દૃષ્ટિકોણઃ સવર્ણોને નારાજ કર્યા વિના દલિતો-પછાત વર્ગોને કેવી રીતે મૅનેજ કરશે ભાજપ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોં મીઠું કરાવી રહેલા ભાજપના પ્રમુખ અમિત શાહનો ફાઈલ ફોટો

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, દિલીપ મંડલ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ભારતીય જનતા પક્ષે (ભાજપ) ચૂંટણીની તૈયારીને ધ્યાનમાં રાખીને સામાજિક સ્તરે ત્રણ મોટા નિર્ણય કર્યા છે. આ ત્રણેય વિવાદાસ્પદ નિર્ણય ચૂંટણીના વર્ષમાં કરવામાં આવ્યા છે. તેથી તેનું રાજકીય મહત્ત્વ છે.

આ નિર્ણયોનો પ્રભાવ ચૂંટણી પર પડી શકે છે, કારણ કે દેશની મોટી વસતી તેના દાયરામાં છે અને તેની તરફેણ તથા વિરુદ્ધમાં લોકો આકરો અભિપ્રાય ધરાવે છે.

એ વિશે વિચાર કરતા પહેલાં જાણી લઈએ કે ભાજપે લીધેલા ત્રણ મોટા નિર્ણય ક્યા છે.

line

એસસી-એસટી લોકો માટે બે નિર્ણય

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

પહેલો નિર્ણયઃ એસસી-એસટી એટ્રોસિટી પ્રિવેન્શન એક્ટને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે કાયદો બનાવવાની જાહેરાત. એસસી-એસટી એક્ટ (1989) એક સ્પેશિયલ એક્ટ છે.

ભારતીય દંડ સંહિતા(આઈપીસી)માં ચોક્કસ જોગવાઈ હોવા છતાં અનુસૂચિત જાતિ તથા જનજાતિઓના લોકો પરના અત્યાચારમાં ઘટાડો થતો ન હોવાથી આ કાયદો બનાવવામાં આવ્યો હતો.

આ કાયદામાં તત્કાળ કેસ દાખલ કરવાની અને કેસ દાખલ થયા બાદ આરોપીની તત્કાળ ધરપકડની જોગવાઈ છે. તેમાં આગોતરા જામીનની મનાઈ છે.

સુપ્રીમ કોર્ટે આ વર્ષની 20 માર્ચે આપેલા એક ચુકાદામાં આ ત્રણેય જોગવાઈને રદ્દ કરી હતી. કેન્દ્ર સરકાર હવે બંધારણીય સુધારા મારફત એ કાયદાને તેના મૂળ સ્વરૂપમાં લાવશે.

શું તમે આ વાંચ્યું?

બીજો નિર્ણયઃ એસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવાની તરફેણમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે. આ સંબંધે અત્યાર સુધી બહાનાબાજીથી કામ ચલાવવામાં આવતું હતું.

એસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામતની વાત બંધારણના અનુચ્છેદ 16(4)માંથી આવી છે. તેમાં વંચિતો માટે અનામતને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું નથી.

દરેક સ્તરે એસસી-એસટીની પૂરતી ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રમોશનમાં અનામતને ગણવામાં આવ્યો છે, કારણ કે આ વર્ગના લોકો ઉપરનાં પદો પર પહોંચી શકતા નથી.

પ્રમોશનમાં અનામતની વ્યવસ્થા કરતાં પહેલાં એસસી-એસટી સમુદાયના પછાતપણા અને સેવાઓમાં તેમની સંખ્યા ઓછી હોવાના આંકડા રજૂ કરવામાં આવે, એવું નાગરાજ કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

જોકે, સરકારે હજુ સુધી આવા આંકડા આપ્યા નથી. તેથી એક પછી એક રાજ્યોએ પ્રમોશનમાં અનામતની વ્યવસ્થા બંધ કરી દીધી છે.

જેમનું પ્રમોશન આ રીતે થયું છે તેમને ડિમોટ કરીને નીચેના પદે પાછા મોકલી આપવામાં આવ્યા છે.

હવે કેન્દ્ર સરકાર કહી રહી છે કે પ્રમોશનમાં અનામતની વ્યવસ્થા હોવી જોઈએ.

line

રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો

સુત્રોચ્ચાર કરી રહેલા લોકોનો ફાઈલ ફોટો

ઇમેજ સ્રોત, MANOJ DHAKA/BBC

ત્રીજો નિર્ણયઃ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પંચનું નવું નામ 'સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટેનું રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ' હશે.

આ વિશેનો ખરડો લોકસભામાં સર્વસહમતિથી પસાર થઈ ગયો છે. અત્યાર સુધી અનુસૂચિત જાતિ તથા જનજાતિ પંચની રચના બંધારણ હેઠળ થઈ હતી.

જોકે, પછાત વર્ગ પંચની રચના એક સરકારી આદેશ અનુસાર થઈ હતી. આ પંચને પછાત જ્ઞાતિઓની યાદી બનાવવાનો અને સુધારા માટે સૂચનો કરવાનો અધિકાર હતો.

નવું પંચ પછાત વર્ગોના વિકાસ માટેના ઉપાયો સૂચવવા ઉપરાંત તેમના વિકાસ પર નજર રાખશે અને આ જ્ઞાતિઓની ફરિયાદોની સુનાવણી પણ કરશે.

line

ભાજપને શું ફાયદો થશે?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Reuters

આ ત્રણ પૈકીના બે નિર્ણયો એસસી-એસટી સમુદાય સાથે જોડાયેલા છે. 2011ની વસતી ગણતરીના આંકડા અનુસાર, દેશમાં આ સમુદાયોની કુલ વસતી અનુક્રમે 16.6 ટકા અને 8.6 ટકા છે.

ત્રીજો નિર્ણય ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગો માટે છે. મંડલ પંચના જણાવ્યા અનુસાર, ઓબીસીની વસતી 52 ટકા છે.

દેશની દરેક ચોથી વ્યક્તિ કે રાજકીય દૃષ્ટિએ જોઈએ તો દરેક ચોથો મતદાર એસસી કે એસટી છે. આ વર્ગના લોકો સંયુક્ત રીતે આખા દેશમાં ફેલાયેલા છે અને દરેક મતવિસ્તારમાં તેમની હાજરી છે.

ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવ્યો તે પછી આ વર્ગ નારાજ હોવાનું માનવામાં આવે છે. તેનું પ્રમાણ 2018ની બીજી એપ્રિલે મળ્યું હતું.

એસસી-એસટી એક્ટમાં ફેરફાર સામે એ દિવસે દલિતોના સ્વયંસ્ફૂર્ત બંધની દેશવ્યાપી અસર જોવા મળી હતી અને કેટલાંક શહેરોમાં તો જનજીવન ઠપ્પ થઈ ગયું હતું.

એ દરમ્યાન દલિતો પરના અત્યાચારની ઘણી ઘટનાઓ મથાળાંઓમાં ચમકતી રહી હતી.

તેમાં દલિતો દ્વારા મૂછ રાખવાથી માંડીને પશુઓની ચામડી ઉતારવા બદલ તેમને માર મારવાની અને દલિતોને ઘોડા પર ચડતા રોકવાની અને મહિલાઓ પરના અત્યાચાર જેવી તમામ ઘટનાઓ સામેલ છે.

એ ઉપરાંત વચ્ચેના સમયગાળામાં સત્તાધારી પક્ષના લોકોએ એવી નિવેદનબાજી અને એવાં કામો કર્યાં કે જેનાથી એસસી-એસટી તથા ઓબીસી વર્ગના લોકોમાં શંકા સર્જાઈ કે સરકાર અનામત પર પૂર્ણવિરામ મૂકવા ઇચ્છે છે તેમજ બંધારણને સ્થગિત કરવા ઇચ્છે છે.

યુજીસી એટલે કે વિશ્વવિદ્યાલય અનુદાન પંચ દ્વારા શિક્ષકોની નિમણૂંકમાં યુનિવર્સિટી અને કોલેજોની જગ્યાએ વિભાગોને અનામતનો આધાર બનાવવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

એ પરિપત્ર પછી એવી શંકા પ્રબળ બની હતી કે સરકાર અનામત પર પૂર્ણવિરામ મૂકવા ઇચ્છે છે, કારણ કે વિભાગો એટલા મોટા નથી હોતા કે જ્યાં અનામતનો અમલ થઈ શકે.

એ પરિપત્ર અયોગ્ય હોવાનું સરકારે હવે સ્વીકારી લીધું છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી છે.

line

આ નિર્ણયોનો રાજકીય અર્થ

સુત્રોચ્ચાર કરી રહેલા મુસ્લિમ આંદોલનકારીઓનો ફાઈલ ફોટો

ઇમેજ સ્રોત, EPA

ભાજપે જાહેર નથી કર્યું પણ પક્ષમાં સંગઠનાત્મક રીતે જાહેર રાજકીય ગણિત એવું છે કે 14. 2 ટકા મુસલમાનો પક્ષને મત ન આપે તો પણ તે જીતવા લાયક સમીકરણ બનાવી શકે છે.

અલબત, મુસલમાનો પછી એસસી અને એસટી વર્ગના લોકો પણ ભાજપથી નારાજ થઈ જાય તો આ ત્રણ મોટા વોટિંગ બ્લૉક્સનો સરવાળો 39.4 ટકા થઈ જાય છે.

તેમાં ખ્રિસ્તીઓના મતો પણ જોડીએ તો એ 40 ટકાથી વધુ મત થઈ જાય છે. આ બધા ભાજપને જ મત આપશે તેની ભાજપને ખાતરી નહીં હોય.

દરેક બેઠક પર માઇનસ 40 ટકા મત સાથે રેસ શરૂ કરવામાં એક એવું સૈદ્ધાંતિક જોખમ છે, જે ભાજપ ક્યારેય નહીં લે.

જોકે, રાજકારણમાં આ પ્રકારના સરવાળા-બાદબાકી કે ગુણાકાર-ભાગાકાર ઘણીવાર ખોટા સાબિત થતા હોય છે.

તમામ એસસી-એસટી ભાજપથી નારાજ છે એવો અર્થ બીજી એપ્રિલના ભારત બંધનો કરવાનું કોઈ કારણ નથી.

તેમ છતાં એક વાત નક્કી છે કે એસસી-એસટી વર્ગના લોકો એકસમાન મતદાન કરીને બીજેપીને હરાવવાનો પ્રયાસ કરે એટલા નારાજ તેમને ભાજપ ક્યારેય નહીં કરે.

મુસલમાનોના મત સાથે ભાજપને જેવો સંબંધ છે એવો જ સંબંધ એસસી-એસટી મત સાથે થાય એવું ભાજપ નહીં ઇચ્છે.

મુસલમાનોના મત ન મળતા હોવાની વાતને ભાજપ પોતાના માટે સારી ગણે છે, કારણ કે તેથી તેને હિંદુ મતોના ધ્રુવીભવનમાં મદદ મળે છે.

ભાજપ વિકાસ વગેરેની વાતો બેશક ભલે કરે, પણ એ મંચની વાત હોય છે. વાસ્તવિક સ્તરે મત માગતી વખતે ભાજપ એ મુદ્દાઓને જ ફોકસમાં રાખે છે તેમાં હિંદુ-મુસલમાનનો ભેદ મજબૂત થતો હોય.

ગાય, તલાક, કાશ્મીર, પાકિસ્તાન, હલાલા, મંદિર, યુનિફોર્મ સિવિલ કોડ, એનઆરસી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, ઝીણા વગેરે ભાજપ માટે ઉપયોગી મુદ્દાઓ છે.

આ તો મુસલમાનોની વાત થઈ, પણ એસસી-એસટી કે ઓબીસીના મુદ્દા ભાજપને પરેશાન કરે છે. તેમના ઊભરવાથી હિંદુ-મુસલમાનનો ભેદ તૂટે છે.

એસસી-એસટી અને હિંદુ ઓબીસી આ સમીકરણમાંથી છટકે નહીં એ હિંદુ એકતા માટે જરૂરી છે. ભાજપ સરકારે જે ત્રણ મોટા નિર્ણય કર્યા છે તે આ હેતુસરના છે.

line

સવર્ણો નારાજ તો નથીને?

ઝંડો ફરકાવી રહેલા આંદોલનકર્તાનો ફાઈલ ફોટો

ઇમેજ સ્રોત, Reuters

આ વાત ભાજપને પરેશાન કરી શકે છે. ખાસ કરીને એસસી-એસટી એક્ટ અને પ્રમોશનમાં અનામત એવા મુદ્દા છે કે જેની દિશામાં આગળ વધવાથી ભાજપથી તેના મૂળભૂત શહેરી સવર્ણ હિંદુ મતદારો નારાજ થઈ શકે છે.

આ બન્ને સમાચારોના મુદ્દે સોશિયલ મીડિયામાં સવર્ણ હિંદુઓ અત્યંત આક્રમક પ્રતિભાવ આપી રહ્યા છે. તેમને એવી આશા હતી કે ભાજપ પૂર્ણ બહુમતિ સાથે સત્તા પર આવશે તો અનામત પર પૂર્ણવિરામ લાગી જશે.

અનામતના અંતની વિધિસરની કોઈ જાહેરાત હજુ સુધી થઈ નથી અને બીજી તરફ પ્રમોશનમાં અનામતની જે વ્યવસ્થાનો કોંગ્રેસના શાસનમાં અંત આવ્યો હતો તે ફરી અમલી બની રહી છે.

આટલું ઓછું હોય તેમ એસસી-એસટી એક્ટ સંબંધે સુપ્રીમ કોર્ટે જે કથિત રાહત બિન-દલિત હિંદુઓને આપી હતી તેને પણ સરકાર છીનવી રહી હોય એવું લાગે છે.

શાહબાનો કેસમાં મુસલમાનોને રાજી કરવા જે ભૂલ રાજીવ ગાંધીએ કરી હતી એવી જ ભૂલ નરેન્દ્ર મોદી એસસી-એસટી એક્ટમાં કરી રહ્યા હોવાનો પ્રતિભાવ સવર્ણ હિંદુઓ સોશિયલ મીડિયામાં આપી રહ્યા છે.

અલબત, આ પ્રતિભાવ ફરિયાદના સ્વરૂપનો છે. આ પ્રતિભાવ નિરાશાનો છે, જે ઊંચી આશા પટકાઈને ઘૂળધાણી થઈ જવાના પરિણામે બહાર આવી રહ્યો છે.

line

સવર્ણ હિંદુઓની નારાજગીનો રાજકીય અર્થ ખરો?

નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફને તિલક કરી રહેલી મહિલાઓનો ફાઈલ ફોટો

ઇમેજ સ્રોત, Reuters

સોશિયલ મીડિયા પર જોવા મળી રહેલી સવર્ણ હિંદુઓની નારાજગીનો ભાજપ માટે કદાચ કોઈ રાજકીય અર્થ નથી.

સવર્ણ હિંદુઓ આ ત્રણ નિર્ણયોના મુદ્દે ભાજપથી નારાજ તો થઈ શકે, પણ એટલા નારાજ નહીં થાય કે બહુજન સમાજ પક્ષ, સમાજવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ અને ડીએમકે જેવા પક્ષોના ગઠબંધનમાં ચાલ્યા જાય.

હિંદુ સવર્ણ વોટિંગ બ્લૉક નારાજગીમાં પોતાનું મોં ફૂલાવીને પણ ભાજપ તથા સંઘ પરિવાર સાથે જ રહેશે.

કમસેકમ લોકસભાની આગામી ચૂંટણી સુધી તો તેમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી.

સોશિયલ મીડિયામાં કેટલાક લોકો કહી રહ્યા છે તેમ, તેઓ ભાજપના મતદારો હતા, પણ હવે તેમને નોટાનું બટન દબાવવાનું મન થાય છે.

તેનો અર્થ એ થયો કે આ નિયંત્રિત નારાજગી છે. આ નારાજગી પોતાના સગાંસંબંધીને એવું જણાવવા દર્શાવવામાં આવી રહી છે કે અમારું પણ કંઈક ધ્યાન રાખો.

ભાજપની આદર્શ રાજનીતિ એ હશે કે તે એસસી-એસટી માટે પણ કંઈક કરતો હોવાનો દેખાડો કરે, પણ વાસ્તવમાં તેમને કંઈ ન આપે.

આ સમુદાયોને પંચતીર્થ કે કેટલાક મહાપુરુષોની જયંતિ, ફોટોગ્રાફ, મૂર્તિ વગેરે જેવાં પ્રતિક આપીને તેમને સંતોષવામાં આવે અને રાજકાજ તથા શાસનનો વાસ્તવિક લાભ હિંદુ સવર્ણોને આપવામાં આવે.

આ કામ તો કોંગ્રેસ લાંબા સમય સુધી સફળતાપૂર્વક કરતો રહ્યો હતો, પણ એ જૂનો સમય હતો. ભાજપ 2018માં આવું કરી શકશે?

(આ લેખકના વ્યક્તિગત વિચાર છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો