મોદીએ ગણાવ્યા કોંગ્રેસી નેતાઓનાં 'અભદ્ર નિવેદન'

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નીચ' કહ્યા એ કિસ્સાનો વિવાદ હવે વકરી રહ્યો છે.
કોંગ્રેસે મણિશંકર ઐયરને ગુરૂવારે શો-કોઝ નોટિસ આપીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
એ પહેલાં રાહુલ ગાંધીના કહેવાથી મણિશંકર ઐયરે ખુદના નિવેદન બદલ માફી માગી હતી.
જોકે, અમદાવાદના નિકોલમાં શુક્રવારે એક રેલીને સંબોધતાં નરેન્દ્ર મોદીએ આ મુદ્દો ફરી ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસે તેમને પહેલીવાર નીચ નથી કહ્યા.
તમને આ પણ વાંચવું ગમશે
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ''સોનિયા ગાંધી અને તેમના પરિવારજનોએ પણ આ શબ્દનો ઉપયોગ કર્યો છે.
હું નીચ છું, કારણ કે હું ગરીબ ઘરમાં જન્મ્યો હતો.
હું નીચી જાતનો છું અને એક ગુજરાતી છું એટલા માટે તેઓ મારાથી નફરત કરે છે?''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'કોંગ્રેસીઓએ કર્યો અભદ્ર ભાષાનો ઉપયોગ'

ઇમેજ સ્રોત, Getty Images
આટલું જ નહીં. નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે તેમના માટે કોંગ્રેસના અનેક નેતાઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે.
નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર, આનંદ શર્માએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી માનસિક રીતે અસ્થિર છે.
એક કોંગ્રેસી નેતાએ એ ટ્વીટને રી-ટ્વીટ કરી હતી. એ વિશે હું કંઈ કહી શકું તેમ નથી. દિગ્વિજય સિંહે મારા વિશે કેવી ટ્વીટ કરી હતી?
વાસ્તવમાં એક ગુજરાતી અને એક ગરીબ પરિવારમાં જન્મેલી વ્યક્તિથી તેઓ ઘણા પરેશાન છે.

'મોદી પાસે મુદ્દો નથી'

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ ગુજરાતમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સાથે વાત કરી હતી.
મનીષ દોશીએ કહ્યું હતું, ''નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખરાબ ભાષાનો ઉપયોગ કરવો એ કોંગ્રેસના કલ્ચરમાં નથી. એ કારણસર જ રાહુલ ગાંધીએ મણિશંકર ઐયરને સસ્પેન્ડ કર્યા છે.
અગાઉ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને બીજેપીના અન્ય નેતાઓએ સોનિયા ગાંધી તથા ગાંધી પરિવાર વિરુદ્ધ ઘણા શબ્દો કહ્યા હતા, જેને સભ્ય સમાજમાં કોઈ સ્થાન નથી.
જોકે, બીજેપીએ એ નેતાઓ સામે કોઈ પગલાં લીધાં ન હતાં.''
નરેન્દ્ર મોદીના લેટેસ્ટ નિવેદન બાબતે તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પાસે કોઈ મુદ્દો નથી એટલે તેઓ આવા મુદ્દાઓને ઉછાળી રહ્યા છે.
મણિશંકર ઐયરે વિવાદાસ્પદ નિવેદન કર્યું પછી ગુરૂવારે નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણી સભાઓમાં કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો હતો.

'કામને અગ્રતા આપું છું એટલે ચૂપ રહું છું'

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, શુક્રવારની રેલીમાં નરેન્દ્ર મોદી ઘણા કોંગ્રેસી નેતાઓના નામ ગણાવ્યા હતા અને તેમને એ કોંગ્રેસી નેતાઓએ કઈ રીતે નિશાન બનાવ્યા હતા એ જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ''મોદી સરકાર રાક્ષસ રાજ જેવી છે અને મોદી રાવણ છે, એવું દિગ્વિજય સિંહે કહ્યું હતું.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું નામ હિટલર, મુસોલિની અને ગદ્દાફી જેવા નેતાઓની યાદીમાં છે.
કોંગ્રેસે મને રાત-દિવસ ગાળો આપી છે. હું કામને અગ્રતા આપું છું એટલે ચૂપ રહું છું.''
નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું, ''એક કોંગ્રેસી નેતાએ મને વાંદરો કહ્યો હતો અને જયરામ રમેશે મારી તુલના ભસ્માસુર સાથે કરી હતી.
બેનીપ્રસાદ વર્માએ મને પાગલ કૂતરો કહ્યો હતો, જ્યારે ગુલામ નબી આઝાદે મને ગંગૂ તૈલી કહ્યો હતો.''
નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર, ઈમરામ મસૂદને કોંગ્રેસે ટિકીટ આપી હતી. ઈમરામ મસૂદે કહ્યું હતું કે તેઓ મોદીના ટુકડા કરી નાખશે, જ્યારે રેણુકા ચૌધરીએ મને વાયરસ કહ્યો હતો.

ક્યાંથી શરૂ થયો વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
મણિશંકર ઐયરે ગુરૂવારે એક ઈન્ટર્વ્યૂમાં નરેન્દ્ર મોદીની વાત કરતાં કહ્યું હતું, ''આ માણસ બહુ નીચ પ્રકારનો છે.
તેનામાં કોઈ સભ્યતા નથી અને આવા પ્રસંગે આ પ્રકારનું ગંદુ રાજકારણ રમવાની જરૂર શું છે?''
જોકે, એ ઈન્ટર્વ્યૂ પછી તરત જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મણિશંકર ઐયરના નિવેદનની ટીકા કરી હતી અને તેમને માફી માગવા જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં જણાવ્યું હતું, ''કોંગ્રેસ પર હુમલા કરવા માટે બીજેપી અને વડાપ્રધાન નિયમિત રીતે ગંદી ભાષાનો ઉપયોગ કરે છે.
કોંગ્રેસની એક અલગ સંસ્કૃતિ અને વારસો છે. વડાપ્રધાન માટે મણિશંકર ઐયરે જે ભાષા અને લહેજાનો ઉપયોગ કર્યો છે તેને હું યોગ્ય ગણતો નથી.
તેમણે જે કહ્યું છે એ બદલ કોંગ્રેસ અને હું બન્ને તેમની પાસેથી માફીની આશા રાખીએ છીએ.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












