પગલાંના આધારે ગુજરાતની સરહદે ઘૂસણખોરી પકડવાનું હુન્નર શીખવતા દાદા

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
આ છે ધનજી ઠાકોર, હાથમાં લાકડી અને ખભા પર બંદૂક લઈને ફરતા આ ધનજી ઠાકોર પાસે એવી કળા છે, જેના દ્વારા તેઓ પાકિસ્તાનથી ભારતમાં કોઈ ઘૂસી આવ્યું છે કે નહીં તે જાણી લે છે.
પોલીસ પણ ક્યારેક તેમની મદદ માગે છે. હવે તેઓ લુપ્ત થતી જતી આ કળા જુવાનિયાઓને શીખવી રહ્યા છે.
તેઓ પગલાંના નિશાન દ્વારા શોધી કાઢે છે કે પાકિસ્તાનથી કોઈએ ઘૂસણખોરી કરી છે કે નહીં.
તમે આ વાંચ્યું કે નહીં?
ધનજી ઠાકોર ૮૨ વર્ષના છે અને આ વયે પણ તેઓ પોતાની કળાનો ઉપયોગ કરીને માહિતી આપી શકે છે.
ધનજીને એમના બાપ દાદા પાસેથી આ કળા શીખી છે, જેના કારણે એ લોકોનાં પગલાંની છાપ ઓળખી કાઢે છે, અને કોણ ક્યાંથી આવ્યું અને ક્યાં ગયું એટલું જ નહીં કોઈ વ્યક્તિ સરહદ પારથી ઊંટ લઈને આવ્યું છે કે એકલું ઊંટ સરહદ પારથી સામાન લઈને આવ્યું છે તે પણ ઓળખી શકે છે.
આ કળા એમને એમના પિતા એ નાનપણમાં શીખવી હતી.

સરહદ પર ઘૂસણખોરોને પકડવા પગી કામ કરે છે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, BHRGAV PARIKH
ધનજી અને તેમના પિતાએ ૧૯૭૧ની લડાઈમાં ભારતીય સૈન્યને બનાસકાંઠા સરહદથી પાકિસ્તાન જવાનો રસ્તો બતાવ્યો હતો.
ધનજી ઠાકોરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે વર્ષ ૧૯૮૦ની આસપાસ તેમના પિતા જીવાજીનું અવસાન થયું પછી એમણે બનાસકાંઠાની સરહદ પર આ કામ શરૂ કર્યું હતું.
તેમના પિતા બનાસકાંઠા અને પાકિસ્તાનની સરહદની આસપાસ કોઈ પણ ગામમાં ચોરી થાય તો ચોરનાં પગલાં ઓળખવાનું કામ કરતા હતા.
વર્ષ ૧૯૮૧, ૧૯૮૨ના અરસામાં પાકિસ્તાનથી દાણચોરીનો સામાન મોટા પાયે આવતો હતો અને ટ્રેન કરેલાં ઊંટ પર આ સમાન આવતો હતો, પરંતુ ઊંટ પર કોઈ બેસીને આવતું ન હતું.
એ સમયે ઇલેક્ટ્રૉનિક સામાન અને ચરસની દાણચોરી થતી હતી.
એ સમયે વાવના લીંબાળા ગામના રણછોડ પગી અને માવસરીના આકોલી ગામના ધનજી ઠાકોરને પાકિસ્તાનથી કોણ સરહદમાં ઘૂસ્યું છે એ શોધવા બોલાવતા હતા.
તો આસપાસના ગામના લોકો ગામમાં ચોરી થઈ હોય તો ચોર પકડવા પોલીસ ક્યારેક તેમની મદદ લેતી હતી.

ગુજરાતની સરહદથી હથિયારોની હેરાફેરી

ઇમેજ સ્રોત, Getty Images
ધનજી ઠાકોર કહે છે કે, વર્ષ ૧૯૯૦ ના દાયકામાં ગુજરાતની બનાસકાંઠાની સરહદ હથિયારોની હેરાફેરી માટે આસાન બની ગઈ હતી.
અહીંના સોઢા રાજપૂત વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાન છોડીને આવેલા, પરંતુ એમના સગા પાકિસ્તાનમાં રહેતા હતા, સરહદ પાર કરવી સહેલી હતી.
ધનજી કહે છે, "એ જમાનામાં અમે સરકારી સુરક્ષા એજન્સીની મદદથી ગુજરાતના સરહદી વિસ્તારના બિનઉપયોગી ફોટા જેવા કે નાના પૂલ નદી નાળા ફેક્ટરીના ફોટાનો રોલ લઈને રાતે પાકિસ્તાન જતા હતા.”
“૩૦ કિલોમિટર દૂર પાકિસ્તાનના નગરપારકર અને થરપારકર ગામ આવતા, જ્યાં સોઢા રાજપૂત અને ઠાકોર લોકો વધુ રહેતા હતા."
"અમે અહીંથી ખાખી કથ્થાઈ અથવા કાળા રંગનું પહેરણ પહેરીને નીકળીએ અને સફેદ ધોતિયામાં ભારોભાર ગળી નાખીયે એટલે અંધારામાં ચમકે નહીં ચંદ્રને ડાબે ખભે રાખી આખી રાત ચાલીએ એટલે પરોઢિયે પાકિસ્તાન પહોંચી જવાય, ત્યાં પાકિસ્તાની સૈનિકોને અમે ફોટાના રોલ આપતા અને નકશા આપતા હતા."
"3૬ ફોટાના રોલના એ જમાનામાં અમને ૩૬૦૦ રૂપિયા મળતા હતા. બદલામાં અમે અમારા જાણીતા પાકિસ્તાની પાસેથી સરહદી વિસ્તારની હલચલ પાકિસ્તાનના નકશા અને છાપા લઈને આવતા હતા."
"પરત ફરતી વખતે અમે ચંદ્ર જમણે ખભે રહે એમ ચાલતા, નહીં તો રણમાં ખોવાઈ જવાય કારણ કે, અહીં કોઈ ઝાડ કે કશું ના હોય, કે જેને નિશાની તરીકે રાખી શકાય."
"નકશાઓ અને છાપાઓ અમે અહીંની સુરક્ષા એજન્સીને આપતા હતા. ૧૯૯૨માં આ વિસ્તારમાંથી હથિયારોની હેરાફેરી વધી ગયી હતી."
"વર્ષ ૧૯૯૨માં લાલસિંહ નામના આતંકવાદીએ બનાસકાંઠાની સરહદથી હથિયાર મંગાવ્યા હતા એ સમયે રણછોડ પગી અને મેં પગલાં ઓળખી સુઈ ગામથી હથિયાર ગયા હોવાનું પોલીસને કહ્યું હતું અને અમદાવાદથી એ હથિયાર બીજે પહોંચે એ પહેલાં પોલીસે પકડી પાડ્યા હતા."
"મને મારી નાખવાની કોશિશ પણ થઈ પરંતુ મેં કામ છોડ્યું નહીં.”

ધૂસણખોરોનાં પગલાં ઓળખી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images
પગીઓના કામમાં પણ ટેકનૉલૉજીના કારણે પરિવર્તન આવ્યું છે.
આ પરિવર્તન વિશે ઘનજી ઠાકોર કહે છે "પાકિસ્તાનથી કોઈ પણ ઘૂસે તો અમે એમને પગલાંની છાપ પરથી ઓળખી લઈએ છીએ, પરંતુ હવે પોલીસના કહેવા પ્રમાણે, નવા સાધનો આવ્યા એટલે અમારે પાકિસ્તાન જવાનું થતું નથી."
"એમને પાકિસ્તાનની ખબર ટી.વી.ના નાના ડબલાંમાં પડી જાય છે ધનજી (કમ્પ્યૂટરને ટી.વી.નું નાનું ડબલું કહે છે, પણ સરહદના રણમાંથી કોઈ આવે તો અમે તેમને પકડી પાડી છીએ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરવા આવતા લોકો સીધા પગલે આવતા નથી."
"ભારતની સરહદ પસાર કરે એટલે પગની એડી પર ચાલે અથવા પંજા પર ચાલે જેથી એવું લાગે કે જાનવર ચાલી રહ્યું છે, પણ અમે એને ઓળખી શકીએ છીએ".
"રણની રેતીમાં ઊંટના પગની છાપની ઊંડાઈ પરથી કહી દઈએ કે, ઊંટ એકલું આવ્યું છે કે માણસ સાથે આવ્યું છે કે ખાલી સમાન લઈ એકલું આવ્યું છે, એની તપાસ માટે સુરક્ષા એજન્સીના લોકો અમને વારંવાર બોલાવે છે".

પોલીસે પગીની ભરતી ફરી શરૂ કરી
ગુજરાતમાં પહેલાં બનાસકાંઠા કચ્છ અને પાટણની સરહદ પર 57 પગીને પોલીસે રાખ્યા હતા, પરંતુ સેટેલાઇટ પિક્ચર મળ્યા અને સરહદ પર વાડ બન્યા પછી પોલીસે પગીની ભરતી રોકી દીધી હતી.
હવે બનાસકાંઠા અને કચ્છની સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોરી વધવા લગતા પોલીસે નવા પગીની ભરતી કરવાનું શરૂ કર્યું છે, પરંતુ વચ્ચેના સમયમાં પોલીસે પગીની નિમણૂક બંધ કરી હોવાના લીધે હવે પગીની સંખ્યા પણ ઘટી છે અને પગી તરીકે કામ નહીં મળતા લોકો એ આ કળા શીખવાનું બંધ પણ કરી દીધું છે.
હવે જૂના પગી નિવૃત્ત થતા નવા પગીની ભરતી શરૂ કરાઈ છે, જ્યારે આ કળાના જાણકારોમાંથી મોટા ભાગના લોકો વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામતા આ કળા સીમિત બની ગઈ છે.
ગુજરાતમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણમાં પોલીસ પાસે માત્ર ૨૪ પગી છે. એટલે હવે પોલીસ દ્વારા પગીની ભરતી શરૂ કરાઈ છે, ત્યારે આ પગલાં ઓળખવાની કળા શીખવા જુવાન છોકરાઓ હવે ધનજી પગી પાસે માવસરીના અકોલા ગામે આવે છે.
ધનજી પગી પૈસા લીધા વગર આ કામ શીખવે છે, જેથી આ કળા જીવિત રહે.
ધનજી ઠાકોર પાસે પગીનું કામ શીખવા આવતા કરશનજી રાજપૂતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમારા બાપ દાદા આ કામ કરતા હતા, પરંતુ આ કામમાં પૈસા કે નોકરી નહીં હોવાથી અમે આ કામ ના શીખ્યા.
હવે અમે શીખીએ છીએ, જેથી પોલીસ ખાતામાં નોકરી મળે અને દેશ સેવા થઈ શકે.

પગલાંનાં નિશાનના આઘારે ઘૂસણખોરી પકડી

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સેનાને મદદ કરનાર અને જેના નામ પર પહેલીવાર ભારતીય સીમા પર કોઈ સિવિલિયનના નામથી પિલર બન્યો હોય તેવા રણછોડ પગીના પૌત્ર ઈશ્વર પગી પણ પોલીસ પગી તરીકે કામ કરે છે.
ઈશ્વર પગીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારા દાદા રણછોડ પગીએ ભારત પાકિસ્તાનની લડાઈમાં સેનાને મદદ કરી મેડલ જીત્યા હતા મારા પિતા પણ પોલીસ પગી તરીકે કામ કરતા હતા અને મેં પણ બાપ દાદા જોડેથી શીખેલી કામગીરી ને આગળ વધારી છે."
ઇશ્વરે કહ્યું “હું ભારત પાકિસ્તાનની સીમા પર રોજ જાઉં છું સરહદ ઓળંગીને કોઈ આવ્યું તો નથી ને એની ચકાસણી કરું છું.”
“હમણાં એક મહિના પહેલાં પગલાંનાં નિશાનને આધારે અમે એક પાકિસ્તાનીને સીમકાર્ડ સાથે પકડી પાડ્યો હતો.“
“એમણે મરેલાં ઊંટના પગના પંજા કાપી પોતાના પગમાં બાંધી સરહદથી ઘૂસણખોરી કરી હતી, જેથી કોઈને લાગે કે સરહદ પરથી ઊંટ આવ્યું છે.
“જોકે, રણમાં ઊંટના વજનને કારણે પગલાંની જે ઊંડાઈ હોવી જોઈએ એ નહોતી અને એણે એવી રીતે પગલાંની છાપ પાડી હતી કે ઊંટ ચાલ્યું હોય, પરંતુ દાદાએ ઊંટના પગલાં વચ્ચે કેટલું અંતર હોય એ શીખવ્યું હતું એટલે અમે એણે પકડી શક્યા હતા.”

પગીનો ઇતિહાસ
આમ તો પગીનો ખાસ કોઈ ઇતિહાસ લખાયો નથી.
પગીઓ પર સંશોધન કરનાર આણંદની એન. એસ. પટેલ આર્ટસ કૉલેજમાં ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર મૌલેશ પંડ્યાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મૂળ પાળવી દરબારો પાસે આ કળા હતી.
પ્રો. પંડ્યાએ કહ્યું, “પગીઓઓ પગલાંના આધારે કોઈ ને ઓળખી લેતા હતા ૧૫મી સદીમાં એમનો ઉલ્લેખ છે, ત્યારબાદ ગાયકવાડી રાજમાં દુશ્મનોની ઘૂસપેઠ ઓળખવા માટે એમણે પગી તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતું.”
“મોગલોના સમયમાં તેઓ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અલગઅલગ જગ્યાએ વસ્યા એમની આ કળા ઠાકોર અને રબારી સમાજના લોકો શીખ્યા અને રાજાના સમયમાં તથા મોગલોના સમયમાં દુશ્મનોની હિલચાલ અને રાજ્યમાં ચોરી, લૂંટ અને ધાડના કિસ્સામાં એમની મદદ લેવાતી હતી.”
“આઝાદી પછી રજવાડા ગયા અને એમના સાલિયાણાં બંધ થયા. પરંતુ સરહદી વિસ્તારોમાં સરકાર મદદ લેતી હતી, પરંતુ હવે આ કળા લુપ્ત થતી જાય છે.”
“આજના ફૉરેન્સિક સાયન્સના યુગમાં એમનો ઉપયોગ થતો નથી, પરંતુ એમની પાસેની છઠ્ઠી કળાની કદર ધ્રાંગધ્રાના રાજા અને ગાયકવાડે કરી હતી. જેનાથી એમણે યુદ્ધમાં ફાયદા થયા હતા.”
“સેટેલાઇટના જમાનામાં પગીનો ઉપયોગ ઘટ્યો છે. પરંતુ વર્ષ ૧૯૭૧ની લડાઈમાં કચ્છ અને બનાસકાંઠાની સરહદ સાચવવામાં અને લશ્કરને મદદ કરવામાં પગી મોખરે રહ્યા હતા, જેના કારણે પાકિસ્તાની લશ્કરને રોકી શકાયું હતું.”

સરકાર નવા પગીની નિમણૂક કરશે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરહદી રાજ્ય છે અને સંવેદનશીલ સરહદોને જોતા વધુ પગીની જરૂરત ઊભી થઈ છે એટલે ગુજરાત સરકાર પણ નિવૃત્ત થયેલા પગીની જગ્યા ઉપર નવા પગીની નિમણૂક કરવાની તજવીજમાં છે.
ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાતમાં હાલ ત્રણ સરહદી જિલ્લા બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ૨૪ પોલીસ પગી છે. પરંતુ આવનારા સમયમાં સરહદી સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકાર નવા પગીઓની નિમણૂક કરશે, જેથી સરહદ વધુ સલામત બનાવી શકાય."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















