પાટીદારોને અનામત ન મળી, મરાઠાઓને અનામત મળશે?

ઇમેજ સ્રોત, Hindustan Times / Getty Images
- લેેખક, જય મિશ્રા
- પદ, બીબીસી ગુજરાતી
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો મુદ્દો ફરીથી જોર પકડી રહ્યો છે. બુધવારે મુંબઈ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
સમગ્ર દિવસ દરમિયાન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે વિવિધ વિસ્તારોમાં ઘર્ષણ થતાં રહ્યાં.
મુંબઈની સીટી બસો પર હુમલા કરીને તેમાં તોડફોડ કરવામાં આવી અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
ગત સોમવારે અનામતની માંગ સાથે ઓરંગાબાદ જિલ્લાના કાયગાંવ ગામમા 28 વર્ષીય કાકાસાહેબ શિંદેએ ગોદાવરી નદીમા પડતું મુકીને આત્મહત્યા કરી હતી.
આ ઘટનાના પગલે ફાટી નિકળેલાં તોફાનો સમયે થયેલી ભાગદોડમાં મંગળવારે એક પોલીસ કૉન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું.
મહારાષ્ટ્રમાં મરાઠાઓના રોષના કારણે મુખ્યમંત્રીએ પંઢરપૂરમાં થનારી મહાપૂજામાં જવાનો કાર્યક્રમ રદ કર્યો છે.
પાછલા દિવસોમાં મહારાષ્ટ્રના તુળજાપુર, બુલધાણા, અકોલા, પરાલી અને વાશીમમાં અનામતની માંગણી સાથે દેખાવો થયા છે.
શું તમે આ વાંચ્યું?
મહારાષ્ટ્રમાં દેખાવકારીઓ દ્વારા બુધવારે મુંબઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં પાટીદારોને અનામત નથી મળી ત્યારે એ સમજવું જરૂરી છે કે શું મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળશે?

મહારાષ્ટ્રમાં અનામતની માંગણી કેમ ઉઠી?

ઇમેજ સ્રોત, Getty Images
દુષ્કાળ, પાકના ઓછા ભાવ અને પાણીની અછતને કારણે મહારાષ્ટ્રમાં ખેતી નિષ્ફળ જતાં ખેડૂતો બેહાલ બન્યા હતા.
આ સ્થિતિમાં મરાઠાઓને અને મુસ્લિમોને કોંગ્રેસ અને એન.સી.પી.ની સરકાર દ્વારા અનામતની જાહેરાત કરી દેવામાં આવી હતી.
સરકાર દ્વારા સરકારી નોકરી અને શિક્ષણમાં મરાઠાઓને 16% અનામત આપવામાં આવી હતી અને મુસ્લિમોને 5% અનામતની જાહેરાત કરી દેવામાં આવી હતી.
આગળ જતા સરકારના આ નિર્ણયને મહારાષ્ટ્ર હાઈકોર્ટે રદ કર્યો હતો.

મરાઠા અનામત આંદોલનનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
મરાઠા અનામત આંદોલનના મૂળમાં મહારાષ્ટ્રના ખેડૂતોની કથળેલી સ્થિતિ અને કેટલાંક સામાજીક કારણો પણ જવાબદાર છે.
મરાઠા આંદોલનના ઇતિહાસ વિશે મહારાષ્ટ્રના સિનિયર પત્રકાર પ્રતાપ અસબે કહે છે, "મહારાષ્ટ્રમાં અનામતનું મૂળ રાજાશાહીથી નંખાયેલુ છે. વર્ષ 1901માં છત્રપતિ શાહુજી મહારાજાએ બ્રાહ્મણ અને પારસી સિવાયની જ્ઞાતિઓ માટે અનામતની જોગવાઈ કરી હતી."
"ત્યાર પછીનાં 100 વર્ષમાંથી 67 વર્ષ એવાં હતાં જેમાં મહારાષ્ટ્રમાં વરસાદની તંગી વરતાઈ હતી. આઝાદી બાદ મહારાષ્ટ્રમાંથી મોટાપાયે લોકો વિદેશ જતા રહ્યા હતા. વરસાદની અછતથી ખેડૂતોની સ્થિતિ ખરાબ થતી જતી હતી."
"1990 બાદ મહારાષ્ટ્રમાં ખેતીની હાલત ખૂબ જ કથળી ગઈ હતી. પાયમાલ થયેલા ખેડૂતો આત્મહત્યા તરફ વળવા લાગ્યા હતા."
"ખેડૂતોને એવો અહેસાસ થવા લાગ્યો હતો કે ખેતી કરતાં નોકરી સારી, અને જો અનામત હોય તો નોકરી સહેલાઈથી મળી જાય."
"રાજકારણમાં પ્રવેશવા માંગતા યુવાનો માટે મરાઠા અનામત એક મોટો મુદ્દો હતો, અને તેઓ ધીરે ધીરે વિવિધ માંગણીઓના મુદ્દાઓને લઈને તેઓ પ્રદર્શન કરી રહ્યા હતા."
"વર્ષ 2013માં એન.સી.પી. અને કોંગ્રેસની સરકારે મરાઠાઓને 16% અને મુસ્લિમને 5 % અનામત જાહેર કરીને તેમને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો."
"બંધારણની દૃષ્ટિએ 50 ટકાથી વધુ અનામત શક્ય ન હોવાથી હાઈકોર્ટે આ અનામત રદ કરી દીધી."
"આ અનામત રદ થઈ ત્યારે નવી સરકાર મહારાષ્ટ્રમાં સત્તા પર આવી ચૂકી હતી. રાજ્યમાં મરાઠાઓ કેટલાક મુદ્દે દુ:ખી હતાં અને તેમણે અનામત સહિતની માંગ સાથે સરકાર સામે મોરચો માંડી દીધો."

મહારાષ્ટ્રમાં મરાઠાઓની આર્થિક અને સામાજિક સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસતી 33% જેટલી છે. તેમાંથી મોટા ભાગનો વર્ગ ખેડૂત છે, જ્યારે ખૂબ જ ઓછો વર્ગ સદ્ધર છે.
મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર સમર ખડસેએ આંદોલનના કારણો તેમજ મરાઠાઓની સામાજિક-આર્થિક સ્થિતિ વિશે માહિતી આપી.
તેમણે જણાવ્યું, "મહારાષ્ટ્રમાં મોટા ભાગના મરાઠા ખેડૂતો છે. તેઓ સામાજિક રીતે અસ્પૃશ્ય નથી, પરંતુ તેઓ સશક્ત પણ નથી.”
"મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસતી વધુ હોવાના કારણે સરકારમાં મરાઠાઓનું પ્રતિનિધિત્વ જોવા મળતું રહ્યું છે, પરંતુ સરકારી નોકરીના ઉચ્ચ હોદ્દાઓમાં મરાઠાઓની સંખ્યા ઓછી છે."
"ડૉક્ટર, જજ, ઉચ્ચ અધિકારી વર્ગ જેવાં અનેક સારાં પદો પર મરાઠાઓ નથી અથવા નહિવત્ છે."
"દેશના વિવિધ રાજ્યોમાં જ્યાં અનામતની માંગ ઉઠી હતી તેવાં મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા સહિતના રાજ્યમાં અનામતની માંગણી કરનાર વર્ગમાં મોટા પાયે ખેડૂતો છે."
"ખોટી સરકારી નીતિઓ અને પાકના ઓછા ભાવ સહિતના કારણોના લીધે ખેડૂતોની સ્થિતિ કથળી ગઈ અને પરિણામે ગ્રામીણ પ્રજાના આ વર્ગમાં અનામતની માંગણીઓ પ્રબળ બની."
"તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રમાં 76 હજાર સરકારી નોકરીઓની જગ્યા ખાલી છે અને તે ભરવામાં આવશે."
"આ નોકરીઓમાં મરાઠાઓ માટે 16% અનામત રાખવામાં આવશે. બંધારણની દૃષ્ટિએ આ જાહેરાત યોગ્ય નથી."
"એક તરફ અનામત મળી નથી અને બીજી બાજુ આ પ્રકારની જાહેરાતથી મરાઠાઓ વધુ ઉશ્કેરાયા અને સ્થિતિ કથળી છે."

શું બંધારણની દૃષ્ટીએ મરાઠાને અનામત શક્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણની દૃષ્ટીએ મરાઠાઓને અનાતમ શક્ય છે કે નહી તેના અંગે બીબીસીએ સુપ્રીમ કોર્ટના નિવૃત જજ પી.બી. સાવંત સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે મરાઠાઓને બંધારણીય રીતે અનામત આપવા માટે 3 બાબતો અગત્યની છે.
- મરાઠાઓ પછાત વર્ગ છે તેની સાબિતી પછાત વર્ગના આયોગને આપવી
- સરકાર અનામતની વર્તમાન ટકાવારીમાં સુધારો કરે
- મરાઠા સહિતની જે જ્ઞાતિઓ અનામત માંગે છે તે તમામનો નવી ટકાવારીમાં સમાવેશ થાય.
ઉપરોક્ત ત્રણ બાબતો જો સંતોષાય તો મરાઠાઓને અનામત મળી શકે છે.

ગુજરાતમાં શા માટે પાટીદારોને અનામત શક્ય નથી ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં પાટીદારોને અનામત અપાઈ નથી, અને જાણકારોના મતે એ શક્ય પણ નથી.
પાટીદારો જે ઓબીસી શ્રેણીમાં અનામતની માંગણી કરી રહ્યાં છે.
આ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવેલી 147 જ્ઞાતિઓ સામે પાટીદારો સામાજિક અને શૈક્ષણિક રીતે ખૂબજ આગળ છે તેવું સામાજિક વિશ્લેષકો માને છે.
કોઈ પણ જ્ઞાતિને ઓબીસીમાં સમાવવા માટેની દેશની સર્વોચ્ચ અદાલત દ્વ્રારા દર્શાવાયેલી માર્ગદર્શિકા પ્રમાણે ઓબીસી પંચ સર્વેક્ષણો હાથ ધરે છે.
તે સર્વેક્ષણોના તારણો પરથી કોઈ પણ જ્ઞાતિને ઓબીસીમાં સમાવવી કે નહી તેનો નિર્ણય થાય છે.
હાલમાં આ સ્થિતિને જોતાં એવું જણાય છે કે પાટીદારોને ગુજરાતમાં ઓબીસી અનામત ઉપરોક્ત કારણોસર મળી શકે નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















