દૃષ્ટિકોણ : વડા પ્રધાન મોદી સવાલોના સીધા જવાબ આપવાનું કેમ ટાળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રિયદર્શન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
તાજેતરમાં 12 ઑગસ્ટના રોજ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં વડા પ્રધાન મોદીનો બે પેજનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો. તેમાં એવી કઈ નવી વાત હતી, જેને વાંચવાથી એવું લાગે કે આપણે કંઈક નવું વાંચી રહ્યા છીએ?
એક રીતે આ ઇન્ટરવ્યૂ છેલ્લા એક-બે વર્ષોમાં અલગ-અલગ મંચો પર વડા પ્રધાનનાં ભાષણોનું સંકલન છે.
તેમાં એક પણ તથ્ય એવું નથી, જેને વડા પ્રધાન અથવા તેમના મંત્રીઓએ અગાઉ જનતા સમક્ષ રજૂ ન કર્યું હોય.
નિશ્ચિતરૂપે અખબારની આ એક નિષ્ફળતા છે. વળી વડા પ્રધાને દેશના સાર્વજનિક મીડિયાના સૌથી વિશ્વસનીય અને વાંચકો સુધી સૌથી વધુ પહોંચ ધરાવતા અખબારોમાં સામેલ અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના બે પેજનો પાઠકો સાથે જીવંત સંવાદ કરવાની જગ્યાએ સરકારી પ્રચાર કરવા ઉપયોગ કર્યો.
શું આવું એટલા માટે થયું કે આ ઇન્ટરવ્યૂ આમને-સામને બેસીને સવાલ-જવાબની રીતે નહીં પણ ઈમેલ મારફતે થયો હતો?
કેમ કે, તેમાં વળતા સવાલ પૂછવાની સંભાવના ન હતી કે ન કોઈ નવો સવાલ કરવાનો અવકાશ હતો.

જૂની નોટોની ગણતરી કેમ પૂરી નથી થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
આથી જ્યારે તેમણે ગૌરક્ષાના નામે થનારી હિંસાની કડક શબ્દોમાં ટીકા કરતી વખતે રાજ્ય સરકારોને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી, ત્યારે જો કોઈ પત્રકાર હાજર હોત, તો તેમને વળતો સવાલ થઈ શક્યો હોત.
પત્રકાર તેમને યાદ કરાવી શક્યા હોત કે, તેમની જ સરકારના મંત્રી આ પ્રકારની હિંસાના આરોપીઓનું ફૂલોનાં હારથી સ્વાગત કરતાં અને રમખાણોમાં સંડોવાયેલા લોકોને આશ્વાસન આપતા જોવા મળ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી એવું પણ યાદ કરાવી શકાયું હોત કે મોટાભાગના રાજ્યોમાં પણ ભાજપની જ સરકારો છે.
આપને આ પણ વાંચવું ગમશે
આ જ રીતે તેઓ જ્યારે તેમના સાહસિક આર્થિક નિર્ણયોનો ઉલ્લેખ કરી રહ્યા છે અને અસંગઠિત ક્ષેત્રમાં 80 ટકા રોજગારની વાત કરી રહ્યા છે, તો તેમને કોઈ પૂછી શક્યું હોત કે, શું નોટબંધીના સાહસિક નિર્ણયે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને સૌથી વધુ અસર નથી કરી? અથવા તેના નક્કર પરિણામો શું છે?
રિઝર્વ બૅન્ક પરત આવેલી જૂની નોટોની ગણતરી કેમ પૂરી નથી કરી શકી?
આ પ્રકારના અન્ય કેટલાક સવાલો પૂછી શકાયા હોત, પરંતુ તેના માટે આમને-સામને સવાલ-જવાબની જરૂર હતી. આવા ઇન્ટરવ્યૂ વડા પ્રધાને ક્યારે અને કઈ વ્યક્તિને આપ્યા છે?
તેમણે જે પણ ટીવી ચેનલ અને પત્રકારને ઇન્ટરવ્યૂ આપ્યા છે, તેમના વિશે કહેવાય છે કે આ તમામ સરકારના સમર્થકો છે.

મુશ્કેલ સવાલોનો સામનો કેમ નહીં?

ઇમેજ સ્રોત, Reuters
કદાચ આ વર્ષે લંડનના વેસ્ટમિનિસ્ટર સેન્ટ્રલ હોલમાં પ્રસૂન જોશી સાથેનો તેમનો ઇન્ટરવ્યૂ અત્યાર સુધીનો તેમનો સૌથી લાંબો ઇન્ટરવ્યૂ હતો.
પરંતુ ત્રણ કલાક લાંબા આ ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાનની પ્રશંસા જ કરવામાં આવી હતી, આથી ઇન્ટરવ્યૂ લેનારા પ્રસૂન જોશીની છબી ખરાબ થઈ ગઈ.
પ્રસૂન જોશીએ તેમને અસુવિધાજનક સવાલ તો દૂર પણ કોઈ સવાલ જ ન પૂછ્યા.
તેમણે માત્ર બાળક જેવી જિજ્ઞાસા રાખીને વડા પ્રધાનને 'મન કી બાત' કરવાની ભરપૂર તક આપી.
નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બનતા પૂર્વે કઠિન સવાલો ધરાવતા ઇન્ટરવ્યૂનો સામનો કરવો પડ્યો હતો.
પરંતુ શું આ જૂના ઇન્ટરવ્યૂ સંબંધિત પત્રકારો માટે જ મુશ્કેલી ઊભી કરતી બાબત પુરવાર થયા?

ઇમેજ સ્રોત, EPA
જાણીતા પત્રકાર કરન થાપર આ સંકેતોને ઉજાગર કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે, વર્ષ 2007માં નરેન્દ્ર મોદી ઇન્ટરવ્યૂ અધવચ્ચેથી છોડીને જતાં રહ્યા હોવાથી તેમના કાર્યક્રમમાં ભાજપના કોઈ પણ પ્રવક્તા આવતા નહોતા. આવા ઘણા ઉદાહરણ છે.
વડા પ્રધાન બન્યા પછી તેમણે આવા કડક સવાલોવાળા ઇન્ટરવ્યૂ આપવાની જહેમત કરી હોય એવી કોઈ ઘટના નોંધમાં નથી આવી.
વર્ષની શરૂઆતમાં તેમણે ઝી ન્યૂઝના સંપાદક સુધીર ચૌધરીને આપેલા ઇન્ટરવ્યૂમાં રોજગાર વધવાની વાત કહી હતી.
તેમણે રોજગારી મામલે પકોડાનો સંદર્ભ આપ્યો હતો, જેને પગલે પછી કેટલાય દિવસ સુધી રાજકીય-આર્થિક મામલે આ બાબત મજાકનું પાત્ર બની ગઈ હતી.
પછી વડા પ્રધાને રોજગારની ગણતરી માટે તેમના આ જ સિદ્ધાંતને યથાવત્ રાખ્યો.
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવના જવાબમાં આ જ રીતે ગણતરી કરીને દેશમાં કેટલા રોજગાર પેદા થયા તે જણાવ્યું. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ઇન્ટરવ્યૂમાં પણ આવું જ કરવામાં આવ્યું છે.

ઇન્ટરવ્યૂ આપવામાં મુશ્કેલી કેમ?
આ સિવાય વડા પ્રધાને દેશમાં માત્ર સંબોધન જ કર્યા છે. તેમણે સવાલોના જવાબ નથી આપ્યા.
આથી સૌથી અગત્યનો સવાલ એ છે કે, તેમને પ્રત્યક્ષ સંવાદમાં મુશ્કેલી શું છે? શું તેઓ અસમર્થ છે?
આવી વાત કોઈ નાસમજ વ્યક્તિ જ કરી શકે છે કેમ કે, 13 વર્ષ સુધી જે વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકી હોય અને ત્યારબાદ વડા પ્રધાન બની હોય, તે પત્રકારોના સવાલોના જવાબ કેમ ન આપી શકે?
જે વ્યક્તિએ પોતાના દમ પર ભાજપને બહુમત અપાવ્યો હોય, જેના ભક્તિભાવમાં લોકો કષ્ટ સહન કરીને પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હોય, તે વ્યક્તિ પત્રકારના સવાલોના જવાબ કેમ ન આપી શકે?
પત્રકારત્વમાં હોશિયાર અને શિક્ષિત લોકોની સંખ્યા સતત ઘટી રહી છે, જ્યારે આંખમાં આંખ નાખીને કઠિન સવાલ પૂછી શકે તેવા લોકો ઓછા છે, ત્યારે આ સમયમાં ઇન્ટરવ્યૂ આપવામાં મુશ્કેલી કેમ?
ખરેખર મુશ્કેલી કોઈ બીજી વાતની છે. તેના બે કારણો છે. એક સંઘ પરિવારની વિચારધારા છે, જેની પર ઉઠનારા સવાલોના સીધા જવાબ આપી શકાય એવું નથી.

ઇમેજ સ્રોત, EPA
ઉદાહરણ તરીકે એક રાષ્ટ્ર તરીકે ભારતની અવધારણાનો સવાલ.
હિંદુત્વની રાજનીતિનો સવાલ, ઇતિહાસના નાયકોના સવાલ, દલિતો, લધુમતીઓ અને મહિલાઓના સવાલ, મંદિર-ગૌરક્ષાના સવાલ, ખાનપાન-પહેરવેશ સંબંધિત વિવાદોના સવાલ, આ અંગે બંધારણીય મામલેની સ્થિતિ સંદર્ભના સવાલ તમામ બાબતો સંઘ પરિવારની વિચારધારા સાથે મેળ નથી આવતી. ઘણી બાબતો તેની વિચારધારાના વિરુદ્ધમાં હોવાનું જોવા મળે છે.
મોહન ભાગવત અથવા અન્ય નેતાઓ ભલે આ વલણનો બચાવ કરે, પરંતુ દેશના એક વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવું ન કરી શકે.
આ વાત તેઓ જાણતા હોવાથી કદાચ પ્રત્યક્ષ ઇન્ટરવ્યૂની બાબતને ટાળી રહ્યા છે.
વળી આર્થિક અને સામાજિક બાબતે કેટલીક વાસ્તવિકતાઓ એવી છે કે સરકારને ઘેરી શકાય છે.
પૂર્વ સરકારોને પણ આવી જ વાસ્તવિકતાઓનો અરીસો બતાવીને હકીકતથી વાકેફ કરાવવામાં આવતી હતી.

'મોદી પોતાની જ એકલતા વધારી રહ્યા છે'
આ કારણે પણ વડા પ્રધાન પત્રકારો સાથે વ્યાપક પ્રત્યક્ષ સંવાદ કરવાનું ટાળી રહ્યા હોય એવું બની શકે છે. તેઓ મન કી બાત કરે છે, ભાષણો આપે છે, પરંતુ લોકોના મનમાં ઉઠતાં સવાલનો જવાબ આપવાનું ટાળે છે.
કાશ, તેઓ જે રીતે ધારદાર ભાષણો આપે છે, તે જ રીતે સહજતાથી પત્રકારોને ઇન્ટરવ્યૂ માટે આમંત્રણ આપતા હોત.
કાશ, તેઓ પત્રકારો સાથે વાતચીત કરતા હોત, કોશિશ કરવામાં થયેલી ખામીઓની કબૂલાત કરી લેતા હોત અને તેને સુધારવાનું કહીને તેમનાથી અંતર જાળવી જનારા વર્ગ અને જાતિઓના સમુદાયોને મુખ્ય પ્રવાહમાં લાવી શક્યા હોત.
આવું ન કરીને તેઓ પોતાની જ એકલતા વધારી રહ્યા છે. જોકે, હાલ તે કોઈ પણ રીતે દૂર થાય એવું લાગતું નથી.
તેમની લોકપ્રિયતા ચરમસીમાએ છે, પરંતુ હવામાં જતી બૉલ ઉપર જતાં ઊર્જા અને હવામાંથી મળતું બળ ગુમાવતા કઈ રીતે ઝડપથી નીચે આવીને પછડાય છે, તે યાદ રાખવું જોઈએ.
તેમણે અને આપણે તમામે તે યાદ રાખવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














