ઉત્તર પ્રદેશ-બિહારના શ્રમિકો ગુજરાત માટે 'બોજ' છે?

હિજરત કરી રહેલાં પરપ્રાંતીયો

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા અમુક દિવસોથી ગુજરાતમાં પરપ્રાંતીયોની હિજરત લઈને હોબાળો થઈ રહ્યો છે. તા. 28 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 14 માસની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું.

બિહાર રાજ્યના એક મજૂર રવીન્દ્ર ગોંડેને આ બનાવમાં આરોપી ઠેરવી ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ ઉત્તર ગુજરાતમાં હિન્દીભાષી લોકો પર હુમલા થઈ રહ્યા છે. હુમલા બાદ ભાજપ અને કોંગ્રેસમાં રાજનૈતિક નિવેદનબાજી ચાલી રહી છે.

ભાજપના નેતાઓએ કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર પર આરોપ લગાવ્યો છે કે અલ્પેશે, ઠાકોર સેના મારફતે આવું કરાવ્યું છે. બિહારના ઉપમુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમની ભાજપ સરકારે આવા હુમલાઓને વધતા અટકાવ્યા છે.

શું દુષ્કર્મના કારણે આ હિંસા ભડકી કે પછી આ બનાવ પાછળ કોઈ રાજકીય ષડયંત્ર છે? અમદાવાદના વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રા કહે છે કે ગુજરાતમાં દુષ્કર્મની આ પ્રથમ ઘટના નથી.

મિશ્રા ઉમેરે છે, "રવિવારના રોજ અમદાવાદમાં 12 વર્ષની એક કિશોરી સાથે દુષ્કર્મ થયું, પરંતુ આ ઘટનામાં તો આવું કોઈ ધ્રુવીકરણ ના થયું."

line

રાજકીય ફાયદો ખાટવાનો પ્રયત્ન

હિજરત કરી રહેલાં પરપ્રાંતીયો

ઇમેજ સ્રોત, JULIE RUPALI

શું આ હુમલાઓ રાજનૈતિક ફાયદા માટે કરાવવામાં આવી રહ્યા છે? આ અંગે મિશ્રા કહે છે, "ભાજપે તાત્કાલિક કહ્યું કે આ હિંસામાં અલ્પેશ ઠાકોરનો હાથ છે.

"આ આરોપો પર લોકોને એટલા માટે વિશ્વાસ બેસે કારણ કે દુષ્કર્મ પીડિતા ઠાકોર સમાજનાં છે.

"અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પક્ષે બિહારમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ બનાવીને મોકલ્યા છે. ભાજપનો અલ્પેશ ઠાકોર પર હુમલો સંપૂર્ણ રીતે રાજનૈતિક છે.

"સમગ્ર ગુજરાતમાં બિહારના નહીં, પરંતુ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના સૌથી વધુ મજૂરો છે. બંને રાજ્યમાં ચૂંટણી છે અને મનાય છે કે ભાજપની હાલત ઠીક નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

મજૂરની તસવીર

મિશ્રા કહે છે, "ભાજપ એક સંદેશ આપવા માગે છે કે કોંગ્રેસે હિન્દીભાષીઓ પર હુમલાઓ કરાવ્યા અને અમારી સરકારે સુરક્ષા આપી. મોદી જ્યાં સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યાં, ત્યાં સુધી હિન્દીભાષીઓ પર આ પ્રકારના હુમલા નથી થયા."

"પરંતુ રાજકારણમાં સમય પ્રમાણે ધ્રુવીકરણના પ્રકારો બદલાતા રહે છે અને અજમાવેલા પ્રકારો અપ્રાસંગિક હોય છે. મોદીના સમયમાં હિંદુ-મુસ્લિમનું ધ્રુવીકરણ થતું હતું, પરંતુ આ પ્રકાર જૂનો થઈ ગયો છે. એટલા માટે ક્ષેત્રવાદ નવા મુદ્દા તરીકેનો આ પ્રકાર એક પ્રયોગ હોઈ શકે છે."

કોંગ્રેસનું કહેવું છે કે ભાજપની સરકાર છે અને કાયદો અને વ્યવસ્થા તેમના હાથમાં છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું કે જે પણ આ ઘટનામાં ગુનેગાર છે, સરકાર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરે, ના કે નિવેદનબાજી.

line

હિન્દી ભાષીઓને કારણે ગુજરાતીઓ અસુરક્ષિત?

હિજરત કરી રહેલાં પરપ્રાંતીયો

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

શું ખરેખર હિન્દીભાષીઓ અને ગુજરાતીઓમાં મુશ્કેલી છે? શું હિન્દી ભાષીઓના આવવાથી અને નોકરી કરવાથી ગુજરાતીઓ ખરેખર અસુરક્ષિત અનુભવી રહ્યા છે?

ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર ભરત મહેતા કહે છે, "આ હુમલો મહેસાણા આસપાસ થયો છે. હું વડોદરામાં રહું છું અને અહીં ઘણાં બિનગુજરાતીઓ રહે છે. અહીં આવી કોઈ ઘટના નથી બની."

"ગુજરાતમાં માત્ર હિન્દીભાષીઓ નહીં, પરંતુ ઓડિયા બોલનારા પણ ઘણાં છે. તેમના પર આ પ્રકારના હુમલાઓ નથી થયા."

મહેતા ઉમેરે છે, "ગુજરાતમાં ભારતના અન્ય રાજ્યોનાં મજૂરો વિરુદ્ધ નફરત જેવી કોઈ બાબત નથી. આ ઘટના પ્રથમ છે. ગુજરાતમાં હિન્દી કોઈ અન્યોની ભાષા નથી. અહીં ઘરે-ઘરે હિન્દી ન્યૂઝ ચેનલ જોવાય છે. લોકો શોખથી હિન્દી બોલે પણ છે.

"મુંબઈમાં હિન્દી અને હિન્દીભાષીઓ પ્રત્યે જે (નફરતની) ભાવના છે તેવી ગુજરાતમાં નથી. એક મુશ્કેલી એ છે કે અહીં ગુજરાતીઓને કામ નથી મળી રહ્યું.

"બીજું કે ઓછા પૈસા અને મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રવાસી મજૂરો કામ કરે છે, તેવી પરિસ્થિતિમાં ગુજરાતીઓ કામ ના કરી શકે."

line

'બેરોજગારીનો મુદ્દો'

હિજરત કરી રહેલાં પરપ્રાંતીયો

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

ગયા મહિને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે એક એવો કાયદો બનાવવામાં આવશે જેનાથી એ નિશ્ચિત થશે કે પ્રદેશની ઇન્ડસ્ટ્રીમાં 80 ટકા નોકરી માત્ર ગુજરાતીઓને જ મળે.

શું સરકાર આવી જાહેરાતો કરીને એવું બતાવવા માગે છે કે ગુજરાતની નોકરીઓ પર અન્ય રાજ્યોના લોકો કબ્જો કરી રહ્યા છે.

સુરત ખાતે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના નિદેશક પ્રોફેસર કિરણ દેસાઈ કહે છે, "સરકાર કોઈ ને કોઈ એવો ભડકાઉ મુદ્દો ઊભો કરવાનો પ્રયાસ કરે છે, જેનાથી તેમની અસફળતાઓને છુપાવી શકાય."

"સૌથી વધુ પ્રવાસી મજૂરો સુરતમાં છે. મોટાભાગના યુપી-બિહારથી આવી છે. આમ છતાં અહીં કોઈ હુમલો નથી થયો. જ્યાં આવું થયું છે, ત્યાં કોઈ પ્રકારનું સાંસ્કૃતિક ઘર્ષણ નથી, પણ આ મામલો રાજનૈતિક છે."

"બેરોજગારીનો મુદ્દો બનાવીને હુમલો કરવામાં આવી રહ્યો છે. લોકોમાં બાહ્ય રાજ્યોના લોકોને લઈને અસુરક્ષાની ભાવના કોઈ સહજ અને સ્વાભાવિક નથી. જાણી જોઈને આ વધારવામાં આવી રહી છે. મુખ્ય મંત્રીના નિવેદનને આ બાબતથી કેવી રીતે અલગ કરીને જોઈ શકાય."

line

'સાંસ્કૃતિક સંઘર્ષ નથી'

હિજરત કરી રહેલાં પરપ્રાંતીયો

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

દેસાઈ કહે છે કે બેરોજગારોને આવા તર્ક પર ઉશ્કેરવાના સહેલા હોય છે કે તેમનો હક અન્ય કોઈ છીનવી રહ્યું છે.

દેસાઈએ ઉમેર્યું, "યુપી-બિહારના લોકો જેટલા ઓછા પૈસા અને સુવિધામાં કામ કરે છે તે ગુજરાતીઓ ક્યારેય નહીં કરી શકે. શોષણની જે પરિસ્થિતિ સહન કરીને પ્રવાસી મજૂરો કામ કરે છે તે ડરામણું હોય છે. એટલા માટે ગુજરાતી મજૂરો આ કામ નથી કરતા."

"હું આ પ્રકારના હુમલાઓને રાજનીતિ સાથે જોડીને પણ જોઉં છું. પાટીદારોનું આંદોલન પણ બેરોજગારીના કારણે ઊભું થયું છે."

દેસાઈ કહે છે કે હિન્દી ભાષીઓ અને ગુજરાતીઓ વચ્ચે કોઈપણ પ્રકારનો સાંસ્કૃતિક સંઘર્ષ નથી. વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રા કહે છે કે પ્રવાસી મજૂરો વિના ગુજરાતની ઇન્ડસ્ટ્રી ચલાવવી સહેલી નથી.

આ વાતનું સમર્થન કરતા કિરણ દેસાઈ કહે છે કે ગુજરાતમાં વર્ષ 2002માં હુલ્લડ થયું તો સુરત હિંસાની આગથી બહાર હતું. આ પ્રકારે ક્ષેત્રવાદ ફેલાશે, તો ગુજરાતની ઇન્ડસ્ટ્રી ભાંગી પડશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો