પાકિસ્તાનની બાળકી માટે ભારતના 'સાચા હીરો' કોણ છે?

ઇમેજ સ્રોત, Aqeedat Naveed
- લેેખક, અરવિંદ છાબડા
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં સાંપ્રદાયિક સમૂહોમાં ટકરાવ થતો રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તો હિંસાની પણ ઘટનાઓ થઈ છે. પરંતુ એક ગામ એવું પણ છે કે જેણે સદ્ભાવનાનું એક અદ્ભુત ઉદાહરણ રજૂ કર્યું છે.
પંજાબના એક ગામમાં હિંદુઓ અને શીખ લોકોએ મળીને મુસ્લિમો માટે મસ્જિદના નિર્માણનું કામ હાથમાં લીધું છે.
બીબીસી પર ભાઈચારાની આ કહાણી વાંચીને સરહદ પાર એક બાળકી એટલી પ્રભાવિત થઈ કે તેણે બીબીસીને એક પત્ર પણ લખ્યો.

પાકિસ્તાનના લાહોરની રહેવાસી અકીદત નાવીદે લખ્યું કે,
પ્રિય ઉસ્તાદ ભરત રામ
મિસ્ત્રી નાઝિમ રાજા અને આદરણીય ગ્રામજનો
અસ્સલામ વાલેકુમ, નમસ્તે, સત શ્રી અકાલ
મેં બીબીસી પર તમારા ગામની સ્ટોરી વાંચી અને તમારા વચ્ચે પ્રેમ તેમજ ભાઈચારાથી હું ખૂબ પ્રભાવિત થઈ છું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હું ખૂબ ખુશ છું કે મારા પાડોશી દેશમાં તમારા જેવા લોકો રહે છે કે જેઓ જુદા જુદા ધર્મ સાથે સંબંધ ધરાવે છે, તો પણ પ્રેમ, કાળજી અને મદદ મામલે સમાજ માટે ઉદાહરણ રજૂ કરી રહ્યા છે.
તમે લોકોએ સાબિત કર્યું છે કે મુસ્લિમ, શીખ અને હિંદુ ભાઈ-ભાઈ હોઈ શકે છે અને તેઓ મળીને શાંતિથી જીવન વિતાવી શકે છે.
હું સલાહ આપવા માગું છું કે તમે એ મસ્જિદને 'અમન મસ્જિદ' નામ આપો.
ભવિષ્યમાં તમે બાળકીઓના શિક્ષણ માટે પણ સાથે મળીને કામ કરો.
અંતે હું તમને ભારતના સાચા હિરો કહીને સન્માનિત કરવા માગીશ.
તમે મારો આ પત્ર ચોપાલમાં વાંચશો કે જેથી તમે એકતા અને ભાઈચારા માટે ગર્વની લાગણીનો અનુભવ કરી શકો.

શું છે સમગ્ર કહાણી?

પંજાબના એક ગામમાં રહેતા મિસ્ત્રી નાઝિમ 'રાજા' ખાન શિવ મંદિરનું નિર્માણ કરી રહ્યા હતા. ત્યાં જ તેમના મનમાં એક વિચાર આવ્યો.
તેઓ એક મુસ્લિમ હતા, એક હિંદુ મંદિરનું નિર્માણ કરી રહ્યા હતા. પણ ત્યાં આસપાસ કોઈ મસ્જિદ ન હતી કે જ્યાં જઈને તેઓ નમાઝ પઢી શકે.
40 વર્ષીય નાઝિમ રાજા ખાન કહે છે, "અમારી પાસે નમાઝ પઢવા માટે કોઈ જગ્યા નથી. જ્યારે અમારા સગા-સંબંધીઓ આવે છે તો તેમને આ વસ્તુ સારી લાગતી નથી."
તેમના મનમાં આ વિચાર ઘર કરી ગયો હતો. તેમણે મૂમ નામના પોતાના ગામમાં રહેતા 400 મુસ્લિમો સામે આ વાત મૂકી.
પરંતુ તે બધા એટલા ગરીબ હતા કે જમીન ખરીદવાની તેમની ક્ષમતા ન હતી.

'શું તમે તમારી જમીનનો એક ટૂકડો અમને આપશો?'

આ ક્ષેત્રના મોટાભાગના મુસ્લિમ અશિક્ષિત છે કે જેઓ મહેનત મજૂરી કરી નાના-મોટા કામ કરે છે. જ્યારે અહીં રહેતા આશરે 400 હિંદુઓ અને 4000 કરતાં વધારે શીખોની આર્થિક હાલત થોડી સારી છે.
18 મહિના બાદ મંદિરનું કામ પૂર્ણ થવાનું હતું. ત્યાં જ નાઝિમ રાજા ખાને એક અભૂતપૂર્વ પગલું ઉઠાવ્યું.
આ વર્ષની શરૂઆતમાં તેઓ મંદિર ચલાવનારા લોકો પાસે ગયા અને કહ્યું, "તમારી પાસે જલદી એક નવું મંદિર હશે અને તમારી પાસે જૂનું મંદિર પણ છે. પરંતુ મુસ્લિમો પાસે નમાઝ પઢવા માટે કોઈ જગ્યા નથી અને અમારી પાસે જમીન ખરીદવા પૈસા પણ નથી. શું તમે લોકો અમને જમીનનો નાનો ટૂકડો આપી શકો?"

એક અઠવાડિયા બાદ મંદિરની દેખરેખ રાખનારાઓએ રાજાના સવાલનો જવાબ આપ્યો, તેમણે મંદિરની પાસે ખાલી પડેલી 900 વર્ગ ફીટ જગ્યા તેમને આપવાનો નિર્ણય કર્યો.
રાજા કહે છે, "હું ખૂબ ખુશ હતો, આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દો ન હતા."
તમે આ વાંચ્યું કે નહીં?
આયુર્વેદિક ચિકિત્સક પુરુષોત્તમ લાલ મંદિર પ્રબંધનના પેનલમાં સામેલ છે.
તેઓ જણાવે છે, "આ એક યોગ્ય માગ હતી. અમે અહીં સુખ-દુઃખ વહેંચીએ છીએ. મુસ્લિમો પાસે મસ્જિદ ન હોવું અન્યાય જેવું હતું."
હવે બે મહિના બાદ રાજા અને અન્ય મિસ્ત્રી મળીને મસ્જિદ બનાવી રહ્યા છે કે જેમાં મુસ્લિમ નમાઝ પઢી શકશે.
શીખ સમુદાય ગુરુદ્વારાની દિવાલ સાથે જોડાયેલી મસ્જિદના નિર્માણ માટે આર્થિક યોગદાન આપી રહ્યો છે. હવે અહીં મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા એકસાથે છે અને એવા દેશમાં સદ્ભાવનાનું ઉદાહરણ રજૂ કરી રહ્યા છે, જેમાં અલ્પસંખ્યક સામાન્યપણે અત્યાચારની ફરિયાદ કરે છે.

ભાઈચારાની સીમા!

જોકે, મૂમમાં ત્રણ અલગ અલગ સમાજના લોકો એકસાથે ખુશીથી રહે છે. અહીં તણાવનો કોઈ ઇતિહાસ નથી. અને કોઈ પણ સમાજના લોકો કોઈ પણ ધર્મસ્થળમાં આવી-જઈ શકે છે.
અહીંના મોટાભાગના હિંદુ ગુરુદ્વારામાં જાય છે અને કેટલાક હિંદુ તો શીખોની પારંપરિક પાઘડી પણ પહેરે છે.
તેઓ બીજા સમાજના લોકોના ઘરે પણ જાય છે અને તહેવારો તેમજ આયોજનોમાં પણ સામેલ થાય છે.
ગુરુદ્વારાના ગ્રંથી જ્ઞાની સુરજીત સિંહ કહે છે હિંદુઓના ઘણા ધાર્મિક કાર્યો જેમ કે ગીતા પાઠ શીખ હૉલમાં કરવામાં આવે છે.
તેઓ આગળ જણાવે છે, "લોકો આ જગ્યાને માત્ર ગુરુદ્વારાના રૂપમાં જોતા નથી પણ સામાજિક આયોજનોના સ્થળના રૂપમાં પણ જુએ છે."
ભરત શર્મા એક અધ્યાપક છે અને મંદિરના મામલાઓમાં સક્રિય છે. તે કહે છે, "અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે અમારી વચ્ચે કોઈ રાજકીય નેતા નથી કે જેઓ અમારી વચ્ચે ધ્રુવીકરણ કરી શકે કે પછી જુદા-જુદા ધર્મના લોકો વચ્ચે મતભેદ ઊભા કરી શકે."
"પહેલાંથી જ ગામમાં લોકો વચ્ચે ભાઈચારો છે અને એ માટે જ અમે મસ્જિદ માટે જમીન આપવાનો તુરંત નિર્ણય લીધો હતો."
તેમનો વિચાર છે, "ભારત-પાકિસ્તાનમાં જો બન્ને તરફ નેતા ન હોત, તો લોકોના મનમાં એકબીજા માટે કોઈ પણ દ્વેષ ન હોત"
અહીં કોઈના પણ મનમાં મસ્જિદ માટે જમીન કે ફંડ આપવા મામલે અસંતોષ નથી. ઘણા હિંદુઓ અને શીખોનું માનવું છે કે મસ્જિદ માત્ર મુસ્લિમો માટે નહીં પણ આખા ગામ માટે હશે.

આ બધું હોવા છતાં પણ ભાઈચારાની એક સીમા છે. તમે તેમને પૂછો કે શું તેઓ પોતાના દીકરા કે દીકરીના લગ્ન બીજા ધર્મમાં કરવા માગશે? આ સવાલનો તમને ચોંકાવનારો જવાબ મળશે.
શીખ પંચાયતના સભ્ય ચુહર સિંહ કહે છે, "જુઓ પારસ્પરિક ભાઈચારો એક વાત છે, પરંતુ શીખ અને મુસ્લિમ બે અલગ અલગ ધર્મ છે. આ પ્રકારના વિવાહને અમારા ગામમાં સ્વીકાર કરી શકાતા નથી."
ભરત શર્મા કહે છે, "એવું ક્યારેય ઇતિહાસમાં થયું નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં."
ભારતમાં આ વિચાર સામાન્ય છે. અહીં હિંદુ ધર્મની અંદર જ અલગ અલગ જાતિઓ વચ્ચે અંતરજાતિય લગ્નનો પણ ઘણા પરિવારમાં વિરોધ થાય છે.
પરંતુ દેશના બીજા ભાગો, જ્યાં સાંપ્રદાયિક તણાવ ખૂબ વધારે છે તેની સરખામણીએ પંજાબનું આ ગામ સ્વર્ગ કરતા ઓછું નથી.
ભરત શર્મા કહે છે, "ભગવાન દરેક જગ્યાએ છે. પછી તે ગુરુદ્વારા હોય, મંદિર હોય કે મસ્જિદ હોય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













