સવર્ણોના 'ભારત બંધ' દરમિયાન બિહારમાં વ્યાપક હિંસા-આગચંપી

ઇમેજ સ્રોત, PRASHANT/BBC
આ તસવીર બિહારના આરાની છે. સવર્ણો દ્વારા જાતિ આધારિત અનામતની સામે મંગળવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે બિહારમાં કેટલાક સ્થળોએ હિંસા થઈ હતી.
બિહારના આરા, ભોજપુર, મુજ્જફરપુર જિલ્લાઓમાં આગચંપી અને હિંસક અથડામણો થઈ હતી.

બિહારથી સીટૂ તિવારીનો અહેવાલ

ઇમેજ સ્રોત, PRASHANT/BBC
- જાતિ આધારિત અનામતની સામે આપવામાં આવેલા બંધની સૌથી વધુ અસર આરા તથા ગયામાં જોવા મળી હતી.
- આરા શહેરમાં કલેક્ટર તથા પોલીસ અધિક્ષકની કચેરી પાસે 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. શહેરના બસ સ્ટેશન ખાતે બંધ સમર્થક તથા વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ હતી.
- ભોજપુરના એસપી અવકાશ કુમારે બીબીસીને જણાવ્યું, "હાલ સ્થિતિ સામાન્ય છે. કુલ 56 લોકોની ધરપકડ થઈ છે. કોઈને ઈજાના અહેવાલ નથી. બંધ સમર્થક ઍન્ટિ પાર્ટીએ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા રાબેતા મુજબ ચાલી રહી છે."

ઇમેજ સ્રોત, PRASHANT/BBC
- આરા શહેરમાં મંગળવાર સવારથી જ રેલવે અને વાહનવ્યવહારમાં અવરોધ ઊભા થયા હતા.
- એનએચ 84 આરા-બક્સર હાઈવે પર બંધ સમર્થકોએ હોબાળો કર્યો હતો અને વાહનવ્યવહારને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત રેલવે ટ્રેક પર સ્લેબ મૂકીને પટણા-બક્સર પેસેન્જર ટ્રેનને અટકાવવામાં આવી હતી.
- ગયાના માનપુર બ્લૉક ખાતે પોલીસ તથા બંધ સમર્થકો વચ્ચે અથડામણ થી હતી. જેમાં બે પોલીસમેન ઘાયલ થયા હતા. ગયામાં એક યુવતી સહિત છ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. ગયાના એએસપી બલિરામ ચૌધરીએ બીબીસીને જણાવ્યું, "સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે."

- આરા અને ગયાને બાદ કરતા બિહારના અન્ય જિલ્લાઓમાં બંધની મિશ્ર અસર જોવા મળી હતી. બીજી એપ્રિલે થયેલી હિંસા જેવી હિંસા ફરી થશે તેવી આશંકાએ વેપારીઓએ બંધ પાળ્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંધને સ્વયંભૂ સમર્થન સાંપડ્યું છે.
- રોહતાસના સ્થાનિક પત્રકાર બ્રજેશના કહેવા પ્રમાણે, "સાસારામમાં બજાર બંધ રહી અને બસ સેવામાં અવરોધ ઊભો થયો હતો. જોકે, કોઈ હિંસાના અહેવાલ નથી."

અન્ય રાજ્યોમાં અસર

ઇમેજ સ્રોત, PRASHANT/BBC
ભારત બંધ દરમિયાન હિંસાની આશંકાને પગલે રાજસ્થાનના જયપુર તથા મધ્યપ્રદેશના ભોપાલમાં 144ની કલમ લાગુ કરવામાં આવી હતી.
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં અનામત વિરોધીઓએ બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને બજારો બંધ કરાવી હતી.
ભારત બંધને પગલે અગાઉથી જ રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા અન્ય રાજ્યોની સરકારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે જ કોઈપણ પ્રકારની હિંસા માટે જિલ્લાના ડીએમ તથા એસપીને જવાબદાર માનવામાં આવશે.
અગાઉ બીજી એપ્રિલે આદિવાસી તથા દલિત સમાજે ભારત બંધનું એલાન આપ્યું હતું. તેમનો આરોપ હતો કે એસસી/એસટી એક્ટ સાથે ચેડા કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.
એક વર્ગનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે દલિતો અને આદિવાસીઓના શોષણ વિરુદ્ધનો કાયદો નબળો પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












