બ્રાઝિલ માટે કામધેનુ બનેલી ગીર ગાયના શુક્રાણુ ભારત લવાશે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અરવિંદ છાબરા
- પદ, બીબીસી સંવાદદાતા, રાજકોટ અને ચંદીગઢથી
ગુજરાતના રાજકોટ જિલ્લામાં જસદણ મહેલ તેની ભવ્યતા માટે જાણીતો છે. કાઠી દરબારોનું અહીં રાજ હતું.
વળી, વર્ષ 1807માં જસદણના રાજા વજસુર ખાચરે બ્રિટિશ સરકાર સાથે એક કરાર કર્યો હતો.
કરાર હેઠળ રાજ્યનું રખોપું બ્રિટિશ હકૂમતને સોંપવામાં આવ્યું હતું, આજે જસદણ મહેલમાં જસદણના દરબાર સત્યજીત કુમાર ખાચર રહે છે.
સત્યજીત કુમારખાચરે ગીરની ગાયો વિશે એક રસપ્રદ વાત જણાવી.
તેમણે કહ્યું, "વર્ષ 1960માં બ્રાઝિલના સેલ્શો ગાર્જિયા સીદને ગીર ગાય જોઈતી હતી અને તેમણે ભાવનગરના રાજાને આ માટે વિનંતી કરી હતી.
"રાજાએ તેમને પાંચ ગાય અને ત્રણ વાછરડાં આપ્યાં હતાં."

ગુજરાતનું ગૌરવ
ભાવનગર-બ્રાઝિલ ગીર ગાય વિશેની કહાણી છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ચર્ચાનો વિષય રહી છે.
એક સમયે એવા પણ અહેવાલ હતા કે ગુજરાત સરકારે બ્રાઝિલથી ગીર ગાયની ઓલાદનાં શુક્રાણુના દસ હજાર 'ડોઝ' આયાત કરવાનો નિર્ણય કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિશે સત્યજીત કુમારે સવાલ કરતા કહ્યું, "આ તે કેવી વાત થઈ કે બ્રાઝિલને ગીર ગાય આપણે આપી અને હવે આપણે તેને તેમની પાસેથી આયાત કરી રહ્યા છીએ?"
આપને આ પણ વાંચવું ગમશે

અત્રે નોંધવું રહ્યું કે, ગીર ગાય તેના દૂધની ઉચ્ચ ગુણવત્તા અને વધુ દૂધ આપવા માટે જાણીતી છે.
આમ તે ગુજરાત માટે એક ગૌરવની વાત રહી છે, પરંતુ રાજ્ય સરકારોએ તેનું સંરક્ષણ નથીકર્યું.
બીજી તરફ, બ્રાઝિલે તેનું સંરક્ષણ કર્યું અને આજે તેમની પાસે મોટા પ્રમાણમાં ગીર ગાયો અને બળદ છે.
છ દાયકા પછી તેમની પાસે આ પશુઓની સંખ્યા એટલા બધા પ્રમાણમાં છે કે ભારતના વિવિધ રાજ્યો તેના શુક્રાણુઓની આયાત કરવા માટે લાઇનમાં લાગી ગયા છે.

ઉત્તર ભારતનું હરિયાણા આમાનું જ એક રાજ્ય છે.
હરિયાણાના પશુ પાલન અને કૃષિ સંબંધિત મંત્રાલયના મંત્રી ઓમ પ્રકાશ ધાનકરે બીબીસીને જણાવ્યું કે તેમની પાસે આવી ગાયો છે જે 75 લિટર જેટલું દૂધ આપી શકે છે.
તેમણે ઉમેર્યું, "આપણે ભારતમાં આપણી જ ગાયોનું સંરક્ષણ અને દેખભાળ નથી રાખતા એટલે આપણી ગાયો વધુ દૂધ નથી આપી શકતી.
"બ્રાઝિલની ટેકનૉલૉજીને અનુસરતા હરિયાણા સરકારે ગીર ગાયની ઓલાદનાં શુક્રાણુ આયાત કરવા માટે બ્રાઝિલ સાથે કરાર કર્યો છે. આનાથી ગાયોની દૂધ આપવાની ક્ષમતા વધારવાની કોશિશ કરવામાં આવશે. "
જો કે, ગુજરાતમાં આ વાતના કથિત વિરોધને પગલે નિર્ણય ન લેવામાં આવ્યો હોવાનું ચર્ચાય છે.
દરમિયાન, ગુજરાતના પશુપાલન વિભાગના ડિરેક્ટર ડૉ. એ. જે. કાછિયા પટેલે જણાવ્યું,"અમે આ મામલે અંતિમ નિર્ણય નથી કર્યો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી આ વર્ષે ચર્ચા વિચારણા ચાલી રહી છે."
ગુજરાતના પશુપાલકો આ પગલાથી ખુશ નથી.
ખાચર આ વિશે કહે છે, "અમે મુખ્યમંત્રીને મળ્યા પણ હતા અને પશુપાલન વિભાગના મંત્રીને પણ મળ્યા હતા.
"અમે તેમને શુક્રાણુ આયાત કરવાની દરખાસ્ત પર આગળ નહીં વધવા માટે વિનંતી કરી અને દબાણ પણ કર્યું. તેમણે અમારી વાત માની લીધી હોવાનું લાગી રહ્યું છે."

બ્રાઝિલનો વિરોધ

ગુજરાતમાં ગીર ગાયના પશુપાલકો શુક્રાણુ આયાત કરવાના નિર્ણયનો કેટલો વિરોધ કરી રહ્યા છે તે મોરબી જિલ્લામાં જોઈ શકાય છે.
જસદણથી 200 કિલોમીટર દૂર મોરબી જિલ્લાના હળવદમાં એક ફાર્મમાં 100 ગીર ગાય છે.
ગુજરાતના ગીર ગાયના પશુપાલન ઍસોસિયેશનના પ્રમુખ બી. કે. આહિર તેના માલિક છે અને તેમનું ઘર પણ ત્યાં જ છે.
તેમના ફાર્મ (ખેતર)ના પ્રવેશદ્વાર પર એક બોર્ડ લગાવેલું છે કે 'શુક્રાણુઓ માટે બ્રાઝિલ જવાની જરૂર નથી.'
પ્રમુખ બી. કે. આહિરનું ભારપૂર્વક કહેવું છે કે, રાજ્ય સરકાર કે કોઈ પણ વ્યક્તિએ શુક્રાણુ માટે બ્રાઝિલ જવાની જરૂર નથી.
તેમણે કહ્યું, "કોઈને નથી ખબર કે બ્રાઝિલમાંથી જેમના શુક્રાણુ લાવવામાં આવશે તે પ્રજાતિ ખરેખર ગીર ગાયની જ છે કે નહીં.
"બીજી તરફ અમે વર્ષોથી સાચી ગીર ગાયોનું પશુપાલન કરતા આવ્યા છીએ."
કેન્દ્ર સરકાર દ્વારા મળેલા શ્રેષ્ઠ પશુપાલન કેન્દ્રના ઍવૉર્ડ બતાવતા તેમણે કહ્યું, "તમામ બાબતનો આધાર એ વાત પર રહેલો છે કે તેમે તમારા પશુની સંભાળ કઈ રીતે રાખો છો."

ગીર અમૃત

તેમણે કહ્યું કે ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં દરેક ઘર-પરિવાર પાસે ગીર ગાય હતી, પરંતુ આજે માત્ર 15-20 હજાર ગાયો જ છે.
ગાય 75 લિટર દૂધ આપે છે તે દાવા સાથે તેઓ સંમત નથી અને કહે છે કે કોઈ પણ ગાય આટલું દૂધ ન આપી શકે.
ગુજરાતની ગીર ગાય સારા પ્રમાણમાં દૂધ આપે છે અને તેની માત્રા ખરેખર સારી છે.
તેઓ કહે છે, "ગીર ગાયનું દૂધ અમૃત છે."
બીજી તરફ કાછિયા પટેલે ગુજરાતમાં અન્ય ક્વૉલિટીની ગીર ગાયનો પણ ઉલ્લેખ કર્યો.

કાછિયા પટેલનું કહેવું છે કે આ પ્રજાતિ ખૂબ જ હોશિયાર અને દરેક ઋતુમાં અનુકૂલન સાધી શકે છે.
બી. કે. આહિરનું કહેવું છે કે, "જેમને દૂધ અને તેનાથી બનતી વસ્તુની ગુણવત્તા પર શંકા હોય અને શુદ્ધ પ્રજાતિની ગીર ગાયનું જ દૂધ છે કે નહીં તે મામલે પણ શંકા હોય તો તેઓ ક્યારેય બ્રાઝિલથી શુક્રાણુ નહીં મંગાવે."
ગુજરાત અને અન્ય રાજ્યો તથા સંસ્થાઓને બ્રાઝિલથી શુક્રાણુઓ નહીં લાવવા માટે કદાચ સંમત કરી લેવાયા હોય, પરંતુ તેમ છતાં કેટલાક રાજ્યો આ દિશામાં આગળ વધવાની તૈયારીમાં છે.
હરિયાણાના મંત્રી ધાનકર કહે છે, "અમે આ દિશામાં ધીમેથી આગળ વધી રહ્યા છે, પરંતુ બ્રાઝિલની મદદથી દૂધની ગુણવત્તા અને ઉત્પાદનમાં સુધારો જરૂરથી એક મદદરૂપ બાબત રહેશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














