ગુજરાત : સારવાર ખર્ચાળ, આરોગ્ય મામલે સુધારનાં પગલાંની તાતી જરૂર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઘનશ્યામ શાહ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતનાં રાજ્યોમાં ગુજરાત ધનિક કહી શકાય. પહેલાબીજા નંબરે આવે, પણ આરોગ્યમાં આપણે આઠમે નંબરે.
પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં 45 ટકા બાળકો કુપોષણથી પીડાય છે. એક લાખે 32 બાળકો મૃત્યુ પામે છે.
બાળમરણનું પ્રમાણ કેરળમાં 12 અને મહારાષ્ટ્રમાં 24 છે. બાળમરણમાં આપણે 18મા ક્રમે છીએ. એવું લાગે છે કે આપણે ભૂલી ગયા છીએ કે 'પહેલું સુખ તે જાતે નર્યાં'.
આરોગ્ય અંગેની નીતિ કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર નક્કી કરે છે. નીતિનો અમલ કરવાની જવાબદારી મુખ્યત્વે રાજ્ય સરકારની હોય છે.
તમને આ વાંચવું પણ ગમશે:
ગુજરાત તેના GDPના એક ટકાથી ઓછા નાણાં આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચ કરે છે.
હકીકતમાં આ રકમ છેલ્લા બે વર્ષમાં 2016-17માં 0 .75% થી 2017-18 માં 0.68% થઈ.
ટકાવારીમાં આપણાં કરતાં કેરળ, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, પંજાબ કે મહારાષ્ટ્ર વધારે ખર્ચ કરે છે.

તબીબો અને નર્સની જગ્યાઓ ખાલી

ઇમેજ સ્રોત, Getty Images
હા, પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1992 માં 960 પ્રાથમિક અને 185 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો હતાં, જે વધીને અનુક્રમે 1158 ને 318 થયાં. છેલ્લાં પંદર વર્ષમાં આ કેન્દ્રોનાં મકાનો સારા થયાં, 108 ગાડીની સુવિધા વધી.
પણ ડૉકટર, નર્સ, મિડવાઈફ વગેરેની સંખ્યા વધી નથી. લગભગ ત્રીસથી પચ્ચાસ ટકાથી પણ વધુ જગ્યાઓ ખાલી છે.
જે ડૉક્ટર કે નર્સ છે, તેઓ આરોગ્ય કેન્દ્રનાં મુખ્ય મથકે રહેતાં નથી. ઘણી જગાએ તેમનાં માટે રહેઠાણની સગવડ નથી.
સ્થળ પર જઇને કરવામાં આવેલા અભ્યાસો બતાવે છે કે, ઘણાં પ્રાથમિક કેન્દ્રોમાં એક્સ-રે મશીન અને બીજાં સાધનો વારંવાર બગડે છે, જે દિવસો સુધી કામ કરતાં નથી. જરૂરી દવાઓની અછત એ સામાન્ય વાત છે.

આરોગ્ય માટે વીમાની યોજનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્ય સરકારો સાથે ભાગીદારીથી કેન્દ્ર સરકારે 2007-08માં ગરીબ કુટુંબ માટે રાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના (આર. એચ. બી. વાય.)નો અમલ કર્યો જેમાં ગુજરાત પણ જોડાયું.
આ યોજના અન્વયે ગરીબ કુટુંબ (બી. પી. એલ.)ને પાંચ વ્યક્તિ સુધીને 30 હજાર રૂપિયા વાર્ષિક હોસ્પિટલના ખર્ચ પેટે વીમો મળી શકે.
કુટુંબે વાર્ષિક 30 રૂપિયા પ્રીમિયમ તારીખે ભરવાનુ રહે. દર વર્ષે ફરી નવું કાર્ડ કરાવવાનું રહે છે.
અહીં નોંધવું જોઈએ કે કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ અને હિમાચલ પ્રદેશે આ યોજનામાં બીપીએલ ઉપરાંત બીજા ગરીબ કુટુંબોની જવાબદારી લીધી.
હિમાચલ પ્રદેશે 30 હજાર રૂપિયાને બદલે 1.50 લાખ રૂપિયાનો વીમો આપ્યો. વર્ષ 2011-12માં ગુજરાત સરકારે કુલ બીપીએલ કુટુંબોથી 50.7 ટકા કુટુંબોને આ યોજના હેઠળ સ્માર્ટ કાર્ડ આપ્યાં.
2014-15 માં સંખ્યા ઘટીને 43 ટકા થઈ, આ વર્ષે ચૂંટણી ટાણે તે સંખ્યા વધીને 57.5 ટકા થઈ. હજુ મોટા ભાગનાં ગરીબ કુટુંબોને આ યોજનામાં સામેલ કરવાનાં બાકી છે.

ખર્ચાળ તબીબી સારવાર

ઇમેજ સ્રોત, CHANDAN KHANNA
દસ વર્ષ પહેલા 30 હજારના ખર્ચની જોગવાઈ હતી તે 2017માં પણ રહી, જયારે ડૉક્ટર્સની ફી, ઓપરેશનની ફી, રૂમ ચાર્જ વગેરે બમણાં થઈ ગયા છે.
આ યોજનાને વધુ વ્યાપક અને એનું કવરેજ 30 હજાર રૂપિયાથી વધારી હિમાચલની માફક દોઢ કે બે લાખ રૂપિયા કરવાને બદલે, 2012માં વિધાન સભાની ચૂંટણી ટાણે, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોની માફક મુખ્યમંત્રી 'અમૃતમ્ યોજના' દાખલ કરી;
જેમાં ગંભીર જીવલેણ રોગોની મફત સારવારની જોગવાઈ છે. ચૂંટણી ટાણે આ યોજના હેઠળ બીપીએલ કુટુંબો ઉપરાંત બે લાખની આવકવાળાં કુટુંબોને પણ લાભ આપવાની જાહેરાત થઈ.
આ સારી વાત છે. વધાવીએ. પણ રોજબરોજની માંદગીમાં સારવાર વધી નહીં.

ખાનગી ડૉક્ટર્સને લાભ કરાવતી યોજનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દર ઘટાડવા 2005માં કેન્દ્ર સરકારે જનની-શિશુ સુરક્ષા યોજના (JSY ) દાખલ કરી જેમાં પ્રસૂતિ અને ત્યાર પછીની સારવાર માટે સરકારે મદદ કરવાની જવાબદારી લીધી.
આ કેન્દ્ર સરકારની 100% મદદ આપતી યોજના છે. ગુજરાત સરકારે આ વખતે JSYને પ્રાધાન્યે આપવાને બદલે પોતાની આગવી ચિરંજીવી યોજના દાખલ કરી.
ગુજરાતે એમાં ખાનગી નર્સિંગ હોમ અને ડૉક્ટર્સને ફી આપી ભાગીદાર બનાવ્યા. આ યોજનાને સિંગાપોરથી ઍવૉર્ડ પણ મળ્યો.
આ યોજનાનાં પરિણામે ઘરને બદલે હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાની સંખ્યામાં વધારો થયો અને પહેલાં કરતાં માતા મૃત્યુનું પ્રમાણ છેલ્લાં દશ વર્ષમાં ઘટ્યું.
બીજા રાજ્યોમાં આ યોજના નથી અને JSY છે, ત્યાં પણ બાળ મૃત્યુ અને માતા મૃત્યુ દરમાં છેલ્લા દસ વર્ષમા ઘટાડો થયો છે.

માતા મૃત્યુ દરમાં બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાછળ

ઇમેજ સ્રોત, Getty Images
પરિણામે માતા મૃત્યુ દરમાં બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતનાં સ્થાનમાં ફરક પડ્યો નથી.
હકીકતમાં આ સમય દરમ્યાન બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં માતા મૃત્યુનું પ્રમાણ ગુજરાત કરતા પ્રમાણમાં વધુ માત્રામાં ઘટ્યું છે.
ગુજરાતે આ યોજના દ્વારા માતા મૃત્યુ ઘટાડવાની જવાબદારી ખાનગી ડૉક્ટર્સ પર છોડી, પણ તેમાં કામ પાર પાડવા મૉનિટરિંગ થયું નથી. પરિણામ ચોકાવનારું છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં માતા મૃત્યુ દર ઘટવાને બદલે વધ્યો
સીએજીના રિપોર્ટ પ્રમાણે , છેલ્લાં ત્રણ વર્ષમાં માતા મૃત્યુ દર ઘટવાને બદલે વધ્યો છે. જે 2013-14 માં 72 હતો તે 2015-16માં 85 થયો.
સંખ્યાની દૃષ્ટિએ 2015-16માં ગુજરાતમાં 85 હજાર 585 ક્ષય (ટીબી)નાં દર્દીઓ નોંધાયાં હતાં.
સૌથી વધારે મધ્યપ્રદેશમાં અને પછી મહારાષ્ટ્રમાં. આપણો નંબર નીચેથી આઠમો, 2016માં મેલેરિયા અને ફાલ્સીપેરમના 41 હજાર 856 કેસ નોંધાયા હતા, ડેન્ગ્યુ અને ચિકનગુન્યાના કેસ જુદા.
આ વર્ષે અમદાવાદમાં 318 ચિકનગુન્યાના કેસ નોંધાયા છે.

ખાનગી હોસ્પિટલ મામલે હાઈકોર્ટની ટકોર

ઇમેજ સ્રોત, Getty Images
મેલેરિયા કેસમાં ગુજરાત પાંચમા ક્રમે છે. ચૂંટણી ટાણે સરકારે 2022માં ગુજરાતને મેલેરિયા મુક્ત કરવાનું જાહેર કર્યું છે. આપણે પાંચ વર્ષ રાહ જોઈએ!
2009થી દર વર્ષે થતા સ્વાઇન ફ્લ્યૂનો ભોગ બનતા દર્દી અને તેને કારણે મૃત્યુ પામનારની સંખ્યાના ચડતા-ઉતરતા ક્રમ છે.
2015માં 500થી વધારે અને 2017માં આજ સુધીમાં 300થી વધારે.
ખાનગી હોસ્પિટલો આ પ્રકારનાં દર્દીઓને દાખલ કરવામાં હિચકિચાટ કરે છે, આ વલણ અંગે હાઇકોર્ટે ટકોર કરી હતી કે આ હોસ્પિટલ્સ હવે ઉદ્યોગોની માફક નફો કરવાનો ધંધો બની ગઈ છે, દર્દીઓને સારવાર આપવાની સંસ્થા નહીં.

વલણ બદલવા માટે સરકારની ઈચ્છા શક્તિ નબળી

ઇમેજ સ્રોત, Getty Images
બીજી બાજુ ખાનગી ડૉક્ટર્સ, નર્સિંગહોમ અને હોસ્પિટલ્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.
ચૅરિટેબલ-ધર્માદા - હોસ્પિટલ્સની સંખ્યા એટલી વધી નથી. આ હોસ્પિટલો ખાનગી હોસ્પિટલ્સથી થોડીક સસ્તી ખરી.
તો પણ નીચલા મધ્યમવર્ગને પોષાય શકે તેવી નથી, કારણ કે દવા અને જાત જાતના ટેસ્ટ ખૂબ મોંઘા હોય છે.
ખાનગી હોસ્પિટલો ખૂબ જ મોંઘી તો છે જ, પણ તે કાર્યક્ષમ અને પારદર્શક પણ નથી.
સામાન્ય વ્યક્તિ એના ચકરાવામાં ફસાય એટલે પરેશાન થઈ જાય છે.

નફાખોરીનો બિઝનેસ

ઇમેજ સ્રોત, Getty Images
મોટાભાગની આ હોસ્પિટલ્સ અને કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ માટે નફો કેન્દ્રમાં હોય છે, દર્દીનું આરોગ્ય નહીં. નીચલા મધ્યમ વર્ગના ઘણા કુટુંબમાં એક hospitalisation થાય એટલે દેવું કરવું પડે.
લગભગ બે ટકા કુટુંબો ગરીબી રેખા નીચે ઊતરી જાય છે.
જાહેર આરોગ્યને સુધારવા માટે અને ખાનગી ડૉક્ટર્સ, નર્સિંગ હોમ અને હોસ્પિટલ્સની મનમાની પર નજર રાખવા ગુજરાત સરકારે એક સરસ આરોગ્ય નીતિનો મુસદ્દો 2008-09 માં તૈયાર કર્યો હતો.
આ મુસદ્દામાં બીજી બાબતો સાથે ખાનગી હોસ્પિટલ્સ અને કન્સલ્ટન્ટ્સ અંગેના નિયમોનો સમાવેશ હતો.
તે પ્રમાણે દરેક હોસ્પિટલ, નર્સિંગહોમ, કન્સલ્ટન્ટ વગેરે એ પોતે કઈ કઈ સેવા અને સુવિધાઓ આપે છે, સ્ટાફ કેટલો અને કઈ કઈ લાયકાત ધરાવે છે, ફી નું માળખું વગેરે જાહેર બોર્ડ પર મુકવાનો આગ્રહ હતો.
આ સંસ્થાઓએ દરેક દર્દીનાં રેકોર્ડ રાખવાનું પણ અપેક્ષિત હતું.

ડૉક્ટર્સની સક્રિય લોબી
પણ જ્યારે આ મુસદ્દા જાહેર ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવ્યા ત્યારે ડૉક્ટર્સની લોબીએ વિરોધ કર્યો, બાંયો ચડાવી.
સરકાર એમની સામે ઝુકી ગઈ, અને મુસદ્દો પાછો ખેંચી લીધો.
તે હવે ભુલાઈ ગયો. ત્યારપછી જાહેર આરોગ્યની સેવાઓ પર નિગરાની રાખવાનો કોઈ પ્રયત્ન પણ થયો નથી.
ગરીબ અને મધ્મમ વર્ગના લોકોને એમના નસીબ પર છોડી દીધા છે.
આ માહોલમાં હમણાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે સંખ્યામાં બાળકો મૃત્યુ પામ્યા તે દુઃખદ છે, પણ નવાઈ પામવા જેવું નથી. ચૂંટણી સિવાય ગરીબોની કોને પડી છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












