રાજસ્થાનમાં પરિવર્તનનો ‘પ્રકાશ’ ફેલાવતી સોલર સહેલીઓ

- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા
રણનો મોટો હિસ્સો ધરાવતા રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ પરિવર્તન માટેની પહેલ કરી છે. આ મહિલાઓ કોલસા પર નિર્ભર પ્રજાને સૌરઊર્જા તરફ વાળી રહી છે.
તેઓ 'સોલર સહેલી' તરીકે ઓળખાય છે, તેમનું કામ પાડોશીઓને સૌર ઊર્જાથી ચાલતાં ઉપકરણો તરફ વાળવાનું છે.
જોકે, આ કામ સરળ નથી. દશકાઓથી ગ્રામીણ ભારતને નબળી ગુણવત્તાની સૌર પેદાશો જ પૂરી પાડવામાં આવી છે.
'સોલર સહેલી' માટે સૌથી પહેલો પડકાર લોકોમાં સૌર ઉપકરણો અંગેની ગેરમાન્યતા દૂર કરવાનો છે. આ મામલે લોકોમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પૃથ્વી પર ઝડપથી વધી રહેલી વસતીને ધ્યાને રાખીને ભારતમાં વધી રહેલી ઊર્જાની માંગ મૂંઝવણ સર્જે એવી છે.
દેશમાં આશરે ચોથા ભાગના લોકો વીજ સેવાથી વંચિત છે અને ઘણા લોકો માટે તે અવિશ્વસનીય બાબત છે.
યુવા આંત્રપ્રિન્યોર અજૈતા શાહે આ સ્થિતિને તક તરીકે ઉપાડી લીધી.
2011માં તેમણે રિન્યૂયેબલ પ્રોડક્ટ્સના વેચાણ માટે ફ્રન્ટીયર માર્કેટ્સ નામના ફર્મની સ્થાપના કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
હું અજૈતા શાહને જયપુરથી થોડા અંતરે આવેલા એક ગામમાં મળી હતી.
'સૂર્ય પ્રકાશના રાજ્ય' તરીકે આ પ્રદેશ જાણીતો છે. કારણકે, વર્ષમાં આશરે 300 થી 330 દિવસો દરમિયાન સૂર્ય પ્રકાશ હોય છે.
ફ્રન્ટીયર માર્કેટ્સનું પણ એ જ સૂત્ર છે - વીજ પૂરવઠો અનિયમિત હોઈ શકે છે પણ સૂર્ય પ્રકાશ નિયમિત અને વિશ્વસનીય છે.

અજૈતા શાહ કહે છે કે, શરૂઆતના પાંચ વર્ષ ઘણાં મુશ્કેલ હતાં કારણ કે બિઝનેસને આગળ વધારવામાં અનેક પડકારો હતા.
આ પ્રક્રિયામાં તેમને બે બાબતોને ખ્યાલ આવ્યો, લોકોને જે પ્રોડક્ટ જોઈએ છે તે એકાદ માઇલના અંતરમાં ઉપલબ્ધ હોવી જોઈએ.
તે પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવા માટે વિશ્વાસપાત્ર મૅસેન્જર જરૂરી છે.
અજૈતાએ સ્થાનિક મહિલાઓને સોલર આંત્રપ્રિન્યોર તરીકેની તાલીમ આપવાનું શરૂ કર્યું.
બે વર્ષમાં રાજસ્થાનમાં 1,000 સોલર સહેલીઓ તૈયાર થઈ ગઈ.
હું એક સોલર સહેલી સંતોષ કંવરને મળી.
તેમના ઘરે બે ગ્રાહક આવ્યા, જેમને તેમણે પડદા બંધ કરીને અંધારામાં એક પછી એક સૌર ઊર્જાથી ચાલતાં ઉપકરણો ચલાવી બતાવ્યાં.
તેઓ કહે છે કે, આ કામ સરળ નથી. અમારે વારંવાર ગ્રામજનો પાસે જવું પડે છે.
લોકોને સૌર ઊર્જાથી ચાલતાં ઉપકરણોનો ઉપયોગ કરવા માટે મનાવવા પડે છે.
તેઓ કહે છે, "મારે લોકોને સમજાવવું પડે છે કે, રીચાર્જેબલ બૅટરી પાવરથી ચાલતી ટૉર્ચની જેમ સોલર ટૉર્ચને ચાર્જ કરવા માટે વીજળીની જરૂર પડતી નથી."
" દુકાનોમાં વેચાતી બૅટરીની દુકાનદાર ગેરેંટી આપતા નથી, જ્યારે અમે આપીએ છીએ."

સોલર સહેલીની વાતોની લોકો પર કેટલી અસર?

સ્થાનિક બજારમાં હું ખેડૂતોને મળી. અમારી વાતચીતનો વિષય બદલાઈ ગયો, વીજ પૂરવઠામાં નબળા રાજસ્થાન રાજ્યમાં પાવરકટની સમસ્યા પર ચર્ચા થવા લાગી.
લોકોને સોલર ઉપકરણો અંગે ખ્યાલ છે કે નહીં એ પૂછ્યું.
હકીમ સિંઘે જવાબ આપ્યો, "અમે તો રીચાર્જેબલ બૅટરી પાવરથી ચાલતી ટૉર્ચનો ઉપયોગ કરીએ છીએ પણ તેને ચાર્જ કરવા માટે વીજળી હોવી જરૂરી છે. સોલર ટૉર્ચ વિશે સાંભળ્યું નથી.
અશોક શર્મા કહે છે, "એ વિશે મેં સાંભળ્યુ છે પણ અમારા બજારમાં એ પ્રકારની ટૉર્ચ ઉપલબ્ધ નથી."

લોકો સુધી આ ઉપકરણો પહોંચાડવાનું કામ બહુ કઠિન છે.
જોકે, અજૈતાને વિશ્વાસ છે કે આ સોલર સહેલીની મદદથી તેઓ પોતાના બિઝનેસને આગળ વધારી શકશે અને લોકોને આ સમસ્યામાંથી બહાર કાઢી શકશે.
તેઓ કહે છે, "આ મહિલાઓના કામનું મૂલ્ય અમે સમજીએ છીએ. કમ્યુનિકેશન, માર્કેટિંગ, ડેટા કલેક્શન અને વસ્તુના વેચાણ બાદ અપાતી સેવાઓ પર તેઓ કામ કરે છે."
"આ પ્રોડક્ટ્સને વેચવાની વાત કરીએ તો આ મહિલાઓએ ઘરમાં કામ કરે છે અને તેમના ઘરના પુરુષો ખેતરમાં કામ કરે છે.
"એટલે ઘરથી માંડીને ખેતર સુધીમાં જરૂર પડતી તમામ પ્રોડક્ટ વિશે મહિલાઓને ખ્યાલ આવ્યો છે"
અજૈતા કહે છે કે, "ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે લાંબા સમયનો સંબંધ બાંધવા જેવી બાબત છે."
"ધારો કે આજે એ લોકો સોલર સહેલીના સંપર્કમાં આવીને અમારા પાસે સોલર ટૉર્ચ ખરી દે છે."
"6 મહિના પછી પોલટ્રી મશીનની જરૂર પડી શકે છે. 11 મહિના પછી કદાચ ઘરમાં લાઇટની જરૂર પડી શકે છે."
અજૈતાના આ પ્રોજેક્ટનો ઘણો ભાર સોલર સહેલીઓના ખભે છે.
કમિશન સાથે વેતન મળવાથી આ મહિલાઓ પોતાના ઘરમાં આર્થિક મદદ કરી રહી છે.
જોકે, સંતોષ કંવર માટે આ ફક્ત આર્થિક મુદ્દો નથી. આ કામ કરવાથી તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે છે.

તેઓ કહે છે, "હું મારા ઘરે આ પ્રોડક્ટ્સ રાખું છું અને જ્યારે હું લોકોને એ ખરીદવા માટે કહું છું તો તેઓ મારા પર વિશ્વાસ મૂકે છે. જેના કારણે હું જવાબદારી અનુભવું છું."
"મને આ કામ કરવાથી પૈસા પણ મળે છે, એક દિવસ હું પોતાની દુકાન બનાવીશ એવો વિશ્વાસ છે."
આ અહેવાલ હવામાન પરિવર્તન વિશેની બીબીસીની વિશેષ શ્રેણી 'ટેકિંગ ધ ટેમ્પરેચર' અંતર્ગત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












