સંસદમાં સરકાર સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ રદ્દ, મોદી સરકાર પાસ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Lok Sabha TV

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

લોકસભામાં શુક્રવાર સવારથી ચાલી રહેલી અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચામાં વિવિધ પક્ષોના નેતાઓ ભાગ લીધો ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આ ચર્ચાના જવાબમાં પોતાનું વક્તવ્ય આપ્યા બાદ થયેલા મતદાનમાં અવિશ્વાસનો પ્રસ્તાવ 325 વિરુદ્ધ 126 મતથી ખારિજ કરવામાં આવ્યો હતો. આ મતદાનમાં કુલ 451 સભ્યોએ ભાગ લીધો હતો. જ્યારે બાકીના સભ્યો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા.

શુક્રવારે સવારે 11 વાગ્યાથી પ્રસ્તાવ પરથી શરૂ થયેલી ચર્ચા મોડી સાંજે 11 વાગ્યે મતદાનથી પૂર્ણ થઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા બાદ પોતાના જવાબમાં વિગતવાર જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું, “30 વર્ષ બાદ પૂર્ણ બહુમતીથી બનેલી સરકારે જે ગતિએ કામ કર્યું છે એના પર ફરી વિશ્વાસ પ્રગટ કરીએ. વિકાસ પ્રત્યે વિરોધના ભાવ સામે નકારાત્મકતા છે દેશમાં એ જોવા મળ્યું.”

“નકારાત્મક રાજનીતિ કરનારાઓનો ચહેરો સામે આવ્યો છે. મોટા વર્ગે પ્રસ્તાવનો વિરોધ કર્યો. દેશમાં કેવી નકારાત્મક્તા છે એ જોવા મળ્યું છે.”

પોતાના જવાબમાં શાયરી કહીને તેમણે ઉમેર્યું, “ન માંઝી ન રહબર ન હક મેં હવાયેં, હૈં કસ્તી ભી ઝર યે કૈસા સફર હૈં.”

તેમણે જણાવ્યું, “ના અહીં કોઈ ઉઠાવી શકે એમ છે કે ના કોઈ બેસાડી શકે એમ છે. સવાસો કરોડ લોકો જ અહીં બેસાડી શકે છે. એ લોકોનો અહંકાર જ છે જે કહે છે, અમે ઊભા થઈશું તો વડાપ્રધાન પંદર મિનિટ પણ ઊભા નહીં રહી શકે.”

મોદીએ કહ્યું, “મૈં ખડા ભી હું ઔર ચાર સાલ કે કામ પર અડા ભી હું. (હું ઊભો પણ છું અને ચાર વર્ષ સુધી જે કામ કર્યું છે એના પર અડગ પણ છું.)”

શું તમે આ વાંચ્યું?

તેમણે નામ લીધા વિના ઉમેર્યું, “જે લોકો પર વિશ્વાસ પર નથી કરતા અને ખુદને ભાગ્યવિધાતા ગણે છે એના જ મોંમાંથી એવા શબ્દો નીકળે કે 2019માં સત્તામાં નહીં આવવા દઈએ.”

“આ સરકારનો ફ્લોર ટેસ્ટનો નથી કોંગ્રેસનો પોતાના કથિત સાથીઓનો ફ્લોર ટેસ્ટ છે. હું જ વડાપ્રધાન બનીશ એ સપના પર મહોર મારવા પર ટ્રાયલ ચલાવાઈ રહી છે.”

વડા પ્રધાનના ભાષણમાં વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવીને વિક્ષેપ પાડ્યો હતો. વડા પ્રધાને ચાર વર્ષમાં તેમની સરકારે કરેલા કાર્યો અને સિદ્ધિઓ ગણાવ્યા હતા.

તેમણે કહ્યું કે, “મોદીને હટાવવા વિવિધ ધરીઓને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારી પાસે સંખ્યા છે એટલે અમે અહીં છીએ. સવાસો કરોડ દેશવાસીઓના આશિર્વાદ છે એટલે અહીં છીએ.”

“અમે સબકા સાથ સબકા વિશ્વાસ મંત્ર પર કામ કર્યું. સાથીઓની પરીક્ષા કરવા અવિશ્વાસનો પ્રસ્તાવ ના લાવો.”

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, EPA

તેમણે 18000 ગામોમાં વીજળી પહોંચાડવાનું કામ, ઉત્તર-પૂર્વના રાજ્યોના વિકાસ, આ ગામોની કનેક્ટિવિટીમાં ઝડપથી કામ કર્યું છે. જનધન યોજના, આઠ કરોડ શૌચાલય, ઉજ્જ્વલા યોજના, 20 કરોડ ગરીબોને એક રૂપિયા મહિના પ્રિમિયમથી વિમાનું કવચ, મુદ્રા યોજના, એક મહિનામાં 41 કરોડો લોકોનનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, અર્થવ્યવસ્થામાં ભારતનો છઠ્ઠા ક્રમ જેવા મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ રાહુલ ગાંધીએ ચર્ચા દરમિયાન તેમના પર કરેલી “ચોકીદાર નહીં પણ ભાગીદાર” હોવાની ટિપ્પણીના જવાબમાં કહ્યું, “અમે દેશના ગરીબોના દુઃખમાં ભાગીદાર છીએ આ દેશના વિકાસમાં ભાગીદાર છીએ. તમારી જેમ સોદાગર અને ઠેકેદાર (કોન્ટ્રાક્ટર) નથી.”

તેમણે આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની વાત કરતા જણાવ્યું કે એનડીએ સરકાર વચનબદ્ધ છે કે, આંધ્ર પ્રદેશ અને તેલંગાનાના વિકાસમાં કોઈ જ કમી નહીં આવે.

વડા પ્રધાન કાર્યાલયે પણ આ મામલે ટ્વીટ કર્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આ અગાઉ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ચર્ચામાં પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળીને એક નવી ચર્ચા છેડી દીધી હતી.

જોકે, કાર્યવાહી દરમિયાન લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને રાહુલ ગાંધી અને કોંગ્રેસને ટકોર કરીને ઠપકો આપ્યો.

તેમણે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ વડા પ્રધાનને ભેટવું મારી સમજમાં ન આવ્યું. સંસદની એક ગરિમા હોય છે, વડા પ્રધાનના પદનું માન હોય છે. રાહુલ ગાંધીનું વડા પ્રધાનને ભેટવું અને પાછા આવીને આંખ મિચકારવી એ યોગ્ય ચેષ્ટા નહોતી.

પ્રસ્તાવ પરની ચર્ચામાં અત્યાર સુધી રાહુલ ગાંધી ઉપરાંત ભાજપના રાકેશ સિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારામન, અકાલી દળનાં નેતા હરસિમરત કૌર, તૃણમૂલ કોંગ્રેસના સંસદ સભ્ય સૌગત રાય, ટીઆરએસના સંસદ સભ્ય વિનોદકુમાર, સમાજવાદી પક્ષના નેતા મુલાયમ સિંહ યાદવ, પશ્ચિમ બંગાળના રાયગંજના માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના સંસદ સભ્ય મોહમ્મદ સલીમે અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પર આજે લોકસભામાં ચર્ચા શરૂ થઈ એ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આજના દિવસને 'મહત્ત્વપૂર્ણ' ગણાવ્યો હતો.

કોંગ્રેસ તરફથી ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'ચોકીદાર નથી ભાગીદાર છે.'

ભાષણ પૂર્ણ કર્યાં બાદ રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાને પહોંચીને તેમને ભેટ્યા હતા.

મોદી તથા રાહુલની તસવીર

ઇમેજ સ્રોત, LSTV

લોકસભામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તની નોટિસ તેલુગુ દેશમ્ પક્ષે આપી છે. કોંગ્રેસ સહિતના અન્ય વિરોધ પક્ષોએ તેને ટેકો આપ્યો છે.

સંસદના ચોમાસું સત્રનાં પહેલાં દિવસે બુધવારે મોબ લિંચિંગ તથા અન્ય મુદ્દાઓ સંબંધે ગૃહમાં જોરદાર ધમાલ થઈ હતી.

એ દરમ્યાન કેન્દ્રમાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત વિશે ચર્ચાની નોટિસનો લોકસભામાં સ્વીકાર કરવામાં આવ્યો હતો.

line

'ચોકીદાર નથી, ભાગીદાર છે'

લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન

ઇમેજ સ્રોત, @LOKSABHA/TWITTER

ઇમેજ કૅપ્શન, લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન
  • ચર્ચા દરમિયાન કોંગ્રેસ વતી રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો હતો. તેમણે કહ્યું, "તમે કહ્યું કે વડા પ્રધાનના શબ્દનો અર્થ હોવો જોઈએ, આ સવાલ જ આખો દેશ પૂછી રહ્યો છે.
  • "દરેકના ખાતામાં રૂ. 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં. જુમલા નંબર સ્ટ્રાઇક નંબર 1, જુમલા સ્ટ્રાઇક નંબર 2 બે કરોડ લોકોને રોજગાર."
  • વડા પ્રધાને કહ્યું હતું કે 'હું દેશનો ચોકીદાર છું, પરંતુ જ્યારે અમિત શાહના પુત્ર જય શાહ 50...' ભાજપના સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો. મિત્રના પુત્રની આવક વધે તો વડા પ્રધાનના મોઢામાંથી એક પણ શબ્દ નથી નીકળતો.
  • રાહુલ ગાંધીએ એક તબક્કે કહ્યું હતું, 'ચોકીદાર નથી, ભાગીદાર છે.'
  • તમારી અંદર ગુસ્સો છે, તમારે મન હું પપ્પુ છું, ગાળો આપી શકો છો, પરંતુ મારા મનમાં ક્યારેય તમારા પ્રત્યે ગુસ્સો કે નફરત નહીં આવે કારણ કે હું કોંગ્રેસી છું. એ ભાવના અમારામાં છે, તમારી અંદરથી નફરતની ભાવના કાઢીને રહીશ.
  • આટલું બોલ્યા પછી રાહુલ ગાંધી બેઠક પરથી ઊભા થઈને વડા પ્રધાન મોદીની બેઠક સુધી ગયા હતા અને તેમને ભેટ્યા હતા, જોકે મોદી ઊભા થયા ન હતા.
  • સાઉથના હિરો પવન કલ્યાણ અને ગુજરાતી હિરોઈનના છૂટાછેડા બાદની કહાણી
  • જાણો ગુજરાતની એ ગાય વિશે જે બની બ્રાઝિલની કામધેનુ
  • રાહુલ ગાંધી ગળે મળીને નીકળ્યા એ પછી મોદીએ તેમને પરત બોલાવ્યા હતા અને કાનમાં કંઈક કહીને હસવા લાગ્યા હતા.
  • સ્થાન પર પરત આવીને રાહુલ ગાંધીએ કહ્યું હતું, હિંદુ હોવાનો એ મતલબ નથી કે તમે મારી ઉપર કાંઈ પણ ફેંકશો અને હું તમને ગળે મળીશ.
  • વડા પ્રધાન શૂટ-બૂટવાળા માત્ર 15-20 લોકો સાથે જ વાત કરે છે. ગરીબોની વાત તેમના સુધી પહોંચતી નથી.
  • જિયોની જાહેરાત પર વડા પ્રધાનની તસવીર છપાય શકે છે, પરંતુ ગરીબોને માટે તેમના હૃદયમાં જરા પણ જગ્યા નથી.
  • વડા પ્રધાન તથા ભાજપના અધ્યક્ષ પ્રકારના રાજનેતા છે. અમે અલગ પ્રકારના રાજનેતા છે, અમે સત્તાની બહાર રહી શકીએ છીએ. પરંતુ બંને સત્તા છોડી નથી શકતા.
  • લોકોને ફટકારવામાં આવે છે, દબાવવામાં આવે છે, પરંતુ વડા પ્રધાનના મોંમાંથી એક શબ્દ પણ નથી નીકળતો.
line
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદીય બાબતોના પ્રધાન અનંત કુમાર અને અન્ય પ્રધાનો સાથે

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદીય બાબતોના પ્રધાન અનંત કુમાર અને અન્ય પ્રધાનો સાથે
  • જાદુથી વડા પ્રધાને રાફેલની ખરીદકિંમત રૂ.1600 કરોડ કરી નાખી. આ મા ગુપ્તતાના કરારનું કારણ આગળ કર્યું, પરંતુ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મને કહ્યુ કે આવા કોઈ કરાર નથી થયા. સંરક્ષણ પ્રધાન ખોટું બોલ્યાં છે.
  • હિંદુસ્તાનના યુવાનોએ વડા પ્રધાન પર ભરોસો કર્યો હતો, પણ માત્ર ચાર લાખ લોકોને રોજગાર મળ્યો છે. જ્યાં જાય છે, ત્યાં રોજગારની વાત કરે છે, ક્યારેક કહે છે કે ભજીયા તળો.
  • હાલમાં સાત વર્ષમાં સૌથી વધુ બેરોજગારી પ્રવર્તી રહી છે. કોંગ્રેસ પાર્ટી જીએસટી લાવી હતી, અમે ઇચ્છતા હતા કે પેટ્રોલ તથા ડીઝલ તેના હેઠળ આવે. પરંતુ ગુજરાતના મુખ્ય મંત્રીએ (એ સમયે મોદી હતા) તેનો વિરોધ કર્યો હતો. તેના કારણે કરોડો લોકો બરબાદ થયા.
  • રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું હતું, "આપ સર્વેને વિનંતી કરવા માગીશ કે આરોપ લગાવો તો તેના પુરાવા હોવા જોઈએ તથા ભાષા યોગ્ય રાખો."
  • તેમના નિવેદને પગલે હોબાળો થયો હતો, જેનાં કારણે ગૃહને દસ મિનિટ માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું.
line

વિશ્વાસ પ્રસ્તાવની સાથે-સાથે

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

- વિશ્વાસમત પૂર્વે બીજુ જનતાદળના સભ્યોએ વોક-આઉટ કર્યું હતું.

- છ વાગ્યે મતદાન થશે, આ માટે લંચબ્રેક રદ કરવામાં આવ્યો છે.

- આ પહેલા ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લાએ આમ આદામી પાર્ટી, સીપીઆઈ, સીપીએમ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી તથા તૃણમુલ કોંગ્રેસના ટેકાથી અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

- ટીડીપીએ આંધ્ર પ્રદેશ સાથે કેન્દ્ર દ્વારા અન્યાયનો આરોપ મૂકીને તેની સરખામણી 'ધર્મયુદ્ધ' સાથે કરી છે. જયદેવે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર માટે 'લિટમસ ટેસ્ટ' છે.

- મોદીએ લખ્યું, "સંસદીય લોકશાહી માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. મને ખાતરી છે કે આજે સાંસદો સર્જનાત્મક, સર્વગ્રાહી તથા વિક્ષેપવિહીન ચર્ચા કરશે.

"આપણે દેશની જનતા તથા બંધારણનાં ઘડવૈયાઓ પ્રત્યે જવાબદાર છીએ. દેશની નજર આપણી પર હશે."

line

મોદી સરકાર વિરુદ્ધની પહેલી દરખાસ્ત

મોદી અને શાહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગત ચાર વર્ષમાં મોદી સરકાર સામેની અવિશ્વાસની આ પહેલી દરખાસ્ત છે, જેનો સ્પીકરે સ્વીકાર કર્યો હોય.

આ અગાઉ મોદી સરકારને ચાર વર્ષ પૂરા થવાના બરાબર બે મહિના પહેલાં એટલે કે 16 માર્ચે તેના વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાનો પ્રયાસ થયો હતો.

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાથી નારાજ તેલુગુ દેશમ્ પક્ષ માર્ચમાં જ એનડીએથી અલગ થઈ ગયો હતો.

પછી અન્ય વિરોધ પક્ષોની મદદ વડે તેણે અવિશ્વાસની દરખાસ્તની નોટિસ આપી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, એ દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે લોકસભામાં સતત ધમાલ ચાલતી હતી અને ગૃહની કાર્યવાહી બે વખત મોકૂફ રાખવી પડી હતી.

એ દરમ્યાન સ્પીકરે અવિશ્વાસની દરખાસ્તનો અસ્વીકાર કર્યો હતો અને ગૃહની કાર્યવાહી દિવસભર માટે મોકૂફ રાખી હતી.

line

લોકસભામાં સંખ્યાબળ

તેલુગુ દેસમ પક્ષના વડા ચંદ્રાબાબુ નાયડુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેલુગુ દેસમ પક્ષના વડા ચંદ્રાબાબુ નાયડુ

હવે સવાલ એ થાય કે અવિશ્વાસની દરખાસ્તને નિષ્ફળ બનાવવા માટે મોદી સરકાર પાસે પૂરતું સંખ્યાબળ છે કે કેમ? આ દરખાસ્તથી કેન્દ્ર સરકાર પર કોઈ જોખમ તો નથીને?

લોકસભામાં કુલ 543 બેઠકો છે. તેમાં નવ બેઠકો હજુ ખાલી છે. તેનો અર્થ એ થયો કે વર્તમાન લોકસભામાં કુલ 534 સંસદસભ્યો છે.

એ રીતે લોકસભામાં સામાન્ય બહુમતિનો આંકડો 534નો અરધો એટલે કે 268 થાય છે.

હાલ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સૌથી મોટો પક્ષ છે. તેની પાસે 272 વત્તા એક (સ્પીકર) એમ 273 સંસદસભ્યો છે.

તેમાં એનડીએના સહયોગી પક્ષોના સંસદસભ્યોનો ઉમેરો કરીએ તો એનડીએનું કુલ સંખ્યાબળ 311નું થાય છે.

સહયોગી પક્ષોમાં શિવસેનાના 18, એલજેપીના 6, અકાલી દળના 4, આરએલએસપીના 3, જેડીયુના 2, અપના દલના 2 અને એનઆર કોંગ્રેસ, પીએમકે તથા એનપીપીના એક-એક સભ્યોનો સમાવેશ થાય છે.

સહયોગી પક્ષોના સભ્યોને બાદ કરીએ તો પણ ભાજપ તેની પોતાની સભ્યસંખ્યાના બળે વિશ્વાસનો મત મેળવી લેશે.

ટેક્નિકલ રીતે વિચારીએ તો અવિશ્વાસની આ દરખાસ્તથી કેન્દ્ર સરકાર પર કોઈ જોખમ નથી.

line

અવિશ્વાસની દરખાસ્ત એટલે શું?

સંસદ ભવનનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

લોકસભામાં કેન્દ્ર સરકાર અને વિધાનસભામાં રાજ્ય સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત વિરોધ પક્ષ રજૂ કરતો હોય છે.

સરકાર પાસે ગૃહ ચલાવવા માટે જરૂરી બહુમત નથી કે ગૃહ સરકારમાંનો વિશ્વાસ ગુમાવી ચૂક્યું છે એવું વિરોધ પક્ષને લાગે, ત્યારે તે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરે છે.

આ દરખાસ્ત રજૂ કરવા માટે કમસેકમ 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.

હવે અવિશ્વાસની દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે, ત્યારે ગૃહમાં જરૂરી સંખ્યાબળ પોતે ધરાવે છે એ સત્તાધારી પક્ષે સાબિત કરવું પડશે.

અવિશ્વાસની દરખાસ્ત વિશે ચર્ચા પછી તેના પર મતદાન થશે અને સાદી બહુમતીવડે નિર્ણય કરવામાં આવશે.

ગૃહ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરશે તો સરકાર પડી જશે. તેનો અર્થ એ થયો કે મોદી સરકારનું શાસન ચાલુ રહે એ માટે અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ રહે તે જરૂરી છે.

line

બંધારણ અને અવિશ્વાસની દરખાસ્ત

લોકસભાની અંદરનું દૃશ્ય

ઇમેજ સ્રોત, LOKSABHA TV/BBC

બંધારણમાં અવિશ્વાસની દરખાસ્તનો કોઈ ઉલ્લેખ નથી. હા, અનુચ્છેદ 118 હેઠળ દરેક ગૃહ તેની પ્રક્રિયાના નિયમો બનાવી શકે છે.

અવિશ્વાસની દરખાસ્ત સંબંધી નિયમ 198 હેઠળ એવી વ્યવસ્થા છે કે ગૃહનો કોઈ પણ સભ્ય સરકાર વિરુદ્ધ અવિશ્વાસની નોટિસ લોકસભાના અધ્યક્ષને આપી શકે છે.

તેની શરત એ છે કે અધ્યક્ષ એ નોટિસને ગૃહની જે દિવસની કાર્યવાહીનો હિસ્સો બનાવે અને તે ગૃહમાં રજૂ થાય તો તેને 50 સભ્યોનું સમર્થન મળવું જરૂરી છે.

અલબત, લોકસભામાં ધમાલ અને સંભ્રમ (મતલબ કે અધ્યક્ષ 50 સભ્યોની સ્પષ્ટ ગણતરી કરવામાં અસમર્થ હોય)ની સ્થિતિમાં અવિશ્વાસની દરખાસ્તની ચર્ચા કરી શકાતી નથી.

અવિશ્વાસની સૌપ્રથમ દરખાસ્ત

ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈંદિરા ગાંધી

ભારતીય સંસદમાં અવિશ્વાસની સૌપ્રથમ દરખાસ્ત ઓગસ્ટ, 1963માં જે. બી. કૃપલાણીએ રજૂ કરી હતી.

તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સરકાર સામેની અવિશ્વાસની એ દરખાસ્તની તરફેણમાં માત્ર 62 મત, જ્યારે વિરોધમાં 347 મત પડ્યા હતા.

પંડિત જવાહરલાલ નેહરુ સરકાર વિરુદ્ધની એ દરખાસ્ત પછી સંસદમાં અત્યાર સુધી અનેકવાર અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

2014માં સત્તા પર આવેલી નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ આ પહેલીવાર અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે.

line

કોની વિરુદ્ધ અવિશ્વાસની સૌથી વધુ દરખાસ્ત?

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી

ઇંદિરા ગાંધીની કોંગ્રેસ સરકારે અવિશ્વાસની સૌથી વધુ દરખાસ્તોનો સામનો કરવો પડ્યો હતો. તેમના વિરુદ્ધ અવિશ્વાસની 15 દરખાસ્તો રજૂ થઈ હતી.

લાલ બહાદુર શાસ્ત્રી અને નરસિંહ રાવની સરકારોએ અવિશ્વાસની ત્રણ-ત્રણ દરખાસ્તોનો સામનો કર્યો હતો.

1993માં નરસિંહ રાવ તેમની સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તને બહુ ઓછી સરસાઈથી નિષ્ફળ બનાવી શક્યા હતા.

એ પછી તેમની સરકાર પર ઝારખંડ મુક્તિ મોરચાના સંસદસભ્યોને પ્રલોભન આપવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

અવિશ્વાસની દરખાસ્તો રજૂ કરવાનો વિક્રમ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના સંસદસભ્ય જ્યોતિ બસુના નામે છે. તેમણે તેમની ચારેય દરખાસ્ત ઇંદિરા ગાંધી સરકાર વિરુદ્ધ રજૂ કરી હતી.

line

મોરારજી દેસાઈ સરકારનું પતન

ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ
ઇમેજ કૅપ્શન, ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ

એનડીએ સરકારના ભૂતપૂર્વ વડા પ્રધાનઅટલબિહારી વાજપેયી વિરોધ પક્ષમાં હતા, ત્યારે તેમણે અવિશ્વાસની બે દરખાસ્ત રજૂ કરી હતી.

તેઓ પોતે વડા પ્રધાનબન્યા ત્યારે તેમણે વિશ્વાસની બે દરખાસ્ત રજૂ કરી હતી અને બન્ને વખતે નિષ્ફળ રહ્યા હતા.

વાજપેયી સરકાર વિરુદ્ધ એકવાર અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી.

બંધારણ અમલી બન્યા પછી સંસદમાં રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તો પૈકીની એકને બાદ કરતાં બાકીની તમામ નિષ્ફળ રહી હતી.

અવિશ્વાસની દરખાસ્ત 1978 સહીત મોરારજી દેસાઈ સરકાર વિરુદ્ધ કુલ બે વખત રજૂ કરવામાં આવી હતી.

પહેલી દરખાસ્ત વખતે કોઈ વાંધો આવ્યો ન હતો, પણ બીજી દરખાસ્ત વખતે તેમની સરકારમાં સામેલ ઘટક પક્ષોમાં આંતરિક મતભેદ હતા.

પોતાની હાર થશે એવું લાગતાં મોરારજી દેસાઈએ મતવિભાજન પહેલાં જ રાજીનામું આપી દીધું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો