‘વિકાસનો મુદ્દો નથી ચાલ્યો એટલે ભાષણોમાં હિંદુત્વની વાત’

ઇમેજ સ્રોત, FACEBOOK/NARENDRAMODI
આજે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાના મતદાન માટેના પ્રચારમાં તેમના ભાષણોમાં પાકિસ્તાન, મણિશંકર ઐયર અને મુસલમાનો બાબતે કોંગ્રેસ પર ખુલીને આક્ષેપો કર્યા.
શુક્રવારની સાંજે નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભાભરમાં કરેલી જાહેર સભામાં તેમણે મણિશંકર ઐયરના અગાઉનાં નિવેદનોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ઐયરે પાકિસ્તાનના લોકોને ‘મોદીને રસ્તા પરથી હટાવી’ દેવાનું કહ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને પોતાની લાક્ષણિક શૈલીમાં એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે ‘તમે પાકિસ્તાન મારા માથાની સોપારી આપવા ગયા હતા?’
શનિવારે જ્યારે રાજ્યના 19 જિલ્લાની 89 વિધાન સભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા ચરણની ચૂંટણીઓ માટે પ્રચાર સભા કરી.
તમને આ વાંચવું પણ ગમશે:
બીજા ચરણનું મતદાન 14મી ડિસેમ્બરે થવાનું છે. મોદીએ કોંગ્રેસ દ્વારા મુસલમાનો સાથે અનામત અને ટ્રિપલ તલાકના મુદ્દે કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા.

મુસલમાનો વિશે મોદીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
મોદીએ કહ્યું કે મુસલમાનોને અનામત આપવાનું વચન કોંગ્રેસે છેતરપીંડી કરી છે.
સાથે સાથે મોદીએ તેમના શાસનકાળ દરમ્યાન મુસ્લિમ મહિલાઓનાં લગ્નને સલામતી આપતા ટ્રિપલ તલાકના મુદ્દાને ટાંકીને કહ્યું કે ટ્રિપલ તલાકનો મુસદ્દો (ડ્રાફ્ટ) સ્વર્ગીય રાજીવ ગાંધીના વખતથી કોંગ્રેસે મુસ્લિમ વોટબેન્કને નારાજ ન કરવાના હેતુથી લટકતો રાખ્યો હતો.
આજે જ્યારે તેમના શાસનકાળમાં મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાક મુદ્દે કાયદાકીય બાંયધરીઓ અપાઈ રહી છે, ત્યારે બીજી તરફ આજ કોંગ્રેસના લોકો મુસલમાન મહિલા સશક્તિકરણના આ મુદ્દે ઇસ્લામ ધર્મમાં ઉલ્લેખાયેલી વાતોને ટાંકીને સમગ્ર સમાજને ગુમરાહ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદીએ જનમેદનીને સંબોધતા કહ્યું કે 14 તારીખ સુધીમાં મતદારોને ગુમરાહ કરવાના અવનવા કીમિયાઓ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા હાથ ધરાયા છે અને મતદારો તેમના દોર્યા આમ ગેરમાર્ગે ન દોરાય તે બહુ જરૂરી છે.

લુણાવાડામાં મોદીએ આમ કેમ કહ્યું?

ઇમેજ સ્રોત, FACEBOOK/NARENDRAMODI
મોદીના મુસલમાનો પ્રત્યેના વાણી-વર્તનમાં તત્કાલીન આવેલા પરિવર્તન સંદર્ભે અમદાવાદ સ્થિત વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે બીબીસીને કહ્યું કે લુણાવાડા એ મધ્ય-ગુજરાતનું એજ મતક્ષેત્ર છે જ્યાં મુસલમાનોની સંખ્યા ખાસ કરીને વહોરા જ્ઞાતિના મતદારો મોટી સંખ્યામાં છે.
વર્ષ 2002માં થયેલા કોમી તોફાનોમાં લુણાવાડામાં આ વર્ગને પણ ઘણું સામાજિક અને આર્થિક નુકસાન થયું હોવાના અહેવાલો જે તે સમયે વહેતા થયા હતા.
ભાર્ગવ પરીખ કહે છે, "છેલ્લી બે ચૂંટણીઓમાં મુસલમાન મતદારો મતદાન કરવા બહાર નથી આવ્યા, ન તો એમણે કોંગ્રેસને મત આપ્યો છે કે ન તો ભાજપને."
ઉપરોક્ત પરિસ્થિતિમાં ભાજપ હાલમાં ગુજરાતમાં જ્ઞાતિ આધારિત રાજકીય સમીકરણોનો જે રીતે સામનો કરી રહ્યું છે જેમાં પાટીદાર પટેલો, ઓબીસી, દલિત અને આદિવાસી મતો તેમની વિરુદ્ધમાં મતદાન કરે તો ભાજપને ભારે રાજકીય નુકસાન જાય એમ છે.
"...એટલે એ નુકસાનને ખાળવા મોદી લુણાવાડામાં મુસ્લિમ મતદારો પર આટલા પ્રસન્ન થયા છે, એવી અપેક્ષા સાથે કે જો મુસલમાન મતદારોના 1% મતો પણ ભાજપને મળે તો તેમને હાલમાં ઘણી રાહત મળે તેમ છે." એમ ભાર્ગવે ઉમેર્યું.

ઇમેજ સ્રોત, FACEBOOK/NARENDRAMODI
લુણાવાડા સ્થિત જનમેદનીને સંબોધતા મોદીએ સલમાન નિઝામીને કોંગ્રેસના નેતા તરીકે ઓળખાવીને નિઝામીએ ભાજપ અને વડાપ્રધાન પર કરેલા આક્ષેપોને કડક શબ્દોમાં વખોડી કાઢ્યા હતા.
મોદીએ કહ્યું હતું કે મુસલમાનો પણ ન બોલે એવા ભાગલાવાદી વિધાનો નિઝામી કરી રહ્યા છે જે દેશની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે.
મોદીએ ઉમેર્યું કે નિઝામી મારા માતા-પિતા વિષે પૂછે છે તો મારે કેહવું છે કે ભારત દેશ જ મારા માતા-પિતાના સ્થાને છે.

કોણ છે સલમાન નિઝામી?

ઇમેજ સ્રોત, FACEBOOK/PG/SAMBITSWARAJ
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કમલમમાં યોજેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ અન્ય સંસ્થાઓ મારફતે નાણાકીય મદદ કરે છે.
પાત્રાએ ઉમેર્યું હતું કે મેવાણીને પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ) નામની સંસ્થા દ્વારા ચૂંટણી ભંડોળના નામે મદદ કરવામાં આવી છે.
સંબિત પાત્રાએ વધુ માહિતી આપતા કહ્યું, આ સંસ્થાનું નામ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે એવું નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ કહ્યું છે, ભાજપે નહીં.
બીજો આક્ષેપ કરતાં પાત્રાએ કહ્યું કે સલમાન નિઝામી નામના કોંગ્રેસના પ્રવક્તા ટ્વિટ કરીને પ્રધાન મંત્રીને પૂછે છે કે, "રાહુલ ગાંધીના પિતાજી અને દાદીએ દેશ માટે બલિદાન આપ્યું. પરનાના સ્વતંત્રતાસેનાની હતા. મોદીજીના બાપ-દાદા શું કરતા હતા?''
કોંગ્રેસ પાર્ટીએ વળતા જવાબમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને પક્ષના નેતા તથા પ્રવકતા રાજીવ શુક્લાએ આ વિશે સ્પષ્ટતા કરી છે કે સલમાન નિઝામી કોંગ્રેસના નેતા નથી.

ઇમેજ સ્રોત, FACEBOOK/RAJEEV.SHUKLA.5811
શુક્લાએ ઉમેર્યું કે નિઝામી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ નથી અને કોંગ્રેસ પાર્ટીના નેતા પણ નથી.

મોદીના વિધાનોની મતદાન પર શું અસર?
એક તરફ મતદાન થઈ રહ્યું હોય ત્યારે બીજા તબક્કાના પ્રચારમાં ચોક્કસ ધાર્મિક સમાજ વિશેની ટિપ્પણીઓ મોદી તેમના ભાષણોમાં કેમ કરી રહ્યા છે? આ વિશે વાત કરતા ગુજરાતના રાજકારણના વિશ્લેષક અચ્યુત યાજ્ઞિક કહે છે, “આ સ્પષ્ટ રીતે ‘ડિવાઇડ એન્ડ રૂલ’ વાળી વાત છે.”
તેમણે વધુમાં કહ્યું, “ગુજરાતમાં મુસ્લિમોની વસતી દસ ટકા કરતાં પણ ઓછી છે. નરેન્દ્ર મોદી જે તેમના ભાષણોમાં પહેલાં વિકાસની વાત પર ભાર મૂકતા હતા તે હવે આ મુસ્લિમોની વાત કરીને હિંદુત્વના મુદ્દા તરફ ધ્યાન દોરવા ઇચ્છે છે.
જોકે એક તરફ મતદાન થઈ રહ્યું હોય અને બીજી તરફ આ પ્રકારની વાતો થાય ત્યારે તેની મતદારોના મત આપવાના નિર્ણય પર બહુ મોટી અસર થાય તેવું મને નથી લાગતું.”
તેમણે વધુમાં કહ્યું, “વિજય રૂપાણીના ભાષણોમાં પણ હિંદુત્વનો મુદ્દો જોવા મળે છે. વિકાસની વાત ભાજપના નેતા એટલા માટે નથી કરતા કારણ કે, ગુજરાતના યુવાનો એ પછી પાટીદાર હોય, દલિત હોય કે ઓબીસી સમાજના હોય, તે દરેકમાં વિકાસ વિશે અસંતોષ છે.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












