અલવરમાં ગાય લઈ જઈ રહેલા એક મુસલમાનની હત્યા

ગાયની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ગાયને લઈને મુસલમાનો પર હુમલાના અનેક મામલા સામે આવ્યા છે
    • લેેખક, નારાયણ બારેઠ
    • પદ, જયપુરથી બીબીસી હિંદી માટે

રાજસ્થાનના અલવર જિલ્લામાં પિક અપ ગાડીમાં ગાય લઈ જઈ રહેલા એક મુસલમાન વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જ્યારે અન્ય એક મુસલમાન ઘાયલ થયો છે.

જોકે આ હત્યા કઈ રીતે થઈ છે, હત્યા પાછળ કોણ લોકો હોઈ શકે છે, તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના કઈ રીતે બની તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. જે વ્યક્તિની હત્યા થઈ છે તે મેવ સમુદાયનો મુસલમાન હતો.

મેવ સમુદાયે આ ઘટના પર જોરદાર રોષ વ્યક્ત કર્યો છે.

અલવરના સહાયક પોલીસ અધિક્ષક બેનીવાલે બીબીસીને ફોન પર જણાવ્યું, 'મામલાની તપાસ થઈ રહી છે. હાલ કહેવું મુશ્કેલ છે કે ઘટના કઈ રીતે બની. અમે તમામ પાસાંઓની તપાસ કરી રહ્યા છીએ.'

અલવરમાં તે વખતે સનસની ફેલાઈ ગઈ જ્યારે ઉમર મેવનો મૃતદેહ મળ્યો.

મૃતદેહ મળતાની સાથે જ મેવ સમુદાયના લોકો એકઠાં થયા અને ન્યાયની માગ કરવા લાગ્યા.

મૌલવી હનીફે મીડિયાને કહ્યું કે આ હત્યા છે. તેમણે કહ્યું કે તેમનો સમુદાય બહુ દુઃખી છે, તેમને ન્યાય જોઈએ.

ઉમરનો મૃતદેહ અલવર લાવવામાં આવ્યો પરંતુ પોલીસનું કહેવું છે કે મૃતદેહનું જયપુરમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ માટે મૃતદેહ અલવરથી જયપુર લઈ જવાઈ રહ્યો છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે ઉમર ગાયોના કામમાં સામેલ હતો.

બીજી તરફ ઘાયલ તાહિર હરિયાણાના ફિરોઝપુરની કોઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉમરને ગોળી મારવામાં આવી છે.

પરંતુ ગોળી મારનારા ગૌરક્ષક હતા કે પશુ તસ્કર આ મામલે કોઈ સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.

ઉમર અલવર પાસે આવેલા ભરતપુર જિલ્લાનો રહેવાસી છે. મેવ સમુદાયના સદ્દામે બીબીસીને કહ્યું કે પરિવાર અને સંબંધીઓ બે દિવસથી ઉમરને શોધી રહ્યા હતા.

પહલૂ ખાનના સંબંધી
ઇમેજ કૅપ્શન, પહલૂ ખાનના સંબંધીની તસવીર

આ પહેલાં એપ્રિલ મહિનામાં હરિયાણાના પહલૂ ખાનને કથિત ગૌ રક્ષકોની ભીડે ઘેરી લીધો હતો. આ સમયએ તે જયપુરથી ગાય લઈને જઈ રહ્યો હતો.

ભીડે પહલૂ ખાનને ઢોર માર મારીને મારી નાખ્યો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે અલવરમાં રાજનૈતિક પાર્ટીઓ લોકસભાની પેટાચૂંટણીની તૈયારીઓ કરી રહી હતી.

જ્યાં ભાજપના સાંસદ મહંત ચાંદ નાથનું સપ્ટેમ્બર મહિનામાં અવસાન થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો