BBC TOP NEWS: આખરે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રાહુલ કેમ તેમને ભેટી પડ્યા હતા

ઇમેજ સ્રોત, LSTV
શુક્રવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ્યા હતા.
આ ઘટના બાદ દેશભરના મીડિયામાં રાહુલના ગાંધીના ભાષણની સાથે સાથે ભેટવાની પણ ચર્ચા થઈ હતી.
જે બાદ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ખેડૂતોને સંબોધિત કર્યા હતા.
અહીં તેમણે રાહુલ તેમને ભેટ્યા હતા એ અંગે ટિપ્પણી કરી હતી.
આપને આ પણ વાંચવું ગમશે
મોદીએ કહ્યું સભામાં કહ્યું, "મેં વિપક્ષને પૂછ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કારણ શું હતું?"
"વિપક્ષ મને જવાબ આપી શક્યો નહીં, વિપક્ષ જ્યારે તેનું કારણ આપવામાં નિષ્ફળ રહ્યો તો તેઓ મારા ગળે પડી ગયા."

મારી ટીમને 'મા-બહેન'ની ગાળ બોલવાની છુટ નથી આપતો : ધોની

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંઘ ધોની મેચમાં તેની ટીમના કોઈ પણ સભ્યને મા-બહેનની ગાળો બોલવાની છુટ નથી આપતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલમાં આ વાત ટાંકવામાં આવી છે.
ધોની પર લખાયેલા એક પુસ્તકમાં ધોનીના સ્વભાવ અને મેચમાં તે કઈ રીતે હરિફ ટીમ સામે વર્તે છે તે વિશેનો પણ ઉલ્લેખ છે.
પુસ્તકમાં એક કિસ્સો વર્ણવવામાં આવ્યો છે, જેમાં ઑસ્ટ્રેલિયા સામે ભારત ટેસ્ટ શ્રેણી હારી જતાં કપ્તાન કુંબલે ભારત પરત આવી ગયા હતા.
ધોની ત્યારબાદની વનડે શ્રૃંખલાના કપ્તાન હતા અને તેમનો કપ્તાન તરીકે આ પહેલો પ્રવાસ હતો.
ટેસ્ટ શ્રેણીમાં બન્ને ટીમ વચ્ચે ખૂબ જ ઘર્ષણ થઈ ગયું હોવાથી તણાવ ભર્યો માહોલ હતો.
પરંતુ ધોનીએ વન-ડે શ્રેણીમાં ખૂબ જ શાંત અભિગમ દાખવ્યો અને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓની આક્રમકતાને મહત્ત્વ જ ન આપ્યું.
આ કિસ્સાનું વર્ણન કરતા ધોનીના નજીકના મિત્રએ કહ્યું કે ધોનીનું આ મામલે એવું કહેવું હતું કે જો હું મારા ખેલાડીઓને મા-બહેનની ગાળો આપવાની છુટ આપું તો તે દિવસભર તેનો તણાવ મારા જ ખેલાડીઓએ સહન કરવો પડે. આથી હું તેમને આ બાબતની છુટ નથી આપતો.

'ભાજપ તાલિબાની હિંદુત્વનું વાતારણ સર્જે છે'

ઇમેજ સ્રોત, Getty Images
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર દેશમાં તાલિબાની હિંદુત્વનું વાતાવરણ ઊભું કરવાનો આરોપ લગાવ્યો છે.
સાથે સાથે તમણે 'ભાજપ હટાવો, દેશ બચાવો'નું સૂત્ર પણ ઉચ્ચાર્યું હતું.
રાજસ્થાનમાં મુસ્લિમ યુવકની ટોળાએ હત્યા કરી નાખી હોવાના અહેવાલ બાદ તેમનું આ નિવેદન આવ્યું હતું.
એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે તેમનો પક્ષ તાલિબાની હિંદુત્વના વિચારમાં નથી માનતો કે ન હથિયારો સાથેના હિંદુત્વના વિચારમાં માને છે.
તેમણે કહ્યું, "દરરોજ લોકોની ટોળા દ્વારા હત્યા કરવામાં આવી રહી છે. ભાજપ ધાર્મિક આતંકવાદ ફેલાવી રહ્યો છે."
"રાજ્ય સરકારોને તેમણે સલાહ આપવા કરતા પોતાના મંત્રીઓ શું કરે છે તેના પર ધ્યાન આપવું જોઈએ."

રાજસ્થાન : પોક્સો કાનૂન હેઠળ પહેલી વાર બળાત્કારીને મૃત્યુદંડની સજા
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર રાજસ્થાનમાં 19 વર્ષના યુવકને બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગુના બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
બાળકોના રક્ષણ સંબંધિત પોક્સો એક્ટના સુધારા બાદ આ કાનૂન હેઠળ રાજસ્થાનમાં પ્રથમ કોઈને બળાત્કાર માટે મૃત્યુદંડની સજા થઈ રહી છે.
મે મહિનામાં 19 વર્ષીય યુવકે સાત મહિનાની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. રાજસ્થાનની વિશેષ કોર્ટે આ સજા ફટકારી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












