મુસલમાનો ભાજપને મત નથી આપતાઃ રવિશંકર પ્રસાદ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તાજેતરમાં જ દેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે નફરત અને અસહિષ્ણુતાના કારણે આપણી રાષ્ટ્રીય ઓળખને ખતરો છે.
એવામાં બીબીસીનો જાણીતો કાર્યક્રમ 'હાર્ડટૉક' પ્રસ્તુત કરતા સ્ટીફન સકરે ભારતના કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદ સાથે વાત કરી અને પૂછ્યું કે શું આઝાદી મળ્યા બાદ ભારત આજે પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે?
સ્ટીફને પૂછ્યું કે હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટી બીજેપીના નેતા નરેન્દ્ર મોદી એવા દેશનું નેતૃત્વ કરે છે, જ્યાં 20 કરોડ બિન-હિંદુ લોકો રહે છે અને ભારત જેવા ધાર્મિક વૈવિધ્યતા ધરાવતા દેશમાં વધતા સાંપ્રદાયિક તણાવ, ધૃણા અને નફરતના કારણે દેશના અને વિદેશના ઘણા નિરીક્ષકો ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.
આ ચિંતાઓને નકારી કાઢતા રવિશંકર પ્રસાદે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી સરકાર 'સૌનો સાથ સૌનો વિકાસ'ના સૂત્રને દિલમાં રાખીને કામ કરે છે.
તો પછી તો પછી જનતાએ ચૂંટેલી ભાજપ સરકારના 282 લોકસભા સાંસદોમાંથી એક પણ સાંસદ મુસ્લિમ કેમ નથી? આ અંગે રવિશંકર પ્રસાદે માન્યું કે ભાજપને મુસલમાનોના વધારે મત મળ્યા નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
ભાજપને મુસલમાનોના વોટ કેમ નથી મળ્યા? કે પછી તેઓ મુસલમાનોના વોટ ઇચ્છતા જ નથી? શું હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટી ગણાતી બીજેપીને મુસલમાનોના સમર્થનની જરૂર જ નથી?
ભારતમાં મુસલમાનોની વસતી જો આશરે 20 કરોડ છે તો પછી તેમની અવગણના કરવાનું કારણ શું છે?
આ અંગે રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભલે મુસલમાનોએ તેમને મત ન આપ્યા હોય પણ તેમની સરકાર હંમેશાં મુસલમાનોના વિકાસ માટે કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાયદા મંત્રીનો દાવો છએ કે તેમની પાર્ટી વિરુદ્ધ ચલાવવામાં આવેલા અભિયાનોના કારણે મુસલમાન લોકો ભાજપને વોટ આપતા નથી.

સત્તા દાનમાં નથી મળી

ઇમેજ સ્રોત, Getty Images
રવિશંકર પ્રસાદે કહ્યું કે જનતાના જોરદાર સમર્થનથી કેન્દ્ર સરકારમાં સત્તામાં આવેલો ભાજપ, ચાર રાજ્યો સિવાય તમામ રાજ્યોમાં ચૂંટણી જીત્યો છે.
તેમણે કહ્યું "અમને આ બધું દાનમાં નથી મળ્યું, અમે તો જનતાના પ્રેમ અને સહકારથી જ બધું હાંસલ કર્યું છે."
રવિશંકર પ્રસાદનો દાવો છે કે તેમની સરકારે કરેલા વિકાસના કારણે જ જનતાએ તેમને દર વખતે જીતાડ્યા છે. તેમણે પોતાની સરકારે ચલાવેલી અનેક યોજનાઓ પણ ગણાવી.

ઇમેજ સ્રોત, Getty Images
પણ તાજેતરમાં થયેલી કર્ણાટકની ચૂંટણીમાં ભાજપના એક નેતાનું નિવેદન તેમના આ દાવાઓ પર પ્રશ્નાર્થ સર્જે છે.
એક ચૂંટણી સભામાં ભાજપના નેતા સંજય પાટીલે કહ્યું હતું કે આ ચૂંટણીના મુદ્દાઓમાં રસ્તા, પાણી જેવા મૂળભૂત પ્રશ્નો નથી. આ ચૂંટણીમાં હિંદુ વિરુદ્ધ મુસ્લિમ છે.
આ સવાલના જવાબમાં રવિશંકર પ્રસાદે કહ્યું, "પાર્ટી સાથે જોડાયેલી એક વ્યક્તિના નિવેદનના આધારે સંપૂર્ણ પાર્ટીની વિચારધારા નક્કી કરવી એ યોગ્ય બાબત નથી."
તેમણે પોતાની વાતનું પુનરાવર્તન કરતા કહ્યું, "અમારી સરકાર વિકાસ કરવા આવી છે અને લોકોના વોટ પણ વિકાસના નામે જ મળ્યા છે."

હિંસાનો શિકાર બનેલા મુસલમાનોને ક્યારે મળશે ન્યાય?

માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના તાજેતરના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, એપ્રિલ - 2017થી અત્યાર સુધીમાં ગૌહત્યા અને ગૌમાંસ રાખવાની શંકાને કારણે લોકોનાં ટોળાએ કમસેકમ 10 મુસલમાનોની ઢોરમાર મારીને હત્યા કરી છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ, એ પૈકીની ઘણી ઘટનાઓમાં ભાજપના ગૌરક્ષા અભિયાનથી પ્રોત્સાહિત ગૌરક્ષકોનો હાથ હતો.
રવિશંકર પ્રસાદે આ બાબતે જણાવ્યું હતું કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓના અહેવાલો પર વિશ્વાસ ન કરવો જોઈએ.
તેમણે આક્ષેપ કર્યો હતો કે "ભારતના માનવાધિકાર સંબંધી મામલાઓમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું વલણ હંમેશા ભેદભાવપૂર્ણ રહ્યું છે."
રવિશંકર પ્રસાદે કહ્યું હતું, "રાઇઝિંગ કાશ્મીર અખબારના તંત્રી શુજાત બુખારીની હત્યાના મામલામાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ચૂપ રહી છે.”
"તે એટલે ચૂપ રહી છે, કારણ કે શુજાત બુખારીની હત્યા ચરમપંથીઓએ કરી હતી.”
"ભારતીય સૈન્યના એક બહાદુર જવાન ઔરંગઝેબની બરાબર ઈદ પહેલાં ચરમપંથીઓએ હત્યા કરી ત્યારે પણ એમ્નેસ્ટી ઇન્ટનેશનલ ચૂપ રહી હતી.”
"ઉગ્રવાદથી પીડિત ભારતીયોના માનવાધિકાર સંબંધે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ચૂપ રહે છે. આ ભેદભાવપૂર્ણ વલણ જગજાહેર છે."

વડાપ્રધાનના મૌનનું શું?

ઇમેજ સ્રોત, Reuters
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કથિત હિંદુ રાષ્ટ્રવાદીઓ દ્વારા કરવામાં આવતા સાંપ્રદાયિક હુમલાઓ વિશે કંઈ બોલવાથી બચતા રહે છે.
આ સંબંધે કરવામાં આવેલા સ્ટીફનના સવાલ બાબતે રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે વડા પ્રધાન ચૂપ નથી. એક જાહેરસભામાં એવા લોકોને ચેતવણી આપતાં તેઓ કહી ચૂક્યા છે કે "તેમની હત્યા ન કરો. હિંમત હોય તો મારા પર હુમલો કરો."
રવિશંકર પ્રસાદના જણાવ્યા મુજબ, આવા ઘણા કિસ્સામાં હુમલાખોરોને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે.
જોકે, આજીવન કારાવાસની સજા તો એક જ કિસ્સામાં કરવામાં આવી છે ત્યારે મોટાભાગના મામલાઓમાં પીડિતોના પરિવારોને ન્યાય ક્યારે મળશે?
આ સવાલના જવાબમાં કાયદા પ્રધાને કહ્યું હતું કે "બધા મામલાઓ કોર્ટમાં છે અને મામલાની નિષ્પક્ષ તપાસ પછી જ સજાનો ફેંસલો કરવામાં આવશે."

સુસ્ત ન્યાય વ્યવસ્થા

ઇમેજ સ્રોત, EPA
ભારતની ન્યાય વ્યવસ્થા એટલી ધીમી છે કે પીડિતોને ન્યાય મળવામાં વર્ષો લાગી જાય છે. માત્ર સુપ્રીમ કોર્ટમાં જ 55 હજાર કેસ વિચારાધિન છે. નીચલી કોર્ટોમાં એવા કેસીસની સંખ્યા કરોડોમાં છે.
આ ઢીલી ન્યાય વ્યવસ્થાનું કારણ એ છે કે ભારતમાં પ્રત્યેક 10 લાખ લોકો માટે માત્ર એક જજ છે.
દેશની તમામ જેલોમાં કેદ લગભગ બે-તૃતિયાંશ આરોપીઓ તેમના કેસનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે.
હાલમાં જ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ મુખ્ય ન્યાયમૂર્તિમાં અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટને બચાવવામાં નહીં આવે તો લોકતંત્ર ખતમ થઈ જશે.

ઇમેજ સ્રોત, Getty Images
રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે દેશની કાયદો-વ્યવસ્થાની હાલત ઢીલી છે તેનો તેઓ સ્વીકાર કરે છે, પણ તેને ઠીક કરવાનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.
રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે "ડિજિટલ ટેક્નોલોજીની મદદથી દેશની ન્યાય વ્યવસ્થાને ગતિ આપવાના પ્રયાસ હું કરી રહ્યો છું."
કાયદા પ્રધાને દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટ, તમામ હાઈ કોર્ટ અને 16 હજાર જિલ્લા અદાલતોના કામકાજને ડિજિટલ બનાવી દેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે "અમે ન્યાયમૂર્તિઓની સંખ્યા વધારવામાં આવી છે, કોર્ટમાં બહેતર મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, કોર્ટના હોલની સંખ્યા વધારવામાં આવી છે."

ભ્રષ્ટાચારની ઊધઈ

ઇમેજ સ્રોત, AFP
કાયદા મંત્રી દેશની સુસ્ત કાયદા-વ્યવસ્થાને ઠીક કરવાની વાત તો કરે છે પણ આ ઇંટરવ્યૂ દરમિયાન તેઓ ભ્રષ્ટાચારના સમાચારોને ટાળતા દેખાય છે.
એક સર્વેમાં ભારતીયોમાંથી 42 લોકોએ જણાવ્યું કે તેમણે કોર્ટમાં પોતાનું કામ કરાવવા માટે લાંચ આપવી પડે છે.
આ સિવાય અન્ય એક સર્વેમાં દાવો કરાયો કે પોલીસ ખાતામાં 25 ટકા જેટલી જગ્યા ખાલી છે.
જ્યારે ભારત સરકારે સંસદને જણાવ્યું હતું કે પોલીસ દળમાં 20 લાખ જેટલા અધિકારીઓ વધી જશે.

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે રવિશંકર પ્રસાદે કહ્યું, "હું આખા દેશની કાયદા-વ્યવસ્થાને કાબૂમાં નથી કરી શકતો. ભારત એક સંઘીય રાજ્ય છે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી એ રાજ્ય સરકારનું કામ છે."
તો શું કાયદો-વ્યવસ્થાની યોગ્ય જાળવણી કરવાની કોઈ શક્તિ કેન્દ્રિય મંત્રી કાયદા મંત્રી પાસે નથી?
રવિશંકર પ્રસાદે કહ્યું કે તેઓ માત્ર એટલું જ કરી શકે છે કે રાજ્યોને મૂળભૂત સુવિધાઓ આપે અને લોકોને ટ્રેનિંગ આપી શકે છે.
તેમણે કહ્યું, "વડા પ્રધાને જાતે રાજ્યોના પોલીસ ખાતાઓને તેમની સામેના પડકારોનો સામનો કરવાનો રસ્તો બતાવ્યો છે."

મહિલાઓની સુરક્ષા અંગે ભારતની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સામે આવી રહેલાં તમામ પડકારોમાં સૌથી મોટો પડકાર મહિલાઓની સુરક્ષા અંગેનો છે.
તાજેતરમાં 550 નિષ્ણાતો સાથે કરાયેલા એક ગ્લોબલ સર્વેમાં કહેવામાં આવ્યું કે ભારત મહિલાઓ માટે દુનિયાનો સૌથી ખતરનાક દેશ છે.
રવિશંકર પ્રસાદે કહ્યું, "આટલી મોટી દુનિયામાં માત્ર 550 લોકો સાથે વાત કરીને કહી દેવું કે કયો દેશ ખતરનાક છે અને કયો દેશ નથી, આવો સર્વે ક્યારેય પણ સચોટ ન હોઈ શકે."
તાજેતરમાં ઉત્તર ભારતના કાશ્મીરમાં આઠ વર્ષની એક બાળકી સાથે સામૂહિક બળાત્કારની વાત આવી હતી.
પોલીસ પ્રમાણે બાળકીને ઘેનયુક્ત દવા આપીને વારંવાર બળાત્કાર કરાયો. બાળકીને મારતા પહેલાં સુધી એક મંદિરમાં રાખવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે પરેશાન કરનાર વાત એ હતી કે થોડાક જ દિવસોમાં આ ઘટનાએ સાંપ્રદાયિક તણાવના રંગે રંગાઈ ગઈ હતી.
કેટલાંક સ્થાનિક ભાજપના નેતાઓએ એ હિંદુઓનો પક્ષ લીધો હતો કે જેઓ દાવો કરતા હતા કે આ એમના અધિકારોનો મામલો છે, નહીં કે પીડિત બાળકીના અધિકારોનો.
રવિશંકર પ્રસાદે કહ્યું કે આ અંગે તાત્કાલિક તપાસ કરીને તપાસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો અને એ ભાજપના નેતાઓને તેમના મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
તેમણે કહ્યું કે તેઓ આ મામલે વધારે કોઈ ટિપ્પણી નહીં કરી શકે પણ એટલું જરૂર કહી શકે છે કે બળાત્કારના કેસો અંગે તેમની સરકારો કાયદા વધુ કડક કર્યા છે.
તેમણે જણાવ્યું કે હવે જો કોઈ 12 વર્ષથી ઓછી વયની બાળકી સાથે બળાત્કાર કરે તો તેમને ફાંસીની સજા આપવામાં આવશે અને જો બાળકીની ઉંમર 12 થી 16 વર્ષ વચ્ચે હોય તો 20 વર્ષની કેદની સજાની જોગવાઈ કરાઈ છે.

કાશ્મીરમાં માનવઅધિકારોનું ઉલ્લંઘન?

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં કાશ્મીરમાં માનવ અધિકારોનાં ઉલ્લંઘન અંગે સંયુક્ત રાષ્ટ્રે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
યૂએને એક રિપોર્ટમાં કહ્યું કે ભરતીય સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના સામાન્ય નાગરિકો પર જરૂર કરતા વધારે બળ પ્રયોગ કર્યા, જેના કારણે ઘણા લોકોનું મૃત્યુ થયું અને ઘણા લોકો ઘાયલ થયા.
સંયુક્ત રાષ્ટ્રે આ અંગે આંતરરાષ્ટ્રીય તપાસ કરવાની વાત પણ કરી હતી.
ભારતના કાયદા મંત્રીએ આ રિપોર્ટને નકારી કાઢી અને કહ્યું કે આ રિપોર્ટ ખોટી નિયતથી તૈયાર કરાયો હતો. તેમને આરોપ છે કે આ રિપોર્ટ તૈયાર કરનાર વ્યક્તિનો ભારત વિરુદ્ધ કોઈ એજન્ડા હતો.
તેમણે જણાવ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સામે આ રિપોર્ટનો વિરોધ કરી ચૂક્યું છે.
રવિશંકર પ્રસાદે કહ્યું, "કાશ્મીરના યુવાનો આજે પણ સુરક્ષા દળોમાં ભરતી થઈ રહ્યા છે અને રમતગમતમાં પણ રસ લઈ રહ્યા છે. પાકિસ્તાન અહીંનો માહોલ ખરાબ કરવા માટે એક એજન્ડા અંતર્ગત કામ કરે છે."

"સ્વતંત્રતા બાદનો સૌથી અંધારિયો યુગ"

ઇમેજ સ્રોત, AFP/Getty Images
થોડાં સમય પહેલાં 49 નિવૃત્ત સિવિલ સેવા અધિકારીઓએ વડા પ્રધાન મોદીને ખુલ્લો પત્ર લખ્યો અને તેમના પર ડર અને નફરતનું વાતાવરણ પેદા કરવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું કે ભારતમાં આઝાદી પછી આજે સૌથી અંધારિયો યુગ છે.
રવિશંકર પ્રસાદે આ સેવાનિવૃત્ત અધિકારીઓના આરોપોને નકારતા કહ્યું કે એમાંથી 90 ટકાએ 2014ની સમાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મત ન આપવા માટે લોકોને અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે દેશમાં 200થી વધારે એવા સિવિલ સેવા અધિકારી છે જેઓ મોદી સરકારની નીતિઓમાં વિશ્વાસ ધરાવે છે અને તેમની પ્રશંસા પણ કરે છે.

તો પછી જનતાનો વિશ્વાસ કેવી રીતે ઓછો થયો?

ઘણાં સર્વે દર્શાવે છે કે દેશની જનતાનો વિશ્વાસ મોદી સરકારમાંથી ઓછો થઈ ગયો છે. ખેડૂતો સહિત સામાન્ય જનતાનું માનવું છે કે 2014માં નરેન્દ્ર મોદીએ કરેલા વાયદા પૂરા થયા નથી.
સરકાર દાવો કરે છે કે વીતેલા વર્ષોમાં ભ્રષ્ટાચારની કમર તૂટી છે. પણ ઘણાં સર્વેમાં બહાર આવ્યું છે કે હજું પણ દરેક સ્તર પર ભ્રષ્ટાચાર છે.
રવિશંકર પ્રસાદે આ તથ્યો પર ટિપ્પણી કરતા કહ્યું કે, "જો બંગાળની મમતા સરકાર કંઈ કરે છે તો એ માટે કેન્દ્રની ભાજપ સરકાર પર આરોપ લગાવી શકાય નહીં."
તેમણે દાવો કર્યો છે કે મોદી સરકારના આવ્યા બાદ ડિજિટલ ટેક્નિકની મદદથી ભ્રષ્ટાચાર ખતમ કરવાના પ્રયાસો કર્યા અને ઘણાં અંશે સફળતા પણ મળી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















