સંસ્કારથી સેક્સ સુધી, ગુજરાતી હાસ્ય અને હાસ્ય કલાકાર કેટલાં બદલાયાં?

ઇમેજ સ્રોત, FB/PreetiDas
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
'સેનેટરી પેડની ઉપર પતંગિયું અને ઇમરજન્સી કૉન્ટ્રાસૅપ્ટિવ પીલની ફૉઇલની પાછળ પણ પતંગિયું? મહિલાઓની પ્રોડક્ટ ડિઝાઇન કરતા પુરુષોની કલ્પનાશક્તિ આટલી જ છે?'
સ્ટેજ પરથી મહિલા સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રીતિ દાસ આ વાત કહે અને સામે ઑડિયન્સમાં બેઠેલી સેંકડો મહિલાઓ તાળીઓ અને ચીચીયારીઓ દ્વારા આ ઑબ્ઝર્વેશનને વધાવી લે.
પાંચ વર્ષ પહેલાં સ્ટેજ ઉપરથી કોઈ આવી વાત કહે અને શ્રોતાઓ તેને વધાવી લે તેની કલ્પના પણ થઈ શકે તેમ ન હતી.
આજે ઇન્ટરનેટના વ્યાપ અને યુટ્યૂબ-ફેસબુક જેવાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને કારણે ગુજરાતીમાં હાસ્યનાં વિષય, સ્વરૂપ અને સ્વર બદલાઈ ગયાં છે.
આ પરિવર્તનનો પાયો નવા મિલેનિયમમાં ખાનગી ગુજરાતી ચેનલ્સ અને MP3 ટેકનૉલૉજીએ નાખ્યો હતો.

સેક્સ, સંસ્કાર ઍન્ડ કૉમેડી

ઇમેજ સ્રોત, sairamdave.com
સેક્સ, પોર્ન, લસ્ટ (વાસના), હસ્તમૈથુન, કૉન્ડોમ, પિરિયડ્સ અને સેનેટરી પૅડ્સ અંગે જાહેરમાં જોક્સ અને ચર્ચા થાય છે.
પાંચ વર્ષ પહેલાં તેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી.
કદાચ કોઈ કાર્યક્રમમાં આવો કોઈ વિષય આવી પણ જાય તો તેને 'વલ્ગર' માનવામાં આવતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આજે સ્ટેન્ડ-અપ કૉમેડીના યુગમાં આ બધાય વિષયો સહેલાઈથી ચર્ચાય છે.
આ પ્રકારના શોમાં જતી ઑડિયન્સમાં મહિલાઓ પણ તેના માટે માનસિક રીતે તૈયાર પણ હોય છે.
પ્રીતિ દાસ કહે છે :
"અગાઉ પત્ની, સમાજના ચોક્કસ વર્ગ કે છોકરાં ઉપર કૉમેડી થતી અને ચેનલ્સ પરના હાસ્ય કાર્યક્રમોમાં 'પોલિટિકલ કૉમેન્ટ્રી' તો શક્ય જ ન હતી."
"પરંતુ સ્ટેન્ડ-અપના માધ્યમથી 'બ્લૅક કે ડાર્ક' કૉમેડી કરવી શક્ય બની છે."
હાસ્ય કલાકાર તરીકે ખ્યાતિ મેળવનારા સાંઈરામ દવે અલગ મત ધરાવે છે. દવેના કહેવા પ્રમાણે :
"જે હાસ્ય બાપ અને 20 વર્ષની દીકરી સાથે બેસીને માણી શકે, તે હાસ્ય ખરું હાસ્ય છે, જેમાં 'મંચની મર્યાદા' નથી જળવાતી, તે હાસ્યનું 'સાત્વિક સ્વરૂપ' નથી."

આપને આ પણ વાચવું ગમશે

દ્વિઅર્થી તો હતા જ...

ઇમેજ સ્રોત, HIREN SHAH
સ્ટેન્ડ-અપ કૉમેડીના આગમનને પગલે જ હાસ્યમાં અશ્લીલતા આવી એવું નથી.
એ પહેલાં ગુજરાતી સિનેમામાં દ્વિ-અર્થી સંવાદો અને હાવભાવ દ્વારા 'અલગ પ્રકાર'નું હાસ્ય પીરસાતું, જે 'રમેશ મહેતા કાળ' તરીકે પણ ઓળખાય છે.
ટેલિવિઝનનો વ્યાપ વધવાને કારણે ગુજરાતી સિનેમાના એ યુગનો અંત આવ્યો.
દૂરદર્શન ગુજરાતી (હવે ડીડી ગિરનાર) ઉપર પ્રસારિત થતા કાર્યક્રમ 'ગમ્મત ગુલાલ'ને કારણે ગુજરાતીમાં હાસ્યના નવા યુગનો આરંભ થયો.
ડૉ. જગદીશ ત્રિવેદી માને કે આ કાર્યક્રમને કારણે શ્રોતાઓ હાસ્ય કલાકારને 'જોઈને ઓળખતા' થયા, જેનો લાભ 'રેડિયોયુગ'ના કલાકારોને નહોતો મળ્યો.
એ સમયને યાદ કરતા સાંઈરામ દવે કહે છે કે કાર્યક્રમ દરમિયાન કલાકાર ખુદને 'ગમ્મત ગુલાલ ફેમ' તરીકે ઓળખાવવામાં ગર્વ અનુભવતા.
બંને કલાકાર તેમની કારકિર્દીના શરૂઆતના ગાળામાં 'ગમ્મત ગુલાલ'માં પર્ફૉર્મ કરી ચૂક્યા છે.

નવા મિલેનિયમમાં ખાનગી ગુજરાતી ન્યૂઝ ચેનલ્સની સંખ્યા વધી, પરંતુ 'સ્પેશિયલ પ્રોગ્રામ' સ્વરૂપે હાસ્ય પીરસાતું રહ્યું.
છેલ્લા એક દશક દરમિયાન ગુજરાતી જનરલ ઍન્ટર્ટેઇન્મેન્ટ ચેનલ્સ (જીઈસી)નો વ્યાપ વધ્યો છે, જેમાં પણ કૉમેડી પ્રોગ્રામ્સના 'સ્લૉટ' રહે છે.
ટેલિવિઝનના માધ્યમ ઉપર લાઇસન્સની શરતો અને આચાર સંહિતા હોવાને કારણે કલાકારો અને પ્રોડ્યૂસર્સ 'બૉલ્ડ ટૉપિક્સ'થી દૂર જ રહેવાનું પસંદ કરતા.
આજે અર્બન ફિલ્મો દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નવા યુગની શરૂઆત થઈ, પણ દ્વિ-અર્થી સંવાદ કે હાવભાવનો ક્રમ ચાલુ જ છે.
પરંતુ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તમામ નિયમ, નિયંત્રણ અને નિષેધને ફગાવીને પોતાની હાજરી નોંધાવી છે.

વિષયોમાં વાસના પણ

ઇમેજ સ્રોત, FB/PreetiDas
સ્ટેન્ડ-અપ કૉમેડિયન શૈફાલી પાંડે અને પ્રીતિ દાસ મહિલા મંચના નેજા હેઠળ સ્ટેન્ડ-અપ કૉમેડી શો યોજે છે.
જેમાં 'મહિલાઓનું જાતીય સુખ' અને 'મા-બહેનને ગાળો' જેવાં વિષય ઉપર આધુનિક શૈલીમાં સંદેશ આપવાનો પ્રયાસ કરે છે.
ઑડિયન્સમાં બેઠેલાં પુરુષોની સાથે મહિલાઓ પણ તેને માણે છે.
પ્રીતિ કહે છે કે સમાજમાં જે કંઈ બને છે, તેને રજૂ કરે છે, પરંતુ 'અશ્લીલતા'ના નામે તેની ઉપર ઢાંકપિછાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
સાંઈરામ દવેના કહેવા પ્રમાણે, "હાસ્યની વચ્ચે 'મર્મ કે સંદેશ' હોવો જોઈએ, કાર્યક્રમને સાંભળ્યા પછી શ્રોતાને હળવાશની સાથે 'કંઈક મેળવ્યા'ની લાગણી થવી જોઈએ."
'ખજૂર'ના નામથી વિખ્યાત યુટ્યૂબર નીતિન જાની માને છે, "ગુજરાતીઓમાં 'સંસ્કારી સામગ્રી' વધારે ચાલે છે."
"માતા, બહેન અને ભાભી પણ કાર્યક્રમને માણી શકે તેવો વિષય હોવો જોઈએ."
સાંઈરામ દવે અને પ્રીતિ દાસ એક વાત પર સહમત થાય છે કે ટેલિવિઝન ઉપર પુરુષો મહિલાઓનાં કપડાં પહેરીને અમર્યાદિત કૉમેડી કરે, તેમાં મહિલાઓનું સન્માન નથી જળવાતું.



કૅરિયર, જેને હસી ન કઢાય
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
એક યા બીજી રીતે હાસ્ય દ્વારા આજીવિકા રળતા સાંપ્રત કલાકારો એક વાત માને છે કે આજના સમયમાં કૉમેડી કે હાસ્યને 'હસી કાઢવા' જેવા નથી અને આ ક્ષેત્રે પણ કૅરિયર બનાવવી શક્ય છે.
હાસ્ય કલાકાર ડૉ.જગદીશ ત્રિવેદીના કહેવા પ્રમાણે, "શ્યામસુંદર પુરોહિત, કાંતિ પટેલ અને જગદીશ પંડ્યા જેવા કલાકારો અમારા કરતાં પણ વધારે હાસ્યને સમર્પિત હતા."
"પરંતુ એ સમયે એટલી આવક ન હતી કે તેને કૅરિયર તરીકે સ્વીકારી શકાય. આથી તેમણે હાસ્ય કાર્યક્રમનોની સાથે નોકરી કે વ્યવસાય કરવા પડતા."
સાંઈરામ દવે કહે છે કે લોકડાયરા કે સંતવાણી જેવા જાહેર કાર્યક્રમમાં હાસ્યને સ્થાન ન હતું અને જો કોઈ દ્વારા પ્રયાસ કરવામાં આવે તો તેને 'ફારસિયા' કહીને ઉતારી પાડવામાં આવતા.
જોકે, શાહબુદ્દીન રાઠોડને કારણે હાસ્ય કલાકારના 'સ્વતંત્ર કાર્યક્રમ' શક્ય બન્યા.
કિરીટ વ્યાસ અને મહેશ શાસ્ત્રી જેવા રાઠોડના સમકાલીનોએ પણ હાસ્ય ક્ષેત્રે કાઠું કાઢ્યું હતું.

ઇમેજ સ્રોત, HIREN SHAH
ત્રિવેદી કહે છે, "આજનો સમય હાસ્ય કલાકારો માટે 'ગોલ્ડન પિરિયડ' છે, કાર્યક્રમમાં તેમની મોટી તસવીર લાગે છે."
"જે શહેરમાં કાર્યક્રમ યોજાવાનો હોય ત્યાં હૉર્ડિંગ્સ લાગે છે અને સ્થાનિક અખબારોમાં તેમની તસવીરો સાથે જાહેરાતો પણ છપાય છે."
"અગાઉના કલાકારો માટે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી."
"હાસ્ય કલાકાર આજીવિકા રળવા ઉપરાંત સંપન્ન રીતે જીવન જીવી શકે એટલી રકમ પુરસ્કાર પેટે મળતી થઈ છે."
એકાવન વર્ષીય ડૉ.જગદીશ ત્રિવેદીએ વાનપ્રસ્થાશ્રમમાં (પ્રાચીન વ્યવસ્થા પ્રમાણે 50 વર્ષ બાદની ઉંમર) થતી આવક પોતાના પર ના વાપરવાનું નક્કી કર્યું હતું.
છેલ્લા એક વર્ષ દરમિયાન ડૉ. ત્રિવેદીએ રૂપિયા 42 લાખનું દાન આપ્યું છે, જેનો હિસાબ તેમણે 'સેવાનું સરવૈયું' નામના પુસ્તકમાં 'આવક અને ઉપયોગ' સ્વરૂપે આપ્યો છે.

યુટ્યૂબની આંધી

ઇમેજ સ્રોત, FB/jigliandkhajurofficial
નીતિન જાની ઉર્ફે 'ખજૂર' ના કહેવા પ્રમાણે, "કલાકાર તરીકે તેમની 'ઓળખ' જ યુટ્યૂબને આભારી છે."
"ટેલિવિઝનની સરખામણીએ આ માધ્યમનો એક લાભ એ છે કે તે મોબાઇલ પર છે."
"સતત તણાવની વચ્ચે જાહેર પરિવહન માધ્યમોમાં અવરજવર કરતી વ્યક્તિ યુટ્યૂબ પર હાસ્યના કાર્યક્રમો દ્વારા હળવાશ અનુભવી શકે છે."
યુટ્યૂબ પર જાનીની ચેનલ 'ખજૂરભાઈ'ના અઢી લાખથી વધુ ફોલોઅર્સ છે.
અલગઅલગ યુટ્યૂબ ચેનલ્સ પર પોસ્ટ થયેલા 'જિગલી-ખજૂર'ના વીડિયોઝને અત્યારસુધીમાં 24 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે.
જાની કહે છે કે આજના સમયમાં યુટ્યૂબ ચેનલ્સનો રાફડો ફાટ્યો છે, ત્યારે સતત ગુણવત્તાસભર મનોરંજન આપવાનો પડકાર રહે છે.

સાંઈરામ દવે માને છે કે વૉટ્સઍપ અને યુટ્યૂબ જેવા માધ્યમોને કારણે તેમની 'ફેસવેલ્યૂ' વધી છે, પરંતુ આ રીતે 'વાઇરલ' થવાથી પડકાર પણ વધ્યા છે.
કાર્યક્રમમાં દવે પોતાનો જ કોઈ જોક કહે, તો પણ સોશિયલ મીડિયાને કારણે તેને 'ફૉર્વર્ડેડ' માની લેવામાં આવે, એટલે સતત 'અપડેટેડ' રહેવું પડે છે.
આ કલાકારોને લોકો સુધી પહોંચાડવામાં ગુજરાતમાં ઇન્ટરનેટના વ્યાપ તથા સસ્તા ડેટા પેકે મોટી ભૂમિકા ભજવી છે.
'ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા'ના સપ્ટેમ્બર-2018ના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં બે કરોડ 60 લાખ ઇન્ટરનેટ (બ્રૉડબૅન્ડ સહિત) વપરાશકર્તા છે.


સીડી તરીકે CD

ઇમેજ સ્રોત, Bipin Tankaria
હાસ્ય કલાકારોના સ્ટેજ કાર્યક્રમોની એ મર્યાદા હતી કે તેની મદદથી મર્યાદિત લોકો સુધી જ પહોંચી શકાતું, પરંતુ ઓડિયો કૅસેટે આ મર્યાદાને દૂર કરી દીધી.
ખરીદનારને સાંઇઠ મિનિટનો હાસ્યરસ મળતો અને તેની 'રિપિટ વેલ્યૂ' પણ હતી. કૅસેટની આપ-લે દ્વારા 'વેરાઈટી' પણ મળી રહેતી.
સાંઈરામ દવે કહે છે, "1996માં મેં ઓડિયો કૅસેટથી શરૂઆત કરી. ત્યારથી VCD (વીડિયો કૉમ્પેક્ટ ડિસ્ક), DVD (ડિજિટલ વીડિયો ડિસ્ક), MP3, પેનડ્રાઇવ (માં કાર્યક્રમ) સ્વરૂપે લોકો સુધી પહોંચ્યો છું."
"પરંતુ માધ્યમ તરીકે યુટ્યૂબની ક્ષમતા અને વ્યાપ અજોડ છે."
જગદીશ ત્રિવેદી કહે છે :
"પહેલાં લોકો અમારા કાર્યક્રમની MP3 કે સીડી ખરીદતા, પરંતુ આજે ગૂગલ કે યુટ્યૂબ ઉપર Jagdish Trivedi Jokes લખીને સર્ચ કરો એટલે કામ પૂરું. અનેક વિકલ્પો આવી જાય છે."
જગદીશ ત્રિવેદી તથા સાંઈરામ દવે કહે છે કે, યુટ્યૂબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વિદેશમાં વસતા ગુજરાતીઓની વચ્ચે ઓળખ પ્રસ્થાપિત કરવામાં મદદ મળી છે.

હાસ્ય કેમ જરૂરી?

ઇમેજ સ્રોત, Getty Images
યુનિવર્સિટી ઑફ ઑક્સફોર્ડના એક સંશોધન પ્રમાણે, સાથે મળીને હસવાથી સંબંધો મજબૂત બને છે અને વ્યક્તિની પીડા ઘટે છે.
અન્ય એક સંશોધન મુજબ, જે ઑફિસમાં કર્મચારીઓ સાથે મળીને હસે છે, ત્યાં તણાવ ઓછો અને ઉત્પાદકતા વધુ હોય છે.
સૌરાષ્ટ્રના શાહબુદ્દીન રાઠોડ, સાંઈરામ દવે, જગદીશ ત્રિવેદી અને માયાભાઈ આહિર જેવા કલાકારો હાસ્યના 'પરંપરાગત' સ્વરૂપે, જ્યારે અમદાવાદના નીતિન જાની (ખજૂર), શૈફાલી પાંડે, પ્રીતિ દાસ, વડોદરાના મનન દેસાઈ કૉમેડીના 'આધુનિક' સ્વરૂપે લોકોને હસાવવા પ્રયાસરત છે.
હેતુ એક જ છે, 'હસતા રહો અને હસાવતાં રહો'.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












