ગુજરાત રાતે 8 વાગ્યે શું કરે છે? હવેથી એ બદલાઈ જશે

- લેેખક, અંકુર જૈન
- પદ, સર્વિસ એડિટર, બીબીસી ગુજરાતી
BBC ન્યૂઝનું પ્રથમ ગુજરાતી બુલેટિન 16 જુલાઈ, સોમવારે GSTV પર સાંજે 8 વાગ્યે લૉન્ચ કરાયું.
દુનિયા માટે સાંજ ભલે મયની મહેફિલો માંડવાનો અવસર હોય, 'ડ્રાય સ્ટેટ' ગુજરાતે સાંજને આગવી રીતે આહ્લાદક બનાવી લીધી છે.
બંગાળની જેમ ભલે આપણી પાસે મન્નાડેના 'કૉફી હાઉસ અડ્ડા'વાળો વિચાર ના હોય, પણ સાંજે ગુજરાતીઓમાં થતી 'ચાય પે ચર્ચા'નો આગવો દબદબો હોય છે.
'કટિંગ ચા' અને ફરસાણની જયાફત સાથે ગુજરાતીઓની સાંજ શરૂ થાય છે.
ગુજરાતીઓની આ જ જયાફતો અને ચર્ચાઓ હવે એકદમ 'કડક' બની જવાની છે, કારણ કે તેમા હવે તર્કનો 'તડકો' લગાવાશે, સ્ટોરીઝની વાતો થશે અને નવીન દૃષ્ટિકોણ ઉમેરાશે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી એનું પ્રથમ ટીવી બુલેટિન લૉન્ચ કરી દીધું છે. હવેથી, સોમવારથી શુક્રવાર સુધી સાંજે આઠ વાગ્યે GSTV પર 30 મિનિટના બીબીસી સમાચાર રજૂ થશે.

ગુજરાત અને વિવિધતા

ઇમેજ સ્રોત, Getty Images
એક બાજુ ઘુઘવાતો અરબી સમંદર તો બીજી બાજુ સૂકુંભટ રણ. વિવિધતા એ ગુજરાતની વિશેષતા છે.
અમદાવાદના હિંદુ-ઇસ્લામિક-જૈન સ્થાપત્યો એને 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો અપાવે છે તો આ જ શહેરમાં સમુદાયો વચ્ચે જોવા મળતો અવિશ્વાસ તેને ભારતના 'મૉસ્ટ ઘેટોઇસ્ટ સિટીઝ્'માં પણ સ્થાન અપાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિલાઓ દ્વારા ચલાવાતી દેશની સૌથી સફળ સહકારી સંસ્થાનું ગૌરવ લેતું ગુજરાત દેશમાં સ્ત્રી-પુરુષનો સૌથી ખરાબ જાતિદર ધરાવતાં રાજ્યોમાં પણ સામેલ છે.
ગુજરાતના કેટલાંય ગામડાંઓમાં તો 1000 પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા માત્ર 400ની જ છે.
આ જ ગુજરાતી મૂળના પૉપ કિંગ ફ્રૅડી મર્ક્યુરી 'ગે ઍન્થમ' લખે છે, લયબદ્ધ કરે છે અને દુનિયા તેને વધાવી લે છે.
તો આ જ ગુજરાતના જ એક રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલને જાતીય ઓળખનો સરાજાહેર સ્વીકાર કરવા બદલ રાજપરિવારમાંથી જાકારો આપી દેવામાં આવે છે.

વૈશ્વિક ડોકિયું

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારે 'બીબીસી ન્યૂઝ ગુજરાતી' એની વેબસાઇટ અને બુલેટિન દ્વારા આ જ વિરોધાભાષને વાચા આપવાનો પ્રયાસ કરી રહી છે. એક જવાબદાર પત્રકારત્વનું ઉદાહરણ ઊભું પ્રયત્નો કરી રહી છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સતત પ્રયાસ કરી રહી છે કે દેશ અને દુનિયાની ના કહેવાયેલી કહાણીઓ, રસપદ કથાઓ, વહેંચાયેલા વંશો અને સમુદાયો, જાતિભેદના વિરોધાભાસ, રાજકીય સમસ્યાઓ અને નૈતિક્તાના અમલીકરણની વાતો તમારા ડ્રૉઇંગ રૂમ સુધી અને મોબાઇલ સ્ક્રીન પર લાવી શકાય.
બીબીસી ન્યૂઝ ગુજરાતી તમારી એ ખિડકી છે જે તેમને વિશ્વમાં ડોકિયું કરાવે છે.
ત્યારે અમારું નવું પ્લૅટફૉર્મ 'બીબીસી ગુજરાતી બુલેટિન' નિષ્પક્ષ, નિડર અને અસરકારક પત્રકારત્વનું ઉદાહરણ રજૂ કરશે.
'બીબીસી સમાચાર' તમારી સમક્ષ વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરાયેલું બીબીસીનું શ્રેષ્ટ કન્ટેન્ટ રજૂ કરશે.
આ બુલેટિનમાં ભારત કહાણી પણ હશે અને વૈશ્વિક વાતો પણ હશે. એટલું જ નહીં, એમાં તમને ટ્રૅન્ડિંગ ટૉપિક્સ, સ્પૉર્ટ, ઍન્ટર્ટેઇનમેન્ટ, બિઝનેસ, હેલ્થ, ઍજ્યુકેશન તથા મહિલાઓની વાતોને પણ આવરી લેવાશે.

ગત વર્ષથી શરૂ થયેલી અમારી યાત્રા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં પહેલાંથી જ હિંદી, તામિલ, બાંગ્લા, ઉર્દૂ અને ઇગ્લિંશ ભાષામાં કાર્યરત બીબીસીએ 2જી ઑક્ટોબર 2017ના રોજ અન્ય ત્રણ ભારતીય ભાષાઓ સાથે ગુજરાતીમાં પણ ન્યૂઝ વેબસાઇટ લૉન્ચ કરી હતી.
આ નવી લૉન્ચ કરાયેલી ભારતીય સેવાઓ થકી બીબીસી ભારતમાં હવે કુલ નવ ભાષામાં પોતાની સેવાઓ આપી રહી છે.
અને એ વાત પણ કોઈથી અજાણ ક્યાં છે કે ગુજરાતીઓ માટે બીબીસી એ વિશ્વની સૌથી વધુ વિશ્વસનીય સમાચાર સંસ્થા છે.
હજુ ગત વર્ષ સુધી ગુજરાતીઓ માટે વિશ્વસનીય સમાચારો જાણવા માગતાના માધ્યમો બીબીસી હિંદી રેડિયો કે ઇંગ્લિશ ટીવી જ હતાં, પણ બીબીસી ગુજરાતીના આગમન સાથે જ અમારો આ વારસો હવે ગુજરાતીઓને એમની પોતાની ભાષામાં જ ઉપલબ્ધ કરાવાયો છે.
ગુજરાતની ધરતીએ કે મહાત્મા ગાંધી, ઝવેરચંદ મેઘાણી, દાદાભાઈ નવરોજી, ઇંદુલાલ યાજ્ઞિક, હાજી મોહમ્મદ અલારખા જેવા સત્યનિષ્ઠ અને જાંબાઝ પત્રકારો જણ્યા છે.
ત્યારે યુવાનોમાં અલગ ઓળખાણ ઊભી કરનારી બીબીસીએ છેલ્લાં દસ મહિનાથી ગુજરાતના ધ્રૂજી રહેલા પત્રકારત્વમાં અડગ મંડાણ માંડ્યા છે.

8 વાગશે અને...

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે ગુજરાતમાં આઠના ટકોરાનો અંદાજ શહેર દર શહેર અલગઅલગ હોય છે.
એક બાજુ પાટનગર ગાંધીનગર દિવસઆખાની દોડધામ પૂરી કરીને શાંતિને ભેટવા મથતું હોય તો બીજી બાજુ હીરાઓનું શહેર સુરત ઝગમગી ઊઠવા સજ્જ બન્યું હોય.
એક તરફ આણંદની દૂધ-સહકારી સંસ્થાઓની મહિલાઓ દિવસભરની મહેનત આટોપીને રસોઈ તૈયાર કરવામાં લાગી ગઈ હોય તો બીજી તરફ વડોદરા-રાજકોટના ધંધાદારીઓ-નોકરિયાતો કામધંધામાંથી પરવારી ઘરે પહોંચવાની ઉતાવળ કરતા હોય.
અને આ બધા વચ્ચે અમદાવાદમાં સ્વાદના શોખીનોનું સ્વર્ગ ગણાતું માણેકચોક આળસ મરડીને ઊભું થતું હોય.
ત્યારે આ જ અલગઅલગ અંદાજ ધરાવતા ગુજરાતના આઠના ટકોરા સાથે બીબીસી ગુજરાતીનું બુલેટિન શરૂ કરવામાં આવ્યું છે.
આઠના ટકોરાવાળું આ ગુજરાત GSTV સામે બેસીને બીબીસી ગુજરાતી બુલેટિન 'બીબીસી સમાચાર' નિહાળતું બનશે. માહિતીસભર, પ્રેરણાદાયી, રસપ્રદ સમાચાર જોતું બનશે.
તો હવેથી આઠ વાગ્યે અમારું આ ન્યૂઝ બુલેટિન જોવાનું ચૂકાય નહીં...
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














