કૉપીરાઈટના ભંગનો કેસ કર્યો હતો.
પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો કે આ ગીત મૂળ તેમણે લખ્યું છે અને તેમાં 'બે-ચાર ફેરફાર' કરીને તેને ફરીથી બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદની સ્થાનિક કોર્ટે કૉપીરાઇટ ભંગના કેસને ગ્રાહ્ય રાખી તેને યૂ-ટ્યૂબ સહિત સોશિયલ પ્લેટફૉર્મ્સ પરથી હટાવી લેવાનો તથા જાહેર કાર્યક્રમોમાં તેને પર્ફૉર્મ નહીં કરવાનો પણ આદેશ આપ્યો હતો.
જે બાદ કિંજલ દવે તરફથી આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો કે આ ગીત મૂળ તેમણે લખ્યું છે અને 'બે-ચાર ફેરફાર' કરીને બહાર પાડવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદની સ્થાનિક કોર્ટે કૉપીરાઇટ ભંગના કેસને ગ્રાહ્ય રાખી તેને યૂ-ટ્યૂબ સહિત સોશિયલ પ્લેટફોર્મ્સ પરથી હટાવી લેવાનો તથા જાહેર કાર્યક્રમોમાં તેને પર્ફૉર્મ નહીં કરવાનો પણ આદેશ કર્યો છે.
એક સમયે ટેક્સીચાલક તરીકે કામ કરતા પટેલના કહેવા પ્રમાણે, આ લડાઈ 'આર્થિક વળતર કરતાં વધારે ઓળખ' માટેની હતી.
કિંજલે વર્ષ 2016માં આ ગીત ગાયું હતું, જેનાથી તેમને 'સ્ટારડમ' મળ્યું હતું.

કોણ છે કાઠિયાવાડી કિંગ?

ઇમેજ સ્રોત, Kartik Patel
'ચાર બંગડીવાળી ગાડી....' કાઠિયાવાડી કિંગના નામથી ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયાના મેલબૉર્ન કાર્તિક પટેલે લખ્યું અને ગાયું હતું.
પટેલ મૂળ ગુજરાતના જામનગર જિલ્લાના છે. તેમણે અહીંની એમ.પી. (મેઘજી પેથરાજ) શાહ કૉમર્સ કૉલેજમાંથી વાણિજ્ય વિભાગમાં સ્નાતક કર્યું.
ગુજરાતમાં બે-એક વર્ષ સ્થાનિક આઈટી (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) કંપનીમાં કામ કર્યું.
2000ના શરૂઆતના વર્ષોમાં આઈટી ક્ષેત્રે વધુ અભ્યાસ કરવા માટે કાર્તિક ઑસ્ટ્રેલિયા આવી ગયા.

આપને આ પણ વાચવું ગમશે

પટેલે સ્થાનિક વિસ્તારને વધુ સારી રીતે ઓળખવા અને પગભર થવા માટે તેમણે ટેક્સી ચલાવવા સહિત અનેક છૂટકકામો કર્યાં.
અહીં પટેલે મેલબર્નની સ્વિનબર્ન યુનિવર્સિટી ઑફ ટેકનૉલૉજીમાંથી આઈટીમાંથી માસ્ટર્સ કર્યું.
આ અરસામાં જ તેમનું સંગીત પ્રત્યેનું આકર્ષણ વધ્યું.
જોકે, તેમનું પ્રથમ ચર્ચિત સર્જન 'ચાર ચાર બંગડીવાળી...' જ રહ્યું, જે 2016માં રિલીઝ થયું હતું.
હાલ મેલબર્ન ખાતે એક ટેલિકોમ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે.

શા માટે કાઠિયાવાડી કિંગ?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
પટેલના કહેવા પ્રમાણે, "તેમનો જન્મ અને ઉછેર કાઠિયાવાડના જામનગરમાં થયો છે. કાઠિયાવાડીઓનો સ્વભાવ અને તેમની રહેણી-કરણી અલગ જ હોય છે."
"ઉપરાંત કાઠિયાવાડીઓ 'દિલથી રાજા' હોય છે, તેની કોઈ બીજી માથાકૂટ નથી હોતી એટલે તેમણે સર્જન માટે 'કાઠિયાવાડી કિંગ' એવું ઉપનામ પસંદ કર્યું હતું."
પટેલના કહેવા પ્રમાણે, આ ગીત અંગે ચાલેલી કાયદાકીય લડાઈને કારણે 'ક્રિયેટિવ બોટલનેક' આવી ગયું હતું.
તેઓ ઉમેરે છે, 'આશા છે કે ફરી એક વખત સર્જનકાર્ય પર ધ્યાન આપી શકીશ.'
તેઓ પટેલ સમાજના તમામ વર્ગોને આકર્ષે તેવા સંગીતનું સર્જન કરવા ચાહે છે.

'ઑરિજિનલ ગીત' હટાવાયું

ઇમેજ સ્રોત, Kartik Patel
પટેલે 2016માં આ ગીત યૂટ્યૂબ ઉપર અપલોડ કર્યું હતું, જે તેમણે રાસ માસ્ટર્સ સાથે મળીને તૈયાર કર્યું હતું.
આ ગીતનું શૂટિંગ ઑસ્ટ્રેલિયના મેલબર્ન ખાતે કરવામાં આવ્યું હતું.
બાદમાં કિંજલ દવેનું ગીત અપલોડ થતાં કોપીરાઇટ ભંગના મુદ્દે પટેલનું ગીત હટાવી લેવાયું હતું.


પટેલની રજૂઆત બાદ યૂટ્યૂબે તેના પ્લેટફોર્મ પર હોસ્ટ કરવા દીધું હતું.
યૂટ્યૂબની ડિજિટલ ટીમનું સૂચન હતું કે જે દેશમાં કૉપીરાઇટનો ભંગ થયો હોય, ત્યાંની કોર્ટમાંથી આદેશ મેળવવો પડે.
એટલે પટેલની ટીમે અમદાવાદની સ્થાનિક કોર્ટમાં કૉપીરાઇટ ભંગનો કેસ દાખલ કરાવ્યો હતો.

ચાર બંગડીવાળી એટલે....

ઇમેજ સ્રોત, Audi.in
જર્મન કાર નિર્માતા કંપની ઔડીના બ્રાન્ડ ઍમ્બલ્મમાં 'ચાર રિંગ્સ' છે.
પરંતુ ગુજરાતમાં સામાન્ય બોલચાલની ભાષામાં લોગોને કારણે તેને 'ચાર બંગડીવાળી ગાડી' તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષ 1932માં ચાર ઓટો નિર્માતા કંપનીઓ ઔડી, DKW (ડૅમ્પ-ક્રાફ્ટ-વેગન), હૉરચ અને વૅન્ડેરરના એકીકરણ બાદ ઓટો યુનિયન કંપની બની હતી.
ચાર કંપનીઓના મર્જરના પ્રતીકરૂપે ચાર રિંગવાળો લોગો સ્વીકારવામાં આવ્યો હતો. આગળ જતાં ઓટો યુનિયન કંપનીનું નામ ઔડી થયું.
હાલમાં આ કંપની ફોક્સવૅગન જૂથના નેજા હેઠળ કાર્યરત છે અને ભારત સહિત વિશ્વના નવ અલગઅલગ પ્લાન્ટ્સમાં તેનું નિર્માણ થાય છે.
કાર્તિક પટેલનાં ગીતમાં કાર ખોટકાઈ જતાં, યુવક તેની ગર્લફ્રેન્ડને ઔડી કાર અપાવી દેવાની વાત કરે છે.
જ્યારે કિંજલ દવેનાં ગીતમાં બહેન તેના ભાઈને કાર અપાવી દેવાની વાત કહે છે.
બંને ગીતોમાં 'ચાર બંગડીવાળી ગાડી' એટલે કે ઔડી કાર કેન્દ્રસ્થાને હતી.
અંગ્રેજી અખબાર DNAમાં પ્રકાશિત અહેવાલ મુજબ, કિંજલ દવેનાં ગીતમાં ઉપયોગમાં લેવાયેલી ઔડી કારનો ઉપયોગ વર્ષ 2017માં થયેલી હત્યાના એક કેસમાં થયો હતો.

કોર્ટમાં કેસ

ઇમેજ સ્રોત, FB@KathiawadiKing
વર્ષ 2016માં કિંજલ દવેએ 'ચાર ચાર બંગળીવાળી ગાડી...' ગીત ગાયું હતું.
કિંજલ દવેના જણાવ્યા અનુસાર, આ ગીત મનુ રબારી દ્વારા લખવામાં આવ્યું હતું.
આ ગીત રિલીઝ થયું ત્યારે જ કાર્તિક પટેલ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી અને કૉપીરાઇટ ભંગનો દાવો માંડ્યો હતો.
કાર્તિક પટેલે વર્ષ 2016માં કોર્ટમાં અરજી કરી હતી કે કિંજલ દવેએ તેમના ગીતમાં અમુક ફેરફારો કરીને તેને કૉપી કર્યું છે.
ત્યારબાદ આ કેસ અઢી વર્ષ સુધી અમદાવાદની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો.
પટેલના કહેવા પ્રમાણે, "આપણે કોઈનું વાહન ચોરીને તેના કલરમાં નાનોમોટો ફેરફાર કરીને તેને આપણા નામે નથી ચલાવતા.
"તો પછી ક્રિયેટિવ બાબતમાં આવું શા માટે?"
પટેલને આશા છે કે આ કેસથી ગુજરાતી ફિલ્મ ઍન્ડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં 'દાખલો' બેસશે.
આ ગીતની મારવાડી તથા અન્ય ભાષાઓમાં પણ નકલ કરવામાં આવી છે.
પટેલ આગામી સમયમાં અન્યોને પણ કાયદાકીય રીતે પડકારવા માગે છે.


કિંજલની કૅરિયર અને ગીત

ઇમેજ સ્રોત, FB/iamkinjaldaveofficial
ગુજરાતી સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવનારાં કિંજલ દવે એ અનેક ગીતો ગાયાં છે.
વર્ષ 2016માં કિંજલે 'ચાર ચાર બંગળીવાળી ગાડી...' ગીત ગાયું, જેણે તેમને પ્રખ્યાત બનાવી દીધાં.
યૂ-ટ્યૂબ પર જેવું જ 'ચાર ચાર બંગળીવાળી ગીત...' આવ્યું કે તરત જ પ્રખ્યાત બની ગયું હતું.
ત્યારબાદ તો લગ્નનો વરઘોડો હોય કે નવરાત્રી, કોઈ પણ કાર્યક્રમ, આ પ્રસંગો 'ચાર ચાર બંગળીવાળી ગાડી...' ગીત સિવાય અધૂરાં મનાતાં.
ત્યારબાદ કિંજલ દેવએ વર્ષ 2017માં 'લેરી લાલા...' અને વર્ષ 2018 'છોટે રાજા...' ગીતો ગાયને લોકચાહના મેળવી હતી.
કિંજલ દવેએ ગુજરાતી ટેલિવિઝન ચેનલ ABP અસ્મિતાને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેમનું ગીત 'લોકના દિલમાં છે અને હંમેશા રહેશે.'
સાથે જ ઉમેર્યું હતું કે તેઓ કોર્ટના ચુકાદાનું સન્માન કરશે અને જરૂરી પુરાવા કોર્ટમાં રજૂ કરશે.
આ ગીતનું એક વર્ઝન હજુ યૂટ્યૂબ પર છે, જે લગભગ 69 લાખ વખત જોવાયું છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ














