ટાઇટેનિક : શું ફિલ્મમાં હીરો જેકને બચાવી શકાતો હતો?

ટાઇટેનિક ફિલ્મના અંતના અંતની તસવીર

ઇમેજ સ્રોત, YOUTUBE GRAB

ઇમેજ કૅપ્શન, ટાઇટેનિક એક દુર્ઘટના વચ્ચે પ્રેમકહાણી કહેતી ફિલ્મ છે.

વિશ્વના સૌથી વધુ ચર્ચિત જહાજ ટાઇટેનિકનો કાટમાળ જોવા ઍટલાન્ટિક મહાસાગરમાં ગયા બાદ ગુમ થઈ ગયેલી સબમરીન ટાઇટન સવાર તમામ પાંચ લોકોનાં મોત થયાં છે.

અમેરિકાના કોસ્ટ ગાર્ડે સબમરીનમાં સવાર પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. કોસ્ટ ગાર્ડના ઍડ્મિરલ જૉન મૉગરે જણાવ્યું છે કે સબમરીનના પાંચ ભાગ ટાઇટેનિક જહાજના કાટમાળના આગળના ભાગથી 1600 ફૂટ નીચે મળ્યા છે.

સબમરીન ટાઇટનનો મુખ્ય જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયા તેના શોધકાર્યમાં જોડાયેલા અમેરિકન કોસ્ટ ગાર્ડે સબમરીનમાં મોટા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.

સબમરીનમાં પાકિસ્તાની અબજોપતિ શહઝાદા, દાઉદ, તેમના પુત્ર સુલેમાન, બ્રિટિશ બિઝનેસમૅન હૅમિશ હાર્ડિંગ, આ સબમરીનનું સંચાલન કરતી કંપની ઑશનગેટના સીઈઓ સ્ટોકટન રશ અને ફ્રેન્ચ ઍક્સપ્લોરર પોલ ઓનરી નાર્જેલેટ સહિતના પાંચ લોકો હતા.

આ દુર્ઘટના બાદ ફરીથી ટાઇટેનિક જહાજ અને તેની ફિલ્મની ચર્ચા થવા લાગી છે.

ટાઇટેનિક એક દુર્ઘટના દરમિયાન પ્રેમકહાણી કહેતી ફિલ્મ છે, પરંતુ તેનો અંત ખૂબ કરુણ છે.

પ્રેમિકાને બચાવવા પ્રેમી પોતાનો જીવ આપી દે છે અને પ્રેમિકા આખું જીવન તેના પ્રેમમાં વિતાવી નાંખે છે.

આ ફિલ્મ આરએમએસ ટાઇટેનિક નામના જહાજની કહાણી છે. તે ઇંગ્લૅન્ડમાં સાઉથેમ્પ્ટનથી અમેરિકામાં ન્યૂયૉર્કની તેની પ્રથમ યાત્રા દરમિયાન 14 એપ્રિલના રોજ 1912માં હિમખંડ સાથે અથડાઈ ગયું હતું.

અથડામણને લીધે તે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું અને ઍટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું.

દુર્ઘટનામાં મહિલા-પુરુષો અને બાળકો સહિત કુલ 1500થી વધુનાં મૃત્યુ થયાં હતાં.

ટાઇટેનિક જહાજ ડૂબતા પહેલાંના કેટલાક કલાકો અંગે ઘણી માન્યતાઓ છે.

પરંતુ વર્ષ 1997માં આવેલી જેમ્સ કૅમેરોનની આ ફિલ્મ સૌથી વધુ ચાલી હતી.

line

ફિલ્મમાં શુ દર્શાવાયું છે?

જેક અને રોઝની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટાઇટેનિક વર્ષ 1997માં ફિલ્મ રિલીઝ થઈ હતી

આ ફિલ્મ પાછળ ઘણાં નાણાં ખર્ચાયાં હતાં. જોકે, તેણે કમાણી પણ એટલી જ કરી આપી હતી.

ફિલ્મ સફળ રહેતા છતાં અંત બાબતે દર્શકોએ ઘણી ફરિયાદ કરી હતી.

ફિલ્મમાં જ્યારે જહાજ ડૂબે છે ત્યારે મુખ્ય નાયક પોતાનો જીવ આપીને તેની પ્રેમિકાને બચાવે છે.

એવું બને છે કે જહાજ ડૂબી ગયા બાદ જેક અને રોઝને એક લાકડાનું પાટિયું મળે છે.

તે બન્ને આ પાટિયા પર બેસીને જીવ બચાવવાની કોશિશ કરે છે.

વળી સુમુદ્રના બરફથી થીજેલા પાણીમાં વધુ સમય રહેવાનાં ઘણાં જોખમ હોય છે, પરંતુ જ્યારે તે બન્ને તે પાટિયા પર ચડવાની કોશિશ કરે છે, તો બન્ને ડૂબવા લાગે છે.

જોકે લાકડાનું આ પાટિયું મોટું હોય છે અને બન્ને તેના પર ચડી શકતાં હતાં, પણ તે બન્નેનું વજન નથી ખમી શકતું.

line

જેમ્સ કૅમેરોને શું આપ્યો હતો જવાબ?

જેમ્સ કેમેરોનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલ્મ જેમ્સ કેમેરોને બનાવી હતી

કેટલાંય વર્ષો સુધી લોકોના મગજમાં એક સવાલ રહ્યો કે શું ખરેખર રોઝનો સાથી જેક બચી શકતો હતો?

શું ખરેખર તે પાટિયું બન્નેને બચાવા માટે સક્ષમ નહોતું કે શું?

ફિલ્મ બનાવનારા જેમ્સ કૅમેરોનને ઘણી વખત લોકોએ આ સવાલ પૂછ્યો છે. પછી જેમ્સ કૅમરોને તેનો જવાબ આપ્યો હતો.

જવાબ તેમણે એકદમ શાંતિથી આપ્યો. તેમણે કહ્યું, "આ સવાલનો સીધો અને સરળ જવાબ છે કે સ્ક્રિપ્ટના 147માં પાનાં પર લખ્યું હતું કે જેકનું મૃત્યુ થયું છે. આ એક કળાની દૃષ્ટિએ લેવાયેલો નિર્ણય હતો."

તેમણે કહ્યું, "તે પાટિયું (દરવાજો) માત્ર એટલું જ મોટું હતું કે તે રોઝનું જ વજન વહન કરી શકતું હતું. બન્નેનું વજન નહીં."

"20 વર્ષ પછી પણ આપણે આ અંગે વાત કરીએ છે તે બાળબુદ્ધિ જેવી વાત છે."

"પરંતુ આ વાત એ બાબત પણ પુરવાર કરે છે કે ફિલ્મ એટલી અસરદાર રહી અને જેક એટલો પસંદ આવ્યો કે તેના મૃત્યુથી દર્શકોને દુઃખ થયું."

તેમણે એમ પણ કહ્યું, "જો તે જીવતો હોત તો ફિલ્મ અર્થહીન બની જતી. આ ફિલ્મ મૃત્યુ અને અલગ થવા અંગે હતી."

"જેકે મરવાનું જ હતું. જે થવાનું હતું તે થયું અથવા તેના પર જહાજનો કોઈ મોટો ટુકડો પડતો અને તેનું મૃત્યુ થઈ જતું. આ વાતને જ તો કળા કહે છે."

line

ભૌતિક વિજ્ઞાન નહીં પણ કળા છે આનું કારણ

હિમખંડની તસવીર

ઇમેજ સ્રોત, ALDRICH AND SON PA

ઇમેજ કૅપ્શન, જેકનું મૃત્યું નિશ્ચિત જ હતુ?

જેમ્સને એક અન્ય સવાલ પૂછવામાં આવ્યો કે તેમને ભૌતિક વિજ્ઞાન મામલે ઘણા ચોક્કસ માનવામાં આવે છે.

તેમણે જવાબ આપતા કહ્યું, "હા હું છું. હું બે દિવસ સુધી લાકડીના પાટિયા પર લોકોને બેસાડવાની કોશિશ કરતો રહ્યો, જેથી તેના પર એક વ્યક્તિ આસાનીથી બેઠેલી રહી શકે."

"ઠંડા પાણીમાં રોઝે તેની પર બેસવાનું હતું અને પાટિયું ડૂબે નહીં તેની તકેદારી રાખવાની હતી."

તેમણે કહ્યું, "જેક નહોતો જાણતો હતો કે એક કલાક બાદ તેને 'લાઈફ બોટ' બચાવવા માટે આવવાની હતી. તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું."

"ફિલ્મમાં તમે જે પણ કંઈ જોયું તે અંગે અમને વિશ્વાસ હતો અને આજે પણ છે કે એક જ વ્યક્તિને બચાવવાની હતી."

(આ અહેવાલ સૌપ્રથમ 2017માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો