વાજપેયી સાથે 'અટલ' રાજનીતિજ્ઞ, કવિ તથા એક યુગનો અંત

ઇમેજ સ્રોત, NG HAN GUAN/AFP/GETTY IMAGES
ભારતીય વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં દેશ અણુસત્તા તરીકે ઊભર્યો હતો. તેના પગલે પાકિસ્તાન સાથે યુદ્ધનો ભય પણ સર્જાયો હતો.
કાશ્મીર બાબતે વધતી તંગદિલી અને ભારતીય તથા પાકિસ્તાની લશ્કરી દળો વચ્ચેના લાંબા ઘર્ષણને લીધે ચિંતામાં વધારો થયો હતો.
વાજપેયી વડા પ્રધાન પદે રહ્યા ત્યાં સુધી વિવિધ પક્ષોના તેમના ગઠબંધનને એકજૂટ રાખવા સંઘર્ષરત રહ્યા હતા અને ભારતનાં હિતનું રક્ષણ આક્રમકતાપૂર્વક કરતા નેતા તરીકે પ્રતિષ્ઠા પણ પામ્યા હતા.

હું નિશબ્દ છું, શૂન્ય હું છું પરંતુ ભાવનાઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે : નરેન્દ્ર મોદી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

યુવાનીમાં ઊભરતા તારક

ઇમેજ સ્રોત, Getty Images
અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 1924ની 25 ડિસેમ્બરે થયો હતો.
તેમણે રાજકારણનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ પત્રકાર તથા સામાજિક કાર્યકર બન્યા.
તેમણે અંગ્રેજ શાસકો વિરુદ્ધની 'ભારત છોડો' ચળવળમાં પણ સક્રિય રીતે ભાગ લીધો હતો.
દેશને સ્વાતંત્ર્ય મળ્યા પછી તેઓ હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ ભારતીય જનસંઘ (બીજેએસ)ના નેતા શ્યામાપ્રસાદ મુખરજીના નજીકના સાથી બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1957માં તેમને સંસદસભ્ય તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા અને યુવાન હોવા છતાં તેમને ઊભરતા તારક ગણવામાં આવતા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
ઇંદિરા ગાંધીની કોંગ્રેસ સરકારે 1975-77 દરમ્યાન લાદેલી કથિત 'કટોકટી' વખતે બીજેએસના અન્ય કાર્યકરોની માફક વાજપેયીને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
એ પછીની ચૂંટણીમાં જનતા પાર્ટીનો વિજય થયો હતો અને જનતા પાર્ટીની રચના માટે બીજેએસએ સંખ્યાબંધ રાજકીય જૂથો સાથે હાથ મિલાવ્યા હતા.
મોરારજી દેસાઈની સરકારમાં વાજપેયીને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
એ વખતે 1979માં તેમણે ચીનની ઐતિહાસિક મુલાકાત લીધી હતી અને પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવાના પ્રયાસ પણ કર્યા હતા.
1979માં જ તેમણે રાજીનામું આપ્યું હતું અને 1980માં જનતા પાર્ટીએ સત્તા ગુમાવી હતી.
એ પછી અન્ય નેતાઓ સાથે મળીને વાજપેયીએ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સ્થાપના કરી હતી અને તેના સૌપ્રથમ પ્રમુખ બન્યા હતા.

13 દિવસમાં રાજીનામું

ઇમેજ સ્રોત, Getty Images
અમૃતસરના સુવર્ણ મંદિરમાં અડિંગો જમાવીને બેઠેલા શીખ ઉગ્રવાદીઓ સામે ઇંદિરા ગાંધીએ કરેલી કાર્યવાહીને ચુસ્ત હિંદુ સંગઠન ભાજપે ટેકો આપ્યો હતો.
જોકે, ઇંદિરા ગાંધીની એમના શીખ અંગરક્ષકોએ હત્યા કરી એ પછીની શીખ વિરોધી હિંસાને વાજપેયીએ આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી.
1980ના સમગ્ર દાયકા દરમિયાન નવા ચુસ્ત હિંદુત્વવાદી કાર્યકરો ભાજપ ભણી આકર્ષાયા હતા. એ પૈકીના ઘણાએ ડિસેમ્બર-1992માં મુસ્લિમો સાથેની અથડામણમાં ભાગ લીધો હતો.
તેમાં 1,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
નૈતિક રીતે ભાંગી પડેલો કોંગ્રેસ પક્ષ 1996માં સંસદીય ચૂંટણી હારી ગયો હતો અને નવી સંસદમાં ભાજપ સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો હતો.
વાજપેયીને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ એકમેકની સાથે ઝઘડતા રહેલા વિવિધ જૂથોને સંસદમાં એક છત્ર તળે લાવવામાં નિષ્ફળતા મળતાં વાજપેયીએ માત્ર 13 દિવસમાં રાજીનામું આપી દીધું હતું.
તેના બે વર્ષ બાદ ભાજપ નેશનલ ડેમોક્રેટિક ઍલાયન્સ (એનડીએ) નામનું નવું ગઠબંધન રચી શક્યો હતો અને વાજપેયીના વડા પ્રધાનપદ હેઠળ એનડીએની સરકાર રચાઈ હતી.
એનડીએમાં સામેલ પક્ષો વચ્ચે ઘણા મતભેદ હતા, પણ સબળ વિરોધ પક્ષના અભાવે વાજપેયી અને ભાજપનું ગઠબંધન સત્તા પર ટકી રહ્યા.

શક્તિશાળી બનવા તરફનું પગલું

ઇમેજ સ્રોત, Getty Images
નવી સરકારે સત્તા સંભાળ્યાના થોડાક સપ્તાહોમાં જ પાંચ ભૂગર્ભ અણુધડાકા કરીને ભારતે વિશ્વને આંચકો આપ્યો હતો.
આ સંબંધે વાજપેયીએ કરેલી જાહેરાતને ભારતભરમાં હર્ષનાદ સાથે આવકારવામાં આવી હતી અને તેને લીધે ભાજપની પ્રતિષ્ઠામાં જોરદાર વધારો થયો હતો.
વાજપેયીએ કહ્યું હતું, "અમારા અણુશસ્ત્રોનો હેતુ અણુસાહસ કરવા સામે શત્રુ દેશ પર ધાક બેસાડવાનો જ છે."
જોકે, ભારતના અણુધડાકાના થોડા સપ્તાહો પછી જ પાકિસ્તાને પણ અણુ પરીક્ષણ કર્યું, ત્યારે ભારતનાં પગલાં વિશેનો અનેક દેશોનો ભય મજબૂત બન્યો હતો.
વાજપેયી સરકારની વિદેશ નીતિમાં કાશ્મીરનો મુદ્દો છવાયેલો રહ્યો હતો.
એ સમગ્ર સમયગાળામાં વાજપેયી 17 પક્ષોનાં ગઠબંધનને એકજૂટ રાખવામાં સંઘર્ષરત રહ્યા હતા.

પાકિસ્તાન સાથે શાંતિના પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images
અલબત, અણુ પરીક્ષણ પછી પાકિસ્તાન સાથેનું ઘર્ષણ વકરે નહીં એટલા માટે વાજપેયી એક ડગલું વધારે આગળ વધ્યા હતા.
પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફ સાથે વિલક્ષણ શિખર મંત્રણા માટે તેમણે ભારતથી બસમાં બેસીને પાકિસ્તાનના લાહોર સુધીનો પ્રવાસ કર્યો હતો.
નવાઝ શરીફ તથા અટલ બિહારી વાજપેયી બન્ને પર પ્રચંડ દબાણ હતું અને બન્ને રાજકીય રીતે અશક્ત હતા.
પરસ્પર વિશ્વાસનું વાતાવરણ સર્જવાના સંખ્યાબંધ પગલાં લેવા બન્ને નેતાઓ સહમત થયા હતા, પણ કાશ્મીર સમસ્યા જેમની તેમ રહી હતી.
ભાજપને 1999માં સંસદમાં આખરે સ્થિર બહુમતી મળી હતી અને વાજપેયી ફરી એકવાર વડા પ્રધાન બન્યા હતા.
પાકિસ્તાનમાં સૈન્યના વડા જનરલ પરવેઝ મુશર્રફે સત્તા આંચકી લીધી પછી પાકિસ્તાન સાથેની તંગદિલી ચાલું રહી હતી.
1999ના ડિસેમ્બરમાં કાઠમાંડુથી દિલ્હી આવી રહેલા એક ભારતીય વિમાનનું પાકિસ્તાની ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું હતું અને વિમાનને અફઘાનિસ્તાન લઈ જવામાં આવ્યું હતું.
એ વિમાનને લાહોરમાં ઈંધણ ભરવાની સગવડ કરી આપવા બદલ પાકિસ્તાની સત્તાવાળાઓ સામે રોષનું વાતાવરણ સર્જાયું હતું.

ફરી ભડકી તંગદિલી

ઇમેજ સ્રોત, PTI
વાજપેયીને અપહરણકર્તાઓની માગણી સ્વીકારવાની અને વિમાન પ્રવાસીઓની મુક્તિના બદલામાં સંખ્યાબંધ કાશ્મીરી ઉગ્રવાદીઓને જેલમાંથી મુક્ત કરવાની ફરજ પડી હતી.
મુક્ત બજારના સમર્થક વાજપેયીની ભારત સરકારની માલિકીની કેટલીક કંપનીઓનું ખાનગીકરણ કરવા બદલ કર્મચારી સંઘો તથા સરકારી કર્મચારીઓએ ટીકા કરી હતી.
અલબત, નવા હાઈ-ટેક ઉદ્યોગોને તેમણે આપેલા ટેકાને કારણે ભારત વૈશ્વિક આઈટી ઉદ્યોગમાં એક મહત્ત્વનું ખેલાડી બન્યું હતું અને દેશની આર્થિક વૃદ્ધિને વેગ મળ્યો હતો.
પાકિસ્તાન સાથેની તંગદિલી 2001માં નવી દિલ્હી સ્થિત સંસદ ભવન પરના સશસ્ત્ર હુમલાને પગલે ફરી ભડકી પર આવી હતી.
બાદમાં એ ઘટનાની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેમાં સંડોવાયેલા અનેક ઉગ્રવાદીઓ પાકિસ્તાની નાગરિકો હતા.
એ પછી વાજપેયી સરકારે પાકિસ્તાન સાથેની સરહદ પર પાંચ લાખ સૈનિકો મોકલ્યા હતા.
વાજપેયીએ હાઈ-પ્રૉફાઇલ અધિકારીઓની પારસ્પરિક મુલાકાત સાથે ઇસ્લામાબાદ ભણી ફરી શાંતિ સ્થાપનાના પ્રયાસ શરૂ ન કર્યા ત્યાં સુધી એટલે કે બે વર્ષ સુધી મડાગાંઠ યથાવત્ રહી હતી.

ચીન સાથે મજબૂત સંબંધ

ઇમેજ સ્રોત, PRESIDENT OF INDIA
તિબેટને ચીનના એક હિસ્સા તરીકે માન્યતા આપીને વાજપેયીએ ચીન સાથેના દિલ્હીના સંબંધને પણ મજબૂત બનાવ્યો હતો. તેથી ભારતીય અર્થતંત્રમાં ચીનના રોકાણમાં વધારો થયો હતો.
2004ની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોનો વિજય થશે એવી વ્યાપક અપેક્ષા હતી, પરંતુ તેમનો સોનિયા ગાંધીના પક્ષ કોંગ્રેસ સામે આશ્ચર્યજનક પરાજય થયો હતો.
કોંગ્રેસના વડપણ હેઠળના ગઠબંધને સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં અને ડૉ. મનમોહન સિંહ તેના વડા પ્રધાન બન્યા હતા.
અટલ બિહારી વાજપેયીને ઘણાં લોકો ભારતીય સમાજમાં વિભાજનનું જોખમ સર્જાય, ત્યારે તેને જોડાયેલો રાખવાની ક્ષમતા ધરાવતા નેતા અને ભારતની સરહદોના ચુસ્ત સંરક્ષક પણ માને છે.
ઘણાં ભારતીય નેતાઓની માફક વાજપેયી પણ કજિયાખોર ગઠબંધનને એકજૂથ રાખવામાં સફળ રહ્યા હતા.
રાજકારણમાં 40થી વધુ વર્ષ સક્રિય રહ્યા બાદ 2005માં વાજપેયીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ત્યારે વાજપેયીએ કહ્યું હતું, "અમે ઓફિસ છોડી છે, પરંતુ જવાબદારી નહીં. અમે ચૂંટણી હાર્યા છીએ, પરંતુ અમારો સંકલ્પ નથી છોડ્યો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















