દરિયામાં 1600 ફૂટ ઊંડે ફસાયેલા બે લોકો 76 કલાક પછી કેવી રીતે જીવિત બહાર આવ્યા?

રેસ્ક્યૂ ઑપરેશન ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, રેસ્ક્યૂ ઑપરેશન ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો
    • લેેખક, વૈનેસા બૈરફોર્ડ
    • પદ, બીબીસી ન્યૂઝ
ગ્રે લાઇન

ટાઇટેનિકનો કાટમાળ બતાવવા ગયેલી ટાઇટન સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોનાં મોત થયાં છે. જોકે આ પહેલી વાર નથી બન્યું કે લોકો દરિયાની અંદર આ રીતે ફસાયા હોય.

લગભગ 50 વર્ષ પહેલાં બે બ્રિટિશ સૈનિકોએ છ ફૂટ પહોળા એક સ્ટીલબોલની અંદર ત્રણ દિવસ પાણીની અંદર પસાર કરવા પડ્યા હતા.

આ ઘટના આયર્લૅન્ડથી લગભગ 150 માઈલ દૂર બની હતી. જ્યારે એ લોકોને બચાવવામાં આવ્યા ત્યારે તે સમયે આ સબમરીન સમુદ્રની નીચે 1600 ફૂટ નીચે હતી અને તેમાં માત્ર 12 મિનિટ ચાલે એટલો જ ઓક્સિજન બચ્યો હતો.

આ કહાણી પાઇસીસ-3 ની છે. 29 ઑગષ્ટ 1973ના રોજ રૉયલ નેવીના કર્મચારી રોજર ચૈપમેન (28 વર્ષ) અને એન્જિનિયર રોજર મૈલિનસન એક દુર્ઘટના પછી ઍટલાન્ટિક મહાસાગરમાં ખૂબ ઊંડાણમાં જતી રહી હતી. તેને બચાવવા માટે 76 કલાકનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ગ્રે લાઇન

એ દિવસે શું થયું હતું?

રોજર ચેપમેન

ઇમેજ સ્રોત, OTHERS

ઇમેજ કૅપ્શન, રોજર ચૈપમેન જેઓ પેજ III ની અંદર ફસાઈ ગયા હતા

જે દિવસે ઘટના બની ત્યારે રોજર ચૈપમેન અને રોજર મૈલિનસન આયર્લૅન્ડથી લગભગ 150 માઈલ દૂર ઍટલાન્ટિક મહાસાગરમાં ટેલિફોન કૅબલ પાથરવાનું કામ કરી રહ્યા હતા.

2013માં બીબીસીએ આ ઘટના વિશે રોજર ચૈપમેન અને રોજર મૈલિનસન સાથે વાત કરી. ચૈપમેને ત્યારે બીબીસીને કહ્યું હતું કે, "અમે પાણીની નીચે અડધો માઈલ પ્રતિ કલાકની ઝડપે જતા હતા. પંપ અને જેટનો ઉપયોગ કરીને કૅબલ નાખવાનું કામ કરતા હતા.

આ ઘટનાને યાદ કરતી વખતે રોજર મૈલિનસને કહ્યું, "આ બધું કરતી વખતે અમે ખૂબ જ થાકી જતા હતા."

એવું લાગતું હતું કે જાણે અમે ગાઢ ધુમ્મસમાં રસ્તા પર વાહન ચલાવી રહ્યા છીએ અને અમે માત્ર સફેદ પટ્ટાના આધારે જ ગાડી ચલાવી રહ્યા છીએ."

મૈલિનસનના જણાવ્યા અનુસાર, તે સમયે તેમને 26-26 કલાક ઊંઘ વિના સતત કામ કરવું પડતું હતું. આ ઘટનાના થોડા દિવસો પહેલાં આ સબમરીન એક નાનકડા અકસ્માતનો શિકાર બની હતી, ત્યારબાદ તેની ઓક્સિજન ટાંકી બદલવામાં આવી હતી.

તેમણે આ ઘટનાનું વધુ વર્ણન કરતાં કહ્યું કે, “અમે અમારી સબમરીનને દોરડા વડે ખેંચાવાની રાહ જોઈ રહ્યા હતા. અમે દોરડા અને બેડીઓનો અવાજ સાંભળી શકતા હતા. આ રોજનો ઘટનાક્રમ હતો. પરંતુ પછી અચાનક અમે ડૂબવા લાગ્યા, સબમરીન ખરાબ રીતે ઝટકા મારી રહી હતી. આ ખૂબ જ ડરામણી ઘટના હતી."

આ પછી બંને ખલાસીઓએ સબમરીનમાં વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. આ સબમરીન દરિયાની સપાટીથી 1575 ફૂટ નીચે આવીને અટકી ગઈ હતી.

રાહતની વાત એ છે કે આ દરમિયાન બંને ખલાસીઓને કોઈ ખાસ ઈજા થઈ ન હતી.

ગ્રે લાઇન

બચાવ અભિયાન

રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર આવતા રોજર ચેપમેન અને રોજર મલિનસન

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર આવતા રોજર ચૈપમેન અને રોજર મૈલિનસન

ચૈપમેન અને મૈલિનસને પછી ફોન દ્વારા મદદ માગી. જે સમયે આ અકસ્માત થયો ત્યારે તેમની સબમરીનમાં 66 કલાકનો ઓક્સિજન બાકી હતો.

પાઇસીસ-3ની મદદ માટે વિનંતી કર્યા પછી, તેનું સાથી જહાજ વિકર્સ વોયેજર કોર્ક શહેર માટે રવાના થયું. પછી વોયેજર એ પાઇસીસ-3 જેવી જ પાઇસીસ-2 અને પાઇસીસ-5 જેવી બે સબમરીનને સાથે લઈને ઘટનાસ્થળે પહોંચી.

આ ઉપરાંત બચાવકાર્યમાં મદદ કરવા માટે ઘટનાસ્થળની નજીક કેટલાંક વધુ જહાજો અને એક વિમાન તહેનાત કરવામાં આવ્યું હતું.

ગ્રે લાઇન

અતિશય મુશ્કેલ રેસ્ક્યૂ મિશન

સમુદ્રની સપાટી નીચે ફસાયેલા બન્ને નાવિકોને સૌપ્રથમ જણાવવામાં આવ્યું કે રાણી એલિઝાબેથે તેમના માટે શુભેચ્છા સંદેશ મોકલ્યો છે

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, સમુદ્રની સપાટી નીચે ફસાયેલા બન્ને નાવિકોને સૌપ્રથમ જણાવવામાં આવ્યું કે રાણી એલિઝાબેથે તેમના માટે શુભેચ્છા સંદેશ મોકલ્યો છે

ત્રણ દિવસ સુધી ચાલેલા રેસ્ક્યૂ ઑપરેશનમાં પહેલા દોરડાની મદદથી પાઇસીસ-2ને દરિયાના તળ પર અટવાયેલા પાઇસીસ-3 પાસે મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ આ દોરડું તૂટી ગયું અને તેણે પાછા ઉપર જવું પડ્યું.

બાદમાં સબમરીનને શોધવા માટે દોરડાની મદદથી પાઇસીસ-Vને નીચે ઉતારવામાં આવી. પરંતુ ઘણા કલાકોના પ્રયત્નો પછી પણ તે મળી શકી નહીં. ઈંધણ પૂરું થઈ જવાને કારણે તેને પણ પરત ફરવું પડ્યું હતું.

જોકે, થોડા સમય પછી પાઇસીસ-Vને ફરીથી ડૂબી ગયેલી સબમરીનને શોધવા માટે રવાના કરવામાં આવી હતી. આ વખતે પાઇસીસ-V એ પાઇસીસ-3ને શોધવામાં સફળ નીવડ્યું.

સમુદ્રની સપાટી નીચે ફસાયેલા બન્ને નાવિકોને સૌપ્રથમ જણાવવામાં આવ્યું કે રાણી એલિઝાબેથે તેમના માટે શુભેચ્છા સંદેશ મોકલ્યો છે.

મૈલિનસને યાદ કર્યું, "આવી ભયંકર ઠંડીની વચ્ચે અમે ફસાયેલા હતા, પરંતુ રાણીના સંદેશે અમારામાં નવી ઊર્જા ભરી દીધી."

જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે જે મૅસેજ આવ્યો હતો તે રાણીનો નહીં, પરંતુ ક્વીન એલિઝાબેથ-2 નામના જહાજમાંથી આવ્યો હતો.

ગ્રે લાઇન

ત્રણ દિવસ પછી બહાર આવ્યા

આખરે, ઘણી મુશ્કેલીઓ પછી 1 સપ્ટેમ્બર, 1973ના રોજ, બંનેને બહાર કાઢવામાં આવ્યા.

પાઇસીસ-3 પાસે કુલ 72 કલાકનો ઓક્સિજન હતો, પરંતુ બંનેને બચાવી લેવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમણે દરિયામાં 84 કલાક વિતાવ્યા હતા.

આ ઘટના બાદ રોજર ચૈપમેને નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને પોતાની ડિફેન્સ કંપની શરૂ કરી.

રોજર મૈલિનસને એ જ કંપનીમાં આગામી 5 વર્ષ સુધી કામ કરવાનું ચાલુ રાખ્યું. ઘટનાનાં વર્ષો પછી પણ બંને એકબીજાના સંપર્કમાં રહ્યા હતા.

રેડ લાઇન
રેડ લાઇન