ગ્રાઉન્ડ રિપોર્ટઃ 'નીરવ મોદીએ દગો કરી અમારી જમીન છીનવી લીધી'

ઇમેજ સ્રોત, AMEY PATHAK
- લેેખક, અમેય પાઠક
- પદ, બીબીસી ગુજરાતી માટે, અહેમદનગરથી
"જે ગામમાં સરકારી બસ સેવા પણ પહોંચી નથી, તેવા વિસ્તારમાં નીરવ મોદી પહોંચી ગયા અને અમારી સાથે દગો કર્યો. અમારે અમારી વારસાગત જમીન ઓછા ભાવે વેચવી પડી. અમે લોકો નીરવ મોદીની વાતોમાં આવી ગયા અને હવે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છીએ."
આ ફરિયાદ કરનારા પોપટરાવ માને મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના ખંડાલા ગામમાં એક ખેડૂત છે. માત્ર પોપટરાવ જ નથી કે જેઓ આવું કહી રહ્યા છે, તેમના જેવા ઘણા ખેડૂત ખંડાલા સિવાય જિલ્લાના ગોયકરવડા અને કાપરેવડી ગામમાં પણ છે.
બીબીસીએ આ ગામોમાં જઈને ખેડૂતોની વાત સાંભળી.
નીરવ મોદી પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડ બાદ ભાગી છૂટ્યા છે. તેમની કંપનીએ અહેમદનગરના આ ગામડાંઓમાં 85 એકર જમીન ખરીદી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
તેમાંથી 37 એકર જમીન નીરવ મોદીના નામ પર ખરીદવામાં આવી હતી અને 48 એકર ફાયરસ્ટોન ટ્રેડિંગ લિમિટેડ કંપનીના નામે ખરીદવામાં આવી હતી. નીરવ મોદી જ આ કંપનીના ડાયરેક્ટર છે.
હાલ આ જમીન EDના કબજામાં છે. પોપટરાવ અને બાકી ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે તેમની પાસેથી આ જમીન ખૂબ જ ઓછા ભાવે ખરીદવામાં આવી અને હવે તે તેમને પરત મળવી જોઈએ.

'અમને કહ્યું કે જમીનનું અધિગ્રહણ થશે'

ઇમેજ સ્રોત, AMEY PATHAK
પોપટરાવ જણાવે છે, "આ વિસ્તારમાં ખેતી જ થાય છે. અમે જુવાર તેમજ દાળની ખેતી કરતા હતા. અન્ય કોઈ રોજગાર મળવાની અહીં સંભાવના નથી કેમ કે આ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત છે. અમે અમારા ભોજન માટે પાક લેતા હતા અને જે બચી જતું તેને માર્કેટમાં વેચી દેતા હતા. મેં 12 એકરમાંથી 7 એકર જમીન વેચી દીધી. હવે પાંચ એકરમાં પૂરતી ઊપજ નથી મળતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોપટરાવની ઉંમર 70 વર્ષ છે અને તેઓ પોતાના વૃદ્ધ મા, પત્ની, બે દીકરા અને પુત્રવધુઓ સાથે રહે છે.
પોપટરાવના દીકરા સંતોષે જણાવ્યું, "અમે 2007 સુધી અહીં આરામથી ખેતી કરી રહ્યા હતા. કેટલાક લોકો પૂણેથી અમારા ગામ આવ્યા અને કહેવા લાગ્યા કે અમારી જમીન બર્ડ સેંક્ચ્યૂરી બનાવવા માટે લઈ લેવામાં આવશે. એ માટે અમે ઉતાવળમાં જમીન તેમણે માગેલા ભાવ પર વેચી નાખી. અમે સાત એકર જમીન 10 હજાર પ્રતિ એકર જમીનના ભાવે વેચી નાખી."
"આજે 11 વર્ષ થઈ ગયા છે. પરંતુ કોઈ બર્ડ સેંક્ચ્યૂરી તો બની નથી. એ લોકોએ જમીન નીરવ મોદી અને તેમની કંપનીના નામે કરી નાખી છે."
"જ્યારે નીરવ મોદીનું નામ પીએનબી કૌભાંડમાં સામે આવ્યું તો અમને ખબર પડી કે અમારી સાથે પણ દગો થયો છે. અમે અમારી જમીન પરત ઇચ્છીએ છીએ."

'દેશ લૂંટી લીધો અને અમને પણ'

ઇમેજ સ્રોત, AMEY PATHAK
ખંડાલાના વધુ એક ખેડૂત બબન ટકલેએ અમને જણાવ્યું, "નીરવ મોદીએ દેશ લૂંટી લીધો અને તેમણે જ અમારી જમીન પણ દગો કરી સસ્તા ભાવે અમારી પાસેથી લઈ લીધી. ધરતી અમારા માટે મા છે અને દુઃખ છે કે તે ખોટા હાથોમાં ગઈ."
બબનના પરિવારમાં તેમનાં પત્ની, દીકરો-પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રી છે.
તેમણે વધુમાં જણાવ્યું, "મેં તો મારી સાડા ચાર એકર જમીન એ ડરથી વેચી નાખી કે બર્ડ સેંક્ચ્યૂરી માટે સરકાર અધિગ્રહણ કરી લેશે. વેચીને જે પૈસા મળ્યા, તેનાથી મારી દીકરીઓનાં લગ્ન કરી નાખ્યા. હવે મારી પાસે કોઈ જમીન નથી અને હું મજૂરી કરું છું."

ઇમેજ સ્રોત, AMEY PATHAK
પોપટરાવ અને બબનની જેમ જ ઘણા ખેડૂતોની કથા આવી જ કંઈક છે.
ખંડાલા ગામના સરપંચ નવનાથ પંધારેએ બીબીસીને જણાવ્યું, "આ જમીન પર ગ્રામ પંચાયતની પરવાનગીથી એક સોલર પ્લાન્ટનું નિર્માણ પણ કરાયું છે. પરંતુ 2011થી અત્યાર સુધી ગ્રામ પંચાયતને તેના માટે કોઈ ટેક્સ મળ્યો નથી."

ખેડૂતોને પોતાની જમીન પરત જોઈએ

ઇમેજ સ્રોત, AMEY PATHAK
આ ત્રણેય ગામના ખેડૂત પોતાની જમીન પરત મેળવવા મામલે ખૂબ ગુસ્સામાં છે. થોડાં દિવસ પહેલા ખેડૂતોએ જમીન પર કબજો મેળવવા પ્રયાસ પણ કર્યો. ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે.
બીબીસીએ આ મામલે સરકારી અધિકારીઓ પાસેથી પણ પ્રતિક્રિયા લીધી.
આ વિસ્તારના મામલતદારે બીબીસીને જણાવ્યું, "ખેડૂતો પોતાની જમીન પરત ઇચ્છે છે પરંતુ આ વિવાદીત જમીન હવે EDના નિયંત્રણમાં છે."
બીબીસીએ નીરવ મોદીની કંપની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો. અમે ફાયરસ્ટોન ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડના ઔપચારિક ઈ-મેઇલ આઈડી પર સવાલ મોકલ્યા. પરંતુ તે આઈડી હવે સક્રીય નથી.
ત્યારબાદ નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલ સાથે આ મામલે વાત કરી તો તેમણે કહ્યું કે તેઓ આ વિશે કંઈ જાણતા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












